Page:-22
રમેશ નો પિત્તો ગયો ઉભો થઇ અને માલતીને મારવા ગયો મંજુલાબેને તરત જ રમેશનો હાથ પકડી લીધો અને બુમ મારી રમેશ ..આપણા ઘરમાં કોઈ દિ કોઈ પુરુષે હાથ નથી ઉપાડયો ચુપચાપ ત્યાં ઓલી બાજુ જતો રે રમેશ ..
રીન્કુ કશું બોલ્યા વિના કમરાની બહાર જતી રહી , રમેશ રડવા માંડ્યો ભાભી આને ભાન જ નથી કે એ શું કરી ગઈ ..! મંજુલાબેને કીધું ..એ શું કરી ગઈ એનું એને ભાન નથી તો તમે અત્યારે શું કરવા જતા હતા એનું તમને ભાન છે રમેશભાઈ ?માલતીએ કઈ ખોટું નથી કર્યું ખાલી એણે મોટાભાઈની બદલે મને કે વાસંતીભાભીને પુછવાની જરૂર હતી બસ એટલી જ ભૂલ છે એની , બાકી આપણા ઘરમાં બૈરાઓ ને પણ ધંધાની વાતો પેહલા દિ` થી કરવામાં આવે છે ..
મોટાભાઈ અને બા એ વર્ષો સુધી ધંધાના દેવા લેણા ભેગા બેસીને જોયા છે , તો માલતીએ એકવાર પૂછ્યું એમાં કોઈ મોટું આભ નથી તૂટી પડયું તમારે વાતનું વતેસર કરવની જરૂર નથી.. અને અત્યારે પણ બા બેઠા બેઠા બધા હિસાબ કિતાબ રીન્કુ જોડે જ જોવે છે ..જેવી હું ,વાસંતીભાભી કે રીન્કુ આ ઘરની વહુ છે એમ માલતી પણ આ ઘરની વહુ છે અને એને પણ એટલો જ હક્ક છે…
મંજુલાબેન ના જુસ્સથી ભરેલી વાતો સાંભળી ને માલતી એમને ચોંટીને રડવા માંડી ..
પ્રભાબા નો વારો હતો હવે બોલવાનો … રમેશ આજે તે જે હાથ ઉચો કર્યો ઈ ફરી જીંદગીમાં નો થવો જોઈએ નહિ તો તારી પાછલથી વિઠ્ઠલભાઈ મનુભાઈનું નામ કાઢી નાખજે બટા..
અને રહી વાત મજીયારાની તો એ તો મારે ઘણા વખતથી હું વિચાર કરતી હતી ,અને એ આજે નહિ તો કાલે મારે છૂટો કરવો જ હતો , તમારા ભાયુંમાં અત્યારે જે સંપ અને સુખ શાંતિ છે એ કાયમાં રે એટલા માટે,હા માલતીના ફોને મને વિચારતી કરી અને મારે હવે ધનતેરસના દિવસે કોનું કેટલું અને શું એ તમે ત્રણે ભાયું અને વહુઓ અને બંને દીકરીઓ અને જમાઈઓની હાજરીમાં હું કરી દઈશ …
અને માલતી બટા તમે એક બીજી વાત યાદ રાખો જયારે આપણું માણસ ગુસ્સામાં હોય ને ત્યારે દલીલ નો કરીએ પછી શાંત થાય ને ત્યારે વાળી લઈએ ..અને મંજુલા જાવ હવે તમે માલતી ને શાંત કરો અને તું રમેશ કીસ્લા યાં જતો રે …
માલતીને લઈને મંજુલાબેન બીજા રૂમમાં ગયા માલતીને શાંત કરી ..માલતી રડેલા અવાજે બોલી ભાભી તમે જ કહો કે મારો શું વાંક છે ? મને ખબર છે કે તમે અને વાસંતી ભાભીએ ઘણો ભોગ આપ્યો છે પણ મારા નસીબમાં નોહતું હું પરણી ને આવી ત્યારે બધું સારે સારું છે , અને તે દિવસથી આજ સુધી કોઈ તકલીફ કુટુંબ પર નથી આવી , તો એમાં મારો શું વાંક અને મેં ક્યારે તમારું કે મોટાભાભીનું ખોટું કે અપમાન કર્યું છે ? તમે જ કહો …
મંજુલાબેને કીધું માલતી તમારી વાત સાચી છે પણ મેં કીધું ને કે પેહલા આવું કાંઈ હોય તો મને કે મોટાભાભીને વાત કરાય સીધા ભાઈ ને નો પુછાય ..અને જો સુખ દુઃખ જેના નસીબમાં જેટલા લખ્યા હોય એ એટલા જ ભોગવી શકે , હવે તમે વલોપાત છોડો અને બા એ બધું નક્કી કર્યું છે અને કરશે ,અને ત્રણે ભાયું પણ બધું સરખું જ કરશે તમારે કે મારે બહુ વિચારવાની જરૂર નથી …
રમેશનું રૌદ્ર સ્વરૂપ જોઇને મંજુલાબેનની રહી સહી લાલચ ઉડી ગઈ હતી કેમકે દિલીપભાઈ તો રમેશ કરતા ચાર ગણા ગુસ્સા વાળા છે .. એટલે એક જ ચમત્કારથી મંજુલાબેન સમજી ગયા કે આ ભાઈઓની વચ્ચે કઈ પણ બોલવામાં માલ નથી .. સબ સે બડી ચુપ આપડે પકડી રાખો …
રમેશ કિશોરભાઈને ઘરે ગયો .. આખી વાત કરી .
કિશોરભાઈ એ કીધું …રમેશ રૂપિયા માટે ભાઈઓ જોડે નો ઝઘડાય ઈ વાત હાચી પણ ઘરની લક્ષ્મી ઉપર પણ હાથ નો ઉગામાય,, હવે જે થયું તે થયું માલતીભાભીની એક ભૂલ ઉપર તે બીજી ભૂલ કરી હવે બધું ભૂલી જા..
વાઘબારસ આવી વિઠ્ઠલભાઈ મનુભાઈ પારીની ભાડલા ગામની હવેલી એમના વંશ વારસોથી ભરાઈ ગઈ, નાથો અને રમ્લી બધાની સેવા કરવામાંથી ઊંચા નોતા આવતા… CONT….23