Page:-7
પરભુ ..તારા કરતા તો દિલીપ પાસે ઘણું વધારે છે અને ઓલ્યો અમેરિકામાં રમેશને તો ઘેર હેલીકોપ્ટર રાખે એમ છે એટલું કમાંણો છે …અને આ બધાનું બધુજ તારા બાપુજીની મૂકી ગયેલાને એ મૂડીમાંથી ઉભું થયું છે હું એ ય જાણું છું ..તમે કોઈ એ કોઈ દી` એક રૂપિયાનું વ્યાજ ભર્યું છે ?
અને જો પરભુ હુંતમારા બધા ના ઘેર રહી છું મને ખબર છે કોની પાસે કેટલું છે , તું ખાલી મને તારા બાપુજી વિઠ્ઠલભાઈ મનુભાઈ પારીની મિલકત કેટલી એ ગણીને આપ .. અને હા એમાં તારે તારી મિલકત મેસર્સ વિઠ્ઠલભાઈ મનુભાઈ પારીની મિલકત જોડવાની જરૂર નથી …
અને જો પરભુદાસ હું જાણું છું કે દિલીપ પણ કદાચ તારી જેમ ભાગ લેવાની ના પાડશે પણ મંજુલા એને એમ કરવા નહિ દે, મંજુલા અને વાસંતીમાં લાખ ગાડાનો ફેર છે ..
અને રહી વાત રમેશની તો એમાં માલતીએ તો સામેથી જ ભાગ માંગી લીધો છે એટલે તારે અને વાસંતીએ હું જે તમને આપું એ ફરજીયાત લેવાનું છે,હવે મારે બીજી કોઈ વાત નથી સાભળવી તારી .. તું જા હવે અને મને ઊંઘવા દે …
પ્રભુદાસભાઈ થોડા ગળગળા થઇ ગયા.. બા .. પ્રભાબેનએ વાત કાપી હવે તું જા અને મને ઊંઘવા દે બસ , હા આ નોરતા ના નિવેદ અમદાવાદ કરવાના છે એટલે મોટી આઠમે દિલીપ મંજુલા ને કહી દે કે આવી જાય ..
પ્રભુદાસે કીધું સારું બા તમે કયો એમ ..કરીને ઉભા થઇ ને પોતના રૂમમાં ગયા …
પ્રભુદાસભાઈ ના મોઢા પર ચિંતા જોઈને વાસંતીબેન બોલ્યા શું વાત છે ..? બા માનતા નથી વાસંતી ,અને એમને એમની રીતે ભાગ કરવા છે જો થોડું પણ વધારે આપણે ભાગે આવ્યું ને તો આખી જીંદગીના કર્યા પર પાણી ફરશે વાસંતી , હું કહું છું મારે ભાગ નથી લેવો પણ ઈ માનતા નથી ..
વાસંતીબેને કીધું બા ને જે કરવું હોય એમ કરવા દો એવું હશે અને તમારી ઈચ્છા જોય તો આપણે પછી પાછળથી જેને જે જોઇશે એ દઈ દઈશું ..
ના વાસંતી એમ નો થાય ઈ તો માથું વાઢી ને પાઘડી પેરાવવાની વાત થાય ..માથું નો વાઢવા દેવાય કઈ ક રસ્તો કરવો પડશે મારે આપણે જે દિ તનસુખભાઈજી હરે નોખા થયાં પછી જમનાભાભુ એમના ઘરેણા દેવા આવ્યાં તા , તે તેદિ` લીધા હતા ,કેવી એમના મોઢા પર તે ના પાડી હતી ભાભુને … કે ભાભુ જે છુટું થઇ ગ્યું એ થઇ ગ્યું .. બસ તો એમ પાછળથી કોઈ કાંઈ નો લે છુટું થાય ત્યારે જ દેવા લેણા ચૂકતે કરવા પડે ..મારે દિલીપની હારે વાત કરાવી પડશે …
ક્યાંથી અને કેવી રીતે છુટું પડવું એ વિચારતા વિચારતા વાસંતીબેનની આંખ લાગી ગઈ …અને પ્રભુદાસભાઈ વિચારતા રહ્યા , આ બાજુ પોતાના રૂમમાં પ્રભાબા વિચારતા હતા..
પ્રભાબેન ખુબ વિચારે ચડ્યા
કેવી રીતે ભાગ કરવો ..? અત્યારે તો મારા નામે ભાડલાની હવેલી અને વાડી જ છે બાકી બધું ભાઈઓ પોતાના નામે જ રાખ્યું છે , તો ભાડલાની મિલકતના ભાગ કરું ? અને જેની પાસે જે છે એ એમનું ..
પણ એમ ના કરાય આટલા વર્ષો પરભુ અને વાસંતીએ કુટુંબ માટે જે ભોગ આપ્યો એનું શું ? વચલો દિલીપ અને મંજુલાએ થોડો ઓછો ભોગ આપ્યો પણ ઈ બંને ભાઈઓ એ જાત ઘસી ને બધું ભેગું કર્યું છે ..
રમેશને તો તૈયાર ગાદી મળી છે એને માંગ્ય એટલા રૂપિયા આ બે ભાઈઓ અમેરિકા મોકલી દીધા ..અને એટલે એની પ્રગતિ જલ્દી થઇ આજે સૌથી વધારે એની પાસે છે, તો પણ એની વહુ માલતી ભાગ માંગે છે ..? વિચારતા એમનું મન ખાટું થઇ ગયું..પણ રસ્તો તો કરવો જ પડશે …
બીજે દિવસે પોતાની ઓફીસ જઈને પ્રભુદાસભાઈ એ વચલાભાઈ દિલીપને મુંબઈ ફોન લગાડ્યો ..
દિલીપ.. ભાઈ બોલું ..
હા ભાઈ બોલો ..મજામાં ..?
હા દિલીપ બા અમદાવાદ છે અને નવરાત્રીના આઠમના નિવેદ અમદાવાદ છે તો બા એ કેહવડાવ્યું છે કે તું અને મંજુલા આવી જજો..CONT….8