Page:-31
રાજુની વાણી પાછી આવી પણ રૂપ ગયું અને મોઢું તો વાંકું જ રહ્યું, એટલી સજા તો પશ્મીતા કરતી જ ગઈ, બધી જ ઘટના મારી સામે થઇ..છતાં પણ મને જે જોવો હતો એ ઈશ્વર તો જોવા ના જ મળ્યો, હા એની આ લીલા નો હું સાક્ષી ચોક્કસ થયો,હેતલ ક્યારેક ટીખળ કરે છે,યાર તારું નોબેલ પ્રાઈઝ ગયું થોડા ફોટા પાડી રાખ્યા હોત તો આ પશ્મીતાડી તને નોબેલ પ્રાઈઝ અપાવાતે, હું ત્યારે કેહતો કે ભગવાને બે અધુરી આત્માઓ ને મારા થકી એની પાસે બોલાવી અને એમને શાંતિ આપી એ જ બહુ છે. માગશર ઉતરી ગયો હતો અને પોષ મહિનો પણ અડધો પૂરો થયો હતો એક મસ્ત કડકડતી ઠંડીની શનિવારની રાતે હું અને હેતલ ગાડીમાં કેમ્પ ના હનુમાન દર્શન કરી અને રાત્રે અગિયારેક વાગે પાછા આવ્યા અને લો-ગાર્ડન ત્રિપાઠીની કીટલીએ સિગારેટો ફૂંકતા બેઠા હતા..અને આખો ઘટનાક્રમ વાગોળતા હતા, ત્યાં મને એકદમ ઝબકી..એ હેતલા એની માં ને પેલો રીક્ષાવાળો કોણ હતો..?
હેતલ બોલ્યો કયો ? મેં કીધું આપણે પેલી પશ્મીતાને સોનીની ચાલ પર ઉતારી અને તારી ત્યાં ફાટી પડી હતી અને તું બેભાન હતો અને ગાડી ઉભી રહી ગઈ હતી,અને ત્યારે પેલા રીક્ષાવાળા એ મને પાણીની બોટલ આપી હતી,એ પાણી મેં પીધું અને તને પાયું, પછી તું હોશમાં આવ્યો અને પછી તરત જ ગાડી એકદમ ચાલુ થઇ ગઈ..?? કોણ હતો એ રીક્ષાવાળો..?હેતલ બોલ્યો હનમાનદાદા..અને મેં એ ચેહરો યાદ કરવાની કોશિશ કરી પણ મારી આંખમાં એક અદ્વિતીય તેજ પુંજ દેખાયો,મારા રૂંવાડા ઉભા થઇ ગયા હા હા હેતલા એ જ હતા,હનમાનદાદા સાક્ષાત હતા અને મને ખબર સુધ્ધા ના પડી..અને પેલી પાણીની બાટલી..?એ કોણ લઇ ગયું..? અમે ગાડીમાં બહુ શોધી પણ સિંદુરનો ડાઘ દેખાયો પાછલી સીટ ઉપર..!! અમે બંને જોરથી બુમ મારી “બજરંગબલી કી જય…!!!” આખું લો ગાર્ડનનું ખાણીપીણી બજાર અમને જોઈ રહ્યું અને અમે બંને એકબીજા ને ભેટી રડી પડ્યા..!!!
– સંપૂર્ણ
– શૈશવ વોરા