Page:-10
પ્રભુદાસભાઈ એ પૂછ્યું પાંચ કેમ દિલીપ ?
દિલીપભાઈ બોલ્યા ચાર આપડે માટભાનડરડા અને પાંચમું અનીલનું ..
પ્રભુદાસભાઈએ જવાબ આપ્યો ..અનીલનું તો મારે ઈ કરવું પડે ને ઈ તો મારો વસ્તાર છે….
દિલીપભાઈ બોલ્યા …ભાઈ હું ઈ જ કહું છું , તમે અનીલનું કરો એ બરાબર છે ,દુનિયાનો નિયમ છે ભાઈ ..પણ તમે અમારા બધાનું પણ એટલું જ કર્યું છે ,અમને રાખ્યા છે સાચવ્યા છે પરણાવ્યા એનાથી મોટો ભાગ બીજો કયો હોય અમારે ..?બા આપણો કોઈ મજીયારો છે જ નહિ, જે કઈ છે ઈ મોટાભાઈનું છે અને રમેશને કે માલતીને કઈ જોઈતું હશે તો હું મુંબઈથી દઈશ..
પ્રભુદાસભાઈ એકદમ ગળગળા થઇ ગયા… અને બોલ્યા જો દિલીપ તું કહે એ બધું બરાબર પણ ભાઈ જો એક નિયમ યાદ રાખ મજીયારાનું ખાય ને એની સાત પેઢીનું નખ્ખોદ જાય બોલ હવે તું નક્કી કર કે તારે મને પાપમાં પાડવો છે ..? હું તને હાથ જોડું છું મંજુલા જે કે છે એ બરાબર છે હું અને બા નક્કી કરશું કે કોને હું આપવું , પણ દિલીપ મને આપવા દે ..પ્રભુદાસભાઈ આગળ બોલ્યા ..
દિલીપ મારે પણ જીવતે જીવત મારા વસ્તાર આગળ નીચાજોણું નથી કરવું અને મરીને ઉપર બાપુજી આગળ..એટલું બોલતા પ્રભુદાસભાઈ ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા ..ભા હવે ખમા કર..
પ્રભુદાસભાઈ ને રીતસર તૂટી પડેલા જોઈને દિલીપભાઈએ જીદ મૂકી દીધી અને બોલ્યા ..ઠીક ભાઈ તમે જે કેહશો એ મને અને મારી સાત પેઢી ને મંજુર ..મારી મિલકતનો હિસાબ તમને હું મુંબઈ પોહચી ને દસ દી` માં પોચતો કરીશ ..હવે તો ત્રણે ભાઈઓની મિલકત ભેગી ગણો અને સરખા ભાગ કરો ..
અને હા ભાગ કરવા માટે કોઈ બહારના ચાર્ટડ એકાઉન્ટન્ટની જરુર નથી અનીલના વહુ રીન્કુ છે એમને સોપો બધું બા ..
પ્રભુદાસભાઈ માટે પાછો આ નવો ફણગો હતો , એમણે કીધું તારી મિલકતનો હિસાબ ? અને એને મજીયારામાં મુકવાની કોઈ જરૂર નથી ..અને રીન્કુને બદલે કોઈ બીજા ..રીન્કુ તો હજુ છોકરું કેહવાય ..
દિલીપભાઈએ વાત કાપી …ના મોટાભાઈ ઘરની વાત ઘરમાં રેહવા દો બસ રીન્કુ અને બા નક્કી કરશે ..રીન્કુ માટે હું તમને એક વાત કહું મોટાભાઈ , આ બા ના આશીર્વાદ સો એ સોટકા તમને અને વાસંતી ભાભીને ફળ્યા છે, રીન્કુ એ આપણા ઘરની બીજી વાસંતીભાભી છે .. પાંચ વર્ષથી હું જોઉં છું એને ઘરના દરેકનું અને એમની નાની મોટી તમામ વાતોનું રીન્કુ ધ્યાન રાખે છે અને બધું મેનેજ કરે છે..અને પાછી સી એ થયેલી છે પછી બીજું શું જોઈએ ..?પ્રભુદાસભાઈ સખત આકળવિકળ થઇ ગયા ..અને બોલ્યા .. તમારે બધા ને મને જીવતે જીવ જ મારી નાખવો લાગે છે ..
પ્રભાબેનએ કીધું.. મરે તારા દુશ્મન પરભુ ,તું તો મારો શ્રવણ છે ,મારા લાલ તું ધીરજ રાખ બટા .. ઉભા થઇ ને પ્રભાબેને પ્રભુદાસભાઈ બેઠા હતા ત્યાં ગયા અને પ્રભુદાસભાઈ ના માથે હાથ ફેરવ્યો બટા પરભુ તારી માં હું બેઠી છું હજી મારા દીકરા ..
આ જોઈ ને દિલીપભાઈ બોલ્યા બા આ તારા હેતમાં તો મારે મારો ભાગ જોઈએ હો ,ઈ હું નો છોડું .. અને ઉભા થઇ ને દોડતા દીલીપભાઈ પ્રભાબેનને વળગી પડ્યા …
બ્યાસી વર્ષના માં ને એના સાહીઠની ઉપર પોહચેલા બે દીકરા…ઘોર કળીયુગમાં સતયુગનો છાંટો માત્ર …પ્રભાબેન બંને દીકરાને માથે હાથ ફેરવતા રહ્યા ..અને વાસંતીબેન ચા લઈને રૂમમાં આવ્યા …
એ હાલો રામ લક્ષ્મણ હવે ચા પીવો.. વાસંતીબેને ટહુકો કર્યો દિલીપભાઈ પ્રભાબેન પાસેથી આવી ને વાસંતીભાભી પાસે ઉભા રહ્યા અને હાથ લાંબો કરીને બોલ્યા મારી ગોળ પાપડી આપો ભાભી ..
વાસંતી ભાભીને ખબર જ હતી કે હમણાં દિલીપભાઈ ગોળપાપડી માંગશે ..સાડી ના છેડામાંથી મુઠ્ઠી ભરીને વાસંતીબેને ગોળપાપડી કાઢી અને દિલીપભાઈના હાથમાં મૂકી ..આ ઘરમાં આવી અને પેહલે દિવસે એમના માટે જે ગોળપાપડી બનાવી એ બધી બેઉ દિયરો ખાઈ ગયા હતા .. એક બટકું સુધ્ધા એમના માટે નોહતું રાખ્યું .. CONT….11