Page:-13
પ્રભાબેને આગળ કીધું ..અને વાસંતી તારો લાડકો દિયર રમેશ , ઈ તો પરભુને મળી ને સીધો ભાડલા જ આવશે .. એને ભાડલામાં મારા કરતા વધારે એનો કીસ્લો યાદ આવે છે …આંય મારી હારે પાંચ મિનીટ બેઠો નો બેઠો જાહે સીધો કીસ્લાના યાં .
વાસંતીબેને કીધું….હશે બા કિશોરભાઈ એમના નાનપણના ભાઈબંધ છે અને આપડે વળી કિશોરભાઈ ને ક્યે દી પારકા ગણ્યા છે ..? ઈ એ આપણા ઘરના તો છે ..
હા બટા વાસંતી હા તું તારે લે ઉપરાણા રમેશના ..આ તું એકલી મારે હારે બેસે છે અને વાત કરે છે બાકી તો ભઈ જેના ઈ તેના અને ડોશી ફાંફા મારે એના ..ઈ કાંઈ કેહવત ખોટી નથી …
વાસંતીબેન હસીને બોલ્યા… એ… રે`વા દયો હો બા ,એ તો તમે આંય ભાડલામાં એકલા રયો છો એટલે, બાકી તમને કોઈ કરતા કોઈ એકલા મુકે એમ નથી …અને આ તમારા મોબાઈલમાં એક બટન દબાવો અને બધાની હારે વાત થાય છે કે નહિ …અને મોબાઈલ કોણ લાયવું તું તમારે માટે ?રમેશભાઈ જ ને ..!
હા વાત થાય છે બટા , વાત થાય પણ ઘડપણ ઈ ઘડપણ વાસંતી .. હવે તો છૂટવું છે આ દેહમાંથી …
વાસંતીબેન બોલ્યા..એ બસ બા હવે આંય અટકો તો સારું નહિ તો તમારા છોકરા અમારી ધૂળ કાઢી નાખશે કે તમે બે દેરાણી જેઠાણી એ એવું શું કર્યું કે બા આવું બોલે છે ..
અને પ્રભાબેન ખડખડ હસવા લાગ્યા …
વાસંતીબેનને અમદાવાદ મોકલી અને પ્રભાબાએ એક કાંકરે ઘણા પક્ષી માર્યા.. મંજુલા અને માલતી ભેગા ના થાય અને પરભુદાસ અને વાસંતી જોડે માલતી થોડા દિવસ રહે તો ખબર પડે કે એના મનમાં શું છે …!!
બીજા દિવસે ફરી એકવાર એક ગાડી અમદવાદથી આવી એમાં રીન્કુ અમદાવાદથી ભાડલા આવી અને વાસંતીબેન ગયા અમદાવાદ …
રાત પડે હિડોળા જે રૂમમાં હતો એ રૂમમાં પ્રભાબેન રીન્કુ અને મંજુલાબેન બેઠા હતા અને અલકમલકની વાતો ચાલતી અને વાતમાંથી વાત નીકળી …
પ્રભાબા એ ચાલુ કર્યું રીન્કુ બેટા તમને તો કદાચ તમારા સાસુ એ કીધું હશે કે નહિ પણ આજે હું તમને કહું કે અમારું મજિયારું છુટું પડ્યું એ દિવસો અમારા બહુ કાઠા હતા ..
તમારા દાદા સસરા ને ગયે એક વરહ માંડ થ્યું તુ , અને વાસંતી હજી નવી નવી ઘરમાં ને તનસુખભાઈજીના ચારે ચાર છોકરાઓ એ ઉપાડો લીધો મજીયારો છૂટો કરો ,છૂટો કરો …
મારો વસ્તાર તો હાવ નાનો થોડીક સમજણ દિલીપ અને ચંદનબાળાને અને નાના બે રેણુકા અને રમેશ તો હાવ નાના બાળ ….
ઈ બધાને ધંધો અને પેઢીના રૂપિયા જ જોઈતા હતા ,ધંધાની બધી મૂડી ઈ લોકો કાઢી ગ્યા હારે ધીકતો ધંધો બધુય લઇ ગ્યા અને આ ચાલીસ રૂમની હવેલી પચીસ લાખ રૂપિયા અને એક વાડી આટલું દીધું અમને ભાગમાં …તમે જ કયો આ હવેલીના ઈટ માટીને પથરા કાઢીને થોડા ખવાય , ઇનાથી થોડા પેટ ભરાય..?અને આ હવેલીના ઠામડા સુધ્ધા ઈ લોકો લઇ ગ્યા..કાંઈ કરતા કાંઈ નો રે`વા દીધું ઈ લોકોએ , એક વાત તનસુખભાઈજીની કે જમનાભાભીનીનો હાભળી ઈમના છોકરાઓએ…
પચીસ લાખ રૂપરડી અમને દીધા એમાં તો કેટલા બધા દીધા એમ કે`તા ફરે ગામમાં , હું અને મારો પરભુ જાણીએ કે કેટલું લઇ ગ્યા પછી આટલું દીધું છે ….બહુ રડવું આવતું મને પણ ક્યાં જાવ અને હું રડું તો મારા છોકરા ઢીલા થઇ જાય ઈ કેમ થવા દેવાય .. ઝેર નો ઘૂંટડો પીધે જ છૂટકો હતો …
મારા પિયર વાત ગઈ કે મજિયારું છુટું થ્યું છે અને ઘરમાં ઠામડા પણ ભાગમાં લઇ ગયા છે તે મારા પિયરેથી મારા ભાઈઓ રાંધવા વાસણ લઈને ભાડલા આવ્યા અને તારી સાસુ વાસંતીના પિયરીયા વરહ ચાલે એટલા દાણા ભરી ગ્યા ..ત્યારે અમારે ઘેર ચૂલો સળગ્યો..
રીન્કુ બટા ,પછી તમારા સસરાએ પરભુએ અને મેં નિર્ણય લીધો કે દિલીપ ને મુંબઈ ભણવા મોકલવો , પણ પરભુએ અને મેં નક્કી કર્યું હતું ..મૂડી પેટે ભાગમાં મળેલા પચીસ લાખમાંથી એક રૂપિયો તુટવો નો જોઈએ .. CONT….14