Page:-14
પ્રભાબા આગળ બોલતા રહ્યા …અને તમારા સસરા અમદાવાદ ગ્યા ,હું અને વાસંતી આંય ભાડલા રયા …મારો પરભુ બચાડો રોજ અમદાવાદમાં છતી બાયડીએ વીશીનું ખાતો અને ચાલીમાં નાના ભાડાના ઘરમાં ચાર માણહની હારે ઊંઘતો ..
મંજુલાબેન બધી વાતો સાંભળતા હતા અને ફરી પાછું એમને મનમાં ખટક્યું પ્રભુદાસભાઈ વીશીનું ખાતા હતા તો મારો વર એ મુંબઈમાં થોડો હોટલોમાં થોડો ખાતો તો , પણ બા ને તો હમેશા પેહલેથી મોટાભાઈ અને ભાભી જ દેખાયા છે …
પ્રભાબા એ આગળ ચલાવ્યું … બીજા વર્ષે ચંદનબાળા માટે માંગું આવ્યું અને ખુબ મોટું ઘર મોટા મોટા કારખાનાવાળા લોકો એટલે પરભુ ના નો કહી શક્યો ..જેમ તેમ કરી ને મેં અને વાસંતીએ બધું ઉકેલ્યું ..
પરભુએ ખુબ મે`નત કરી અને ધંધો ગોઠવ્યો અને યાં મુંબઈ દિલીપ ભણી રયો , એટલે પરભુ અને વાસંતીએ સૌથી પેલું કામ કર્યું આ મંજુલા હારે દિલીપનું નક્કી કરાવ્યું અને એને પરણાવ્યો …દિલીપ ધંધે લાગ્યો એને ધંધો કરવા માટે રૂપિયા જોતા તા ..
પણ મારી ઈચ્છા પે`લા અમદાવાદમાં ઘર લઈને વાસંતીને એના ઘર અને વર ભેગી કરવાની હતી પણ ઈ બે ધણી બાયડીએ મને કીધું પણ નહિ અને દિલીપને પચાસ લાખ મોકલી દીધા …
પછી પાંચ વરહ મંજુલા હું અને વાસંતી આંય ભાડલામાં ભેગા રયા , પરભુએ પેલા મુંબઈમાં ઘર લીધું અને મંજુલાને મુંબઈ મોકલ્યા અને પછી અમદાવાદ ઘર લીધું
ઈ એ તે હું કેટલું બોલી ત્યારે લીધું ત્યારે લગનના દસ વર્ષે તારા સાસુ એના ઘર ને વર ભેગા થ્યા ..દસ વર્ષે ..
ઈ દસ વરસમાં ત્રણ છોકરા થ્યા વાસંતીને અને આ મંજુલાને એનો આ એક મોટો …પણ એકપણ સુવાવડ કરવા વાસંતી એના પિયર નથી ગઈ , ના મારે બા ને એકલા નો મુકાય એમ ભાડલામાં …
માંડ માંડ કરીને પરભુએ અમદાવાદમાં ઘર લીધું અને રમેશ ત્યાં અમદાવાદ ભણવા ગ્યો અને પછી રેણુકા તે હું એકલી શું કરું ભાડલામાં ..
તે પાંચ વરસ ફરી પાછા ઈ ખોબા જેવડા અમદાવાદના ઘરમાં અમે આઠ આઠ જણા રેહતા , તમે જે બંગલા માં રયો છો ને બેટા એ બંગલે સુધી પોહચતા તમારા સાસુ સસરા ના રાત દિ` એક થ્યા છે બેટા રીન્કુ ..
રીન્કુ ચુપચાપ સાંભળતી રહી …પ્રભાબ એ આગળ ચલાવ્યું
પછી રમેશને અમેરિકા મોકલ્યો એને ય ધંધો કરવો તો યાં તે દિલીપ અને પરભુ એ થઇ ને એને બે કરોડ રૂપિયા દીધા હતા ,પરભુ તો દિલીપને ના કેહતો હતો કે તું રે`વા દે પણ મારો દિલીપ એ એના રામનો લક્ષમણ એનાથી એના ભાઈનું ઓછું ના જોવાય , એક કરોડ રૂપિયા દિલીપે કાઢીને મોકલ્યા રમેશને ..
અને તારી આ મંજુલાકાકીને માથે ચાલીમાં રેહવાનું પાંચ વરસ વધી ગ્યું …પણ મારી આ મંજુલાએ એક હરફ નો` બોલી કે આટલા બધા રૂપિયાનો દેવાય કઈ કરતા કાઈ નહિ …
મંજુલાબેન ખુશ ખુશ થઇ ગયા ..બા એ વખાણ કર્યા ..અને હરખપદુડા થઇ ને બોલ્યા બા આપણે પોતાના એક બીજા નું ના કરીએ તો બીજું કોણ કરે ..? આજે જુવો ને પણ રમેશભાઈને ત્યાંય કેવું રૂડું છે બધું ..!!સોના નો સુરજ ઉગ્યો છે ને બધે ..
પ્રભાબેનને પણ નવાઈ લાગી કે આજે પેહલી વાર મંજુલાએ બોલવામાં પથરો ના મુક્યો ….
પ્રભાબા એ આગળ ચલાવ્યું બેટા રીન્કુ તમે જે લીલી વાડી જુવો છો ને એ આ બધા ભાઈઓ એકબીજાનું કરી અને સાચવી લીધા છે અને હવે તમારે તમારા આ બધા નાના દિયરો અને નણંદો ને સાચવી લેવાના છે ….
પછી રમેશ અમેરિકાથી આવ્યો અને એને તારી સાસુએ આ માલતી હારે પરણાવ્યો , ઈ એક નસીબવાળી છે ,મારી ત્રણે વહુમાં કોઈ દિ ` માલતીએ સેહેજે ય અંધારું ભળ્યું જ નથી ઈને ખબર જ નથી કે દ:ખ શું છે .. પરણી ને બીજા મહીને સીધી એના વર ભેગી અમેરિકા ગઈ ..
આ બાર મહીને એક વાર આવે અને ખનખન કરતી અઠવાડિયું માંડ મારી હરે ભાડલા રે ઈ જ બસ ..CONT….15