Page:-15
પછી વાત આવી રેણુકાની ,મારી રેણુકા દેખાવે થોડી પેલેથી શ્યામળી પણ સ્વભાવે રાંક તે એના માટે આ ધ્રાંગધ્રાથી માંગુ આવ્યું અને ત્રણે ભાયું એ નક્કી કર્યું કે કુટુંબ ભલે સાધારણ રહ્યું પણ જે દિ
આપણે ભાગ કરશું કે જરૂર પડી એ સમયે આપણે રેણુકાને ભાઈ ગણી ને ભાગ દેવાનો …
આમ વાત છે રીન્કુ ,આટલા વરહમાં રીન્કુ બટા મારે મારો સંસાર રોડવવામાં મારે નેવાના પાણી મોભે ચડાવવા પડ્યા છે … હવે તમે જ કયો કે આટલા વરસ અને આટલી મે`નત પછી હું કેમ મારો માળો વિખાવા દઉં ..?
મંજુલાબેન બોલ્યા …નહિ વિખાય બા ,નહિ વિખાય તમે જરાક પણ ચિંતા નો કરો તમારા ત્રણે દીકરા હજી એકદમ સાબુત બેઠા છે , અને ઈ બધા ભાયું એકબીજા માટે મરી પડે એમ છે…
તારી વાત હાવ હાચી મંજુલા પણ કળજુગ છે બટા ઈ રાજા પરીક્ષિતના રાજમાંથી ઘરી ગ્યો છે …
હશે બા હવે ચિંતા મુકો અને ઊંઘી જાવ રાતના દસ વાગ્યા હાલો હવે લ્યો તમારી માળા હાથમાં …
એમાં કરીને ઉભી થઇ ને મંજુલાબેને પ્રભાબા ને માળા હાથમાં પકડાવી , રીન્કુ બા જય શ્રી ક્રષ્ણ ,કાકી હું જાઉં ? મંજુલાબેને ઇશારાથી કીધું જા અને રીન્કુ ઊંઘવા ગઈ બીજા રૂમમાં …
બીજા દિવસે પ્રભાબેન તનસુખભાઈજી અને જમાનાભાભી ના ઘેર પોહચી ગયા .ચાર ચાર છોકરાના માં બાપ એકલા રેહતા હતા , પ્રભાબેનએ કીધું ભાભી સૂરધનવાળા રૂમમાં બેસવું છે મારે દર્શન કરવા છે સૂરધન દાદાના અને તમારું અને ભાઈનું મારે કામ છે…
કાઠીયાવાડમાં દરેક કુટુંબમાં એક પરંપરા રહી છે, દરેક કુટુંબના એકાદા પૈતૃક મકાનમાં એક રૂમમાં એક ગોખ હોય અને એ ગોખની પૂજા થાય છે એવું માનવામાં આવે છે કે એ ગોખમાં બધા પૂર્વજોના આત્મા રહે છે અને એ ત્યાંથી બેઠા બેઠા આશીર્વાદ આપે છે ..!
મોટાભાગે જ્યાં સૂરધનની સ્થાપના થઇ હોય એ રૂમમાં જતા વહુઓ આજે પણ લાજ કાઢે છે ..લાજ કાઢવી એ પરંપરા નો એક ભાગ અને પૂર્વજો પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનીની એક રીત છે..
કેડેથી થોડા વાંકા વળી ગયેલા જમાનાબેને સૂરધનવાળો રૂમ ખોલ્યો અને છાતી સમાણી લાજ કાઢી એમની જોડે પ્રભાબેન આવ્યા રૂમમાં એમણે પણ લાજ કાઢી તનસુખભાઈ એ ગોખમાં દીવો પ્રગટાવ્યો ,પ્રભાબેન એ જોડે લાવેલું શ્રીફળ તનસુખભાઈને આપ્યું ..
તનસુખભાઈ એ શ્રીફળ વધેર્યું અને શેષ ગોખમાં મૂકી અને ત્રણે જણાએ પ્રસાદ લીધો અને ગોખ પાસે નીચે બેઠા ..
પ્રભાબેન બોલ્યા .. ભાઈ હું બહુ મૂંઝવણમાં છું .. મારે મારું મજિયારું છુટું કરવું છે ,શું કરવું કેમનું કરવું તમે કઈક કયો ..
તનસુખભાઈ બોલ્યા …પરભા હવે તો બહુ પાણી વહી ગયા, મેં ધંધો અને દુનિયાદારી બેઉને છોડ્યે .. હું શું કહું તમને ,મારે તો મારો વસ્તારએ ય મારું કીધું કરતો નથી ,કે કીધું કર્યું નથી તો હું શું કહું તમને અને કોને કહું .. હા એક તમારો પરભુદાસ મારી આમન્યા રાખે છે બાકીના બે હારે તો બાર મહીને એક વાર વાત નથી થતી અને હવે તો પરભુદસ ના છોકરાવ પણ જુવાન છે .. હું તો તમને કહું કે ઈ ત્રણે ભાયું ને નક્કી કરવા દો..
પ્રભાબેન બોલ્યા ના ભાઈ એમ નો થવા દેવાય , મારા બધા એકબીજા ને દેવા માંગે છે લેવા નથી માંગતા અને કોઈને કોઈનું કે અણહક્કનું નથી જોઈતું …
તનસુખભાઈ બોલ્યા તો તમે નસીબદાર છો પરભા, પણ હું કહું છું એમ કરો એ ભાયું ને ભેળાં બેહાડી અને નક્કી કરો , આપણે હવે કેટલા દિ`..
તનસુખભાઈ એ હાથ ઊંચા કર્યા .. પ્રભાબેન સૂરધન દાદાને પગે લાગી ને પ્રાર્થના કરી ને નીકળ્યા હે દાદા કોઈ ને અન્યાય નો થાય મારાથી બસ ઈ જોજે દાદા …
બીજા દિવસે સવારે અમેરિકાથી ફ્લાઈટ ઉતરી અમદાવાદ એરપોર્ટ પર રમેશ અને માલતી આવ્યા , દુબઈ એરપોર્ટ પર જ માલતીએ જીન્સ ટીશર્ટ બદલી અનેપંજાબી ડ્રેસ પેહરી લીધો હતો ..CONT….16