Page:-2
કીશોરભાઈ એ કીધું વાત તો તમારી હાવ હાચી છે કાકી પણ હવે મોટીભાભીની વાત પણ કઈ ખોટી નથી કાકી, ઈ તમારી હાર્યે સૌથી વધારે રયા છે અને તડકી છાયડી તમે સાસુ વહુએ ભેગી કાઢી છે ,તો તમારી ચિંતા તો થાય જ ને એમને , આ ચાલીસ ઓરડાનું આવડું મોટું ઘર અને એમાં તમે એકલા ..
પ્રભાકાકી એ કિશોરભાઈની વચ્ચેથી વાત કાપી .. હું ક્યાં એકલી છું કીસ્લા આ મારો નાથો અને એની બાયડી રમ્લી એના સોકરા બધા છે જ ને ..ઈ લોકો મારી કેટલી સેવા કરે છે જો .. એક સેકયો પાપડ એ મારે નથ તોડવાનો ..આ હવેલી ને હિંડોળો બસ મારે કઈ કરતા કાંય નથ કરવાનું ,
અને કોઈ દી આ નાથાની રમ્લી નવરી નથ પડતી રોજ બે ચાર બે ચાર ઓરડા ખોલી ખોલી ને સાફ સફાઈ કરે છે .. હું તો ઈને ક્યારની કહું સુ મુક ને ઝક આ બધી .. પાંચ ઓરડા ખોલ અને બાકીના બધા ભલે એમના એમ પયડા ..બેચાર મહીને વાડીએથી બે જણાને બોલાવી સાફ કરી નાખજે પણ ઈ સે કાઈ હમજતી જ નથ ..
કિશોરભાઈ બોલ્યા હવે કાકી ઈ તો બધું અન્યો અન્ય છે ને તમે લોકો નાથા ને ક્યાં પારકો ગણી ને રાખો છો જે તમે ખાવ ઈ ઈને ખવડાવો અને ત્રણે ભાયું ઈને હાથમાં ને હાથમાં રાખે છે ..પણ કાકી એકાદ આંટો મારી આવો અમદાવાદ તો ઘણું રેશે વાસંતીભાભીને અને મોટાભાઈને થોડી ધરપત થાશે …
પ્રભાકાકી એ આંખ ઝીણી કરી શે ધરપત કીસ્લા ? હું જોઈ આયવો તું ત્યાં કે તો મને ..? કિશોરભાઈ કઈ બોલ્યા નહિ અને નીચું જોઈ ગયા ..
પ્રભાકાકી ટટ્ટાર બેઠા હિંડોળા પર અને હિંડોળો ચલવવાનું બંધ કર્યું ..અને થોડા મોટા અવાજે કીધું …કીસ્લા જે જોયું હોય ઈ બોલ ..કિશોરભાઈ નીચું મોઢું કરીને બોલ્યા ..કાકી મોટાભાઈ અને નાના ભાઈને કઈક ખટરાગ થયો હોય એવું લાગે સે ..મને કાય ખબર નથી પણ વાસંતીભાભી અને પરભુદાસભાઈ વાત કરતા તા ને મારે કાને પડી ગ્યું હતું કે એમને ભાગ જોઈતો હોય તો દઈ દ્યો ને પણ એમાં ખોટું શું છે ..?
પ્રભાકાકી એકદમ વિચારે ચડ્યા, એક મિનીટ એમના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઈ અને એક ઊંડો શ્વાસ લઇ અને કોઈક નિર્ણય પર આવ્યા હોય એમ થોડા નીચા અવાજે કિશોરભાઈ ને પૂછ્યું …કીસ્લા તું હવે ક્યારે જાવાનો અમદાવાદ ..? કાકી બે ત્રણ દી માં.. સારું તો મોટા ને કહી દે ગાડી મોકલાવે હું તારી હારે આવીશ ..અને આગળ બોલ્યા
હવે તો મારે મારા જીવતા જીવ જ બધું છુટું કરવું પડશે,મારો પરભુદાસ તો ગાંડો છે બધું દઈ દેશે અને એની ઓલી વાસંતી હાવ ઘેલી છે .. પરભુ ના કરાવી દીધેલા ઘરેણાના ય ભાગ કરી ને દેશે અને ઓલી અમેરિકાવાળી માલતીને તો જેટલું દેશો એટલું ઓછું પડશે …
હવે મારે જ કાઈ કરવું પડશે …અને આ તારો ભાઈબંધ રમેશ છે ને એની બાયડીનો માલતીનો ગુલામ થઇ ગ્યો છે ,માલતી પરણીને આવી એ દિ` ની એવડી ઈ નોખી રહી છે એટલે એને આ ઘર માથે ક્યારે અને કેવી વીતી છે એનું રતીભાર ભાન નથી …આવી એ દિ` ના એણે સુખના રોટલા ભાળ્યા છે ..પ્રભા કાકી બોલતા રહ્યા
કિશોરભાઈ ને લાગ્યું કે એનાથી ભાંગરો વટાઈ ગયો ,એટલે એમણે કીધું ..કાકી એવું કઈ બહુ મોટી વાત નથી ..
પ્રભાબેન બોલ્યા… એવું કે તેવું જે હોય ઈ કીસ્લા ,એ બધું તું છોડ અને તું જરાય બી માં ,હું તારું નામ પ્રભુદાસ ને નથ દેવાની પણ , હવે હું રયું ખર્યું પાન કેટલા દિ` હવે .?એટલે હવે તો મારે હાથે બધું છુટું કરવું છે ..હું તને જેમ કહું છું એમ કર કીસ્લા . ગાડી મંગાવી લે અમદાવાદથી પરમ દી ..
ભલે ત્યારે હું જાઉં કાકી ..?
પ્રભાબેને કીધું.. ઈમ નો જવાય કીસ્લા કોઈ દી` ગ્યું છે કોઈ આયથી એમનેમ.. ચા પાણી કરતો જા કીસ્લા..
અલક મલકની વાતો અને ચા પાણી કરી અને કિશોરભાઈ વિદાય થયા …અને પ્રભાબેન ઠાકોરજીની હવેલી એ શયનના દર્શન કરવા ગયા પણ એમનું મન ચોટતું નોહતું ,ત્યાં હવેલીએ એમને એમનાથી બે વર્ષ મોટા એમના જેઠાણી જમનાબેન મળ્યા .. ખબર અંતર પૂછ્યા અને પાછા આવતા રસ્તામાં એમના જેઠાણી જમનાબેનના ઘરમાં એમના મજીયારો છૂટો પડ્યો એ વખતનું મહાભારત એમને યાદ આવી ગયું ..CONT…3