Page-20
ઓધાબાપાને અચાનક રમેશનું આવવું એકદમ ભગવાનના આવ્યા બરાબર જ લાગતું હતું …
એમણે રમેશ તરફ ફરીને કીધું ..જો રમેશ તુ તો અમેરિકાથી આવ્યો છે ,પણ કોઈ રીતે થોડી ગામને મદદ થાય તારાથી તો આપણા ગામ નો ઉદ્ધાર થઇ જાય ..
રમેશે કીધું કેવી રીતે બાપા ?
ઓધાબાપાએ કીધું .. જો ભાઈ રમેશ સરકારની એક યોજના છે ગામમાં વિકાસના કામ કરવ હોય તો સરકાર ગ્રામ પંચાયતને એશી ટકા રૂપિયા દે છે અને વીસ ટકા રૂપિયા ગ્રામપંચાયતે કાઢવા પડે .. અને આ તારો ભાઈબંધ કિશોરભાઈ બધું ગાંધીનગરથી કરીને લાવ્યો છે , આખા ગામમાં પાકા રોડ ,ગટર , પીવના પાણીની પાઈપ , કોલેજ , સ્કુલ અને પછી એક રોજગાર સહાયતા કેન્દ્ર , બધું મળીને સો કરોડનો ખર્ચો થાય અને આ ભાડલા ગામના દિવસો ફરે ,પછી સભાની તરફ ફરીને ઓધાબાપા બોલ્યા
ભાઈયું ..પણ હવે મોટો સવાલ ઈ છે કે વીસ કરોડ લાવવા ક્યાંથી ? ગામમાં પોચતા પામતા ખોરડા બહુ રયા નહિ બધા બારે વયા ગ્યા ,હવે એક જ રસ્તો છે કોક મોટો દાતાર જોઈએ અને આપણે બધા આપણા લોકો જે ગામ છોડીને ગ્યા છે યાં હાથ લાંબો કરો .. પરમાર્થનું કામ છે માટે કોઈની અયાચક ને બાધ નો આવે ..બધા મે`નત કરો ..કોક શામળો ગિરધારી આવશે..ભાઈ રમેશ તમારાથી થાય એટલું તમે પણ કરો
રમેશ માટે એક નવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ,એ કિશોરભાઈ જોડે પોતાના ઘરની સમસ્યા જે પોતાની ઘરવાળી એ ઉભી કરી હતી એનું સમાધાન લેવા આવ્યો હતો એની બદલે ઓધાબાપાએ આખા ભાડલા ગામની સમસ્યા એના માથે નાખી દીધી …
રમેશભાઈ એ કીધું.. બાપા હું તો મારા ઘરમાં સૌથી નાનો છું પણ હું પરભુભાઈને વાત કરું છું અને ઈ એ દિવાળી કરવા આંય ભાડલા આવવાના છે ,તે તમે પણ એમને વાત કરજો ,મોટાભાઈ જે હુકમ કરે ઈ મારે આંખ માથે બાપા …
ઓધાબાપા ના પ્રવચનથી સભા પૂરી થઇ …
કિશોરભાઈ અને રમેશ એકલા પડ્યા , કિશોરભાઈની નાનકડી ઓફીસમાં બંને જણા બેઠા ..
રમેશભાઈ એ કીધું કીસ્લા મારી ઘરવાળીએ તો બધું ચીતરી નાખ્યું છે .. કિશોરભાઈ બોલ્યા હા મને ખબર છે … માલતીભાભીએ મોટાભાઈને ફોન કર્યો હતો ..
રમેશ ભડક્યો તને ક્યાંથી ખબર પડી કીસ્લા ?
હું અમદાવાદ હતો ત્યારે મેં મોટાભાઈ અને ભાભીને વાત કરતા હાભળ્યા તા ,
તે તારે મને ફોન નો કરાય કીસ્લા ..
પરભાકાકી એ મને રોક્યો કે તારે વચમાં પડવાની જરૂર નથી એટલે હું અટકી ગ્યો ..
રમેશ બોલ્યો ..મને જાણ તો કરવી તી કે મારી બાયડીએ આવું પરાક્રમ કર્યું છે , આ તો બધો ઓળીયો ઘોળીયો મારી બાયડીને માથે આવશે .. બા ને મજિયારું છુટું કરવું છે અને નિમિત થઇ માલતી ..તદ્દન મૂરખ છે આ મારી બાયડી એણે મને તો પૂછવું જોઈતું તું કે … ખેર હવે જવા દે જે થવાનું હતું એ બધું થઇ ગ્યું ..કાલે માલતી આવે ભાડલા પછી વાત ..
કિશોરભાઈ એ કીધું.. રમેશ જે થવાનું હતું ઈ થઇ ગ્યું શાંત પાણીમાં પથરો પડી ગ્યો છે, હવે વમળોને બેસતા થોડો સમય જાશે ..ધીરજ રાખ તારા ઘરના બધા સાબુત મગજના છે હજી એટલે આ એક ફોન એ કાઈ બહુ મોટી વાત નથી ..
રમેશ બોલ્યો તારી વાત સો ટકા સાચી પણ નામ તો હવે માલતીનું જ આવવાનું ને ..કીસ્લા
હા ઈ તો ખરું ભાઈ ..
હાલ હું જાઉં છું રાત્રે તારા ઘેર આવું છું પાટલા ભેળા પાડશું એટલું કહી ને રમેશ ત્યાંથી નીકળી ગયો ..
રમેશ હવેલીએ જઈને આડો પડ્યો ક્યારે સાંજ પડી ખબરના રહી , ઉઠી અને ચા પાણી કરીને એ કિશોરભાઈને ત્યાં ગયો..CONT….21