Page:-23
પ્રભાબેનને ગભારમણ વધતી જતી હતી ભાગ કેમના કરવા.. લાડકો પૌત્ર મલય આવ્યો ..મોટીબા તમારી જોડે આજે હું હવેલીએ આવીશ , બંને દાદી અને પૌત્ર ચાલતા ચાલતા સવાર સવારમાં હવેલીએ દર્શન કરવા નીકળ્યા , રસ્તામાં મોટીબા જોડે ધીમે ધીમે ચાલતા ચાલતા બાવીસ વર્ષના મલય એ કીધું .. મોટીબા મારે તમને એક વાત કરવાની છે પણ તમારે સેહજ પણ ગુસ્સે નહિ થવાનું કે દુઃખી નહિ થવાનું બોલો પ્રોમિસ આપો તો કહું ..
પ્રભાબા એ કીધું હા બોલ બટા ..
મોટીબા આ બધ્ધા જુઠ્ઠા છે ..મારા પપ્પાએ એક બહુ મોટી જમીન સાણદમાં લીધી છે , રીન્કુભાભીના પપ્પાના કોઈ ફ્રેન્ડ ને બહુ મોટું જમીનનું કામ છે અને પપ્પાએ એમને વીસ કરોડ રૂપિયા આપ્યા હતા ચાર વર્ષ પેહલા , રીન્કુ ભાભી ખેડૂત છે એટલે એમના નામે લીધી છે જમીન ,અત્યારે એ જમીનની કિમત ઓછા માં ઓછી એશી કરોડ બોલાય છે ,પણ પપ્પા એ કે અનિલે કે રીન્કુભાભીએ આ જમીન તમારા લીસ્ટમાં નથી લખાવી ..મારી મમ્મીને એ લોકો એ નથી કીધું નહિ તો મમ્મી તમેન કહી દે એવી એમણે બીક છે …
પ્રભાબેનની ચાલ થોડી ધીમી થઇ ગઈ અને એમણે પૂછ્યું તું સાવ સાચું બોલે છે મલય ..
હા મોટીબા મને આ બધા નથી ગમતા ,હું ઓફીસ જાઉં છું પણ મારે આ લોકો જેવો ધંધો નથી કરવો , મારે તો જંગલ ભમવા છે અને હિમાલયમાં રેહવું છે …
પ્રભાબેન જાણતા હતા કે મલય એ પેહલેથી જ અલગારી જીવ છે ,એને દુનિયાદારીની બહુ પડી નથી ..
બીજું કોણ જુઠ્ઠું બોલ્યું છે મલય બટા ?
દીલીપકાકા ,મોટીબા એમણે પણ છે ને મુંબઈમાં દરિયો પૂરી અને કઈ મોટી જગ્યા બની છે અને ત્યાં બહુ મોટો મોલ બને છે એમાં અત્યારથી એમણે સો કરોડ રૂપિયા આપી અને દસ દુકાનો કરી છે,આવતા બે વર્ષમાં તો એમના સો કરોડના ત્રણસો કરોડ થશે ..અને મંજુલાકાકીએ તો હીરાના પડીકે પડીકા ભેગા કર્યા છે,એકદમ મોટા મોટા હીરાના ,
તને કોણે કીધું આ બધું ..એમના છોકરાએ મોટીબા અમે બધા કઝીન્સ ગઈ સાલ અમેરિકા જોડે ફરવા ગયા હતાને ,ત્યારે એ બધા એ દારુ પીધો હતો એકલા મેં નોહતો પીધો ,અને બધા એ બધું ભસી માર્યું હતું મોટીબા ,અને પેલા અમેરિકાવાળા રમેશ કાકાને તો વેગાસમાં કેસીનોમાં પાર્ટનરશીપ છે અને ત્યાં બે મોટી મોટેલો છે , એ પણ કઈ એમણે નથી લખાવ્યું તમને , મેં આજે રીન્કુભાભીના કોમ્પ્યુટરમાં એમને ખબરના પડે એમ બધું જોઈ લીધું હતું એટલે હું તમને કહું છું ..મોટીબા રમેશકાકા એ તો બે હજાર કરોડ તમારાથી સંતાડ્યા છે ..
પ્રભાબેન ઊંડો શ્વાસ લઈને એક ઓટલે બેસી ગયા , મલય બોલ્યો જો મોટીબા મેં તમને પેહલા કીધું હતું ને કે તમારે દુઃખી નહિ થવાનું ..
પ્રભાબા બોલ્યા જો બટા મલય દુઃખ તો થાય ,પણ મને ય નવાઈ લાગી હતી કે મારા છોકરા આટલા બધા કહ્યાગરા કેવી રીતે થઇ ગયા ?મેં ય બટા આ ત્રણેને નવ નવ મહિના મારા પેટમાં રાખ્યા છે ,મને ક્યાંક તો હતું કે આ બધાય સાવ સાચું બોલે એમ નથી..અને જેવું વર્તન કરે છે એવા તો છે નહિ..
બટા મલય તે આજે મારો જન્મારાનો ભાર હલકો કરી નાખ્યો,હું દુઃખી છું પણ હવે ચિંતા નથી મને..
મલયએ પૂછ્યું એટલે શું કહો છો તમે મોટીબા ..?
પ્રભાબા બોલ્યા ..કાઈ નહી મારા દીકરા તું તો હજી ભોળા બાળ જેવો છે , મારી વાસંતી જેવો ..તું દુનિયાદારી ના સમજે ઈ જ હારું છે બેટા ,જતો રેજે હિમાલયમાં મારા દીકરા મારા આશીર્વાદ છે તને …
આ સંસાર ના જંગલ કરતા તો ઈ ખરા જંગલમાં ઓછું પાપ છે ..યાં લોભ નથી ..લાલચ નથી ,ઈ જંગલમાં સૌને પોતાના પર અને ભગવાન પર વિશ્વાસ છે જેણે આજે ખાવા દીધું એ કાલે પણ દેશે ..કોઈ ને કાઈ ભેગું નથી કરવું..કે નથી કાઈ છુપાવવું … પ્રભાબા બોલતા રહ્યા અને મલય સંભાળતો રહ્યો…..