Page:-25
કીસ્લા લાવ લખી ગ્યું બધું ..કિશોરભાઈ એ કીધું હા કાકી ..
એમ કરીને કિશોરભાઈએ કાગળ પ્રભાબા ને ધર્યો , પેન દે કીસ્લા કિશોરભાઈ એ પેન આપી પ્રભાબા એ સહી કરી અને કીધું લે સાક્ષી માં તું સહી કર અને બીજી સહી ઓધાભાઈ ની લેજે ..અને પરભુ , દિલીપ અને રમેશ તમે ત્રણે સહી કરો ચંદન તું અને રેણુકા પણ સહી કરો …
બધાની સહીઓ થઇ , બધા ભાઈઓ એકબીજાથી છુપાવેલી મિલકતમાંથી ભાગ ના પડ્યા એ માની ને ખુશ હતા, પ્રભાબા એ કીધું …હવે સૌ સૌ ના કમરામાં આરામ કરવા જઈ શકો છે..
ઓધાબાપા એકદમ ખુશ ખુશ હતા એ બોલ્યા ..પરભાભાભી આ ભાડલા ગામ તમારું સદૈવ ઋણી રેહશે .. ગામના પાદરે મોટો દ્વાર થશે અને એનું નામ પરભાબેન વિઠ્ઠલભાઈ મનુભાઈ પારી રેહશે અને બીજી જે કઈ ઈમારતો થશે એમાં પ્રભુદાસ તમે કેહશો ઈ નામ લખાશે …
પ્રભા બા એ કીધું ..પાણીનું જે કરો ઈમાં મારી વાસંતીનું નામ નાખજો મારા ઘરની ઈ અન્નપુર્ણા છે અને કોલેજ મારી મંજુલાના નામે કરજો ઈ આવી પછી મારા ઘરમાં ભણતર આવ્યું અને ધંધા રોજગારમાં મારી માલતીનું નામ રાખજો એના આયવા પછી ઘેર સોના ના નળિયા થ્યા .. ઓધાભાઈ….
બધી ત્રણે વહુઓ પણ ખુશ ખુશ થઇ ગઈ અને ત્રણે ભાઈઓને તો પોતાની કેટલી મિલકત ગઈ એના કરતા કેટલી બચી એનો વધારે આનંદ હતો ..એટલે બધું જ અક્ષર સહ: કબુલ મંજુર રાખ્યું…
ઓધાબાપા એ લાભ પાંચમ નું મુહુર્ત કઢાવ્યું ખાતમૂહર્ત માટેનું અને પ્રભુદાસભાઈએ ખાતમુર્હુત નિમિત્તે ગામ જમણ કીધું …
ચારે તરફ આખા ભાડલા ગામમાં આનંદ આનંદ છવાયો હતો એક પરભાબાનું હૈયું ભરાતું જતું હતું .. દિવાળીના દિવસે બપોરે એમના જેઠ જેઠાણી પાસે પોહચી ગયા સૂરધનના રૂમમાં બેઠા મોટી લાજ કાઢી ને બંને દેરાણી જેઠાણી …
જમનાભાભી તમે હાવ હાચા છો ભગવાન કોઈ ને બે દીકરાની માં નો કરે ..જમનાબેને પૂછ્યું કા પ્રભા તમારે તો બધું સરખે સરખું ઉતરી ગયું છે… ના ભાભી ના …તમારા દેર હાવ હાચું કેતા તા ,મને ઈ કાયમ કેતા પરભા રાજા રામચન્દ્ર સિવાય દુનિયાના કોઈ ભાયું હરે નથી રયા કે નથી કોઈ એ કોઈ ની જોડે ઈમાનદારી કરી …એટલે પ્રભા તું બને એટલો જલ્દી મજીયારો છૂટો કરજે, અને ત્રણે ને પોત પોતાની રીતે સ્વતંત્ર કરજે , પણ હું બીકની મારી નો`તી કરતી કે ઈ બધા બાઝશે ..
પણ જમનાભાભી હાચી વાત તો ઈ છે કે મારા તો ત્રણે હાવ કળજુગી નીકળ્યા .. એકબીજાના માથા વાઢી લીધા અને દુનિયાને બતાડવા એકબીજાને પાઘડીઓ પેરાવી ..અને મને સગી જણનારીને તો હાવ …કરીને પરભાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ..
જમનાબેને કીધું હશે પરભા હશે હવે તમે બધું ભૂલી જાવ અમે જેમ બધું ભૂલી ને બેઠા છીએ એમ ..દુનિયામાં હાચું જ કીધું છે કે ભય કોનો હઉથી મોટો, તો ભય મોટો ભાઈનો બીજા કોઈ નો નહિ પરભા ..શાંત થાવ પરભા હવે
જમનાબેન ઉભા થઇ ને પાણી લેવા ગયા અને પાછા આવ્યા અને લોટો પાણી નો હાથમાંથી છૂટી ગયો …
વાસંતીબેને જમનાજળ મુક્યું અને મલય મુખાઅગ્નિ …. ભાડલા ગામમાં એકે ઘેર દિવાળીના દીવા ના પ્રગટ્યા
દેવઉઠી અગિયારસ ગઈ અને બારસે પરભાબાનું કારજ પત્યું.. કારતકની પૂનમ આવી ભાડલાની હવેલી એ વાસંતીબેન એ તાળું દીધું ચાવી કિશોરભાઈને દીધી …
ખૂણામાં ઉભી રમ્લી અને નાથો ચોધાર આંસુડે રડે ..એ વાસંતીભાભુ અમારે કાઈ નથી જોઈતું ..અમને આટલું બધું નો હોય ,અમારાથી નો જીરવાય , અમને તો અમારા પરભા બા જ જોઈએ …
આખુ ભાડલા ગામ ચાલતું ચાલતું છેક પાદર સુધી આવ્યું અને વાસંતીબેન પેહલીવાર લાગ્યું કે હવે હું એકલી મારો માજિયારો કેવી રીતે …?ભગવાને મને પણ બે દીકરા દીધા છે …
સંપૂર્ણ
શૈશવવોરા