Page:-6
વાસંતીબેન બોલ્યા બા એમ મજિયારું છુટું પડે તો કાઈ બધું છોડી થોડું દેવાય બા ? ડાંગે મારે પાણી એમ થોડા છુટા થાય ?
પ્રભાબેન એ સેહજ નિ:સાસો નાખ્યો અને બોલ્યા ભગવાન સૌને તારા જેવી એક વહુ તો આપે વાસંતી , પણ મારે હવે છુટું કરવું છે …
વાસંતીબેન બોલ્યા તમારી વાત સાચી છે પણ બા એક વાત તમારે કાને નાખવી છે મારે ,થોડા દી` પેહલા માલતીનો અમેરિકાથી ફોન હતો એના ભાઈજી પર ,અને એમને પૂછતી હતી કે અમારી કેટલી મિલકત ઇન્ડિયામાં છે..? આંય દેશમાં છે ? પ્રભાબેને ગુસ્સાથી કીધું .. તે શું જવાબ દીધો પરભુદાસે ..? બા એમણે તો ગોળ ગોળ કીધું કે હિસાબ કરીને કહું તમને ..બધાના નામે જુદી જુદી પેઢીઓમાં ઓછીવતી મિલકત છે એટલે થોડો સમય લાગશે …પણ એ દી` પછી એ બહુ દુઃખી થઇ ગયા છે ..
તે થાય જ ને ઈ માલતી કે રમેશે જીંદગીમાં એક રૂપિયો કમાઈને મજીયારામાં દીધો નથી , નથી મારી કે તમારા બાપુજીની સેવા કરી કોઈ દી ..ચાર બેગુ ભરીને કપડા શું લાવી અમેરિકાથી બધા માટે અને મજીયારામાં ભાગ માંગતી થઇ ગઈ ..?
વાસંતીબેને કીધું ..પણ બા એમ નહિ રમેશભાઈ પણ ભાઈ જ છે ને અમારા , અમારે એને એનો ભાગ તો દેવો જ જોઈએને ,આજે નહિ તો કાલે ભાગ દેવાનો જ છે તો કદાચ એમને જરૂર પડી હશે એટલે એમણે માલતી થકી વાત કરાવી હશે ..પ્રભાબેન બોલ્યા ઈ જે હોય તે વાસંતી ..પણ હવે તો મારે જ બધું છુટું કરવું છે અને એમણે આદેશ કર્યો ..મુંબઈથી દિલીપ અને મંજુલાને બોલાવો ..વાસંતી
વાસંતીબેન થોડા ગભરાયા ..બા એમ માલતીના એક ફોનથી જો તમે બધાને ભેગા નો કરો બા ખોટું ઘરમાં કંકાસનું બી વાવશે,
અને બા હવે મારા ઘરમાં પણ વહુ છે અને મુંબઈ મંજુલાના ઘરમાં પણ વહુ છે , કઈ વાત છાની નહિ રહે .. એના કરતા થોડી ધીરજ રાખો દિવાળી માથે જ છે બધા આવશે …ત્યારે વાત કરશું..
પ્રભાબેન બોલ્યા ..ના વાસંતી એ પેહલા તો મારે દિલીપ અને મંજુલાનું મન કળવું છે ..એક કામ કર આ નોરતાની આઠમનો નિવેદ તું અમદાવાદ કર આ વર્ષે ગરબો અમદાવાદ લે ..અને દિલીપ મંજુલાને બોલવ હું આજે રાત્રે પરભુદાસને કહું છું ..
રાત્રે ફરી બંને માં દીકરો પ્રભાબાના કમરામાં બેઠા ,
પ્રભાબેને કીધું પરભુ મારે સવારે વાસંતી જોડે વાત થઇ માલતીને એનો ભાગ જોઈએ છે ને ..
પ્રભુદાસએ કીધું બા મને પેહલા નાના જોડે વાત તો કરવા દો ..
પ્રભાબેને કીધું… ના પરભુદાસ રમેશ જોડે તારે અત્યારે વાત કરવાની નથી ,અને જો હવે માલતીનો ફરી ફોન આવે તો સીધી એને મારી હારે વાત કરાવજે અને તું એ પેહલા તારા બાપુજીની કુલ સ્થાવર જંગમ મિલકત કેટલી..?એ મને જણાવ .. પછી બધી વાત .. કોને કેટલું અને કેવી રીતે આપવું એ મારે નક્કી કરવાનું છે તારે કે વાસંતીએ નહિ ..તારા બાપુજી કેટલું મૂકીને ગ્યા તા એ તો મને આંગળીના વેઢે છે ,એ તો તે અને મેં જ થઇ ને તનસુખભાઈ બધું જોડે છુટું કર્યું હતું ..
પ્રભુદાસ એ કીધું ..હા બા એ વાત તમારી સાચી પણ બા બધાનું સરખે સરખું જ હોય ને એમાં કઈ ઓછું વત્તું ના કરાય ..
પ્રભાબેને કીધું કોનું કેટલું અને કેવી રીતે આપવું એ તારે નક્કી નથી કરવાનું મને કરવા દે પરભુદાસ ..
પ્રભુદાસભાઈ એ બે હાથ જોડ્યા બા એવું કઈ ના કરશો કે જેથી મારું ખરાબ દેખાય ..જો તમે ઓછો વત્તો ભાગ કર્યો તો અત્યાર સુધી ના મારા અને વાસંતીના કર્યા ઉપર પાણી ફરે ,
અને જો બા તમે સરખા ભાગ નો કરવાના હોય તો મારો ભાગ બિલકુલ ના પાડશો ,ભગવાનનું દીધું ઘણું છે અને મારી જોડે જે છે એમાંથી પણ તમે જે કેહશો એ હું આપી દઈશ …
પ્રભાબેને કીધું …તારી જોડે ઘણું છે ,તો ઈ બે ભાયું જોડે ક્યાં ઓછું છે પરભુ ,દિલીપ ને મોટો મુંબઈમાં વાલકેશ્વરમાં તારા બંગલા કરતા મોટો ફ્લેટ છે અને મોટી મોટી ચાર દુકાનો છે પારે નહિ એટલું છે , CONT….7