Page:-9
પ્રભુદાસભાઈ એ દિલીપભાઈ ને વચ્ચે ટોક્યા.. ના દિલીપ બાપુજીનું જે કઈ છે એ મજિયારું જ કેહવાય ..
પ્રભાબેને કીધું …જો દિલીપ તમે ત્રણે ભાયું એ જે કઈ ઉભું કર્યું છે ઈ બધું તમારા બાપુજીની મૂડીમાંથી ઉભું કર્યું છે એટલે તમારા બધાનું જે કઈ છે એને મજિયારું જ કેહવાય..
પછી પ્રભાબેને મંજુલાની સામે જોયું ..તમારે કઈ કેહવું છે મંજુલા ?મંજુલાબેન એકદમ બઘવાઈને બોલ્યા બા મારે શું કેહવાનું હોય તમે અને મોટાભાઈ જે કરો એ અમારે આંખ માથે ..આટલા વરસમાં તમે અને મોટાભાઈએ જ બધું સારે ખોટે નક્કી કર્યું છે તો હવે ઈ જે કરે એ નક્કી , પછી થોડુંક વધારે બોલાયુ હોય એવું લાગ્યુ મંજુલાબેનને ..
મંજુલાબેનને હમેશા એક વાત ખટકતી હતી દરેક વ્યવહાર હમેશા બા મોટાભાઈ ને પૂછે અમને ક્યારેય કોઈ દી ક્યાય ગણ્યા જ નહિ..મંજુલાબેને આગળ ચલાવ્યું ..
અને બા જુવો હું તો ખાલી પાંચ વરહ ભેગી રહી ને મુંબઈ વઈ ગઈ તી મેં તો બાપુજીને જોયાય નથી , બસ ભાભી અને તમારા મોઢે એમની વાતું સાંભળી છે, એમની સેવા તો મોટાભાભીએ જ કરી છે ..
વાત ને આડે પાટે જતી જોઈ ને પ્રભાબેન બોલ્યા મંજુલા સેવા તો જેના નસીબમાં લખાણી હોય ને એને જ કરવા મળે બટા મંજુલા …
આ વાસંતી તારા કરતા સાત વર્ષ આ ઘરમાં વેલી આવી છે , હાવ નાનકડી અઢાર વર્ષની હતી વાસંતી ,તારા બાપુજીને કેન્સર થયું તું ,અને એ જમાનામાં કઈ બહુ બહુ દવા દારૂ નહિ એટલે તનસુખભાઈ અને જમનાભાભીએ આ પરભુને વેલો વેહલો પરણાવી દીધો..
અને તમારા બાપુજીના ગયા પછી પરભુ ધંધે બેઠો , મેં અને વાસંતીએ ઘર સંભાળ્યું, બે વર્ષે ચંદનબાળા માટે માગું આવ્યું ઓગણીસ વર્ષની હતી ચંદનબાળા પણ મોટું કુટુંબ અને બધું સારે સારું હતું એટલે જેમ તે કરી ને બધું પાર પાડ્યું …
દિલીપ મુંબઈ ગયો કમાતો થયો અને પછી રમેશ ગયો અમેરિકા રેણુકાને પરણાવી ..એક પછી એક બધા ને મેં અને વાસંતીએ થઈ ને ઠેકાણે પાડ્યા..
મંજુલાબેન બોલ્યા …હા બા હું ક્યાં નથી જાણતી .. એટલે જ તો કહું છું કે તમે અને મોટાભાઈ જે નક્કી કરો એ બરાબર જ હોય..દિલીપભાઈ એ પાછો વાત નો દોર પકડ્યો .. બા નક્કી કશું કરવાનું નથી તમારે બાપુજીના નામે જે કઈ હતું એ બધું અત્યારે તમારા નામે છે અને તમારા નામે જે છે એ બધું મોટાભાઈ નું છે વાત અહિયાં પૂરી થાય છે ..
મંજુલાબેનથી ના રેહ્વાયું એટલે વચ્ચે બોલ્યા એ તમે નક્કી ના કરો બા ને અને ભાઈને નક્કી કરવા દો ..દિલીપભાઈ સમસમી ને બેઠા રહ્યા ..પ્રભાબેન સમજી ગયા કે મંજુલાના મનમાં કઈ ક રમે છે…
પ્રભાબેને કીધું સારું મંજુલા હવે હું અને પરભુ નક્કી કરશું..
મંજુલાબેન એટલા હોશિયાર હતા , એમને ખબર હતી કે પોતાના વર દિલીપભાઈ તો બધું છોડી દેશે પણ જો પ્રભુદાસભાઈ ભાગ પાડશે તો જ એમને જરૂરથી કઈક મળશે અને કદાચ ધાર્યા કરતા વધુ મળશે..કેમકે બા એ કહી દીધું કે બધું બાપુજીની મૂડીમાંથી ઉભું થયું છે એટલે જે કઈ છે બધાનું એ મજિયારું જ કેહવાય …
દિલીપભાઈએ આંખ કાઢી મંજુલાબેનની સામે એટલેમજુલાબેન ઉભા થઇને રૂમની બહાર ગયા , જોડે વાસંતીબેન પણ ગયા , ત્રણે માં દીકરો એકલા પડ્યા રૂમમાં ..
પ્રભુદાસભાઈ બોલ્યા જો દિલીપ તું ત્યાં મુંબઈ જઈ ને કમાણો એ તારી મેહનત હતી પણ મારે તો જે કઈ છે એ મેં તો બાપુજી ની મૂડીમાંથી જ ઉભું કરેલું છે ..
દિલીપભાઈ એ જવાબ આપ્યો .. ભાઈ તમારી વાત ખોટી છે મને પેહલી દુકાન લેવા માટે પચાસ લાખ કોણે મોકલ્યા હતા ?તમે મોકલ્યા હતા ને ? તમે એ પચાસ લાખ મારી પાસેથી પાછા લીધા ? અને રહી વાત રમેશની તો એણે તો વળી મેં અને તમે બંને એ ભેગા થઇ ને બે કરોડ રૂપિયા મોકલ્યા હતા અમેરિકા ..અને એ બે કરોડ પણ તમે પાછા લીધા ? ના નથી લીધા .. આ પાંચ પાંચ લગનો ઉકેલ્યા તમે અને વાસંતીભાભી એ .. CONT….10