યાયાવર..
કોલેજ કાળમાં એક મિત્રને પ્રેમ થઈ ગયો , આખો દિવસ ગાંડાની જેમ એક જ ગીત ગણગણ્યા કરે , ” પાસપોર્ટ લાગે ના વિઝા લાગે ના , પ્રેમ દેશ કી સેર કરો એક પેસા લાગે ના.. ” ..
ત્યારે મને એમ થાય કે ટણપા, દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ તું કરી રહ્યો છે .. “પ્રેમ”…!!!!!
એની આખી કેરિયરની પથારી ફરી ગઈ .. એક તો પ્રેમ કર્યો અને પાછો જગ જાહેર પ્રેમ કર્યો , પરિણામ શું ? તો કહે લગન કરો …
વાજતે ગાજતે લગન અને હનીમૂન , પછી …???
અમારે વિરમગામની એક કેહવત પછી પછવાડું અને આગળ જખવાડુ..!
થયું પણ એવું જ.. સમાજ અને પરિવારના પ્રેશર આવ્યા ,જે મળી તે નોકરી સ્વીકારવી પડી , એની આખી કેરિયરનો ભોગ લેવાઈ ગયો પ્રેમ દેશ કી સેર કરવામાં…!!! ધગધગતી જુવાનીમાં રિસ્ક લેવાના સમયે પ્રેમની પાણીપુરી અને લવ ના લઝાનિયા ખાધા..
બાપાની કમાણી ધખતી હોય ત્યારે જરાક રિસ્ક લઈને ધંધા ગોઠવવાની જગ્યાએ પ્રેમ દેશની સેર કરવામાં સમય બગાડ્યો…
કંઈક અમેરિકાના કેસમાં પણ આવું જ થયું , જ્યારે બોલાવતા હતા ત્યારે જે લોકો ગાડે ગાડા ભરીને પોહચી ગયા એ બધું સેટ થઈ ગયું અને જે પ્રેમ દેશની સેર કરવા ગયું એ રહી પડ્યું , ગાડાની બદલે આંધળી દોટ મૂકી હોત તો તમારા મતોની આજે ત્યાં પણ કિંમત હોત ,
હવે કાકા સેમ અને એમના નાના ભાઈ , બાપા સેમ ખારા થઈ ગયા છે , સીટીઝન ના હોય અને અત્યંત કામના ના હોય એ સિવાયની વસ્તી એમનાથી ખમાતી નથી … મતોની “ગણતરી” થઈ ગઈ છે ,તમે ગણતરીમાં બહુ ઓછા પડો છો , એટલે હવે ગરીબ કી જોરુ સબ કી ભાભી..
ગઈકાલે કાકા સેમના નાના ભાઈ, બાપા સેમ એ નાગાની પાંચશેરી ભારે એમ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હવે અમે વધારે ઇમિગ્રન્ટ્સ લેવાના નથી , તમે બસ્સો પાંચસો જણા આવો અને મેહનત કરો તો એના બદલામાં અમે કંઇ તમારા મિલિયન્સ ને કંઇ ના આવવા દઈએ .. બહુ ખરાબ રીતે એમણે કહી દીધું કે મારે મારા દેશનું જોવાનું હોય કંઇ જગત આખા અમે ચિંતા ના કરીએ , પાસપોર્ટ વિઝા લાગશે જ .. પ્રેમ નહીં ચાલે ..
પાછળથી તાળીઓના ગડગડાટ થાય ..
હે સંજય કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે તે મને કહે જરા …!!!
મારા તમારા થઈ ગયું , તેજીને ટકોર ..
તો હવે આપણે આપણા માટે કયા શબ્દો વાપરવા પડે ? વેવલા કે વેવલીના ? ઘેલા ?
જગત આખા સુખની અમે કામના કરીએ , આખું જગ અમારું અને અમે આખા વિશ્વના , જગત આખાના લોકો અહીંયા આવ્યા,એને અહીં સમાવ્યા ,અપનાવ્યા એ બધું ક્યાં ગયું ?
ત્યાં તો વિઝાના પણ જુદા જુદા પ્રકાર કર્યા , વેઠીયાના જુદા વિઝા અને શેઠિયાના જુદા પ્રકારના વિઝા બોલો..!!
જોડે જોડે કાકા સેમના નાના ભાઈ બાપા સેમ એ એમ પણ કહી દીધું કે મારી ઘરવાળી મારો ધર્મ પાળશે એ મને ગમશે પણ મારા છોકરા તો મારો જ ધર્મ પાળશે….
બોલો સેક્યુલર”તા”ની જે…
ફક્ત ઠાઠડી બાંધવાની બાકી રાખી સેક્યુલર”તા”ની તો…
જખ મારવા આપણા બંધારણમાં સેક્યુલર શબ્દ ઘાલ્યો ?
કોઈ કારણ વિના આટલા વર્ષ સેક્યુલર કરી કરીને જીવ્યા , આજે હવે આટલો મોટો તમાચો પડ્યો છે મોઢે… ગાલ લાલ રાખો તમ તમારે..
એક સમય હતો જ્યારે દુનિયા આખી પાસપોર્ટ વિઝા વિનાની હતી અને જગત આખામાં યાયાવર પક્ષીની જેમ પ્રાણી માત્રને પોતાને અનુકૂળ લાગે એવા વાતાવરણ અને પર્યાવરણ સાથે સાયુજ્ય કેળવી અને વસવાની છૂટ હતી , કોઈ જાતિ કે સમુદાય કોઈ જગ્યા ઉપર દાવો ઠોકે તો યુધ્ધની નોબત આવે, પણ સામાન્ય પ્રજાને બહુ કનડગત નહીં ,
પણ જે દિવસથી માતા ઈંગ્લાન્ડ જગત ઉપર હાવી થઈ એ દિવસ પછી પનોતી બેઠી અને ચાલુ થયું , પોણી દુનિયાના દેશો ને “આઝાદ” કર્યા જોડે જોડે પાસપોર્ટ વિઝા નામની આખી સિસ્ટમ ઊભી કરી , કીડા મંકોડાને એક જ દરમાં રહેવા મજબૂર કર્યા , અંદર અંદર આવનારા હજજારો વર્ષ સુધી ઝઘડતા રહે એનો પૂરો બંદોબસ્ત કરતા ગયા..
હવે પાસપોર્ટ વિઝા વિના ફરવું હોય તો પ્રેમ દેશની જ સેર કરવી પડે બાકી બીજા કોઈ દેશમાં જવાય નહીં …!!!
નાના બાપાને ગઈકાલે એક વિધવા બહુ જોરથી ભેટ્યા..
ત્યાં આ ભેટાભેટી નું બહુ જોર..! દૂર રહીને જેસી કૃષ્ણ કરીને વાત કરીએ એવું નહીં ..ભેટવાવાળા વિધવાએ નાના બાપના માથામાં પણ હાથ ફેરવ્યો અને નાના બાપા સેમ એ એની કેડમાં હાથ ઘાલ્યો .. ઉપરથી પેલા બેને એમ કીધું કે મને નાના બાપા સેમમાં મારો મરેલો ધણી દેખાય છે ..
ઓ માડી રે.. સોશિયલ મીડિયાએ ધૂળ કાઢી નાખી , અલી બેન તું તારે હવે તારી બેગ બિસ્તરા પેક કરી લ્યે ,ભારત ભેગી થઈ જા ,તારા ધણીને હવે ૨૦૨૮માં ધવલ મહાલયમાં જવું છે, અને એને માટે હવે ચૂંટણી લડાવી પડશે ત્યારે એને જીતવા માટે એને એની નાત જાતની જોઈશે.. તું ઘરમાંથી નીકળી જા બોન…
આપણે ત્યાં ઘર ગરણું કરવાની કોઈ નવાઈ નથી , તું તારે ઘેર સાત સમંદર પાર બેઠી પ્રેમ કર્યા કરજે ..
સાલું આપણને એમ કે’ ધર્મ ની રાજનીતિ નહીં કરવાની , ધર્મ એ બહુ અંગત બાબત છે , રોજિંદી ક્રિયાઓમાં ધર્મ ને વચ્ચે નહીં લાવવાનો અને સુખ શાંતિથી રહેવાનું , મત આપતી વખતે ધર્મ નહીં જોવાનો “અભણો”, અમારી જેમ ભણેલા ગણેલા જેમ યોગ્યતા જોઈને મત આપે છે તેમ આપવાનો ,
જાતિ અને લિંગ પણ નહીં જોવાનું.. ફક્ત અને ફક્ત યોગ્યતા જોવાની ..!!!
ડાહી સાસરે ન ગઈ અને ગાંડી ને સમજાવે … ” બોન સાસરું જ આપણું હાચુ ઘર કેવાય , આ બાપના ઘેર તો આપણે મેમાન કેવાઈ એ , બે પાંચ દિવસ રહીએ એ ઠીક , બાકી તો સાસરે જ રેવા ય આમ અહીં પડી ના રેવાય ..”
શું પરિસ્થિતિ કરી છે જગતની મોટા ભા થઈને આ લોકો એ…!!!!!
નર્યો સ્વાર્થ ..
મને એમ થાય કે આ આપણે જ વેવલા , જ્યાં જાવ ત્યાંના થઈને રહીએ , દેશ એવા વેશ કરીએ , કોઈને નડવું નહીં ,આપડા કામથી કામ રાખવું ,જે મળે એમાં સંતોષ માનવો , આજે નહીં તો કાલે સોના નો સૂરજ ઊગશે …
કેવી કેવી સલાહો આપી અને પરદેશ મોકલો છો તમે …
હમણાં એક ચાલીસીમાં રમતો છોકરો રાજા (રાણી) ના દેશમાં ફરવા જઈ આવ્યો .. અહીં રાણીને જાણી કરીને કૌંસ માં મૂક્યા છે ત્યાં એમના દેશમાં પણ હજી ઘણા લોકો રાણીને ગોલ્ડ ડિગર ગણી અને કૌંસમાં જ રાખે છે એટલે આપણે પણ એમને કૌંસ માં રાખ્યા..
એ છોકરો મને કહે ભાઈ જીવ બળી જાય જ્યાં અને ત્યાં આપણા છોકરા છોકરીઓ હોટલોમાં કામ કરે , મને એમ થાય કે એનો બાપ અને મા ત્યાં કેવા કેવા મન મારીને જીવીને આ રૂપિયા ના ડોલર પાઉન્ડ કરી ને અહીંયા મોકલતો હશે અને છોકરા છોકરી આ વૈતરા કર્યા પછી પણ માથે લટકતી તલવાર કે કાઢી મૂકશે તો ? અને દેશમાં આવે તો પાછા અહીંયા ના આવવા દે એની બીક એટલે બાપડા પાંચ પાંચ વર્ષ થી અહીંયા લટકેલા છે.. બહુ દયા જનક હાલત છે …
વર્લ્ડ ઓર્ડર નવેસર થી ગોઠવાઈ રહ્યો છે , જગતના માંધાતાઓના સ્વાર્થ અને જરૂરિયાતો બદલાઈ છે , વાંદરી પણ પોતાના નાકમાં પાણી ચડે તો પોતાના બચ્ચાને પગ નીચે મૂકી અને ઊભી રહી જાય , જીવ પેહલો , બીજું સુખ ,સગવડ ,સત્તા…..
કોણ કોને ક્યારે પગ નીચે મૂકી ને કચડી નાખે એ કેહવાય નહીં..!
સામર્થ્ય કેળવવું રહ્યું એ પણ સંશોધનથી ..!
પુષ્પક પછીનું વિમાન બજારમાં આવતા હજજારો લાખ્ખો વર્ષ વીત્યા ..
ચાલો કૂથલી કૂટી લીધી જગતની
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*