ફેસબુક પર કોઈએ એક રેલ્વે ની ગરીબ ભિખારણ બાઈ નો ફોટો મુક્યો ,કઈ એવું લખ્યું હતું કે રેલ્વે સત્તા વાળા આ ગંધાતી બાઈ ટ્રેન માંથી ને કેમ કાઢતા નથી …
આમ જોઈએ તો દુનિયા ની સૌથી મોટી રેલ્વે ભારતીય રેલ્વે છે , અને રોજ સૌથી વધુ લોકો ભારતીય રેલ્વે માં સફર કરે છે અને પેલું અંગેરજી વાળું સફર
પણ સૌથી વધારે ભારતીય રેલ્વે માં જ કરે છે , જીવન માં દુનિયા ની ઘણી બધી રેલાવે માં બેસવા નો મોકો મળ્યો , શ્રીલંકન રેલ્વે થી લઇ ને યુરોપ અને જાપાન સુધી ને રેલ્વે માં સફર કરી , મેગ્લેવ માં શાંઘાઈ માં ૪૩૦ કિલોમીટર ની સ્પીડ પર બેસી ને પણ મજા લીધી , પણ આપણા જેવી ભીડ અને ગંદકી ક્યાય ના મળી , રેલ્વે ની ગંદકી એ ભારત ની બધી ગંદકી માંથી કઈ જુદા પ્રકાર ની ગંદકી છે .
મોદી સાહેબ ને રોજ નતનવા કામ સુઝે છે , આ રેલ્વે ની ગંદકી અને એનું મૂળ પેલી અંગ્રેજો મૂકી ગયા એ સ્ટાઇલ ના જાજરૂ …એ સુધારો ને સાહેબ , તમે કહો છો આઉટ ઓફ બોક્ષ જઈ ને વિચારો લો મેં ડબા ની બહાર જઈ ને વિચાર્યું બસ , આપણે જે ભજીયા મુકીએ રેલ્વે ના ડબા ના જાજરૂ માં અને જાય સીધા નીચે રેલ્વે ટ્રેક પર , હવે નીચે કોઈ અન્ડર બ્રીજ હોય અને કોઈ સ્કુટર વાળો જતો હોય એટલે પેલા ને તો ગંગા નાહ્યા , જમના નાહ્યા , બધું અત્તર સુગંધી થી ન્હાવાય .
મારા એક મિત્ર ને આ અત્તર સુગંધી સ્નાન નો લાભ આપણા માદલપુર ના ગરનાળે મળ્યો છે, અને અમે એને બહુ વર્ષો સુધી અન્ટી ગીલન્ટી કરી હતી , ના સમજ પડી તો સમજવું જે આવું ગંદુ કામ કરે એને અડવું હોય તો હાથ ની આંગળી ક્રોસ કરવા ની અને પછી બોલવા નું ટીનીયા ની અન્ટી ગીલન્ટી …એટલે ટીનો મારવા આવે અને બધા એનાથી દુર ભાગે છી ગંદો તારી તો અન્ટી ગીલન્ટી…
ફરી પાછો રેલ્વે ના ડબાની બહાર જઈ ને વિચારું , આ બધું છી છી ભેગુ કરો એક ટેંક માં , દરેક રેલ્વે સ્ટેશને ગોબર ગેસ ના પ્લાન્ટ નાખો ,પછી યાર્ડ માં ગાડી જાય એટલે છી છી ને સીધો ગોબર ગેસ ના પ્લાન્ટ માં ઠાલવી દો . ગેસ પણ મળશે ,ખાતર પણ મળશે અને ગંદકી અને ગોબર માંથી રેલ્વે ને છુટકારો મળશે ,શું કો છો હેં બોસ …? હવે સમસ્યા નબર બે ગુજરાત મેલ માં મુંબઈ જઈએ અને બોરીવલી આવે પછી જો બારી ખોલો તો શું દેખાય સવાર સવાર માં …હાય હાય કેવી ગાંડી વાતો કરો છો તમે તો યાર … અમે એવું કઈ નથી જોતા … સારું યાર કઈ ક્રિયા રેલવે ના પાટે ચાલતી હોય છે ..?હવે આનો ઉકેલ તમે કોઈ વિચારો હો ભઈ …જોકે દેશ અને વિદેશ જઈ ને ઘર ઘર શૌચાલય ની વાતો થાય છે પણ મુંબઈ માં માણસ ને રેહવા ની જગ્યા નથી ત્યાં શૌચાલય ક્યાં બનાવશો …?.
હવે આજે ગંદી ગંદી વાતો કરું છું ને તો થોડી વધારે …. અમે સપરિવાર શેનઝેન ,ચાઈના થી હોંગકોંગ આવતા હતા ટ્રેન માં , અને એ ટ્રેન માં સગવડ નોહતી એટલે અને તો જેટલા ટેણીયા હતા બધા ને કચ્ચી ને ડાયપર બાંધી દીધા ….., એક ટેણીયા એ ડાયપર ભરી મુક્યું , સાફ તો કરવું પડે નહિ તો પેલું ટેણીયુ કકળાટે ચડે , સાફ કરવા ની જગ્યા નહિ , અને થયું પણ એવુજ ટેણીયુ કકળાટે ચડ્યું , ભાઈ દેસી રસ્તો કાઢ્યો ત્રણ જણા આડા ઉભા રહ્યા , અને ટેણીયા નું ડાયપર ખોલ્યું , સામાન માંથી ડીઓ કાઢ્યો અને બધાએ છાંટવા નો ચાલુ કર્યો , પેલી અત્તર સુગંધી ને મારવા માટે ,દસ મિનીટ માટે બધા ચીના કૈક છે છા છું … કરતા રહ્યા , પણ શું કરીએ..? અમારી પણ મજબૂરી હતી હા એ ગંદુ ડાયપર ને અમે સાચવી અને બેગ માં મુકયું અને હોન્કોંગ ઉતરી અને પ્રોપર કચરાપેટી માં નાખ્યું .હા હિન્દુસ્તાન માં હોત તો ડાયપર સીધું બહાર ટ્રેક પર જાત ..આપણ ને ટેવ જ એ છે ને …
રેલવે એટલે આપણા માટે ગંદકી નું પર્યાય .. કોઈ ઉપાય કારગત નીવડતો નથી . બીજું ભિખારી અને લાવારીસ પાગલ માણસો …. ક્યાં સ્ટેશન થી કોઈ એને ચડાવી ડે અને ક્યાં સ્ટેશને ઉતરે એ સંપૂર્ણ રામ ભરોસે , પણ એક માનવતા ના ધોરણે કોઈ એન જી ઓ ખાલી રેલ્વે માંથી આવા લાવારીસ અને ભિખારી કે પાગલ વૃધ્ધો ને લઇ અને સાચવે તો બહુ મોટી માનવ જાત ની સેવા ગણાશે .અમુક ભિખારી કે પાગલો ખરેખર દયનીય હાલત માં હોય છે ….
મેટ્રો સ્ટેશનો ઘણા ચોખ્ખા છે પણ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ માટે દોડતી મુંબઈ રેલ્વે કે ચેન્નાઈ રેલવે ની હાલત ભયંકર ખરાબ ….બિલાડી કરતા મોટા ઉંદરો …અને કુતરા થી મોટા બિલાડા આ બધું ભારતીય રેલ્વે માં મળે ….. નવી થયેલી દુરંતો કે રાજધાની જેવો મોટી ટ્રેનો માં અંદર ચોખ્ખાઈ આંખ ને ગમે તેવી હોય છે …
આજે દિલ્હી ના મસ્ત ચોખ્ખા અને સાઈલેન્ટ એરપોર્ટ પર થી રેલ્વે ની ગંદકી લખું છું ખરી આયરની કેહવાય નહિ …. ચાલો તમને બધા ને શુભ રાત્રી મને તો આ એર ઇન્ડિયા ક્યારે અમદાવાદ પાછો નાખશે એ રામ જાણે અત્યાર થી અડધો કલાક મોડું થઇ ગયું છે ….
શૈશવ વોરા