Page:-198
શર્વરી નિ:સાસો નાખીને બોલી હું હવે માની લઉં છું ચિરાગ કે અત્યારે તું જે કઈ કહી રહ્યો છે એ સાચું છે, પણ તું બહુ મોડો છે ચિરાગ..મારું દિલ અને શરીર બધું પત્થરનું થઇ ગયું છે, લાગણીઓના ઝરણા તો ક્યારના સુકાઈ ગયા છે,આપણા મોત ને ગઈકાલે રાત્રે તે અને મેં બંનેએ પેહલીવાર આંખો સામે જોયું છે,આપણે એને તકદીર કહો કે જે કઈ પણ કહો, પણ આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ પેહલીવાર એક સાથે જોઈ છે ,કાલે મોતને પણ આપણે બંને સાથે જ એકદમ નજીકથી જોયું છે ચિરાગ, અને આટલી નજીકથી મોતને જોયા પછી કદાચ મને અત્યારે રૂપિયાની પાછળ આપણે મુકેલી આંધળી દોટ સાવ વાહિયાત લાગે છે.. ચિરાગ તું વિચાર કર ગઈકાલે આપણે મરી ગયા હોત, તો તારી અને મારી પાસે રહેલા કરોડો રૂપિયા શું કામના હોત..? ચિરાગ બોલ્યો થોડો ઈમોશનલ થઈને બોલ્યો..વાત તો તારી સાચી છે સરૂ પણ જે દિવસથી આપણે ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં ઘુસ્યા એ જ દિવસથી આપણને રૂપિયા સિવાયની બીજી કોઈ દુનિયા ક્યાં દેખાઈ છે? આ તો નજરની સામે મોત દેખાયુ એટલે આ બધું જ્ઞાન આપણને બંને ને લાધ્યું છે, બાકી તો સાચી વાત તો એ જ છે કે આપણે હરામી જ હતા અને કદાચ આ મુસીબતમાંથી જેવા બહાર નીકળીશું એવા ફરી એકવાર હરામી થઇ જઈશું..પણ સરૂ આ મુસીબતમાંથી બહાર નીકળવું કેવી રીતે એ સૌથી મોટો સવાલ છે ,તારી ઉપર સિલ્વારાજ કે મિલન દવેનો ફોન આવ્યો..? શર્વરી સેહજ દુઃખી થઇને..બોલી ના નથી આવ્યો.. એટલી વારમાં બેલ વાગ્યો અને ઇશાન ફ્લેટમાં આવ્યો, શર્વરી ઉભી થઇ અને ઇશાન પાસેથી સામાન લઈને રસોડામાં ગઈ, અને ત્રણે જણાની ખીચડી બનવવા લાગી ઇશાન એને કિચનમાં મદદ કરતો હતો,
મુંબઈના ફ્લેટના રસોડામાં બે ઉપર ત્રીજી વ્યક્તિ સમાય એમ નોહતી એટલે ચિરાગ રસોડાના બારણે ઉભો રહ્યો..શર્વરી રસોઈ કરતા કરતા બોલી ઇશાન તને સિલ્વારાજ નો કે ગુપ્તાનો કે બીજા કોઈનો બેંકમાંથી ફોન આવ્યો..? ઇશાન બોલ્યો ના સરૂ.. ચિરાગ બોલ્યો બહુ નવાઈની વાત છે દરેક ટીવીમાં આપણી ઉપર થયેલા હુમલાની કલીપીંગ્સ ફરી રહી છે, અને તારી સીડીઆઈસીમાંથી એકપણ માણસનો ફોન નથી..! ઇશાન બોલ્યો કદાચ શિકારીને અફસોસ થતો હોય કે એના હાથમાંથી શિકાર છૂટી ગયાનો એટલે ફોન ના કરતા હોય..શર્વરી બોલી એટલે ઇશાન તને પણ એવું લાગે છે કે સિલ્વારાજ નો હાથ હોઈ શકે આ હુમલા પાછળ..? ઇશાન સેહજ દાઢમાં બોલ્યો હું તો આ ચિરાગભાઈ ને પણ શંકાના દાયરામાંથી બહાર નથી મુકતો,કદાચ એમને પણ તને મારી નાખવી હોય,અને તું બચી ગઈ એટલે એ તારી પાછળ અહી સુધી આવી ગયા છે, ઇશાનની વાત સાંભળીને ચિરાગ સેહજ આડું જોઈ ગયો, .. CONT..199
Cycle meeting/Page-198 /શૈશવ વોરા www.shaishavvora.com