આજે વર્લ્ડ હેરીટેજ ડે છે બહુ બધા હેરીટેજ ની લોકો વાતો કરશે આપણે બધા તો પાક્કા અમદાવાદી જેના મન અને શરીર જ નહિ આત્મા સુધ્ધા માં રૂપિયા ભરાયેલા હોય છે ,એટલે એક એવા હેરીટેજ ની વાત કરીએ જ્યાં સાક્ષાત માતા મહાલક્ષ્મી રેહતા હતા …….અમદાવાદ નું શેરબજાર
શેર બજાર … એક ખતરનાક એ છરી જો વાપરતા આવડે તો તમારો એવો મિત્ર થાય કે જીવનભર તમને સાચવે અને નહિ તો બરબાદ … લાલચ ને ક્યાંક થોભ આપો અને ચોક્કસ ગણતરી થી ચાલો તો તમારું બજાર અહીં તો શેર ના પાશેરા થતા કલાક પણ ના થાય ….
સામાન્ય અમદાવાદી માણસ માટે સીતેર ના અને એશી ના દાયકા માં અમદાવાદ શેરબજાર એટલે સટોડીયા નું બજાર ….આપણ ને છઠા સાતમાં ધોરણ માં શેર બજાર નું ભણવામાં પ્રાથમિક જ્ઞાન આપતા પછી છાપા નું બીજું પત્તું … વાંચતા જાવ અને ખુશ રહો …
અમદાવાદ નું શેરબજાર મારી યાદો માં માણેકચોક માં બે ત્રણ વાર બાળપણ માં કે કિશોર અવસ્થા માં ચાલુ બજાર જોયું .. શ્રીનાથજી ના મંદિર કરતા પણ વધારે ભીડ અને બુમાબુમ કઈ ખબર ના પડે કોણે લીધા અને કોણે વેચ્યા કાન ફાડી નાખતી બુમો , જોબરો અને દલાલો ની બુમાબુમ … મારી જીવન ની આ પેહલી ઇમ્પ્રેશન …પછી છાપા નું બીજું પત્તું ….
સરદાર મનમોહન સિંગ નું નાણામંત્રી તરીકે નું પેહલું બજેટ સાંજે પાંચ વાગે બજેટ વાંચવાનું ચાલુ થાય લોકસભા માં એટલે બજાર સવારે દસ થી બપોર ના એક વાગ્યા સુધી ખુલે અને પછી સાંજે પાંચ વાગ્યા થી સાત સુધી ખુલે અને બંધ થાય … દિવસ માં બે વાર શેરબજાર ખુલે અને બંધ થાય બજેટ ના દિવસે …એ મનમોહનસિંગ ના પેહલા બજેટ ની સવાર મને બરાબર યાદ છે તાતા ઓર્ડીનરી અને રિલાયન્સ બંને શેર માં સો રૂપિયા નો વધારો થયો હતો સાંજ ની સેશન માં કોઈ સર્કીટ નું અસ્તિત્વ નોહતું …સેબી તો જન્મી જ નોહતી …
તાતા ને રાંડી રાંડ નો શેર કેહવાતો … કોઈ પણ રીતે તાતા ઓર્ડીનરી દસ ટકા વ્યાજ તો આપે આપે અને આપે જ અને એટલે વિધવા હોયઅને તેણે જો ઓર્ડીનરી લીધા હોય તો તેનું ઘર આરામ થી ચાલી જાય માટે એનું નામ રાંડી રાંડ નો શેર એવું હતું …બાકી તાતા નો શેર તો કઈ લેવાય ..? એ તો રિબાવે અને કોઈ દાડો બોનસ ના આપે ના સટ્ટો ચડે ....એવું બજાર બોલે ..અને રિલાયન્સ ને તો પરપોટો કેહતા ક્યારે ફૂટશે એ કેહવાય નહિ .....
મોટેભાગે મોટી કાપડ મિલો ના શેર જ વધારે ચાલતા ... કેલિકો મિલ ના સો વર્ષ નિમિતે એક ફોલિયો દીઠ એક લેધર ની ઓફીસ બેગ ની ગીફ્ટ આપવા ની હતી અને અમદાવાદી ગાંડા થયા હતા .... કેલિકો ડોમ રીલીફ રોડ પર રીતસર ની લાઈનો બેગ લેવા ... મારા ઘર માં પણ પૂરી બાર , એક ડઝન બેગ આવી હતી ...લગભગ બધા સગા વ્હાલા ને પોહચાડી હતી .....અને પાપા ને કેલિકો મિલ બંધ થવા ની ખબર પડી છતાં શેર ના વેચ્યા .... અમારા એકાઉનટન્ટ પણ એકાઉનનટન્ટ ઓછા પણ સ્વજન વધારે એવા દાણી કાકા પપ્પા ને કેહતા દાકતર કેલિકો વેચો નહિ તો પેલી મસાણ વાળી જગ્યા ભાગ પડશે ત્યારે તમને આપશે ... અને પપ્પા હસી ને કેહતા કઈ વાંધો નહિ દાણી ... ઘણું વ્યાજ આપ્યું છે ...એ જગ્યા પણ નહિ આપે તો ચાલશે .. એમ કેલિકો ના કાઢી નખાય ...
રિલાયન્સ ની ઉપર ક્યારેય કોઈએ ભરોસો ના કર્યો ... સેહજ પણ રિલાયન્સ નો શેર નીચો જાય અને અફવા ના પડીકા ફરવાના ચાલુ થઇ જાય , મને એક વખત યાદ છે રિલાયન્સ સો રૂપિયાનો શેર ડિસ્કાઉન્ટ માં થઇ ને એશી ની આજુ બાજુ આવી ગયો હતો ....અને શેરબજાર માં ધમાલ મચી હતી ધીરુભાઈ અંબાણી માંથી ધીરુ થઇ ગયા હતા અને જનતા ધીરુ ગયો ધીરુ ગયો કરી ને ચલાવતી હતી .... કશું બોલવા માં બાકી નોહતું રાખ્યું ...
સ્પેશીયલ ગીફ્ટ ની લાલચ પ્રજા માં એજીએમ માં જતી હતી ..મર્જરો બહુ ઓછા થતા અને સારી સ્ક્રીપ્ટ માં બોનસ પણ ખુબ સારા આવતા સો રૂપિયા ની મૂળ કીમત નો શેર દસ રૂપિયા માં સ્પીલ્ટ પણ ઘણી કંપની કરી આપતી અને રાઈટ શેર પણ ઘણા આવતા .... બોનસ અને રાઈટ શેર ને બચ્ચા આવ્યા એવું કેહવાતું અમુક સ્ક્રીપ્ટ માં તો બચ્ચા એના બચ્ચા અને એના પણ બચ્ચા આવતા ... કોલગેટ પામોલીવ જેવી કંપની એ સળંગ છ વર્ષ એક શેર પર એક શેર નું બોનસ આપ્યું એટલે બચ્ચા ની છ પેઢી આવી .... સો શેર ઓરીજીનલ હોય તો છઠ્ઠી પેઢી ના બચ્ચા કેટલા થાય ગણો ... મગજ ફરી જશે ...ઇન્વેસ્ટમેન્ટ નું રીટર્ન ઘણું સારું હતું નાનો માણસ ધારે તો સારી રીતે ઇન્વેસ્ટ કરતો હતો ....મુચુઅલ ફંડ નું અસ્તિત્વ નોહતું .... આખેઆખી ઈકોનોમી પ્રોટેક્ટટેડ હતી , ગ્લોબલ માર્કેટ ની કોઈ જ અસર ભારતીય શેરબજાર માં નોહતી પડતી ...
અમદાવાદ ની પોતાની કેહવાય એવી બીજી મિલ અરવિંદ મિલ ...! સો ની મૂળ કીમત નો શેર અને બાબરી મસ્જીદ તૂટી ત્યારે રાઈટ શેર આપ્યો એકસો પચીસ રૂપિયા માં એક માં અને માર્કેટ ચાલે બસો પચીસ રૂપિયા પર બે શેર પર એક શેર રાઈટ નો આવ્યો .... પછી સ્પીલ્ટ કરી દસ નો એક થયો અને પનોતી બેઠી અરવિંદ પર ... કેટલા વર્ષો સુધી છ રૂપિયા થી ચૌદ રૂપિયા ની વચ્ચે એ શેર નો ભાવ રખડ્યો .... બહુ લોકો ને રીબાવ્યા ..
એક અમદાવાદી તરીકે કે ગુજરાતી તરીકે થોડું હવે અત્યારે એમ થાય કે જે દબદબો આપણો કે આપણી પોતાની કેહવાય એવી કંપનીઓ નો હતો સીતેર અને એશી ના દાયકા માં અને લોકો આંખ બંધ કરી ને વિશ્વાસ કરતા તે વિશ્વાસ અમદાવાદ કે ગુજરાત ની કંપની ઓ પર અફસોસ હવે નથી રહ્યો .....
હર્ષદ મેહતા ની તેજી આવી કૈક ઘર બરબાદ થયા ... લોકો રાન રાન ને પાન પાન થયા કૈક માંવરુઓ લોહી ના આંસુડે રડી ....કમાયા કરતા મોટા ભાગ ના લોકો એ ગુમાવ્યું વધારે જેને લે વેચ કરી એને પણ અને જેને મૂકી રાખ્યા એમને પણ .... બાકી હતું તો એક બીજો ગુજરાતી કેતન પારેખ આખે આખી માધુપુરા બેંક ખાઈ ગયા .... ગુજરાતી શબ્દકોશ ને એક આખો નવો શબ્દ મળ્યો “” મરણમુડી “” હર્ષદ મેહતા કરતા વધારે નિર્દોષ લોકો નો ભોગ આ શેર બજારે લીધો જેમને આંધળો વિશ્વાસ હતો કે માધુપુરા તો ના જાય એવા ઘરડા રીટાયર થયેલા લોકો ની ફિક્ષ ડીપોઝીટ શેરબજાર ની કૃત્રિમ તેજી ખાઈ ગઈ ......વાયા માધુપુરા બેંક ....લોકો ની મરણ મૂડી ધોવાઇ ગઈ ...અને આયુષ્ય નો એક દસકો પણ ઓછો ગયો ....ઢળતી ઉમરે નોકરી માટે એ વડીલો ફાફા મારતા થયા ....સેબી નવી નવી જન્મી હતી શું ચક્કર ચાલી ગયું એ ખબર જ ના પડી સેબી ને ...... ગુજરાત માંથી લગભગ કો ઓપરેટીવ બેંકો નો એકડો નીકળી ગયો .... બહુ જ મોટું પાપ છે ......કૈક ધંધા ,રોજગાર,વેપાર પડી ભાંગ્યા ... પણ દુખ નું ઓસડ દા
ડા… પછી ધીમે ધીમે નક્કર પરિબળો અને સાચી સંસ્થાઓ બજાર માં આવતી ગઈ અને માર્કેટ કેપ વધતું ગયું બજાર વોલ્યુમ પકડતું ગયું ..ઈકોનોમી ને છેલ્લા પંદર વીસ વર્ષ માં મનમોહનસિંગ અને યશવંત સિન્હા ખોલતા ગયા ….ટેકનોલોજી વધતી ગઈ અને અમદાવાદ શેર બજાર નું મૃત્યુ થયું….!!!!
બધો જ કારોબાર બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ પર ચાલી ગયું …. માણેક ચોક માં સન્નાટો પ્રસર્યો શેર બજાર ના ઓટલે બેસી ને ચવાણું વેચતો ચવાણા વાળા એ બહાર દસ બ્રાંચ ખોલી નાખી ,અત્યારે તો એની પાસે તૈયાર ચવાણું લોકો લે છે …. અમે ચવાણું નહિ પણ ભૂસું ખાતા અને બનાવડાવતા એની પાસે … સેવ નાખ, દાળમૂઠ નાખ,ફૂલવાડી ટમટમ,મગ,પૌઆ , આવું બધું સામે ઉભા રહી નખાવતા અને ભૂસું બનાવડાવતા …..ગીરીશ ની લસ્સી ,જનતા ના સમોસા અને આઈસ્ક્રીમ …. આ બધુ દિવસ ના સમયે અમદાવાદ ના શેર બજાર ને આભારી હતું…
આજે ખાલી અને બંધ બિલ્ડીંગ છે … આટલું મોટું માર્કેટ કેપ હોવા છતાં અમદાવાદ શેર બજાર ને બચાવી ના શકાયું …એવું કેહવાતું આહિયા સાક્ષાત માતા મહાલક્ષ્મી નો વાસ છે …. લક્ષ્મીજી નગર છોડી ચાલી ના જાય એના માટે સૈનિકે બાદશાહ પાસે પોતાનું માથું ઉતારી ને આપી દીધું હતું ….અને માણેક બાવો ત્યાજ બાજુ માં સુતો છે ….કોઈક ચમત્કાર થાય ને અમદાવાદ શેરબજાર માં ફરી પ્રાણ આવે અને અમદાવાદ નું શેર બજાર ફરી ધમધમતું થાય …હર્ષદ મેહતા અને કેતન ના પાપો ધોવાય …. કોઈ ભગીરથ ભાગીરથી ને માણેકચોક માં ઉતારે એવી આશા સાથે ….
શેરબજાર ની વાત કરી છે તો એક ટીપ તો બનતી હૈ …અને હેરીટેજ ની વાત છે તો ટીપ પણ હેરીટેજ જ હોવી જોઈએ ….
અમારા એક જુના પાડોશી કાકા જે આજે અત્યારે જીવતા હોત તો એકસો વીસ વર્ષ ના હોત …ચોરાણું વર્ષે એમનું મૃત્યુ થયેલું , પણ પાકો શેરબજાર નો જીવ ….તેઓ પપ્પા ને હમેશા કેહતા “ દાકતર લોકો બજાર ની બહાર નીકળે ત્યારે આપણે અંદર જવાનું , અને લોકો જેવા અંદર આવે એટલે આપણે બહાર નીકળવાનું , ગાંઠ બાંધી લો, આ જ નિયમ રાખજો, અને બીજું મફત મળે તો પણ પિત્તળ ના લેતા ,થોડું મોંઘુ ભલે પડે સોનું જ લેવું આ બજાર માં ..”
શુભ રાત્રી
– શૈશવ વોરા