આજે મારું મન ભારે છે ..
મારા સૌથી વૃદ્ધ મિત્ર કનકકાકા આજે આઈસીયુ માં છે…. એમની ઉમર ૮૫ વર્ષ છે બ્રેઈન હેમરેજ , ડોકટરો એ ઓપરેશન ની ના પાડી છે ..વેઇટ કરો થોડા દિવસ …પણ મારું મન નથી માનતું ,અંતર મારું રડે છે .. કાકા ને ક્યારેય મેં આવી અવસ્થા માં જોયા નથી ,કાકા સાથે મારે જરા પણ લોહી નો સબંધ નથી ,અમે ફક્ત અંતરના તાંતણે જ જોડાયેલા છીએ , એવું કેહવાય છે કે સબંધો હૈયા ના હોય અને એમાં ઉમર નાત જાત કશું જોવાતું નથી .
કનકકાકા ના ઘરે અમે ખુબ નાના હતા ત્યારે જતા , કાકા કાકી ને સંતાન ના હોવા ને કારણે અમને એમના તરફથી અમને અત્યંત પ્રેમ મળતો , તેઓ અમારા પેશન્ટ અને એક જ ગામ ના હોવા ને લીધે મારા મમ્મી પપ્પા સાથે એમને સારું ગોઠતું ,મેં કેમેસ્ટ્રી માં એમએસસી ની છેલ્લા વર્ષ ની પરીક્ષા આપી ,અને મારે ધંધે ચડવાનું હતું મારે … કાકા ને કેમિકલ નો ધંધો … પાપા એ કીધું કનકભાઈ તમારે ત્યાં શૈશવ ને લઇ જાવ શીખવાડો ધંધો .. મને ત્યારે એમણે પેહલી વાર એમનું વીઝીટીંગ કાર્ડ આપ્યું અને કીધું કાલે અગિયાર વાગે ફેક્ટરી આવી જજે ….આ સરનામે .
એ દિવસ મારા જીવન નો બહુ જ મોટો ટર્નિગ દિવસ હતો… ડોકટર માંબાપ નો છેલબટાઉ જેની બાઈકે ક્યારેય નદી ની આ બાજુ ની દુનિયા જોઈ જ નોહતી , મણીનગર તો માંડ માંડ જોયું હતું મેં , અને જવાનું હતું વટવા ….સી જી રોડ અને એલિસબ્રિજ ,બહુ બહુ તો કાલુપુર જમાલપુર અને મણીનગર તો હદ થઇ ગઈ…. શોધતો શોધતો બે કલાકે વટવા પોહચ્યો … એ દિવસે કાકા એ મને થમ્સ અપ પીવડાવી , બેસાડ્યો પ્રેમ થી વાતો કરી અને વિદાય કર્યો …. આવતીકાલે ટીફીન લઈ ને આવજે ….સવારે દસ વાગે ..ટીફીન મારા માટે એક નવો શબ્દ હતો , ટીફીન તો કોઈ હોસ્પિટલ માં હોય ત્યારે જ લઇ જવાય ….દુનિયા ના કરોડો લોકો ટીફીન ખાય છે એની મને ખબર નોતી , મને તો લોઢી ઉપર થી ઉતરતી ગરમ રોટલી જ જોઈએ ….બીજા દિવસે હું દસ વાગે ટીફીન લીધા વિના પોહચ્યો … કાકા નો પેહલો સવાલ હતો ટીફીન ક્યાં છે ? મેં કીધું હું ત્રણ વાગે ઘેર જઈને જમીશ ….અને મારા જીવન નો પેહલો પાઠ શીખવાડ્યો કાકાએ બેટા આ દુનિયા માં આપણે જે કામ કે મજુરી કરીએ છીએ ને એ ખાવા માટે કરીએ છીએ …પેટ ભરેલું હશે ને તો જ કામ આવડશે … માટે રોજ સમયસર જમી લેવાનું ગમે ત્યાં હો પણ એક વાગે તો જમીજ લેવાનું …..એ દિવસે દાવત હોટલ માંથી મારું ટીફીન આવ્યું અને મને જમાડ્યો … બીજા દિવસ થી ટીફીન મને વળગ્યું ..તે આજ દિન સુધી વળગેલું છે , આજે ચાલુ ગાડીએ પણ પાછળ બેસી ને હું જમી લઉં છું ….દુનિયા જોવે તો જખ મારે….વટવા ની ગલીએ ગલી જોઈ ,કાકા દરેક જગ્યાએ મને એકલો જ મોકલે નથી જોયું કહું તો લોડીંગ રીક્ષા માં માલ જતો હોય તો તેની સાથે મને આગળ બેસાડી દે જા જોઈ લે …..જેણે ગાડી માંથી નીચે પગ નોહતો મુક્યો એ શૈશવ એક હાથે લોડીંગ રીક્ષા નું છાપરું ઝાલી અને ડ્રાઈવર જોડે અડધી સીટ શેર કરી અને વટવા ,ઓઢવ ,નરોડા ની જીઆઇડીસી ની ધૂળ ફાકતો થઇ ગયો …ડબલ ચીઝ પીઝા અને કોક ,સોફ્ટી ,ભાજી પાવ ,મેક્સિકન ,અને નવું નવું ચાઇનીઝ અને પંજાબી માં ચીઝ નાન …. આ બધું ખાવા માટે જીવતો શૈશવ ટીફીન ની રોટલી શાક ખાતો થઇ ગયો …
બીલ ,ચલણ ,સેલ્સ ટેક્ષ ,એક્સાઈઝ ,ઇન્કમટેક્ષ , મ્યુનીસીપલ ટેક્ષ ,પાણી વેરો ,ગટર વેરો ,એઈસી નું લાઈટ બીલ , જીઆઈડીસી ,ફોન બીલ, ગુમાસ્તા ધારા ,લેબર એક્ટ ,ફેક્ટરી ઇન્સ્પેક્ટર ,રસ્તા માં હપતા ઉઘરાવતી પોલીસ ……આ બધા નું દુનિયા માં અસ્તિત્વ ની જાણ કાકાએ કરાવી …એક વર્ષ માં આ બધું શીખતા શીખતા એક સમય એવો આવ્યો કે અમે એકદમ સારા મિત્રો થઇ ગયા …. કાકા એમની જુવાની ની વાતો કહે અને હું સાંભળું , પછી ક્યારેક હું પણ મારી વાતો એ ચડી જાઉં …
એ જમાના માં એવું કેહવાતું કે કૈક શીખવું હોય ને તો તમારા થી મોટી ઉમર ના સાથે મિત્રતા કરો …અને મારા નસીબે મને કાકાના રૂપ માં મારા થી ચાલીસ વર્ષ મોટા મિત્ર મળી ગયા ..અગણિત ગુજરાતી કેહવતો નો ભંડાર , તાતા અને પોન્ડ્સ ની એમની નોકરી ત્યાં થી કેમિકલ ફેકટરી ની સફર …બધી જ વાતો એકદમ ડીટેઇલ માં કાકા મારે સાથે કરતા , અમને બંને ને એક બીજા ની આદત થઇ ગઈ …. અને કાકા એ મને ધંધા માં ભાગીદાર બનાવ્યો…
મારા લગ્ન થયા …હનીમુન પર પરદેશ જવાનો હતો હું બાર દિવસ માટે દેશ ની બહાર જવાનો હતો , મને સખત ટેન્શન હતું કાકા એકલા બધું કેમનું કરશે ….મેં ધંધો ફેલાવ્યો હતો , સાલ ૧૯૯૮ … ઇન્ટરનેશનલ રોમિંગ ખુબ મોંઘુ છતાં પણ હું એક્ટીવેટ કરાવી આવ્યો , અમે એરપોર્ટ જવા નીકળ્યા રસ્તા માં કાકાએ મારો મોબાઈલ મારી પાસે થી લઇ લીધો ..ત્યાં પોહચી અને પોહ્ચ્યા નો ફોન કરજો અને ફેક્ટરી ફોન કરવાની જરૂર નથી .મેં કીધું કાકા તમે એકલા..વચ્ચે થી રોકી પડ્યો મને જે થવું હોય તે થાય ..આ દિવસો તારા જીવન માં ફરી નહિ આવે અહિયાં ની કોઈ પણ જાત ની ચિંતા છોડ અને બેઉ જણા ફરતા આવો જાવ …મજા કરો …અને રૂપિયા ખૂટે તો કેહજે અહીંથી હવાલો નાખીશ, એકદમ હાથ છુટ્ટો રાખજે ……જેટલું ફરાય એટલું ફરી લેજો …
બસ આવી અમારી દોસ્તી … કાકા મારા વડીલ ફ્રેન્ડ , ફિલોસોફર, ગાઈડ ..ગોડ ફાધર ..
ઈશ્વર ને પ્રાથના એમને ઘરે પાછા લાવે તો એમના પગે ચાલી ને લાવજે … એમને એમના ઠાકોરજી ને મળ્યા વિના નહિ ચાલે….મને તો કાકા હરતા ફરતા અને કેહવતો બોલતા જ જોવા ગમે, ખાટલે પડેલા ઓક્સીજન માસ્ક પેહરેલા કાકા મારાથી નથી જોવાતા…
શૈશવ વોરા