આજે ૧૨ મી ડીસેમ્બર …
જબરજસ્ત લગ્નો છે ચારે બાજુ , કમુરતા ગગા ,ગગી ને વરાવી દેવાના … પેહલા ફેકટરી થી ઘેર આવતા આઠ દસ જાન રસ્તા માં મળી , અને ઘર ની આજુબાજુ માં આવેલા બધા પાર્ટી પ્લોટ અને હોલ માં જાનો આવેલી હતી ,ટ્રાફિક માં ફસાયેલા મેં ગાડી નું ટેપ બંધ કરી બેન્ડવાજા ના ગીતો સાંભળ્યા … એક જાન માં તો બોસ પેલું અરિજિતસિંહ નું …..સુનો ના સંગેમર કે યે મિનારે …..કુછ ભી નહિ હૈ આગે તુમહારે …. બેન્ડવાજાવાળો વગાડે અને ગુર્જરનારીઓ એની ઉપર સરસ મજા ના ગરબા લે …
અહાહાહાહાહાહા…. હું તો ધન્ય થઇ ગયો બેન્ડવાજા વાળા ની સૂઝ અને એ નારીઓ ના ગરબા દર્શન કરીને …સાલું કોઈ પણ ગીત કે ટયુન ને ગરબા ના ઢાળ માં સેટ કરવા ના , અને પછી એની ઉપર ગરબા … વાહ વાહ , જોરદાર નું ગરબા ઝનુન …મન મારું મોર બની થનગાટ કરી ગયું …..
નવા નવા ટયુન અને નવા નવા ગરબા કે ડાન્સ ,પેલા હોલીવુડ અને રામદેવ નગર ના ટેકરા થી નીકળતી જાન , એ જાન જોવાની મને બહુ ગમે , રાત નો સમય હોય ,મોટે અવાજે ડીજે નું મ્યુઝીક વાગતું હોય અને આખું ગામ નાચતું હોય, ઓછા માં ઓછા બસ્સો ત્રણસો જણા એક સામટા નાચતા હોય અને જે રમઝટ ચાલતી હોય .. ડીજે ની ટ્રક આગળ ચાલે અને જનતા નું આખું ટોળું, ચમકતા કપડા પેહેરેલા હોય અને પેલા ફાનસો ની લાઈટ, અને બધી જ હિરોઈનો અને હીરો ઝનઝનાટ કરતા હોય ,પાછળ એક ઘોડા પર તલવાર, સાફા માં સજ્જ અને સાફા માં પાછી એલઈડી લાઈટ નાખી હોય અને એ પેહરી ને વરરાજા ચમકતા બેઠા હોય , એની પાછળ પેલી જીપ વાળી બગ્ગી હોય અને એમાં વર ની માં અને બેહન બેઠી હોય ….. આહાહા હા હા હા … દસ મિનીટ તો નજરો જોવા જેવો હોય ….. કોઈ ટેન્શન કે સ્ટ્રેસ વિના બધું જ નાચતું હોય , કોણે કેવા કપડા પેહર્યા , ચપ્પલ પગ માં છે કે નહિ ,કે પછી હું આવું નાચીશ તો કોઈ મને શું કેહશે….લગન માં બોલાવ્યો કે નહિ બોલાવ્યો , કઈ જ ગણકારવા નું નહિ બસ નાચો ….ઓય નચ્ચો સારે જી ફાડ કે …..કોઈ જ દુનિયાદારી ની બિલકુલ ના પડી હોય , અને હેઈ બધું હિલ્લોળે ચડે …મને તો એ નિખાલસતા કે મોજ બહુ જોવી ગમે , અને હું આવું કઈ નથી કરી શકતો એનો અફસોસ પણ ખરો …
મિત્ર જય કહે છે શૈશવ, બકા એ બધા છે ને એક એક પોટલી મારી ને નાચે છે …હવે સમજદાર ને ઈશારો કાફી છે … પણ મારે નથી મારવી પોટલી કે બાટલી એ વિના જ બિન્દાસ્ત જીવવું છે ….પ્રસંગો ને ખરેખર માણવા છે …
જોકે હું તો ઘણી રીતે એન્જોય કરું છું પ્રસંગો ને ,મને ચોક્કસ બધા ની વચ્ચે હળવું મળવું ગમે છે …અને સમાજ ના જુદા જુદા વર્ગો અને જુદા જુદા પ્રસંગો બને થી એસેસ કરવા ની તક મળે છે , એટલે લગભગ એક પણ ઇન્વીટેશન ને બને ત્યાં સુધી હું છોડતો નથી , હા હવે પેલા પંજાબી ,કે ચાટ કે , કોન્ટીનેટલ , ફાઈવ સ્ટાર ,ફૂડ ના ચસકા બિલકુલ મરી પરવાર્યા છે .હા એમ્બીયંસ ને ચોક્કસ એન્જોય કરું છું , અને જો સપરિવાર આમંત્રણ હોય તો મને મારા પોતાના પરિવાર સાથે એન્જોય કરવા ની વધારે મજા આવે છે …
આજે એક સુન્દર મજા ના લગ્ન માં જવા નું થયું અને જમવાનું પણ બહુજ ગમ્યું મેનુ પણ બહુ જ સરસ ,ગુજરાતી મેનુ હતું , ફરસાણ માં ભજીયા હતા , અને મીઠાઈ માં હલવો, મસ્ત રીંગણ નો ઓળો અને બટાકા નું શાક , પાંચ સલાડ , બાજરા નો રોટલો ,થેપલા ,ભાખરી , રોટલી ,દાળ , ભાત છેલ્લે છાશ ….ટોટલ દેશી મેનુ હતું ,મને તો ટેસડો પડી ગયો ભાઈ ….
આપડે તો હવે નિદ્રાધીન થઈશું ભરપેટ ખાધું છે . કાલે સવારે જીમ માં થોડી ગાળો પડશે , બહાર આવેલું પેટ જોઈ ને ,હશે ત્યારે છેલ્લે મારા સાસુમા એક કેહવત કેહતા ખાધેલું હારે આવશે જમાઈરાજ જમી લ્યો તમતમારે ,.
માગશર ચાલ્યો હજી પોષ મહિના ની ઠંડી અને પછી મહા અને ફાગણ નો બીજો લગનગાળો બાકી , મારા સાસુ માં ની કેહવત તમને ગમી હોય અને સારું દેખાય તો પછી તમે પણ લગાવજો ત્યારે ….અત્યારે તો
શુભરાત્રિ
– શૈશવ વોરા