The Economist નું સરસ મજાનું આ કવર પેજ
જમ્બો રનવે પર આવી ને ઉભો છે બસ જેટલી સાહેબ એના એન્જીન ઉપાડે એટલી વાર છે… બહુ સિમ્બોલિક લાગ્યું મને આ કવર પેજ , આપણો દેશ ખરેખર હાથી જેવો છે , જુનું તો ધરાર ભૂલતો જ નથી ,વજન પણ એટલું દેશની વસ્તી જેટલું અને ચાલ પણ ધીમી ,ખાય મણનું અને કાઢે પણ મણ , થોડુક દોડે ત્યાં થાકી જાય ,ખાલી દેખાવ નો મોટો ,તાકાત બહુ પણ વાપરવી ક્યાં ..? એ ખબર નહિ , અહંકાર પણ એટલો ,અને મદ્દ ચડે તો કોઈનો નહિ .. છટકે તો મોટી જાડી સાંકળો તોડે અને પ્રેમ થી નાની લાકડી મારો તો પણ વળી જાય, કીમતી દંતશુળ રાણી વિકટોરીયા કાઢી ગઈ …હવે આ હાથી ને ,જમ્બો ને ઐરાવત ની જેમ હવા માં ઉડતો કરવાનો છે….મોદી સાહેબે અને જેટલી સાહેબે..!!!! આ બજેટ માં
બહુ વર્ષે ફરી તક આવી છે જેટલી સાહેબ પાસે કઈ ક નવું અને સારું કરવાની…! બાકી અત્યાર સુધી ના છેલ્લા બધા જ બજેટ માં આ ખિસ્સા માં થી પૈસા કાઢી અને પેલા ખિસ્સા માં નાખ્યા …કોઈ બહુ મોટો ભલીવાર નોહતો….. ટેક્ષ ઉપર સેસ નાખી ને ચલાવતા ,મનમોહન સિંગ નું પેહલું બજેટ આવ્યું ત્યારે જે ઈકોનોમી ની દિશા ફરી ,એ દિશા ચોક્કસ પકડાઈ રહી ,પણ ગઠબંધન ની રાજનીતિ અને યુપીએ ના ભ્રષ્ટાચારો એ બધું બહુ ખાનાખરાબી કરી નાખી ઈકોનોમી ની અને કેગ ,સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય સત્તાઓ એ વચ્ચે પડી અને બધું સુધારવા નો પ્રયત્ન કરવો પડ્યો…
મનમોહનસિંગ ના આટલા વર્ષો ના શાસન નો ફેર ઘણો પડ્યો છે, પણ જે જમ્પ ઇન્ડિયા ની ઈકોનોમી એ લઇ લેવો જોઈતો હતો એ ના મળ્યો … કારણો દેશી અને વિદેશી બંને હતા ,પણ હવે અત્યારે એક જબરજસ્ત મોટી તક બારણે ટકોરા મારે છે …અને એ જો વેડફી નાખશે, કે કોઈ ફીતુર મગજ માં આવ્યો અને એને જો પૂરો કરવા ગયા , તો સમય કોઈ ની રાહ જોતો નથી ….
મોટા માં મોટી તક અત્યારે એ છે કે ક્રુડ ઓઈલ ના ભાવ બહુ જ નીચે છે , રશિયા ની ઈકોનોમી સખત મંદી માં છે… ચીન ની ઈકોનોમી ધીમી છે ,બ્રાઝીલ પણ અટવાયું છે , સાઉથ આફ્રિકા પણ ઠંડુ છે એવા માં ત્યારે ભારત નું છેલ્લું ક્વાર્ટર મસ્ત ગયું છે જીડીપી વધી છે ,અને આ ઝડપ થોડી વધે તો કામ થઇ જાય…
વર્લ્ડ બેંક ના પ્રમુખ એમ કેહતા હોય વાઈબ્ર્ન્ત ગુજરાત માં કે દુનિયા ની ગરીબી નો છઠ્ઠો ભાગ તમારી પાસે છે , અને એ ભારતના ગરીબો જો ગરીબી રેખા ની ઉપર આવી જાય તો અમારું એક મોટું ટાર્ગેટ પૂરું થાય , દુનિયા આખી ને ગરીબીમાં થી મુક્ત કરવાનું ટાર્ગેટ, અને એ ટાર્ગેટ પૂરું કરવા માટે જે મદદ જોઈએ એ કહો …. જોડે સલાહ પણ આપી કે જીએસટી ને જલ્દી લાગુ કરો..
તદ્દન સાચી વાત છે, ભારત ની ગરીબી ને દુર કરવી હોય તો કાયદા ની બબાલો ઓછી કરો શાંતિ થી ધંધો કરવા દો , સાહેબે વાઈબ્ર્ન્ત માં ઈઝ ઓફ બીઝનેસ ની વાત આકરી અને વચન આપ્યું હતું કે એ અમે કરીશું , હવે જોઈએ એ વચન કેવી રીતે પાળે છે …અત્યાર ની પરિસ્થિતિ માં ધંધો કરવા માટે નું એક વાતાવરણ ચોક્કસ મળ્યું છે પણ જેને ધંધો કરવાની સરળતા કહીએ એ નથી , સેન્ટ્રલ એક્સાઈઝ અને વેટ હજુ આ બંને ડીપાર્ટમેન્ટ ક્યાંક તમને કનડે છે … કઠે છે …ચેમ્બર ઓફ કોમર્સ અને આ બંને ડીપાર્ટમેન્ટ ની જોઈન્ટ મીટીંગો થી ફર્ક ઘણો પડ્યો છે પણ એક ધોંસ અને ધાક ઉભી છે…લેબર લો ને હજુ સુધારવા પડશે .. લગભગ બધી ફેક્ટરી કોન્ટ્રકટ પર જ ચાલે છે ….
એક બીજો મોટું સપનું સાહેબ બતાવે છે …મેક ઇન ઇન્ડીયા , બહુ જ સારી અને સાચી વાત છે અને એમાં પણ જોર અપાય છે ઇલેક્ટ્રોનીક્સ અને એલઈડી પર, બહુ વર્ષો થી આ બે ધંધા ને હું ફોલો કરું છું ,ઈનફેક્ટ મારી ઘણી બધી ફોરેન ટ્રીપો આ જ વસ્તુ માટે થઇ છે…
છેલ્લા સાત વર્ષ થી ખાલી વાતો જ થાય છે આ ફિલ્ડ માં , પણ સલામ છે મારા ગાંધીનગર ,દિલ્હી ,પુના અને બેંગ્લોર ના ઇલેક્ટ્રોનીક્સ ઉત્પાદકો ને જેમણે સરકાર ના મોટા મોટા વાયદા અને વચનો ક્યારે પુરા થાય એની રાહ જોયા વિના ધબધબ એલઇડી ની પ્રોડક્ટ્સ માર્કેટ માં ફેંકવા માંડી અને અત્યારે લગભગ બધું જ એલઈડી નું એસેમ્બલીંગ અહિયાં દેશમાં થતું થઇ ગયું ..રાહ એટલી જ જોવાય છે કે સરકાર કોઈ રાહત આપે અને એલઈડી અહિયાં બનવાની ચાલુ થાય….
આખી દુનિયા ના ઇન્વેસ્ટરો , જેન્યુન ઇન્વેસ્ટરો ….!!! રાહ જોઈ ને બેઠા છે શું ફેરફારો અને ધંધો કરવા માં સરળતા મળે છે એની ભારત માં , ડોલર નો વરસાદ વરસે .. જો પ્રોપર બજેટ અપાશે તો ..અને પ્રોપર રાહતો જો અપાય તો ઘણો મોટો ફેરફાર ને અવકાશ છે… અને પછી પૈસો પૈસા ને ખેંચી લાવશે અને જમ્બો એક વાર ઉડ્યો તો પછી જમીન પર નહિ આવે…
ટેક્ષ માં રાહત કરતા એનું સરળીકરણ એ વધારે અગત્યનું છે જો તમે આઠ મહિના માં લગભગ આખા દેશ ને બેન્કિંગ સીસ્ટમ માં જનધન યોજના થી લાવી શકતા હો તો ,એકદમ ઓછા ટેક્ષ થી કર માળખા માં સૌથી વધુ લોકો ને ટેક્ષ ભરતા કરી શકો છો ….અને વધુ લોકો ને કર માળખા માં લાવી શકો — રાજા ટોડરમલ ની નીતી ઓછો ટેક્ષ વધુ ટેક્ષ ભરનારા …
ઓપ્શન ઘણા છે અને તકો ઓછી છે .. ઝડપ રાખો તો કામ થશે અને આમ જોવા જઈએ તો સામાન્ય માનસ ના જીવન માં છેલ્લા બે દસકા માં ઘણું પરિવર્તન દેખાય છે , કબુલ ના કરે એ વાત અલગ છે પણ પરીવર્તન છે અને એને આગળ લઇ જવાની વાત છે … આપણા બાપ દાદા જે દુઃખો ભોગવતા એમાંથી લગભગ મુક્તિ મળી છે , પણ સાથે નવી દુનિયા ના નવા દુઃખો આવ્યા છે …
ખિસ્સા ની ગરમી એ બધા નવા દુઃખો સામે ઝીંક લેવા ની તાકાત આપે છે ..!
છેલ્લે એટલું જ કેહવાનું કે અશક્ય નથી ..પણ નવા ફીતુર ને કંટ્રોલ માં રાખજો બસ.
સુપ્રભાત
શૈશવ વોરા