આજ ની રવિવાર ની બપોર…નવરો પડ્યો ચેનલો ફેરવી અને લોકસભા ટીવી પર અટકી ગયો કોર્પોરેટ મુવી ચાલતું હતું … જુના ઘા તાજા થયા ..નવા કોર્પોરેટ કલ્ચરે બહુ લોકો ના ભોગ લીધા ….દાવપેચ અને ક્યારે કોને કાપવો ,પાડવો …
બે કોર્પોરેટ બકરા યાદ આવી ગયા એકચુઅલી એક બકરી અને એક બકરો … અફસોસાસ એ વાત નો છે કે બકરો આ દુનિયા માં નથી અને બકરી ગુમનામી ની જીદગી માં છે….
બકરા નું નામ બકરો જ રાખીશ બકરા એ અઢાર વીસ વર્ષ પેહલા કે લીમીટેડ કંપની માં ખુબજ નાની એક ક્લાર્ક ની નોકરી ચાલુ કરી .. એ જ કંપની માં ધીમે ધીમે આગળ વધ્યો અને પરચેઝ મેનેજર સુધી પોહાચ્યો , બે દસકા માં કંપની એ પણ સારી એવી પ્રગતિ કરી ,એક સાદી પાર્ટનર શીપ પેઢી માંથી એક પબ્લિક લીમીટેડ કંપની થઇ ગઈ , દુનિયા એવું માને કે એક જબરજસ્ત ટીમવર્ક નું પરિણામ ,પગારો પણ દરેક જણા ના ખુબ સારા થયા .
આપણા બકરા નો પગાર થયો લગભગ મહીને લાખ ની નજીક , કંપની પબ્લિક લીમીટેડ થઇ પણ ગુજરાત ની પબ્લિક લીમીટેડ કંપની ની કમબખ્તી એ છે છે કે શેઠિયો ગમે તેટલો મોટો થાય પણ એને કંપની ના સ્ટાફ ને ઘર ના કામે લગાડવા જોઈએ , અને સ્ટાફ ને પણ શેઠિયા ના ઘર ના કામ કરવા માં બહુજ આનંદ આવે , શેઠાણી નો ફોન ડાઈરેક્ટ આવે તો ભાભીજી ભાભીજી કે યસ મેડમ યસ મેડમ કરીને કંપની નો સ્ટાફ અડધો થઇ જાય …બસ આપણા બકરા ને પણ આવીજ ટેવ શેઠ ની કિચન કેબીનેટ નો માનીતો મેમ્બર ,વર્ષો નું શેઠ શેઠાણી જોડેનું એટેચમેન્ટ અને ક્યારેક શેઠાણી શેઠ નું વાંકું પણ આપણા બકરા સામે બોલે , અને બકરો ફુલાઈ જાય આપણે તો એકદમ અંગત માણસ ,
કંપની ની નાના માં નાની વસ્તુ પણ બકરા પરચેઝ મેનેજર સાહેબ ઈમાનદારી થી ખરીદે અને શેઠ ના ઘર ના એસી નો સર્વિસ કોન્ટ્રકટ સુધ્ધા બકરો સાચવે …..શેઠ ના ઘર ના ડાઈનીગ ટેબલ ની ખુરશી ની નીચે નો પ્લાસ્ટિક નો ડટ્ટો ઘસાઈ ને તૂટી ગયો હોય તો એ પણ બકરો પાનકોર નાકા જાતે સ્કુટર પર જાય અને લાવે અને જાતે ફીટ કરી આપે ,આમાં મિસ્ત્રી ને બોલાવી ખોટા પૈસા ના બગાડાય ભાભીજી ……એકદમ ઘર નો અંગત માણસ ,
પણ પણ સાબરમતી નદી માં નર્મદા ના પાણી આવ્યા સમય બદલાયો , પ્રોફેશનલ મેનેજમેન્ટ આવ્યું .. આ બકરા પટેલ ને આટલો બધો પગાર ..? એટલા માં તો ચાર આવે , અને એની એફીશીયનસી તો જુવો..બકવાસ છે ..ધીમે ધીમે કંપની માં સાઈડ ટ્રેક થયો , પદ મોટું રહ્યું પણ પાવર છીનવાયો , જે માણસ ને કામ કરવા માટે ચોવીસ કલાક ઓછા પડતા અને ટેબલ પર ફાઈલો ના ઢગલા ,અને દર મીનીટે એક મૈઇલ ઇનબોક્ષ માં આવતો એ દર દસ મીનીટે રીફ્રેશ કરે તો પણ એકપણ મેઈલ ના દેખાય …. ડીપ્રેશન ચાલુ થયું ,શેઠ સાભળતા નોહતા …
કંપની એ ટ્રેક બદલ્યો ફુલ સ્પીડ માં નવા સ્ટાફ અને મેનેજમેન્ટ સાથે દોડી .. અંતે સ્વાભિમાન જાગ્યું વર્ષે રાજીનામું આપ્યું …શેઠજી એ કીધું બીજે ના મળે ત્યાં સુધી અહિયાં ચાલુ રાખો એટલું મોટું એહસાન શેઠજી એ કર્યું …. બકરા પટેલ નું ડીપ્રેશન આગળ વધતું ગયું ઘર માં પત્ની બાળકો સાથે કંકાસ ચાલુ થયો , કોઈ બકરા પટેલ ની માનસિકતા ને સમજી ના શક્યું , બધો વાંક બકરા પટેલ નો આવ્યો ,અને એ પોતે પણ એમજ માનતો થયો કે મારા માં જ કોઈ કમી છે , એક નોકરી મળી છ મહિના માં છૂટી , ડીપ્રેશન આગળ વધ્યું …. ગીલ્ટ વધ્યો … બીજી ,ત્રીજી ,ચોથી નોકરીઓ બદલાતી ગઈ બે વર્ષ પસાર થયા અને એક દિવસ સમાચાર આવ્યા બકરા પટેલ એ આત્મહત્યા કરી લીધી ….અડધે રસ્તે પોહાચેલો બકરા પટેલ નો સંસાર રખડી પડ્યો પિસ્તાલીસ ની ઉમર ની પત્ની અને બાર અને પંદર વર્ષ ની બે દીકરી …કેમ જન્મારો કાઢશે …?
વાંક કોનો ..? એક જ કંપની માં બે દસકા સ્વામિભક્તિ કરી એનો કે નવા આવેલા કોર્પોરેટ કલ્ચર નો ..? કે ઘર માં બેઠેલી પત્ની અને મિત્રો નો …? જેને નિષ્ફળતા ને એક તાજ બનાવી અને બકરા પટેલ ને માથે મઢી દીધો …સવાલો ઘણા છે પણ એના જવાબ બકરા પટેલ ની ચિતા ની રાખ પણ આ સવાલો ના જવાબ હવે નથી આપી શકે તેમ ….
બીજી વાત બકરી માધવાણી ની … એક નવી નવી પબ્લિક લીમીટેડ કંપની ના શેઠ ની સેક્રેટરી તરીકે આવી …. અમદાવાદ ના છેવાડે પોતાની વિધવા માં સાથે બકરી માધવાણી એકલી રહે … ઉમર વર્ષ ઓગણત્રીસ નામ બકરી માધવાણી …કામ ની કુશળતા અને વાકચાતુર્ય જોઈ ને શેઠ ની નજર માં આવી અને શેઠજી એ ધીમે ધીમે એને પાવર ટ્રાન્સફર કરતા ગયા, બોર્ડ ની મીટીંગ સુધ્ધા માં બકરી ની હાજરી રેહતી, બકરી બે વર્ષ માં તો શેઠજી ની અને તેમના પરિવાર ની ખુબ નજીક આવી ગઈ અને શેઠજી એ પચાસ લાખ સુધી ના ચેક પર સહીના પાવર પણ બકરી માધવાણી ને આપ્યા….નાના મોટા ઘર ના તમામ ફંક્શન માં પણ બકરી ની હાજરી અને મેનેજમેન્ટ રેહતું , બકરી ને થયું બસ મારી જિંદગી નો પડાવ આવી ગયો ,ભલે બત્રીસ વર્ષ ની થઇ પણ હવે તો હું ઠરી ને ઠામ થઈશ મારું ઘર માંડીશ …
શેઠજી એક્ઝીબીશન માં પરદેશ સાથે લઇ ને જતા … એક વાર કાચી ઘડી આવી અને પરદેશ માં શેઠજી એ શરીર માંગ્યું અને બકરી એ પોતાનું શરીર શેઠ ને આપી દીધું … શેઠજી તો બહુ સહજતા થી એ રાત ભૂલી ગયા પણ બકરી માધવાણી ના ભૂલી ….મન ને મારી લીધું, અને જબરજસ્તી થી વાળી લીધું , ત્રણ મહિના માં ફરી શેઠજી જોડે પરદેશ જવા નું થયું …આ વખતે તો એક જ રૂમ બુક થઇ …. બે વર્ષ નું સતત શોષણ ….પેટ ભરી ને પૈસા અને કંપની માં પોઝીશન ….
કંપની માં ક્યાંક વાત લીક થઇ .. શેઠાણી સુધી પોહચી … શેઠ ને ધમકાવ્યા , હું તો સાવ ભોળો અને સીધો સાદો છું પેલી એ મારી ઉપર કઈ મૂઠ મંત્ર માર્યા ….ફ્રોડ કેસ માં ફસાવી અને પોલીસ કેસ નથી કરતા અમે , તને માફ કરીએ છીએ જા જતી રહે ફરી આ બાજુ ના જોઇશ ….આખી ઓફીસ અને ફેકટરી માં વેક્યુમ કલીનરો ફર્યા બકરી માધવાણી એ શેઠજી પર નાખેલા મંત્રેલા ચોખા શોધવા , બંગાળ થી તાંત્રિક આવ્યો અને રાત ની રાત હવન થયા ચુડેલ ના સકંજા માં થી નીકાળવા અને શેઠજી ને એ બકરી માધવાણી ના વશ માંથી બહાર કાઢવા માટે ….
ઈમાનદારી ,પ્રમાણિકતા, વફાદારી , કાર્યકુશળતા , બધાજ શબ્દો બકરી માધવાણી ને એકદમ પરાયા લાગવા માંડ્યા , મેં ક્યારેય આવું કશું જ નથી કર્યું, એક સામાન્ય લોઅર મિડલ ક્લાસ ની છોકરી એક વિધવા માં , મારી પાસે આવું કઈ કરવા ના પૈસા ક્યાં હતા ..?અમારા બે પેટ જ ભરવા હું તો નોકરી કરતી …અને નોકરી ના જાય એ બીકે જ મેં આ ભૂલ કરી , મારી ભૂલ એટલી જ કે હું શેઠ ની ગેરવ્યાજબી માંગણી ને વશ થઇ અને મને એકલી ને આટલી બધી બદનામી આપી..? તમે આપેલા રૂપિયા તો હમણા પુરા થશે શેઠજી પણ પછી શું ..? હવે મને કોણ પરણશે ..?કોણ નોકરી આપશે ..?
કોઈ જવાબ નથી… ભયાનક ગુમનામી ની જીંદગી છે અત્યારે બકરી માધવાણી ની લાખ રૂપિયા ના મહિના ના પગાર માંથી અત્યારે પાંચ હજાર ના ફાફા છે અને ફક્ત સ્ત્રીઓ જ જ્યાં કામ કરતી હોય એવી જગ્યા એ કામ કરે છે અને આખી કેરિયર પતી ગઈ, લેબર જોબ ચાલુ છે અને બદનામી એ ઉમર અચાનક દસ વર્ષ વધારી દીધી …..
દોસ્તો બાવીસ વર્ષ ની મારી ધંધાકીય જીંદગી માં કેટલી બધી જિંદગી ને કોર્પોરેટ કલ્ચર , કે પ્રોફેશનાલિઝમ ના નામે બલી ચડતી જોઉં છું ,આવા બકરા કે બકરી ને ક્યારેક રોકવા ની કોશિશ પણ કરું છું પણ જયારે એ લોકો ઉપર ના ચઢાણની દિશા માં હોય છે ત્યારે કોઈ નું સંભાળવા ના મૂડ માં નથી હોતા અને જયારે ઉતરવાનું આવે ત્યારે એમની પતન ની ઝડપ એટલી બધી હોય છે કે એમનો હાથ પણ પકડવો શક્ય નથી એ આપણને પણ એ ખીણ માં ખેંચી જાય …
બકરો પટેલ કે બકરી માધવાણી તમારી આજુબાજુ માં પણ દેખાય તો બચાવી લેજો…. ક્યારેય કંપની કે શેઠિયા ને પ્રેમ ના કરો ,શેઠ ના ઘર ના મેમ્બર તમે ક્યારેય નથી થવાના માટે એ ગલત ફેહમી બને તેટલી જલ્દી મગજ માંથી કાઢી નાખો અને તમારા ઘર બાર ના ભોગે કંપની ને ના સાચવો… હા કામ ના સમયે કામ ચોક્કસ કરો …
ફરી ક્યારેક શેઠ ના સાળાઓ કે નાના ભાઈ વિષે…
શુભ રાત્રી
શૈશવ વોરા