ઘણા વખત થી એક સમસ્યા સતાવી રહી છે મને …ખબર જ નથી પડતી કે મારી ટોટલ મિલકત કેટલી..? મારો ખર્ચો કેટલો ..? મારે ભવિષ્ય માં કેટલા રૂપિયા જોઇશે ..?હજુ મારે કેટલા રૂપિયા કામવા પડશે..? મારા દેવા લેણા કેટલા ..?
કોઈ ને થશે કે ના કેમ ખબર હોય ભાઈ અમને તો બધું આંગળી ના વેઢે છે ..પણ હકીકત તો એ છે કે આ સવાલો ના જવાબ ભારત નો કોઈ પણ માણસ પોતાની જાત માટે આપી ના શકે એવી હાલત છે…ડાહ્યો ,દોઢ ડાહ્યો ,સળંગ ડાહ્યો ,સવાયો ડાહ્યો ,ગાંડો ,મુરખો ,ચકરી ,ડફોળ ,બેવકૂફ બધા પ્રકાર ને ભેગા કરો અને પૂછો તો જવાબ ગોળ ગોળ કે આશરે આટલા રૂપિયા …એવો જવાબ જ આવશે .
આપણી ટેક્ષ પદ્ધતિ એ અને એકાઉન્ટ પદ્ધતિ એ બધી વસ્તુઓ એટલી ખરાબ રીતે ગૂંચવી નાખી છે તમને ક્યારેય કોઈ વસ્તુ ની સાચી કીમત ખબર ના પડે…,,
હજી થોડું ક્લીયર કરું ..સાલ ૧૯૮૦ માં તમે કોઈ દુકાન લીધી ૩ લાખ માં જેની અત્યારે માર્કેટ વેલ્યુ અત્યારે ૨૦૧૫ માં પચાસ લાખ છે પણ તમારી બેલેન્સશીટ માં એની કીમત દર વર્ષે ડેપ્રીશેષન નાખતા હો તો અત્યારે શું બચે..? કઈ નહિ ,અને છતાં પણ માર્કેટ વેલ્યુ પચાસ લાખ અને વેચો તો પિસ્તાલીસ લાખ માં વેચાય અને પછી ઇન્ડેક્ષ કાઢો અને ગણો અને કેપિટલ ગેઇન ભરો …ટૂંકાણ માં પચાસ ની દુકાન ,જેની બુક પર વેલ્યુ ઝીરો …!! વેચી પિસ્તાલીસ માં અને હાથ માં આવ્યા ટેક્ષ બાદ કરતા લગભગ ત્રીસ લાખ …બોલો પેહલો સવાલ તો પતી ગયો ..ક્યારેય સ્થાવર મિલકત ની વાત નહિ કરવા ની …જયારે વેચો અને હાથ માં જેટલા આવે તે તમારા…
બીજો સવાલ મારો ખર્ચો કેટલો ….દિવસનો કે મહિના નો કે પછી વર્ષ નો ….કઈ અડસટ્ટો બેસે ? તો જવાબ આવે બિલકુલ નહિ …ગમે તે વસ્તુ ના ભાવ વધે ગમે ત્યારે …સ્કુલ વાળા ને મન થાય તો ફી વધારે…. નસીબવાળા નું નસીબ ફરે અને પનોતી મને લાગે પેટ્રોલ ડીઝલ ના ભાવ ગમે ત્યારે વધે કે ઘટે.. દાળ ચોખા કે શાક બધું ઉપર નીચે થયા કરે ..અને એમાં ઘર માં થી કોઈ હોસ્પિટલ માં ગયું અને મેડી ક્લેમ પૂરો ના હોય તો …બે ત્રણ વર્ષ ની બચત ની પથારી ફરે …કોઈ દિવસ ચોક્કસ આંકડો મળે જ નહિ કે આટલા રૂપિયા માં મારું ઘર ચાલી જ જશે …
ત્રીજો સવાલ … કેટલા રૂપિયા તારે કામવા પડશે હજી ..? ગધેડા આંકડો તો મુકતો જ નહિ …નહિ તો અત્યારેજ મરી જઈશ ..આંકડો સાંભળી ને , એના કરતા જે વૈતરું કરે છે ને એ ચાલુ રાખ અને ઈએમઆઈ ભર્યા કર…કેમકે કોઈ ને ભૂલ થી એવી બીક લાગે કે મારી અત્યાર ની કમાણી છે એ પછી રહી કે ના રહી તો ..?અને પેલો એલઆઈસી નો એજન્ટ ગણાવે કે તમે આટલા વર્ષ જીવશો તો તમારે આટલા રૂપિયા જોઈએ અને આટલા દર મહીને બચાવવા જોઈએ ….તો હાલત એવી થાય કે બધા રૂપિયા એલઆઈસી ના પ્રીમાયમ ભરવા માં જાય …ખાવા માટે કઈ બચે નહિ …ભવિષ્ય ની ચિંતા માં આજે ભૂખ્યા મરવું પડે ……એટલે જયારે મન થાય ત્યારે હોંચી હોંચી કરી લેવું અને લીલું દેખાય ત્યાં ચરી લેવું ..કલ કી કલ દેખી જાયેગી .
છેલ્લો સવાલ દેવા કેટલા અને લેણા કેટલા …ધંધા માં તો હિસાબ રોજ કરીએ , પણ કનક કાકા હમેશા કહે જે ઉઘરાણી તારા બેંક ખાતા માં જમા થઇ એ તારી …બાકી બધી ગણવી નહિ …અને આપવાના કેટલા તો કહે જે આપવા ના હોય એના કરતા લાખ વધારે બેંક ના ખાતા માં જોઈએ એટલે ક્યારેય કોઈ તકલીફ ના પડે ….થયું ત્યારે ..!! ઘાંચી ના બળદ ની જેમ ફર્યા જ કરો …ગોળ ગોળ
ક્યારેય કઈ જ ખબર ના પડે ..બસ એકજ વાત પડશે એવા દેવાશે ….તું તારે ગાડી હાંક્ય કર …ભગવાન સૌ નો છે ..
ભારત ના રીઝર્વ બેંક ના ગવર્નર ને ખબર નથી ને કે કેટલા ટોટલ રૂપિયા એમણે છાપ્યા …કે છાપેલા રૂપિયા ક્યાં ફરે છે … કેટલા સિક્કા બહાર પડયા ..? એલ્યુમિનિયમ ના સિક્કા ને ઓગાળીને કુકર બન્યા અને બીજા મેટલ ના સિક્કા માંથી મેટલ કાઢી લીધું ..નોટો છાપી એ બધી રાજકારણીઓ એ ગોડાઉન ભાડે રાખી અને સંઘરી લીધી અને બ્યુરોક્રેટ્સ એ સોનું લીધું એ નોટો નું ….કેમ સોનું લીધું …? બોસ લોકર માં જગ્યા ઓછી રોકે ત્રીસ લાખ રોકડા મુકવાના હોય ને તો લોકર નાનું પડે એના કરતા એક કિલો સોનું જગ્યા ઓછી રોકે …એટલે અમારા દેશ માં દર વર્ષે આશરે ૯૦૦ ટન સોનું લોકર ભરવા ઈમ્પોર્ટ થાય અને નામ લેવાય પ્રજા નું કે પ્રજા ની સોના ની ભૂખ બહુ હો ભૈસાબ …બધું જ બેહિસાબ ..!!!!
….
રશિયા ના રાષ્ટ્રપતિ ઇન્દિરા ગાંધી ના સમય માં ઇન્ડિયા આવ્યા હતા .. સામ્યવાદીઓ ભગવાન માં ના માને, પણ પાછા જતા એમણે એવું કહ્યું કે ભારત આવી અને હું ભગવાન માં માનતો થઇ ગયો છું …પૂછો કેમ ..? તો કહે આ આખો દેશ ભગવાન જ ચલાવે છે ……!!!
જય જય ગિરધારી …
બોલ શ્રી ક્રિષ્ણ કનૈયા લાલ કી જય ….આજ કે આનદ કી જય…લાલે લાલ કી જય ….
સુપ્રભાત
શૈશવ વોરા