આજકાલ અમદાવાદ અને ગાંધીનગર માં ચારે બાજુ નવા દરેક ચાર રસ્તા પર નવા સર્કલો બને છે ફટાફટ કામ ચાલે છે અને રોડ બનવા માંડ્યા છે …ચારે બાજુ કલર કામ અને રોશની થઇ છે ….કાલે ગાંધીનગર મહાત્મા મંદિર થઇ ને નીકળ્યો ત્યારે મારો ડ્રાઈવર એકદમ સહજતા થી બોલી પડ્યો …. મારો હાહરો પૈશા તો ઓંય ગાંધીનગર માં જ નાખે છે …મેં પૂછ્યું અલ્યા તને શું દેખાયું એવું તે …? તો જવાબ આવ્યો …આ ગોંધીનગર ના બધા ચકૈડા કેવા મસ્ત હતા … તોય તોડી તોડી ને ફરી બનાવે છે ….દીયોરનો ..
અને મારું ધ્યાન દોરાયું કે વાત માં દમ છે … એકે એક સર્કલ અમદાવાદ ગાંધીનગર ના ચકાચક હતા છતાં પણ તોડી તોડી ને ફરી નવી ડીઝાઇન ના ફરી બને છે …. વિધાનસભા થી મહાત્મા મંદિર નો આખો રસ્તો ચારે બાજુ લેન્ડસ્કેપિંગ ચાલી રહ્યું છે , અને મહાત્મા મંદિર માં પણ તડામાર તૈયારી ચાલતી દેખાય છે ,.જબરજસ્ત પૈસા નો બગાડ ચાલી રહ્યો છે …. અને તમે હવે એમ ના કેહતા કે ઈ નેજ વિકાસ કેહવાય …..
એક સ્પષ્ટતા કરું મહાત્મા મંદિર જોવા ઘણા બધા લોકો એમનેમ આવે છે …. એમ સમજી ને કે કઈ ગાંધીજી નું મંદિર બન્યું છે , પણ એવું કઈ જ નથી ત્યાં ફક્ત એક્ષિબિશન હોલ છે ,દિલ્લી ના પ્રગતિ મેદાન જેવો , પણ સંપૂર્ણ નિષ્ફળ હોલ છે …એકદમ નાના ત્રણ હોલ છે , અમે ત્યાં પ્રદર્શન યોજી ચુક્યા છીએ માટે ત્યાં પડતી મુશ્કેલી નો અનુભવ છે …. એના કરતા ગુજરાત યુનીવર્સીટી નો હોલ બધી રીતે સારો …..મહાત્મા મંદિર માં ખાલી ૧૦૮ જ તમને જલ્દી મળે,બીજું કઈ નહિ , કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફેસેલીટી છે જ નહિ … એરપોટ કે કાલુપુર રેલ્વેસ્ટેશન ઉતારેલો મુલાકાતી મહાત્મા મંદિર પોહચતા અડધો થઇ જાય ….ટેક્ષી વાળા તોડી ને રૂપિયા લે છે …..અને પાછું ત્યાં કોઈ રેહવા માટે કે ખાવા માટે કોઈ મોટી હોટેલો આજુબાજુ માં નથી એટલે જો ટેક્ષી છોડી દીધી તો ગયા કામ થી , પાણી પણ કોઈ ની બાટલી નું માંગી ને પીવું પડે …..ખાવાનું તો પાંચ કિલોમીટરે મળે … એકદમ સરકારી સમારંભો માટે ની જગ્યા છે …
તાજમેહલ બન્યો છે …તમારા અને મારા ટેક્ષ ના રૂપિયા ની ઘાણી બોલે છે …….આ મહાત્મા મંદિર માં અને સરકારી જલસા માં ધબાધબ રૂપિયા જાય છે, અને એ થૂક ના સાંધા ને વિકાસ નું નામ આપે છે …..એક પણ સર્કલ પર બનેલા મોન્યુમેન્ટ ની લાઈફ એક કે બે વર્ષ કરતા વધારે નથી , યાદ કરો પેલા ચીની રાષ્ટ્રપતિ ઝિંગ પીંગ ની મુલાકાત વખત નો તાયફો ….અલ્યા હોશિયાર તો એવા કે હોટેલ હયાત માં પણ સાંચી ના સ્તૂપ ના ફોટા ગોઠવેલા અને એ બધું બીજા જ દાડે હયાત વાળા એ કાઢી ને કચરા ભેગું કર્યું ….
હવે કાંકરિયામાં પ્રવાસી ભારતીયો માટે ૨૨૦૦ રૂપિયા ની પ્લેટ રાખી છે ….અલ્યા તમને કાંકરિયાને કાંઠે કે રીવરફ્રન્ટ પર બેસી ને જમવાનું કે જમાડવા નું મન થાય તો આવડો મોટો તાયફો કરો અને મોજ કરી લો અને નામ આપો પેલા વિકાસયા નું ….અને અમને કાંકરિયા ની પાળે કે રીવરફ્રન્ટ પર બેસી ને જમવાનું કે જમાડવાનું મન થાય તો શું …? રૂપિયા અમે અમારા ચૂકવીશું ભાઈ અમે કઈ વિકાસ નું થોડું ખઈશું હેં ..? પણ કઈ ક પરમેનેન્ટ સગવડો ઉભી કરો ને આવા તઘલખ વેડા શું કરો છો ..? દર મહીને બે મહીને બનાવો અને ત્રણ મહીને તોડો ,પાછુ ફરી બનાવો ….આ તો માયાવતી ને પણ તમે સારા કેહવડાશો ,એમણે તો નોઇડા માં પરમેનેન્ટ પાર્ક તો ઉભો કર્યો …. રીવરફ્રન્ટ પર ક્યારેય બપોરે ગયા છો ..? એક જ બુરખામાં બે જણા હતા …મેં મારી સગી આંખે જોયું છે …હવે એવું ના પુછાતા કે તુ ત્યાં શું કરતો હતો,,?તો હવે કહી દઉં સેલ્સ ઇન્ડિયા ની પાછળ થી અમે રીવરફ્રન્ટવાળા રસ્તે ઘુસ્યા અને ત્યાં થી સીધા વાસણા પીરાણા વાળા પુલે બહાર નીકળ્યા ….વચ્ચે થોડો કાચો રસ્તો છે પણ આશ્રમ રોડ ના ટ્રાફિક કરતા ઘણા વેહલા પોહચાય માટે ત્યાં થી ગાડી કાઢવી પડી હતી ..ઓકે …
હવે પાછા મૂળ વાત પર .. આજ રીવરફ્રન્ટ પર અમને બોટ રાઈડ ના નામે લુંટો છો હજી એમાં તરતી હોટેલો મુકવા ના છો પણ ક્યારે ..? દરેક વખતે ઈલેક્શન પેહલા જ કામો કરવા ના એવું નક્કી કર્યું છે કે શું …? બાકી વર્ષે બે ચાર ઇવેન્ટો કરવા ની ,
સપના તો એવા દેખાડ્યા હતા ને કે ના પૂછો ને વાત મને તો એમ કે જેમ ઘર માં બે ત્રણ ચાર ગાડીઓ છે તો સાથે એકાદી સ્પીડ બોટ લઇ ને રાખશું અને રવિવારે સવારે સીધા વલ્લભ સદન થી દર્શન કરી , ત્યાં પાર્ક કરેલી સ્પીડ બોટ લઇ ને છેક વાસણા બેરેજ સુધી આપણી પોતાની બોટ લઈને ફરશું, હેઈ મજા ના વાઈફ જોડે બે કલાક બોટ માં ફરશું હેં …આપણે કઈ નીતાબેન જેવી યોટ ના લઇ શકીએ પણ એકાદું મોટર વાળું હોડકું તો લઈએ ને … થોડા હપ્તા વધારે ભરશું ત્યારેશું વળી ….પણ સાલું આ જનમ માં આ બા
આવું કરવા દે એવું લાગતું નથી …તદ્દન ધીમે રગશિયા ગાડે કામ ચાલે અને વચ્ચે વચ્ચે આવી વાઈ ચડે એટલે ધમધમી ઉઠે અને બધું ધમ ધમ મચે…
અમદાવાદ માં છેલ્લા તેર વર્ષ માં એક જ ધંધો જોરદાર ચાલ્યો ઇવેન્ટ મેનેજમેન્ટ નો બધા જ ફરાસખાના વાળા રૂપિયા વાળા થઇ ગયા , મેં પેહલા કીધું એમ અમે મહાત્મા મંદિર માં ઇવેન્ટ કરેલી છે ત્યારે અમે બે ચાર ફરાસખાના વાળા ને બોલાવ્યા હતા … સાલું અમે તાતા ની ઈન્ડીકા માં અને એ પાર્ટી જેગુઆર માં , બીજા ભાઈ એ તો જુનિયર મેનેજર મોકલ્યો …અમને નવાઈ લાગી કે પચાસ લાખ નો ધંધો છે પણ આ માણસ રૂબરૂ મળવા પણ નથી આવતો આ ફરાસખાના વાળો ..?
ભઈ સાહેબ નું રાજ હતું કેવી કેવી જોરદાર ઇવેન્ટો થતી હેં … તો આ ફરાસખાના વાળા બિચારા બે પાંદડે શું કામ ના થાય … અને હવે તો બા
નું રાજ છે સાહેબ કરતા બધું મોટું કરવું પડે ,અને હવે તો દિલ્લી થી પણ રૂપિયા આવશે ……સાલો ખોટો ધંધો પકડાયો છે આ ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફરાસ ખાનું ખોલી ને બેઠા હોત ને તોય આ તાતા ની ઈન્ડીકા ગાડી થી થોડા આગળ જાત ….
દોસ્તો એક એવી હવા બની છે સાહેબ કરે તે સાચું જ હોય ,કદાચ સારા માટે કરતા હશે એવું માની લઉં પણ કમજોરી અને કમી તો રેહવાની અને મારા જેવા વક્ર દ્રષ્ટા ને તો ક્યાંક ક્યાંક ખામી દેખાવા ની જ , પત્રકાર પરિષદો જે રીતે થાય છે એ જયારે જોઈએ ત્યારે એમ લાગે કે બધું મેનેજ થતું હોય એવું વધારે લાગે છે,ઘણી વાર બીક લાગે છે પણ …..
ભરોસો તેરો ભારી ….
રાગ ભૈરવ નો સમય ….બહાર મો સુઝણું થયું છે …ભૈરવ ની શીખેલી એક ચીજ યાદ આવી
ધન ધન મૂરત ક્રિશ્ન મુરારી ..
છબ સુંદર લાગે અત પ્યારી ..
બંસી ધરમન મોહન સુહાવે ..
બલ બલ જાઉં મોરે મન ભાવે ..
સુપ્રભાત
શૈશવ વોરા