સાલું નથી લખવું આ ભવાડા વિષે પણ રોજે રોજ કઈ નવું આવે છે … ઉપર ના ફોટા જુવો .. અર્ધ નગ્ન ફકીર તો કીધેલા પણ આ તો કળા ના નામે તમે બસ કપડા ઉતારી ને સંપૂર્ણ નગ્ન મૂર્તિ મૂકી દીધી …કળા ના નામે જે ચાલે તે ચાલવા દેવું હતું તો એમ એફ હુસેન ને કેમ મારી મારી ને દેશ ની બહાર કાઢ્યા ..? ગાળો આપી .. તમે કરો એ લીલા અને બીજા કરે તો છિનાળ …
એમ કે ગાંધી ના નામે અને એમ કે ગાંધી ને ક્યાં સુધી …? થોડો વધારે આકારો થાઉં … તમારા બાપાનો આવી રીતે નાગો ફોટો મુકશો ..? તો આ તો આખા દેશ ના બાપા છે રાષ્ટ્રપિતા ગણ્યા છે .. એમને અને આવું સાવ … મને તો ભયંકર દુઃખ થયું જોઈ ને ….
ગઈ કાલે સમાપન થયું … ખાલી ખુરશી ભરવા માટે સ્કુલ ના છોકરા લાવવા પડ્યા અને આવતીકાલ ના ઉદઘાટન ના પાસ માટે મારામારી છે … દસ ફોન આવ્યા પાસ આવી આપો અને પાંચ જગ્યાએ ટેહલ નાખવી પડી કે ભાઈ કઈક વહીવટ કરો …
સમાપન સમારંભ માં લગભગ બાર રાજ્યો ના મુખ્યમંત્રી આવ્યા … રાત ના બાર વાગ્યા સુધી સાયરનો વાગી , એ બધા ને એરપોર્ટ છોડવા માટે ની પોલીસો ની …
એરપોર્ટ પર જગ્યા નોહતી પ્લેન પાર્ક ની વડોદરા ,ઉદેપુર પાર્કિંગ થયા … અમદાવાદ હિલ્લોળે ચડ્યું છે ….
પોલીસવાળા ની જીવન માં પેહલી વાર મને દયા આવે છે …ગાંધીનગર ના રોડ પર જોઈ ને માથું ઓળય એવા ચોખ્ખા કર્યા છે ..
એક મોકાણ થઇ ડોસી મરી અને જમ ઘર ભાળી ગયો … પેહલા એકલા નરેન્દ્ર મોદી તાયફા કરતા અને ગુજરાત ના લોકો જ તાયફા જોતા અને કોક મારા જેવા કેહતા કે આ પૈસા નો બગાડ છે ….હવે આ બારે બાર મુખ્યમંત્રી એ જ જોવા આવ્યા હતા કે આવા તાયફા થાય કેમ ..? બસ હવે તો વાયબ્રન્ટ આન્ધ્ર , વાયબ્રન્ટ એમ પી , વાયબ્રન્ટ યુ પી …. બધે બધું વાયબ્રન્ટ મોડ માં આવશે …કામ કઈ થશે નહિ અને ઉત્સવો ઉજવાશે ….અને વિકાસ ની ગાથા ગવાશે …. આખા અમદાવાદ માં અખિલેશ યાદવ ના ફોટા લાગ્યા છે …. તાજમહાલ ના વિઝીટર ને યુ પી ના વિઝીટર ગણી ને આંકડો મોટો કરી નાખ્યો … એકદમ સાહેબ ની જેમ બધું મેં કર્યું ..ખાલી આઝાદી જ બાપુ એ અપાવી બાકી હું જન્મ્યો હોત ત્યારે તો પણ મેં જ અપાવી હોત …..
જવાદો ભાઈ આ બધા કકળાટ મારી સાંજ તો બેગમ પરવીન સુલતાના એ સુધારી દીધી સપ્તક માં મારુબિહાગ થી ભૈરવી ભવાની દયાની … વાહ વાહ અને આહ બધું .. એક સાથે નીકળે ….ત્રણે સપ્તક માં એમનું ગળું સહજતાથી ફરે ,અને સાથે એટલો જ ભાવ આવે ગાયકી માં એક જાજરમાન પર્સનાલીટી ના માલિક ,માથે બિંદી થી લઇ ને સોળે શણગારસંપૂર્ણ મર્યાદામાં રહી ને …. ખુબ સુંદર …ધન્ય ધન્ય ….
આવી પાછી દસમી તારીખની સાંજ ગિરીજા દેવી ની ઠુમરી અને હોરી …દાદરા …પ્યોર બનારસ ઘરાના ની ગાયકી …
મારા દિવસો અને રાતો પાંખો આવી છે …. ક્યાં જાય એ જ સમજાતું નથી …
શૈશવ વોરા