ભૂતકાળનો ભાર વર્તમાન પર …
ભૂતકાળ જેને પાસ્ટ કહીએ છીએ … બહુ જોરદાર વસ્તુ છે … મજા આવે જુદા જુદા લોકો ના રીએક્શન જોવાની ..બે ચાર ઉદાહરણો ..
એક ફિટનેસ ટ્રેનર બેન છે , ભૂતકાળમાં એટલે કે એમની ટીનએજમાં બહુ જાડા હતા પછી ડાયેટિંગ કરી , એરોબીક્સ કરી અને વજન ઉતાર્યું ,અને આજે પણ સતત મેહનત કરતા રહે અને મેઈન્ટેન કરે છે , પછી એક તક આવી અને એમણે જુદા જુદા જીમમાં એરોબીક્સ કરાવવનું ચાલુ કર્યું ,અને ધીમે ધીમે કરી અને ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં એમણે નામ જમાવ્યું , પર્સનલ ટ્રેનીગ આપવાનું ચાલુ કર્યું અને આગળ વધતા ગયા ,આજે મહીને નાખી દેતા લાખ રૂપિયાની આવક ઉભી થઇ ગઈ …!!! પણ બહુ જ ગર્વથી પોતાનો જુનો ફોટો બધાને બતાડે , જો હું પેહલા આવી હતી અને અત્યારે આ છું ….
બીજો કિસ્સો ,એક ભાઈ છે …સારી એવી ગરીબીમાં મોટા થયા ..શેર બજારના દલાલને ત્યાં નોકરીએ લાગ્યા , જોબર તરીકે .. ત્યાંથી ધીએ ધીમે આગળ આવતા આજે મહીને લાખ રૂપિયાની નોકરીએ પોહચ્યા … પણ ભૂતકાળનો ફોટો તો છોડો કે કોઈ જુનો ઓળખીતો માણસ પણ મળેને એમને તો પણ એકદમ ભડકી જાય છે …!!! એમને કઈક અજાણી બીક લાગે છે… જુના મિત્રો કે જુના આડોશી પાડોશી સાથે વાત કરતા પણ બીવે, બહુજ અનકમ્ફરટેબલ ફિલ કરે, અથવા એટલી બધું સુપીરીયારીટીથી વાતો કરે કે સામેવાળો ઝંખવાણો પડે અને જતો રહે ….શા માટે એવું થાય …??
ત્રીજો કિસ્સો.. એક કપલ પોતાના લગ્નના ફોટા કે વિડીયો જોતા પણ ડરે … અને જો એમના લગ્નમાં આવેલા કોઈ પણ વ્યક્તિને ભૂલથી પણ કોઈ સામાજિક મેળાવડામાં એમના લગ્નની વાત કરે તો ઉભા થઇ અને ધીમેકથી બંને જણા જતા રહે … કારણ ..? જયારે એમના લગ્ન થયા ત્યારે એ બને પાત્રોના માતા પિતા બેંકમાં નોકરી કરતા , અને એ જમાનામાં નાતની વાડીમાં લગનો થતા , અને એમના લગ્ન પણ એજ રીતે થયા … કુદરત એ સાથ આપ્યો નસીબનું પાનું ફર્યું ,મેહનત રંગ લાવી . આજે એ ભાઈની કંપની બારસો પંદરસો કરોડના ટર્ન ઓવર પર પોહચી ..અને આજે એમની નાની એવી પાર્ટી પણ એમના લગ્નમાં થયેલા ટોટલ ખર્ચા કરતા દસ ગણી ખર્ચાળ હોય છે …..
ચોથો અને ફાઈનલ કિસ્સો … હું પોતે ..
આડ વાત મારી એક આદત રહી છે પેહલેથી હું ક્યારેય નાનપણથી લઇ ને મારી ટીનએજમાં કોઈની ઉપર ચડી અને દાદાગીરી નોહતો કરતો , સામેવાળાના કમ્ફર્ટ લેવલ નું હું હમેશા ધ્યાન રાખતો …
બહુ નાનો હતો ત્યારે એક ડોકટર કપલના સંતાન તરીકે લોકો સારા એવા અહોભાવથી મારી તરફ જોતા .., અને એવું માની આવી લેતા કે માબાપ ડોક્ટર છે તો આ પણ ડોક્ટર બનશે …પછી સમય જતા ક્યાંક ભણવામાં નિષ્ફળતા આવી, એટલે એજ લોકોએ એક શંકાની નજર મારી તરફ નાખી….અને મેં પોતે પણ મારી જાત ને ઘણી અન્ડરએસ્ટીમેટ કરી નાખી … છતાં પણ મમ્મી પપ્પાનો સપોર્ટ અને કુદરતનો સાથ ધીમે ધીમે આગળ વધી જીંદગી …એ સમયગાળામાં જેટલા નવા મિત્રો લોકો મળ્યા એ બધા ને ક્યાંક કઈ હર્ટના થાય એનું હું વધારે પડતું ધ્યાન રાખતો ….
ભણતરના માપદંડવાળી દુનિયા છોડી અને રૂપિયાના માપદંડવાળી દુનિયામાં આવ્યો … છતાં પણ પેલી ભણતરની માર્કશીટવાળી નિષ્ફળતા મારો પીછો નોહતી છોડતી… અનેક લોકો માટે હું હોશિયાર અને અત્યંત સફળ માબાપનું ડોબું સંતાન હતો …વડલા નીચે ઘાસ ઉગે , દીવા નીચે અંધારું … આવું બધું મારા માટે બોલાતું થયું … મારો માર્કશીટવાળો ભૂતકાળ મારો પીછો નોહતો છોડતો …
ગુજરાત યુનિવર્સીટીને બોમ્બ મૂકી અને ઉડાવી દેવાની રોજ મને એ દિવસોમાં અદમ્ય ઈચ્છા રેહતી ….પણ એ જ યુનિવર્સીટીની લાયબ્રેરીમાં બેસીને વાંચેલું આજે મને રળી આપે છે , ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ચકરડા અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના સિમેટ્રીના ભમરડા અત્યારે કામ લાગે છે …માર્કશીટ ક્યારે આવશે એની બદલે ઓડીટ ક્યારે પતે ..એની રાહ જોતા થયા ..અત્યારે ઓડીટ પતે એટલે હાશ થાય છે , એક્ઝમીનર બદલાયા છે …કેમેસ્ટ્રીના એચઓડી જોશી સાહેબની બદલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમીરભાઈ એક્ઝામીનર થયા … માર્કશીટની બદલે બેલેન્સશીટ આવી …..
જીવનમાં ઘણા ફેરફારો આવ્યા , લોકો મને મારી માર્કશીટ ને બદલે બેલેન્સશીટથી ઓળખતા થયા…હવે મને ક્યારેક વીસ વર્ષ જુના ઓળખીતા લોકો ક્યાંક અચાનક મળે છે ત્યારે પેલી માર્કશીટની નિષ્ફળતાવાળો શૈશવ એમને યાદ છે …અને ક્યાય કોઈ રીતે મેચિંગ ના આવે એમને … કારણકે મારી એ નિષ્ફળતાને લીધે એમણે ત્યારે ધારી લીધું હોય કે આ ભઈ કઈ ખાસ ઉકાળે એમ નથી … અને એક મારું ફીક્ષ પિક્ચર એમના મગજમાં ડ્રો કરી નાખ્યું હોય … અને વીસ વર્ષે અચાનક જુદું ચિત્ર જોવા મળે ….બસ પછી કઈ ના બોલવાનું બોલે , એ ભાઈ મારે માટે અને મારી સામે જ મારા મોઢે …
અને પછી મારે મગજ પર સખત મોટી બરફની પાટ મૂકી અને અતિનમ્રતાથી આખી વાત વાળવી પડે …..અને ત્યાં મને પેલી મારી આદત કામ લાગે , સામેવાળા વાત કરતી વખતે એને કમ્ફર્ટ ફિલ થવા દેવાની …અને પછી એ મારા ફેન થઇ અને જાય …
જો કે અત્યારે મને મળેલી થોડીઘણી સફળતાએ પાશેરાની પેહલી પૂણી છે … હજી તો ઘણું જીવન આગળ ઘણું બાકી છે , અને કેટલા અને કેવા કપરા ચઢાણ છે કે સીધા ઢાળ છે એ તો ઉપરવાળો જ જાણે..
જીંદગીની ફાઈનલ બેલેન્સશીટ તો ચિતા ઉપર જ નીકળે ,બાકી તો ટ્રાયલ બેલેન્સશીટ કાઢ્યા કરવાની…
ઉપરના ચારેચાર કિસ્સામાં કોઈ વ્યક્તિ ભૂતકાળને સ્વીકારી અને સાથે લઈને ચાલે છે … જયારે કોઈ એને દર્દ કે દુખાવારૂપ ગણી અને તકલીફ મેળવે છે … અને કોઈક એને એક એચીવમેન્ટ ગણી ને ચાલે …
બોટમ લાઈન આપુ તો ..
દયા ધરમ કા મૂલ હૈ … પાપ મૂળ અભિમાન …તુલસી દયા નવ છાંડીયો… લિયો જગ અવતાર
સુપ્રભાત
– શૈશવ વોરા