મહાદેવજી ગાળો બોલે ..??? હા બોલે …!!! કેમ ના બોલે ..? વિવાદ ચાલ્યો છે એક નવું આવનારી ફિલ્મ ના ટ્રેઇલરમાં શંકર ભગવાનના મોઢેથી જેને ભૂંડા બોલી કહીએ એવી માં બેનની ગાળો નીકળે છે … અહિયાં તો હુ નહી લખું પણ તમારે સંભાળવી હોય તો “મોહલ્લા અસ્સી” નું ટ્રેઇલર યુ ટ્યુબ ઉપર છે …જોઈ લેજો .. મગજ બેહર મારી જાય કે ફિલ્મ નિર્માતાને ભગવાનના મોઢે આવી ભૂંડા બોલી ગાળો કેમ બોલાવવાનું મન થયું હશે ..!!! હવે આખું પિક્ચર આવે અને જોઈએ ત્યારે જ ખબર પડે કે કેમ ભગવાન આવી જોરદાર ગાળો કાઢે છે …!!!!!
મને કોઈ પૂછે તો કહું કે ભગવાન ગાળો બોલે ..?? હા બોલે …કેમ ના બોલે ..?? જો એના ભક્તો ગાળો બોલતા હોય તો ભગવાન પણ બોલે જ .. જેમ આપણે કહીએ કે યથા રાજા તથા પ્રજા … કે યથા પ્રજા તથા રાજા …બસ એ ન્યાયે જેવા “ભક્તો” એવા “ભગવાન” ….અને આ ટ્રેઇલરમાં એકલા” ભગવાન” જ નહિ “ભાગવાન ” પણ ગાળો બોલે છે ..!! સુરત શહેરની યાદ આવે , ઓરીજીનલ સુરતી બૈરા પણ કેવી સહજતાથી ગાળો બોલી જાય છે ..!! બસ એ સહજતાથી જ “ભાગવાન “અને “ભગવાન” બંનેને “મોહલ્લા અસ્સી” ના ટ્રેઇલરમાં ગાળો બોલતા બતાડ્યા છે ….!!!!
થોડું પાછળ જાઉં આદત પ્રમાણે તો શંકર ભગવાન અને પાર્વતીજીને ઘણી બધી જગ્યાએ જેને અંગ્રેજીમાં આપણે ઈરોટીક કહીએ એવી ક્રીડા કરતા શિલ્પોમાં બહુ આદિકાળથી કંડારવામાં આવે છે …મોટાભાગના હિંદુ મંદિરોમાં એક બેઝીક થીમ હોય છે, શિલ્પશાસ્ત્રની અને એ છે ..ધર્મ , અર્થ , કામ , અને મોક્ષની હોય છે …અને જયારે કામની વાત આવે ત્યારે એને લગતા તમામ શિલ્પો શંકર પાર્વતી ના જ હોય છે ,કારણકે શાસ્ત્રોએ આદર્શ દામ્પત્યજીવન ફક્ત અને ફક્ત ઉમામહેશ્વર નું જ ગણ્યું છે … જે ઘણાબધી રીતે સત્ય પણ છે ….
મહાકવિ કાલિદાસનું મહાકાવ્ય કુમારસંભવનો રેફરન્સ આપું તો એમાં જે વર્ણન છે એની વાત કરું , થોડું શૃંગારિક છે .. સોરી થોડું નહિ ઘણું શૃંગારિક છે …
કુમારસંભવનો આઠમો સર્ગએ આખે આખો શૈલનંદીની અને શિવના સુરત વર્ણનનો છે …
આઠમાં સર્ગના ૧૪માં નબરના શ્લોકનો અનુવાદ કૈક આવો થયો છે ..
“ હવે તેણે વક્ષ:સ્થળને પીડા આપનારા પ્રિયને આલિંગન આપ્યું ,એના વડે પ્રાર્થના કરાયેલું મુખ પાછું ન ખેંચી લીધું , કંદોરાને ખેંચવા માટે ચંચલ બનેલા શિવના હાથને ઢીલાશપૂર્વક ( જાણે કે રોકવાનો ડોળ કરતી હોય તેમ ) રોક્યો ..”
હવે આ જ આઠમાં સર્ગના ૮માં શ્લોક માં શિવજીની ક્યા પ્રકારનું સુરતકર્મ ગમતું એનું વર્ણન છે
“ ચુંબનો ( સામેથી ) અધરદાન ( ઓષ્ઠ અર્પણ કરવાની ક્રિયા ) વિનાનું , નિર્દય આલિંગનમાં સરી પડતા હાથવાળું , ક્લિષ્ટ- અસંપૂર્ણ સંભોગેચ્છાવાળું ,( દંતક્ષત , નખક્ષત ,તાડન વગેરે )પ્રતિક્રિયા વિનાનું હોવા છતાં પણ નવવધૂ (પાર્વતી )સાથેનું સુરતકર્મ શિવને ગમતું …”
બોલો હવે આમાં ગાળ બોલવાની જગ્યા રહી ..??? બે ચાર વાર વાંચી જજો ઉપરના ભાષાંતરો અને શાંતિથી સમજવાની કોશિશ કરશો તો પેલી ગાળો તો ક્ષુલ્લક લાગશે …
હા વાંધો ઉઠાવવો હોય તો એવો ઉઠાવાય કે આ વલ્ગર ગાળો છે .. અને ભગવાન ના મોઢે ના બોલાવો તો સારું , બાકી જો જબરજસ્તી થાય તો પછી તાલેબાન અને આપણમાં કોઈ ફેર ના રહ્યો , આપણા ધર્મ અને શાસ્ત્રોએ ઘણા બધા ઓપ્શન મુક્યા છે , એક જ ઈશ્વર ના ઘણા બધા રૂપો આપણને આપ્યા છે તમારે જે રૂપ ની પૂજા કરવી હોત તે રૂપની પૂજા કરો … ફ્રી છો …મુક્ત છો … કોઈ પણ રૂપની પૂજા કરવા માટે
મારે માટે શિવનું એક સ્વરૂપ તો અત્યંત પૂજનીય છે … જયારે શિવજી પોતાના મુખેથી પાંચ રાગનું સર્જન કરે છે અને એમાંથી સંગીતનો જન્મ થાય છે …બસ એક આ સ્વરૂપ અને બીજું સ્વરૂપ સ્મશાનમાં બેઠેલો મહાકાલ … સમય નો દેવતા .. વિનાશ નો દેવતા ….કાલ નો દેવતા … મને આ જ સ્વરૂપને પૂજવું ગમે છે …હા અને એના પ્રતિક રૂપે શિવલિંગ ની પૂજા …!!!
જયારે શિવજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એમનું મસ્તિષ્ક ગયું સ્વર્ગમાં અને ચરણ ગયા પાતાળે .. મૃત્યુલોકમાં રહ્યા ફક્ત એમના લિંગ .. અને માટે શિવલિંગ ની પૂજા થાય ધરતી ઉપર …..
પાછો કુમારસંભવ પર આવું તો ,તાડકાસુરનો ત્રાસ વધ્યો અને ઇન્દ્ર રસ્તે રખડતા થઇ ગયા … રસ્તો એકજ હતો તાડકાસુર ને મારવાનો … શિવના વીર્યથી થયેલો પુત્ર દેવોની સેનાનો સેનાપતિ બને અને એ તાડકાસુરને મારે ….કામદેવએ બાણ ચડાવ્યું , પણ પિનાકપાણીના ત્રિનેત્રથી મદન દહન થયું …રતી વૈધવ્યને પામી …કામને ફરી જીવન આપ્યું શૈલસુતાની વિનંતીથી નગાધિરાજના જમાત્રાએ … ત્રિપુર સંહારકનું વીર્ય અગ્નિએ પોતાના મુખમાં ધાર્યું, પણ અગ્નિની તાકાત ખૂટી ,અગ્નિએ વીર્ય ગંગાને આપ્યું અને ગંગાએ એના કિનારે હિમાલયમાં મુક્યું અને ત્યાં શિવપુત્ર કાર્તિકેયનો જન્મ થયો , કાર્તિકેયને છ કૃતીકાઓએ ઉછેર્યો , અને પછી દેવોની સેનાનો કાર્તિકેય સેનાપતિ બન્યો અને તાડકાસુર હણાયો ….
જય હો …
નમઃ પારવતીપત હર હર મહાદેવ
શુભ રાત્રી
શૈશવ વોરા