માતેલા સાંઢ ….
ડમ્પર ની નીચે આવી ને બે જુવાનીયાઓ ના મોત …. ગઈકાલે બે જુવાનજોધ અઢાર વર્ષ ના બે છોકરા એસ જી હાઈવે પર ડમ્પર ની નીચે આવી ને જીવ થી ગયા ….. અઢાર વર્ષ ના બે છોકરા જાય એની પાછળ કેટલી જિંદગી બરબાદ થાય ..??? કોઈ ગણિત કામ માં નાં આવે બસ દુઃખ ,દુઃખ ,અને દુઃખ ના દરિયા ઘૂઘવે જીવનભર એ માબાપો ને માથે ….ક્યાય કોઈ શાંતિ બાકી ના રહે, એમના જીવન માં ઘર સ્મશાન થાય ..એમની પોતાની ચિતા ની આગ જ હવે એમના કલેજા ને ઠંડક આપે ….પણ આ બધા દુઃખ ને આપનારો કોણ છે ..??
રોજ જયારે આપણે વાંચીએ કે ડમ્પર ,બીઆરટીએસ , કે એએમટીએસ ની નીચે આવી ને કોઈ છોકરા કે છોકરી કે સ્કુલે થી બાળક ને લઇ ને આવતી માતા બાળક કચરાઈ ને મરી ગયા ….ત્યારે એક સવાલ આવે કે આ મોટા વાહનો થી જ કેમ આવા અકસ્માત થાય છે ..?? અને ઘણા બધા કેસ માં એ મોટું વેહિકલ, માતેલો સાંઢ એ મોટે ભાગે બેફામ સ્પીડ માં હોય છે કે રોંગ સાઈડમાં જ હોય છે ….કારણ શું ..??
એક કારણ માં એવું બેસે છે કે ડમ્પર ના ડ્રાઈવરો ને એક કડક સુચના હોય છે ..ફટાફટ જઈ અને ફટાફટ પાછો આવ .. મોટેભાગે ડમ્પર ના માલિકો જયાં બાંધકામ ચાલતું હોય કે રોડ બનતો હોય ત્યાં થી માટી ઉપાડવા નું કામ લેતા હોય છે , અને જેટલા ઓછા સમય માં માટી વધુ ઉપાડે એટલો નફો વધારે થાય છે , અને જો ચાર ફેરા ને બદલે ત્રણ ફેરા થાય તો ડમ્પર માલિક ને નુકસાન થતું હોય છે …
કેમ કે એક સાઈટ ઉપર બે ત્રણ ડમ્પર માલિકો કામ કરતા હોય છે અને એમાં બધા લોકો માં અંદર અંદર કોમ્પીટીશન પુષ્કળ હોય છે …ટૂંક માં જેટલા ફેરા વધુ મારે એટલો નફો વધારે ,એટલે ચાબુક કોને મારે માલિક ..? ડ્રાઈવરને .. જલ્દી જા બે એ ગેલ ફાડિયા … બસ ત્યાંથી ગાળો ચાલુ થાય માલિક ની ડ્રાઈવર ને અને રસ્તા માં હોય એટલે દસ વખત ફોન કરે .. કેટલે પોહચ્યો … (ગાળ ..ગાળ ..ગાળ ).?? હજી ક્યાં રખડે છે ..? તારી માં ..(ગાળ ગાળ ) છેલ્લો ફોન ..એવો હોય …મારા બાપ હવે ફટાફટ આવને બકા અહિયાં લાઈન કેટલી મોટી છે ….એકદમ ઘોડા ની જેમ ટ્રીટમેન્ટ ,પેહલા ચાબુકો માર માર કરે અને જેવો ડેસ્ટીનેશન પર આવે એટલે પંપાળી લે ….જબરજસ્ત સ્ટ્રેસ માં રાખે ડ્રાઈવર ને ..
બીજું કારણ ..હવે જયારે ડ્રાઈવર ડમ્પર ની સીટ ઉપર બેસે છે ,ત્યારે એને બીજા નાના વેહિકલ ની સરખામણી માં ડમ્પર કે બસ ની સીટ પાંચ ફૂટ ઉંચી હોય છે ..એટલે ટુ વ્હીલર કે નાની ગાડી ની સરખામણી માં એને વિઝન ઘણું દુર નું દેખાય , એટલે જો આગળ રસ્તો ખાલી હોય કે રોંગ સાઈડ માંથી જવાથી ટ્રાફિક ના હોય કે બે પાંચ કિલોમીટર બચતા હોય તો પછી એ ડ્રાઈવર એ જ રસ્તો લે .. અને ફટાફટ ગીયર બદલે …
મોટેભાગે શેહરી વિસ્તાર માં બીજા ગીયર માં જ ગાડી ફરતી હોય છે આ સાંઢ ની ,એટલે ડીઝલ નો ખો નીકળી જાય છે …અને માલિક એમાં પણ ફોન માં ગાળો આપતો હોય છે .. એટલે બને તેટલી ઝડપથી ડ્રાઈવર ડીઝલ અને સમય બચાવવા ચોથા કે પાંચમા ગીયર માં ગાડી લઇ જવાની કોશિશ માં હોય , જો કે ડીઝલ બચે તો થોડી ડીઝલ ની ચોરી ડ્રાઈવર કરી જ લેતા હોય છે ..એટલો એમનો પોતાનો અંગત સ્વાર્થ ખરો ….
એકવાર સ્પીડ આવે એટલે સાંઢ , માતેલો સાંઢ માં કન્વર્ટ થાય , આ માતેલા સાંઢ પાસે એર બ્રેક હોય છે .. એટલે એ કુતરું બિલાડું કે માણસ ગમે તે વચ્ચે આવે તો ,ગમે ત્યારે બ્રેક મારી ને પોતાની ગાડીને એક જ જગ્યા પર ચોંટાડી દે , પણ પણ પણ એની પાછળ એટલી જ સ્પીડથી આવતા કાયનેટીક ,એકટીવા ,બાઈક ,રીક્ષા , ગાડી એ બધા નું શું ..?? સીધા જાય ડમ્પર ની નીચે અને મોત રાહ જોતું ઉભું જ હોય …..નાના વેહિકલ પાસે એરબ્રેક નથી ..અને જયારે જયારે શોર્ટ બ્રેક મારવા નો વારો આવે ત્યારે ત્યારે આ નાના વેહિકલ પોતાના બેલેન્સ ચુકી જાય છે અને … એ માસુમો મોત ને ભેટે છે ..
ડમ્પર ની સરખામણી માં બસ જોડે થતા અકસ્માત માં મૃત્યુ ઓછા થાય છે એનું કારણ છે ,બસ ચારે બાજુ થી કવર હોય છે ,છેક જમીન સુધી લગભગ ,અને જયારે જયારે ટુ વ્હીલર એ બસ જોડે અથડાય છે ત્યારે બસ ના પતરા સાથે ટુ વ્હીલર અથડાય છે અને વાહન ચાલક ના શરીર પણ પતરા જોડે અથડાય છે ઈજા પુષ્કળ થાય ,પણ જીવ નું જોખમ ઓછું થાય છે .. જયારે ડમ્પર કે ટ્રક ચારે બાજુ થી ખુલ્લી હોય છે એટલે છેક અંદર સુધી ટુ વ્હીલર જાય છે અને નાના વાહન ચાલક નું શરીર એના પૈડા ની નીચે કે ડમ્પરની મજબુત ચેસીસ ને અથડાય છે … એટલે બચવાના કોઈ ચાન્સ રેહતા નથી અને મોત એ એક જ ઓપ્શન બચે છે …
ટ્રક કે ડમ્પર ની ડીઝાઈન માં કોઈ ફેરફાર થાય કમ સે કમ એને ફરતે ઓછા વજન ની પણ મજબુત પટ્ટી ઓ ફેરવી દેવાય તો કદાચ ઘણા બધા જીવો બચે ,અને કુટુંબો અકબંધ રહી શકે ….
ડમ્પર અને ટુ વ્હીલર ના અકસ્માત થી બચવા નો બીજો રસ્તો છે .. એ માતેલા સાંઢ થી દસ ફૂટ દુર રેહવુ, એકદમ અડી અડી ને ના ચલાવવુ … હેલ્મેટ ચોક્કસ પેહરવી , અને એમની જેટલી સ્પીડ ક્યારેય ના લેવી …..
જો કે મારું આ બધું ડહાપણ રાંડ્યા પછી નું છે …અમે ભૂતકાળ માં બહુ જ રેશ ડ્રાઈવીંગ કરી ચુક્યા છીએ ..ઘણા બધી વખત બાઈક પરથી પડ્યા અને અને અનેક વાર ઘૂંટણ છોલી નાખ્યા છે, ક્યારેક આખા છોલાઈ ગયા છીએ …પણ ભાગ્ય બળવાન હતું એટલે બચી ગયા ..મગજ માં એક ધુનકી હજી ચડેલી છે ..મારા જીવન ની એક છેલ્લી બાઈક લેવાનું ….પણ અત્યારે હવે ઉમર નો તકાજો નડે છે …પણ હા બાઈક એ મારો પેહલો પ્રેમ છે અને રેહશે …ઈશ્વર ઈચ્છા હશે તો લઈશું ,બાકી તો સમય થઇ ગયો છે , ડ્રાઈવર સાહેબ આવી ગયા છે, ગાડી આઘીપાછી થઇ રહી છે ..અને અમે ઉપડ્યા અમારે કારખાને …..
આપ નો દિવસ શુભ રહે ..
શૈશવ વોરા