લગ્નો અને ફોટોગ્રાફી ….
દિવસે દિવસે નવું નવું આવતું જાય છે …હવે સારી મોટી ઇવેન્ટ, પચીસ લાખ ઉપરની ઇવેન્ટમાં ડ્રોન કેમેરો કમ્પલસરી થઇ ગયો છે ..ડ્રોન માટે નો આખો આર્ટીકલ પેહલા લખી ચુક્યો છું પણ આજે વાત કરાવી છે લગન ના ફોટોગ્રાફ્સ માં આવેલી ક્રાંતિ ની …
મારા મમ્મી પપ્પા ના લગ્ન માં એક રોલ કલર ફોટોગ્રાફી નો અશોકકાકાએ અમેરિકા થી મોકલ્યો હતો , કોડાક નો રોલ હતો .. અને રોલ ડેવલોપ એટલે કે ધોવા માટે અમેરિકા ગયો અને ત્યાંથી ફોટા આવ્યા …આવું પપ્પા ના મોઢે સાભળ્યું છે ..સાલ ૧૯૬૯ ..
અત્યારે મમ્મી પપ્પા ના લગ્ન નું આલ્બમ જોઈએ તો પેલું મુગલે આઝમ જેવું લાગે વચ્ચે અને છેલ્લે કલર ફોટા અને બાકી ના બધા બ્લેક એન્ડ વ્હાઈટ…પછી તો મારા ઘર માં કલર કેમેરો યાસીકા નો આવી ગયો હતો એટલે શૈશવભાઈ ના જન્મ્યા ત્યારથી બધા જ ફોટા કલર માં જ છે ..જો કે ક્યારેક એવું પણ સંભળાય છે ખૂણે ખાંચરેથી લોકો ને બોલતા સંભાળું છું કે આ શૈશવ સૌથી વધુ કલર મારે છે ….હશે ત્યારે મારા તો નસીબ માં પેહલેથી કલર લખાયો છે તો કલર મારું યાર હે …
પછી થોડો જમાનો આવ્યો સુપર ૮ મુવી કેમેરા નો , જે બચ્ચન દાદા ના પિક્ચર આવતા ને એ ૩૦ એમએમ માં આવતા અને ૭૦ એમએમ માં બહુ ઓછા આવતા .. સુપર ૮ એટલે ૮ એમએમ નું હાલતી ચાલતું મુવી ,હજી પણ મારી પાસે એનું પ્રોજક્ટર અને કેમેરો માળીયે પડ્યા છે ,સુપર ૮ એમએમ માં અમદાવાદ ના પેલા વિનય વોરા બહુ ચાલ્યા … મુવી ફોટોગ્રાફી જોડે સ્ટીલ ફોટોગ્રાફી પણ ચાલી …
અને ત્યારના જમાના ની મજા એ હતી કે ફોટો પડાવવા નો હોય ને એટલે લોકો કેમેરાની સામે એકદમ જડની જેમ ઉભા રહી જાય ,સહેજ પણ હાલે ચાલે નહિ અને મોઢું એકદમ ભાર માં લાવે , ગ્રુપ ફોટો લગ્ન માં હોય ,એમાં એકાદા ની આંખ તો બંધ જ આવે અને એકાદો કૈક આડું અવળું કરતો ઝલાય ….છેક ૮૨ થી ૮૩ ની સાલ સુધી આ જડસુ મોઢા ચાલ્યા , અને જો પોઝ આપીને ફોટા પાડવા ના હોય તો પોઝ તો જાણે એવા આપે કે બસ હમણા એનો ફોટો રૂપાલી કે રીલીફ થીયેટર પર લાગવા નો હોય ………
મને મારો પોતાનો કેમેરો ૧૯૮૨ માં મળ્યો જયારે શ્રીલંકા સ્કુલ ટ્રીપ માં ગયો ત્યારે .. આઠ રોલ ભરી ને ફોટા પાડ્યા , પણ બધા બ્લેક એન્ડ વ્હાઈટ ,પેલો યાસીકાનો કલર કેમેરો તો ધરાર પપ્પા એ મને ના લઇ જવા દીધો …પણ મજા આવી ,માંડ બે ચાર જણ પાસે કેમેરા હતા ત્યારે …પણ પછી મને ફાવટ આવી ગઈ હતી એટલે ઘણા બધા લગ્નો માં પપ્પા મને ફોટોગ્રાફી કરવા આપી દેતા અને મારો તો વટ પડતો …..
લગ્ન ના ફોટા ની આખી સિક્વન્સ મને ગોખાઈ ગઈ હતી ..ગણેશ સ્થાપન થી તે વિદાય સુધી ની છેલ્લો ફોટો બારણે થાપા મારે એનો અને પછી રડારોળ અને જતી ગાડી નો ફોટો છેલ્લે … એટલે આપણું કામ પૂરું ..
પણ ૮૪ અને ૮૫ ની સાલ પછી વિડીયો કેમેરા અને વિડીયોગ્રાફી ચાલી ત્રણ કલાક ની આખી વિડીયો ઉતારે …સાલું એવા કાર્ટુન જેવા લાગે એક એક જણ કે ના પુછો ને વાત..કોઈ વાતે તમે એકવાર થી વધુ જોઈ ના શકો એ વિડીયો .. એમાં પેલો વિડીયો વાળો એડીટીંગ કરે અને એવા એવા ગીતો નાખે .. ઓ માડી રે …બેન્ડવાજા જોડે ડાન્સ કરતી પ્રજા , એમાં એકાદો પેલો નાગીન ડાન્સ કરે અને એકાદો માતા આવ્યા હોય તેમ ધૂણે ….અને છેલ્લે પેલો બેન્ડવાળો એ દેશ હૈ વીર જવાનો કા વગાડે ….
એ વિડીયોગ્રાફી માં પછી કોપ્યુટર લાગ્યા અને લાઈવ ટેલીકાસ્ટ આવ્યા અને વચ્ચે મોટી ક્રેઇન મુકે અને ઉંચી નીચી કરે આખી ક્રેઇન અને જુદા જુદા એન્ગલો સેટ થયા …૨૦૦૦ ની સાલ થી ડીજીટલ કેમેરા આવ્યા અને બધું ડિજીટલાઝેશન થયું…
અને નખ્ખોદ વળ્યું મોબાઈલ ના કેમરા થી … જાજરૂ, બાથરૂમ અને ના લેવાના બધા ફોટા જનતા એ લીધા અને અપલોડ કર્યા …અને હવે ચાલ્યું સેલ્ફી નું તુત થયું ત્યારે ….
લોકો હવે ચાલુ લગને ફેસબુક કે ઈન્સ્ટગ્રામ પર ફોટા અપલોડ કરે છે …પેહલો ફેરો પત્યો …અરે તારી ભલી થાય જે કામ કરવા આયો છું એ કરને ફોટા પછી ફેસબુક પર નાખજે … હનીમુન માટે પરદેશ જવું કમ્પલસરી થઇ ગયું છે નહિ તો છોકરાનો બાપો કડકો લાગે એવું થાય …એટલે અમદાવાદ એરપોર્ટ થી ફેસબુક પર ચેક ઇન નાખે તે હોટલ માં પોહચે ત્યાં સુધી ચેઈક ઇન નાખ નાખ કરે ….તમને પલ પલ ની ખબર મળ્યા કરે પેલા આજતક ની જેમ, અને ભલું હોય તો પાછા સેલ્ફી પાડી પાડી ને ઠોકે …અને એમાં પણ એવા પોઝ આપે કે અલ્યા ભાઈ તું હનીમુન પર જાય છે અમે તો કામધંધે જૈયે છીએ … થોડી શાંતિ રાખ ને યાર ….
વારો આવ્યો હવે ડ્રોન કેમેરા નો ઉપર આકાશ માં મંડરાતો જ હોય, માથે ભમરો ફરતો હોય એવો અવાજ કાર્ય કરે …અને પાછા ટ્રાયપોડ તો ઠીક કૈક બીજા લાંબા ટ્રાયપોડ જેવું લાંબુ કૈક હોય છે… એને સેલ્ફી સ્ટીક કેહવાય ..અને એના થી ફોટા પાડે છે …જનતા
મને એક નવો તુક્કો દિમાગમાં આવ્યો છે … ગુગલે મેપ માટે જે કેમેરા આવે છે એનાથી ફોટા લઇ અને હવે સ્પેસ માંથી ફોટા લઇ ને ગુગલે વેચવા જોઈએ , છેક સ્પેસમાંથી કેવો મસ્ત એન્ગલ આવે નહિ ..?આ સેલ્ફી સ્ટીક અને ડ્રોન કેમેરા થી તો શું વ્યુ આવે ..? સાલું એની માંને સીધા સ્પેસ માંથી જ પિકચરો આવે …લે કર મોજ વરરાજા …તારો સસરો બરબાદ … ગુગલ એક ઈમેજ ના ૧૦૦૦ યુસેડી ઠોકશે ….અને દસ પીક તો જોઈયે જ તારે …..ઓછામાં ઓછા …
સાલું અત્યાર ના ઠાઠ માઠ થી થતા લગ્નો જોઈ ને થાય છે કે વેહલા જન્મી ગયા અને પરણી ગયા ….બાકી નાચતો નાચતો આવતો વરરાજા અને નાચતી ગાતી આવતી દુલહન….જોઈ ને દિલખુશ થઇ જાય છે…
મારા સાસરે બે પ્રસંગ હતા ગયા અઠવાડિયા માં …ભાઈબેન બંને ના લગ્નો હતા…ખુબ આનંદ કર્યો મોજ કરી પ્રસંગ ને માણ્યા અને સરસ મજા ની ઠંડી એ એમાં સાથ પુરાવ્યો …આંખ ને ઠારે એવી બંને જુગતે જોડી …આમ ખાલી જોઈ ને અંતર માંથી આશીર્વાદ નીકળે …ભગવાન તમને ચારે ને બસ રોજ આવી ખુશી આપે …
મારું એક ફેવરીટ થયેલું ગીત ની લીંક મુકું છું ….દરબારી રાગ માં હોય એવું લાગે છે …લોકગીત જ છે આમ તો ..શબ્દો ખુબ સરસ છે શાંતિ થી હેડ ફોન લગાડી ને સાંભળજો …કુંવારા ને પરણવા નું મન થશે અને પરણેલા ને ફરી પરણવા નું …..
Watch “Osman Mir…Heri Sakhi Mangal Gao Ri (At Madhuli)” on YouTube – Osman Mir…Heri Sakhi Mangal Gao Ri (At Madhuli): http://youtu.be/lvhZf6SQEvg
હે રી સખી મંગલ ગાવો રી ….
ધરતી અંબર સજાવો રી..
આજ ઉતરેગી મેરે પી કી સવારી …..
શુભ રાત્રી
શૈશવ વોરા