લો આ મેસેજ આવ્યો પેહલા વાંચ્યો અને પછી વિચારવાનું લખ્યું છેલ્લે …. પત્યું કોઈ વિચારવા નું કહે પછી તો આપડે બાકી રાખીએ …?મગજ ફરતું થઇ ગયું .. શું વિચાર આવ્યો ..? તો કહે ભાઈ શૈશવ આ બહુ મેહનત કરનારા લોકો ટીવી નથી જોતા એટલે જ એ લોકો રૂપિયાવાળા થયા અને એટલે લોમ્બોર્ગીની છે એમની જોડે…!!! હવે તારું શું થાશે ભાઈ શૈશવ ..?? તું તો ટીવી જોવે અને પાછો ટીવીમાં જે આવે ને એની ઉપર લખવા બેસે … !!! થયું ત્યારે …!!! અત્યારે તારી પાસે જે છે ને એ ગાડીઓ વેચાઈ ના જાય હો ભાઈ , જરા ધ્યાન રાખ … બસ આવો વિચાર આવ્યો મને મનમાં ….અને એમાં પણ મારી સામે અત્યારે આવું જ જબરજસ્ત મેહનત કરતો એક લેમ્બોર્ગીની વાળું નંગ બેઠું છે ….મને કહે છે ટર્નઓવર વધારવું છે … મેં પૂછ્યું કેટલું છે ..? તો કહે ૧૧૦૦ કરોડ અને કેટલું કરવું છે તો કહે ૧૪૦૦ કરોડ નું ..!!! ,હવે એમની સાથે છેલ્લા ચાર દિવસથી હું ભારત ભ્રમણે નીકળ્યો છું …. સવારે ફ્લાઈટ લીધી અને પછી રોડ પરના બસ્સો કિલોમીટર …. બ્રેકફાસ્ટ હવાઈ મથક પર લંચ રોડ પર ક્યાંક અને ડીનર કોઈ બારમાં….
મારી સાથે જે ભાઈ છે , એ ભાઈ ને ત્યાં અત્યારે એમના દેશમાં આઠ ડીગ્રી તાપમાન છે ,ત્યાંથી અહિયાં બેતાલીસ ડીગ્રીમાં કામ કરવા પધાર્યા છે … તો પણ મારો વહાલો થાકતો નથી … અત્યારે બેઠા બેઠા કઈ પેલી સ્કોચ વિસ્કી બ્લેક લેબલ મંગાવી એ પણ ડબલ… અને હું તરબૂચ નો જ્યુસ ઠોકુ છું એની સામે બેસી ને…સવારનો સાડા ચાર વાગ્યાનો મને જગાડ્યો છે ….અત્યારે રાત ના દસ થયા છે ….પણ પાર્ટી એ કહી દીધું કાલે સવારે સાત વાગે બ્રેકફાસ્ટ પર એક પાર્ટી મીટીંગ ,પછી બપોરે હવાઈ જહાજ પકડો અને ભરબપોરે ત્રણ વાગે ફરી એક મીટીંગ ,સાડા ચારે બીજી અને રાત્રે સાડા આઠ વાગે ડીનર પર ત્રીજી પાર્ટી જોડે મીટીંગ .. ઓર્ડર મળવા જોઈએ….. મારા તો ડૂચા કાઢી નાખ્યા છે … અંગ્રેજી બોલે પણ ભાંગ્યું તૂટ્યું …. રસ્તા માં રોડ ઉપર ના પ્લાસ્ટિક અને કચરા જોઈ ને મને કહે છે કે આ તારા દેશ માં તો બહુ બધા નવરા લોકો છે .. એમને કહે ને કે આ બધો કચરો ઉપાડી લે ,ચાઈના માં તો કેવું ચોખ્ખું રાખે છે …. મેં કીધું ભાઈ અમારે તો દેશ ના પ્રધાનમંત્રી બિચારા કામધામ છોડી ને ઝાડું મારે છે તોય અમારી પ્રજા કઈ સમજતી નથી …!!!!
જોરદાર થાક લાગ્યો છે … હવે ના બે દિવસ ગુજરાત માં રેહવાનું છે એટલે પાર્ટી ને પીવા નહિ મળે એટલે એ એના શરીર નું આલ્કોહોલ નું લેવલ અત્યારે એક્સ્ટ્રા બિલ્ટ અપ કરે છે …અને હું બાર માં એની સામે બેઠો બેઠો આ બ્લોગ લખું છું … હું પેહલો એવો ગુજરાતી હોઈશ કે જે બાર માં બેઠો બ્લોગ લખે ….!! ભગવાને મને પણ ફુરસત માં જ બનાવ્યો છે ….મારા કેટલા ભાઈબંધો ગાળો આપશે અલ્યા તરબુચ જ્યાં જે કામ કરવાનું છે એ કરને … પણ બકા મારે નથી જોઈતી લેમ્બોર્ગીની … મુઈ લેમ્બોર્ગીની ત્યારે શું વળી હે આટલા વૈતરાં કોણ કરે ..? દેશ અને દુનિયા ભટક્યા કરવાનું આખો દા`ડો ….હવે જો વધારે વાર લાગશે ને તો હું ગાળો લખીશ …સખ્ખત ઊંઘ આવે છે…જાવ ત્યારે
ઓકે બાય
શૈશવ વોરા