ઉપર નો મેસેજ વોટ્સ એપ પર આવ્યો આમ જોવા જાઉં તો વર્ડ ટુ વર્ડ એગ્રી થવાય એવુ છે .. આમાં કશું જ ખોટું નથી … પણ આ વાત ખાલી તમને ,મને ,અને વોરન બફેટને જ ગમે … !! કારણ શું ..?? તો વોરન બફેટ પાસે એટલા રૂપિયા છે અને મારી અને તમારી પાસે નથી … બસ માટે આપણને આ વાત ગમે ,પણ અને જેની પાસે વોરન બફેટ કરતા સો માં ભાગના પણ રૂપિયા છે એવા લોકો વર્ડ ટુ વર્ડ ડીસએગ્રી થાય …
કેમ ..?? તો કહે આખી જીંદગી મજુરી કરી ઝુડાયો , અને થોડા રૂપિયા પામ્યો તો પછી આમ ટાંટિયા વાળીને શેનો બેસું ..?? થોડાઘણા માલેતુજારોને ઓળખું છું ,કોઈકને ત્યાં ક્ક્યારેક રેડ પડે ,કોઈ એકાદ દિવસ અંદર રહીને પણ આવે છે , કોઈ એવા છે કે બાપદાદાના પેઢીઓથી રૂપિયા છે અને કોઈએ ઘણી મેહનત કરી અને ભેગા કર્યા છે …આ બધું કર્યા પછી ઘેર બેસીને પોપકોર્ન ખાવાની હોય તો પેહલા શું ખોટો હતો ..??
પૈસો એ બહુ ખતરનાક વસ્તુ છે , ઉછળ્યા વિના રહે જ નહિ …કોઈ ને કોઈ રીતે ઉછળે જ , ક્યાંક તો એનો રંગ બતાડે જ …મોટે ભાગે આપણને સાદગીથી જીવો અને શાંત રહો આવા બધા ઉપદેશો આપનારા પાસે ક્યાં તો એટલા રૂપિયા હોતા નથી કે પછી બહુ ભેગા કરીને બેસી ગયા છે અને પોતે વાપરે છે અને બીજા ને રોકે છે …
એક આવા “સાદા” વડીલ મને એક ફંક્શનમાં મળી ગયા ,એ વડીલ કાકા સાથે મારે વર્ષો જૂની ઓળખાણ એટલે એ વડીલ કાકા એમની ચલાવતા અને હું સંભાળતો , મારી સાથે આવેલા હતા એ ભાઈએ એમની સાથે ઓળખાણ કાઢવાની કોશિશ કરી , કાકા ફલાણા અંકલ તમારી સાથે રાજપથ ક્લબમાં આવે છે ને ..? કાકાનો ઈગો હણાઈ ગયો … ના હું એવી બધી જગ્યા પર ના જાઉં હું તો જો આવી કુદરતી જગ્યા પર જાઉં .. હવે એમણે હાથ કરીને જે કુદરતી જગ્યા બતાડી એ એમનું પોતાનું દસ એકરમાં ફેલાયેલું ફાર્મ હતું .. ચકાચક રીતે તૈયાર કરેલું , આર્કિટેક રાખી અને લેન્ડ સ્કેપિંગ કરેલું … બોલો કેટલા “સાદા” અને “સીધા” … એ વડીલ ..!!
રૂપિયા પૈસાની મજા જ હમેશા બીજાની સાથે સરખામણીમાં મારી પાસે વધારે રૂપિયા હોય તો જ આવે બાકી તો શું ..?? સાદગી જ રાખવાની હોત તો ઘેર બેઠો બેઠો તાનપુરો પકડીને રાગડા ના તાણું .. અને એમાં પણ કોઈ સાંભળનારું ના હોય તો એકલો એકલો કેટલું ગાંગરું ..??
ન્યુટનનો સાપેક્ષવાદ જીવનમાં હમેશા લાગુ પડે છે ..એક બીજાની સરખામણી જ એક પ્રતિસ્પર્ધા નું વાતાવરણ ઉભું કરે છે અને કોઈ નવી શોધ કરવાનું કારણ ઉભું કરે છે …
બીજી નાની નાની વાતો ખરેખર અનુકરણીય છે .. પણ આવી તો ઢગલો શિખામણો રોજ વોટ્સ અપ પર આવે છે ..પણ શેઠ ની શિખામણ ઝાંપા સુધી પણ ના પોહચે.. જે છીએ એ જ રેહવાના અને જેમ ચાલે છે એમ જ ચાલવાનું ..અને ચલવવાનું …
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા