આજે શૈશવ વોરા ડોટ કોમ દસ હજાર વ્યુ ને પાર કરી ગઈ ,સંપૂર્ણ ઓર્ગેનિક રીતે, અને મારું ફેસબુક ફેન પેજ પંદરસો લાઈક પર પોહચ્યું બહુ નવાઈ લાગે …..!! લગભગ ૨૬ થી વધારે દેશો માંથી..!!!
મિત્રો મને પૂછે છે કે અલ્યા શૈશવ આવા બધા નવા નવા ટોપિક રોજે ના રોજ ક્યાંથી કાઢે છે..?ઘણા બધા મિત્રો એ એવું કીધું એ ભાઈ કેમિકલ્સનો ધંધો બંધ કર અને આમાં લાગી જા, હવે તારા કેમિકલ ના ધંધા કરતા આ લખવાના ધંધા માં વધારે રૂપિયા મળે છે ….
વાત તો સાચી અમે કેમિકલ ના ધંધા માં એક તો ઉધાર માલ આપીએ અને પછી ઉઘરાણી એવી રીતે કરવાની કે એની પાસે આપણે એના રૂપિયા ઉધાર માંગતા હોઈએ …… ઘણા તો રીતસર તમને કગરાવે… જોકે એવા ઘણા લુચ્ચા અને ડામીસ લોકોને મેં મારા કસ્ટમર લીસ્ટ માંથી ઘણા બધાને ઓછા કરી નાખ્યા.. એક આઈટમ ને તો કાયમ ની એવી જ ટેવ હતી કે શૈશવ તારે ક્યાં રૂપિયા ની જરૂર છે ..? એવો જ જવાબ આપે ,બસ એને એકલા ને જ રૂપિયા ની જરૂર ……એકદમ શેતાન .કોઈ દિવસ ટાઈમે પેમેન્ટ આપે જ નહિ .
પણ સાચું કહું દોસ્તો ,જે દિવસે હું લેખન પ્રવૃત્તિ ને ધંધો બનાવીશ ને ત્યારે મને તેમાં પણ ખોડખાપણ દેખાશે …અને ફરી પાછું મારે મારી જાત માટે નવી હોબી શોધવા નીકળવું પડશે , ઘણાબધા મારા મિત્રો એ ઉંમર ની સાથે પોતાના શોખ મારી નાખ્યા છે અથવા તો કોઈ શોખ ને પાંગરવા જ નથી દીધો, અને એકલા એકલા આ દુનિયા ની આગ માં બળ્યા કરે છે …બહુ તકલીફવાળું થઇ જાય જીવન એક પણ શોખ વિનાનું .. મોનોટોનસ લાઈફ થાય …એક મશીન બની જવાય છે ….ચેહરા પર ની કોમળતા છીનવાય છે , અને સમાજ કે આજુબાજુ ના લોકો પ્રત્યે રુક્ષ વેહવાર થઇ જાય છે ……જેને આપણે બીજા ની કે જીંદગી પ્રત્યેનું લચીલાપણું કહીએ છીએ એ ખોવાઈ જાય છે …….
હું માનું છું કે આ દુનિયાની દેખાતી કે નહિ દેખાતી તમામ આગ માંથી બહાર આવવું હોય અને જીવન માં બે ઘડી ઠંડક નો અનુભવ કરવો હોય તો એકાદ શોખ ચોક્કસ હોવો જોઈએ અને એ શોખ ને પૂરો કરવામાં જે આનંદ મળે અને ઠંડક નો અનુભવ થાય છે ને … એમાંથી તમારા બાકી ના આઠે પોહર ની ભડભડ દઝાડતી આગ ને ઝીલવા ની તાકાત મળી જાય છે….!!!!!
કોઈ પણ એક નાનકડો શોખ અથવા નાની નાની વાત માં ખુશ થવા ની વાત … બસ બીજું કઈ નહિ …
આજે વડોદરા જવાનું થયું ,દર વખતે એક્સ્પ્રેસ હાઈવે પર વડોદરા જતા એક સુંદર વડલો મને દર વખતે દેખાય, એનો ફોટો ઉપર મુકું છું બસ એને જોઉં અને મને મજા પડી જાય , અને અત્યારે તો ખેતરો માં હજારી ગોટા , તમાકુ ,ફુલાવર અને કઈક ઘેરા જાંબલી કલરના ફૂલો અને રસ્તા માં પર્પલ કલરન ઝાડ પર ફૂલો આવું બધું જોવા મળે છે …યાર મને તો મજા આવી જાય છે જોવાની ….પણ ગાંડા બાવળ ને જોઈ ને ગુસ્સો આવે આપડા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા પર કે જોયા સમજ્યા જાણ્યા વિના રણને આગળ વધતું અટકાવવા આવા તદ્દન બિનઉપયોગી એવા ગાંડા બાવળના ઝાડ નેઆફ્રિકા થી અહિયાં લઇ આવ્યા , અને રણ તો આગળ વધતું જ રહ્યું અને હવે એ ગાંડા બાવળ ચારે બાજુ ફેલાયા ,અત્યારે એ ગાંડા બાવળ ખેતરો ના રસકસ ચૂસે છે અને રસ્તા પર નેચરલી ઉગતા લીમડા,આંબા અને બીજા સરસ ઝાડને ગાંડો બાવળ ઉગવા જ નથી દેતો …થોડાક વર્ષો પછી એકલો ગાંડો બાવળ રેહશે અને ગુલમોહર કે વડ કે પીપળો કે લીમડો કે બોરસલી આ બધું રેર થઇ જશે ….
ફોટામા નો વડલો સ્મશાન નો છે માટે ટક્યો છે નહિ તો એને પણ જનતા કાપી ને ઘેર લઇ ગઈ હોત….
મને ઘણી વખત એવું લાગે છે કે મારું મગજ સતત ચાલ્યા જ કરે છે ,જ્યાં સુધી આ લખવાનું સોરી ટાઈપ કરવાનું ચાલુ નોહતું કર્યું ત્યાં સુધી ગમે ત્યારે મગજ છટકતું ,કોઈની પર પણ ગુસ્સો આવતો પણ છેલ્લા બાર મહિના થી ખરેખર બહુ જ સારું લાગે છે …. કદાચ આ ટાઈપ કરતી વખતે મને મારી જાત સાથે વાત કરવા નો પૂરો મોકો મળે છે અને હું મારી જાત માટે સમય કાઢી શક્યો …….
બીજો એક મોટો ફેર આવ્યો મારા પોતાના માં , હું કોઈ ને ધીરજપૂર્વક સંભાળતો થયો અને પૈસા પાછળ ની આંધળી દોટ ચાલતી , એની બદલે કેમ અને શા માટે એવા સવાલ મારી જાત ને પૂછું છું…મને એવું લાગે છે કે મિત્રો અને સગા સબંધી મને અને મારા વિચારો ને વધુ સારી રીતે સમજી શક્યા અને સબંધો માં મીઠાશ વધી.
એક જમાના માં એવું કેહવાતું કે મને વર્બલ ડાયેરિયા નો રોગ છે , અને એ રોગ માંથી મને સંપૂર્ણ મુક્તિ મળી ……. !!!
કદાચ બહુ જ ઓછા લોકો એવા છે કે જે ગુજરાતી ભાષા માં બ્લોગ લખે છે અને મને એમાં જગ્યા મળી…..
ઘણો આનંદ થયો ,આશા રાખું તમને બધા ને પણ આનંદ થતો હશે વાંચતા ….
પણ એટલું ચોક્કસ કહીશ કે હું લખતા પેહલા વિચારતો નથી અને વિચારીને ક્યારેય લખીશ નહિ….
મારું લખાણ કોઈ ને ગમે કે ના ગમે ,એની મને ચોક્કસ પરવા નથી જ ,
કેમકે આ બ્લોગ હું સંપૂર્ણપણે મારા માટે જ લખું છું…
થોડું સ્વાર્થી લાગશે તમને પણ….
જુઠ્ઠું બોલી ને મસ્કા મારવા નો મતલબ નથી ….
લખતો સોરી ટાઈપ કરતો રહીશ…
અને આનંદ કરતો રહીશ….
તમે પણ તમારા શોખ ને જગાડજો, જાળવજો ,જતન કરજો ..
એ શોખ ને પૂરો કરવા માં ગાળેલી એ ક્ષણો ઘડપણ નું ભાથું છે …
એ શોખ અને એની યાદો …..
એમનેમ ના છોડી દેતા ….
જય શ્રી કૃષ્ણ
શૈશવ વોરા