ઉપરનો ફોટો “માબદોલતે” જાત્તે અમદાવાદમાં જોધપુર ચાર રસ્તા ઉપર નવા નક્કોર બનેલા એક બહુ જ જાણીતી અમેરિકન બ્રાંડના શોરૂમમાં લીધેલો છે..!!
શરમ શરમ થઇ ગઈ આપણને તો..મારું બેટું “ઓફીસ” જાહેરમાં જવાનું..??
લે હાય હાય..!!!!
આપણને તો “ઓફીસ” માં બેઠા બેઠા હેઈ મજાની રાગરાગીણીઓ ગાવા જોઈએ, અને આવું ટોઇલેટ હોય તો ડાબે જમણે બાજુમાં બે જણા બેઠા હોય,અને પાછું સામે ત્રણ લાઈનમાં ઉભા હોય અને આપણને ખખડાવે “અલ્યા તારું પત્યું તો હું બે`હુ..”
દુનિયામાં એક માત્ર જગ્યા છે જ્યાં નિરાંતે એકલા બેસીએ ..
પણ હવે આ એક નું જોઇને બધે જાહેર જગ્યાએ આવી “ઓફીસ” બને તો પછી તો થઇ જ રહ્યુંને યાર…!!
ના ચાલે ભાઈ, ના ચાલે… હંગણ જવાનું તો એકલા જ ફાવે ..!!
આપડે એ સ્ટોર ઉપર આવા “સમૂહ-હંગણ-સદન” બનાવી અને સંસ્કૃતિ ભ્રષ્ટ કરવા બદલ મોરચો લઇ જવા તૈયાર..!
કેવું લાગે યાર કોઈ સ્ટોરમાં તમે ખરીદીએ ગયા છો અને તમને અચાનક પ્રેશર આવે અને પછી આવા “સમૂહ-હંગણ-સદન” જવાનું થાય તો..???
ચાલો ત્યારે આજે “હંગણ” પર જમાવીએ…!!
થોડાક દિવસ પેહલા મિરરે ફ્રન્ટ પેજ પર સ્ટોરી કરી હતી..એક ધર્મના ધર્મગુરુએ એક બેહનને એવું કીધું કે તમારા ઘરમાં જે ટોયલેટ છે એ વેસ્ટર્ન WC ની બદલે IC ઇન્ડિયન કરાવો,થોડી દેશી ભાષામાં કહું તો સંડાસનો મરઘો વિદેશીની બદલે દેશી કરો,
હજી સરળ ભાષા કરું તો શાંતિથી બેસી અને સંડાસ કરો છો એની બદલે જુનું ઉભા પગે બેસીને સંડાસ થાય એવું સંડાસ કરાવો..!!
હે રામ..
હવે ધર્મસત્તા એ પણ નક્કી કરશે કે તમારે કેમ હંગવું અને કેમ સુ સુ કરવી,પેહલા રાજ્યસત્તા એ ઉપાડો લીધો કે ખુલે મેં શૌચ નહિ અને હવે ધર્મસત્તા..!
બિચારો સામાન્ય ભારતીય શું કરે અને ક્યાં જાય..??
યાર સંડાસ અને સુ સુ માં પણ તમે નાક ખોસશો…??????
તો પછી હવે તો તમે બધા રાજકારણી અને ધર્મગુરુઓ તમે ભેગા થઈને નક્કી કરી આપો કે સંડાસ કર્યા પછી “નગા” ધોવાની પ્રક્રિયા જે છે એ તો સાચી છે કે ખોટી ? ડબલું આગળથી રેડતા જવાનું અને હાથ ઉન્ધો રાખવો કે સીધો રાખવો..!
ધર્મગુરુઓ અને રાજકારણીઓ “નેટ-નવરી-બજાર” હોવા નો શ્રેષ્ઠ નમુનો છે..
પેહલા રાજ્યસત્તા મચી પડી ખુલ્લામાં નહિ હંગવા જવાનું , નહિ જવાનું.. અલ્યા ભઈ એક બાજુ વિશ્વગુરુ બની અને વિશ્વને દોરવણી ભારત આપશે એવી ફાંકા ફોજદારી કરવાની,અને પછી ઘેર આવીને ક્યાં છી..છી કરવાની અને કેવી રીતે કરવાની એ શીખવાડવાનું..!
હમણાં પેલા એક મંત્રાલયએ સુચના બાહર પાડી કે કોન્ડોમની જાહેરાત દિવસ દરમ્યાન નહિ બતાડવાની બાળકોના મન પર ખરાબ અસર પડે..!
અલ્યા ડોબા ક્યા બાળકની વાત કરે છે તું હે લપોડશંખ..?
આજ ના જે બાળકો પાસે ટીવી છે, એ બધાની પાસે મોબાઈલ નામનું ગેઝેટ છે અને શ્રી શ્રી મુકેશભાઈ ધીરજલાલ હિરાચંદ અંબાણીની પરમકૃપાએ એ ગેઝેટ ઈન્ટરનેટ સાથે જોડાયેલું છે..
આજે સારી અને વાયરસ વિનાની પોર્ન સાઈટ કઈ એવું જાણવું હોય તો તમારે ૧૪-૧૫-૧૬ વર્ષના “બાળક”ને પૂછવું પડે..અને એનાથી નાના બાળકોને તો મોબાઈલમાં રમતો રમતા રમતા જે પોપ-અપ વિન્ડો ખુલે છે ત્યાંથી વગર કીધે અને શીખવાડે બધું મળી જાય છે..
ટૂંકમાં ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા..!!
આજે રાજયસત્તા કોઈ જ કારણ વિના સામાજિક સમસ્યાઓમાં ડખા કર્યા કરે છે..અને એ જ રીતે ધર્મસત્તા પણ..! અને એનું કારણ એક જ છે કે આજ નો એકે એક રાજકારણી અને ધર્મગુરુને એક જ વાસનાથી જીવી રહ્યો છે “હું કહું એમ બધા કરે..” પણ મારા ભાઈ આજના જમાના નો છોકરો એના બાપનું કીધું નથી કરતો અને માં નું કીધું છોકરી નથી કરતી ,એવા યુગમાં તમે કેમ આવા બધા ધખારા કરો છો..?
રાજ્યસત્તા જબરજસ્તી કરે તો ખુલ્લામાં સંડાસને સંસ્કૃતિ સાથે જોડી દેવાય છે અને પછી ધર્મસત્તા દ્વારા સંસ્કૃતિને ધર્મ ની જોડે જોડવામાં આવે છે..!
હવે એક ધર્મના સાધુઓ રહે અમદાવાદ,મુંબઈ જેવા શહેરમાં પણ છી છી પી પી કરે વાડામાં અને એ પણ પ્લાસ્ટિકના પાત્રમાં ભરી લ્યે અને પછી રોડ ઉપર ફેલાવી દે..!!
હવે એ ધર્મના સાધુઓ ફતવો બહાર પાડે કે સંસારી એ પણ આવું જ કરવા નું પછી જુવો અડધું અમદાવાદ આવી રીતે પ્લાસ્ટિક ટબમાં મુતરી મુતરીને બહાર રોડ પર ફેંકે તો અમદાવાદની શું હાલત થાય ???
બધાને ભારત અમેરિકા બનાવવો છે પણ પોતે અમેરિકન બનવાનું આવે તો ?? ના ભાઈ હો એ વાત નહિ સંસ્કૃતિનું હનન થઇ જાય..!!
સો વાત ની એક વાત ક્યાં અને કેવી રીતે હંગવું,મુતરવું એ સમાજનો પ્રશ્ન છે રાજ્યસત્તા કે ધર્મસત્તાનો નહિ..!
એમાં કોઈની જોર જબરજસ્તી ચાલે નહિ..!!
વાસ વાસ થઇ ગયું નહિ આટલે અડધે પોહચતા તો..!! હવે નહિ લખું બસ..!
અમદાવાદથી ભાવનગર જતા લોથલ વચ્ચે આવે છે અને સિંધુખીણ સન્સ્કૃતિનું એક નગર ત્યાંથી દટાયેલું મળ્યું, લગભગ પાંચ હજાર વર્ષ પેહલાનું, હવે પાંચ હજાર વર્ષ પેહલાના નગરમાં ગટર વ્યવસ્થા મળી આવી છે..!!
એટલે એનો સીધો અર્થ એ થયો કે શૌચ આદિ ક્રિયા માટે આપણે વર્ષોથી બહુ જ ક્લીયર અને સિવિલાઈઝડ હતા..જીવન જીવવાની એક ચોક્કસ પદ્ધતિ આપણે વિકસાવી ચુક્યા હતા..
સવારના ઉઠી અને રાત્રે સુતા સુધીના અને જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ કાર્યોને કેવી રીતે કરવા એ ડિફાઇન કરી ચુક્યા હતા આપણે.. અને એ તમામ કાર્યો ને જનસાધારણ સમજી શકે માટે કોઈને કોઈ ધાર્મિક માન્યતા સાથે પાછળથી જોડી દેવાઈ હતી..!! સમજી શકાય આ વાત છે,પણ એટલીસ્ટ હવે આજના એકવીસમી સદીના ઈલેક્ટ્રોનિક અને એ.આઈ.ના યુગમાં રાજ્યસત્તા અને ધર્મસત્તાએ આવી બધી બાબતોથી દુર રેહવું જોઈએ..
એમને માટે બીજી ઘણીબધી સમસ્યાઓ મોઢા ફાડીને ઉભી છે..!
હવે એક બીજી પરિસ્થિતિની આપણે કલ્પના કરીએ કે જેમ શૌચ માટે ધર્મ સત્તા એ દખલ કરી એમ આ દેશમાં રહેલા હજારો ધર્મના અનુયાયીઓમાં એકાદા બાબાજી કે ધર્માચાર્ય એમ ફતવો બાહર પાડી દે કે કાલ સવારથી બધાએ ગાડી અને સ્કુટર ડાબી નહી જમણી બાજુ જ ચલાવવાના છે ..
પછી જુઓ કેવું મેશ અપ થાય છે ??
પથારી ફરી જાય બધા શેહરોની…!!!
કોઈ મતલબ ખરો આવા નિર્ણયો લઈને સમાજ ઉપર થોપવા નો ??
રાજ્ય,ધર્મ અને સમાજ આ ત્રણે જુદી જુદી બાબતો છે અને ત્રણે એ એકબીજાના કાર્યક્ષેત્ર અલગ રાખીને સમન્વય રાખીને કામ કરવું જોઈએ..
બાકી હવે કોઈ ધર્મગુરુ કે રાજકારણી ને પૂછવું જોઈએ કે ઉપરના ફોટા વિષે આપનો શું અભિપ્રાય છે..આવા “સમૂહ-હંગણ-સદન” ચાલે કે નહિ..???
તું સુ કે`છ લાલા..??
શુભ રાત્રી
શૈશવ વોરા