સ્પાઈસજેટ
ભમ
થઇ જવા ની તૈયારી છે ….
કિંગ ફિશર ગઈ ,હવે આ સ્પાઈસ જેટ નો વારો … ગયા અઠવાડિયે દિલ્લી જવા નું થયું , છેલ્લી મીનીટે ટીકીટ લેવાની થઇ , આંખો ફાટી ગઈ મારી ,ભાવ જોઈને પણ છૂટકો નોહતો અમદાવાદ દિલ્લી ના ફક્ત અગિયાર હજાર અને પાછા આવવા ના બીજા અગિયાર .. ટોટલ થયું બાવીસ હજાર ….
પેલા જુના એરઇન્ડિયા ના દિવસો ની યાદ આવી ગઈ કેમ કે પેલી જૂની અને જાણીતી એરહોસ્ટેસ આંટી વાળી આપણી એરઇન્ડિયા માં જવું પડ્યું …. બાળપણ એર ઇન્ડિયા માં જતા ત્યારે આંટી વોટર પ્લીઝ કેહતા, જો કે હજી પણ એર ઇન્ડિયા માં હું ભલે પિસ્તાલીસ વર્ષ નો થયો પણ કોઈ એરહોસ્ટેસને આંટી વોટર પ્લીઝ કહી શકું એમ છું …….
દિલ્લી જતા સહયાત્રી મિત્ર એ પૂછયું ,શૈશવભાઈ સાચું બોલો કેટલા વખતે એરઇન્ડિયા ની ડોમેસ્ટિક ફ્લાઈટ માં બેઠા ..? બોસ યાદ કરવું પડ્યું હા યાર બહુ વર્ષો થયા આ ડોમેસ્ટિક ફ્લાઈટ માં એરઇન્ડિયા માં બેઠા ને તો , હકીકત એ છે કે ટીકીટ બુક કરતી વખતે યાદ જ નથી આવતું કે એરઇન્ડિયા ની ડોમેસ્ટિક ફ્લાઈટ લેવાય , એ મિત્ર પાંચ વખત બોલ્યો શૈશવભાઈ આ તો એવું થયું કે આપણે ઘર કે બુધ્ધુ લોટ કે ઘર આયે ….
ઓછા માં ઓછું લાખ કિલોમીટર નું મારું છેલ્લા બે દસકા નું એરટ્રાવેલ , એક મહિના માં તો ઘણી વાર ભારત ના બધા છેડા ને જોઈ લઉં એવી દશા …મફત ના માઈલો ની ટીકીટો અને રાતભર એરપોર્ટ …. બહુ ગંદા દિવસો કાઢ્યા ….ભૂખ્યા અને તરસ્યા …એક જમાના માં દિલ્લી એરપોર્ટ અને દેશ લગભગ બીજા બધા ડોમેસ્ટિક ટર્મિનલો પર રાતે અગિયારે બધા ખાણીપીણી ના સ્ટોલ બંધ થાય અને ઘરે જ જવાનું છે ને એટલે આ કચરો નથી ખાવો એમ વિચારી ને બેસી રહીએ અને છેલ્લે ફ્લાઈટ ડીલે થતી રાતે બે વાગે ઘેર પોહાચાડે…
થોડો પાછળ જાઉં તો એરઇન્ડિયા આમ તો તાતા નું સાહસ અને રાષ્ટ્રીયકરણ ના નામે સરકાર એને ગળી ગઈ , પછી જેટ એરવેઝ અને સહારા ચાલુ થઇ , સહારા ને જેટ એરવેઝ ગળી ગઈ અને એના એરક્રાફ્ટ પોતાની લો કોસ્ટ એરલાઈન જેટ કનેક્ટ કરી ને ઓપરેટ કરવાનું ચાલુ કર્યું ,પછી એર ડેક્કન આવી અને ધબધબાટી બોલાવી કેપ્ટન ગોપીનાથે ,ફક્ત સાતસો ને પચાસ રૂપિયા માં અમદાવાદ થી મુંબઈ આવી જ જાવ તમતમારે , મેં એવા લોકો સાથે ફ્લાઈટ માં સફર કરી છે, જેના પગ માં ચપ્પલ નોહતા , એસ ટી સ્ટેન્ડ અને એરપોર્ટ માં કોઈ ફરક જ નોહતો રહ્યો ,ટોળે ટોળા આવતા પ્લેન માં બેસવા ,ભયાનક જનતા જનાર્દન એરપોર્ટ ઉપર આવી ગઈ , ગામે ગામ થી લોકો આવતા .
મજા ની વાત તો એ હતી કે ભારતીય રેલ્વે ની સાઈટ ઉપર એરડેક્કન ની જાહેરાત હોય અને ફર્સ્ટ એસી ની ટ્રેન ની ટીકીટ કરતા એરડેક્કન ની ટીકીટ સસ્તી પડે , એટલે રેલ્વે ની સાઈટ પર થી પેસેન્જર સીધો એર ડેક્કન ની સાઈટ પર જાય ,પછી સાથે વાડિયા ની ગો એર પણ આવી અને મારન ની સ્પાઇસ જેટ….અને ઈન્ડીગો …
જે પ્રાઈઝ વોર ચાલ્યું અને મેં એનો ભરપુર લાભ લીધો , એમાં બાકી હતું તો ઝંપલાવ્યું માલ્યા એ કિંગ ફિશર …..ઓહો..હો…હો.. હો ..હો..હો…મારું બેટું ત્યારે ખબર પડી કે આસમાન ની પરીઓ કેવી હોય ..!!!! માલ્યા સાહેબે વીણી વીણીને એરહોસ્ટેસ ની ભરતી કરી લગભગ બધી અપ્સરાઓ જ જોઈ લો અને શું ઠાઠ … તમને વેલકમ ડીયર ગેસ્ટ કહે , પેસેન્જર નહિ …… અને નાસ્તા પાણી ભરપુર તદ્દન નવા એર ક્રાફ્ટ અને સીટો પણ મખમલી બાકી અને દરેક સીટ પર સ્ક્રીન અને હેડ ફોન અને એક કીટ આપે જે તમારે ઘેર લઇ જવા ની અને ભાવ પણ ટીકીટો ના બહુ નહિ ….મોજ પડે માલ્યા સાહેબ ની એરલાઈન માં ફરવા ની .
એક કિસ્સો શેર કરું ,અમે અમારા દર વર્ષ ના નિયમ પ્રમાણે એક દિવાળી પર ફરવા જવા માટે મેં કેરલા કોચીન નું બુકિંગ કરાવ્યું લગભગ દિવાળી ના છ મહિના પેહલા , દિવાળી ના બે દિવસ પેહલા મેસેજ આવ્યો કે તમારી કોચીન ની ફ્લાઈટ કેન્સલ છે , હું કિંગ ફિશર માં ફોન કરી ને ચડી બેઠો , મને અમદાવાદ થી દિલ્હી , દિલ્હી થી હૈદરાબાદ અને હૈદરાબાદ થી કોચીન મોકલ્યો …કિંગ ફિશર એરલાઈને …અને છેલ્લી ફ્લાઈટ માં તો અમે નાસ્તા ની સામે સુધ્ધા ના જોયું , બસ હવે અમને ના ખવડાવશો સુંદરીઓ …..એટલા અમને ખવડાવી ને થકવી દીધા ….અમદાવાદ થી કોચીન જે એર લાઈન આટલું બધું ફેરવી ને લઇ જાય એ ઉઠે કે નહિ ….?અમને તો ત્યારે અંદાજ આવી ગયો હતો કે આ બહુ લાંબુ નહિ ખેચે …
વાડિયા ની ગો એરે પણ બહુ ધાંધિયા કર્યા ક્યારેય ટાઈમ પર ના હોય ,એની સામે ઈન્ડીગો અને સ્પાઈસ જેટ ખરેખર ખુબ સારી નીકળી , જેટ ને મોટો ફાયદો એ થયો કે એને ઇન્ટરનેશનલ ફ્લાય કરવાની તક પેહલા મળી ગઈ એટલે એરઇન્ડિયા ની જોડે એ ઇન્ટરનેશનલ માર્કેટ માં દોડી ગઈ અને ડોમેસ્ટિક કનેક્ટિવિટી સારી હતી એટલે દેશ ના ખૂણે ખૂણા થી ઇન્ટરનેશનલ પેસેન્જર ને ઉપાડી અને એના ઠેકાણે પોહાચાડે …
એર લાઈન ના ધંધા માં જેટલું પ્લેન જમીન પર કે વધારે ચડ ઉતર કરે અને એર પોર્ટ ઉપર વધુ પડી રહે એટલું તમારું નુકશાન વધુ , અને જેટ એરવેઝ ને ઇન્ટરનેશનલ પરમીટ ને લીધે એના જહાજો હવા માં વધારે રહ્યા એટલે નરેશ ગોયલ ફાવી ગયા ….
એરડેક્કન ના લાઈસન્સ પર કિંગ ફિશર ઇન્ટરનેશનલ થઇ પણ ત્યાં સુધી માં તો એના આંટા ઉતરી ગયા હતા …અને ૩૬૦૦ કરોડ માં પાર્ટી ઉઠી …
અત્યારે માલ્યા ના દૂધ ની દાઝેલી બેંકો આ સ્પાઇસ જેટ ની છાશ પણ નથી પીતી … સ્પાઈસ જેટ તો નુકસાની માંથી બહાર આવે એમ છે ,છાપાવાળા લખે છે ખાલી ૩૦૦ કરોડ ની જ નુકસાની છે અને આંતરરાષ્ટ્રીય બજાર માં અત્યારે તેલ ભાવ ઘટે છે , તો આટલું નુકસાન તો વર્ષ માં કવર કરી લે સ્પાઇસ જેટ .. પણ ભારતીય બેંકો કોઈ પણ એર લાઈન ને રૂપિયા ધીરવા તૈયાર નથી …..બિચારા મારન .. માલ્યા ના વાંકે મારન ને ડામ પડે છે , અઢીસો કરોડ તો મારને પોતાના નાખ્યા પણ ઓછા પડે છે … ગમે ત્યારે ખંભાતી તાળું સ્પાઇસ જેટ ને લાગશે ….
પ્રાઈસ વોર અને સસ્તી ટીકીટો ના દિવસો નો અંત ,અને મારા જેવા પાછા રાજધાની એક્ષ્પ્રેસ કે દુરાન્તો કે ગુજરાત મેલ માં ફરતા થશે ….બાવીસ હજાર ની ટીકીટ માં કઈ દિલ્લી ના જવાય એના કરતા તો પચાસ હજાર માં યુરોપ જવાય … અંદર નો વાણીયો દુખી છે ..
પેલા સ્પાઇસ જેટ ના એરક્રાફ્ટ ના નામો યાદ આવશે .. તજ ,લવિંગ,મરી, એવા સરસ નામો છે સ્પાઇસ જેટ ના દરેક એરક્રાફ્ટ ના …
અત્યારે તો કઈ ફ્લાઈટ છેલ્લી હશે એ કેહવાય નહિ સ્પાઈસ જેટ ની … આશા રાખીએ કોઈ હરી નો લાલ મળી જાય અને સ્પાઇસ જેટ બચી જાય તો મારા જેવો હવા માં ઉડતો રેહશે …. બાકી તો ભારતીય રેલ્વે ……..
શુભ રાત્રી
શૈશવ વોરા