કાલ ના છાપા ના હેડીંગ શું આવશે ..??
આખા ગુજરાતમાં બારે મેઘ ખાંગા , ચારે બાજુ જળબંબાકાર …સરકારી દાવાની ખુલેલી પોલ … ચારેબાજુ ભુવા અને જળબંબાકાર ..
પણ સાચી વાત કહું તો એકે એક જણ આખા ગુજરાતમાં થાક્યો હતો .. અને વરસાદની ચાતક નજરે વરસાદની વાટ જોતો હતો .. પણ અત્યારે તો સુકીભઠ ધરતી મેઘલી મેહરથી ધરતી ઘેલી ઘેલી અને તરબોળ છે નદીનાળા નવા પાણીથી ઉભરાઈ ગયા છે ..
પણ મારે હેડીંગ લખવાના હોય તો હું શું લખું ..???
અમદાવાદના મેયર મીનાક્ષીબેન ખોવાઈ ગયા છે ,કમિશ્નર ડી થારા ધોવાઈ ગયા છે…..૧૯૮ કરોડ રૂપિયાનું વરસાદમાં ધોવાણ …૧૯૮ કરોડ રૂપિયા ભુવામાં ગયા…
મળતા સમાચારો પ્રમાણે ગોહિલવાડ, ઝાલાવાડ , કાઠીયાવાડ , વાગડ ,કચ્છ , મધ્યગુજરાતથી લઈને ખાનદેશ સુધી બધું પાણીથી તરબોળ છે ..ઘરની બહાર નેવે ધોધમાર ધારે વરસે છે ,અને પરનાળો છલકાઈ ગઈ છે ,ધોરીયાના મોઢા નાના પડે છે… ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ચાલે છે ,પણ ગાજે છે જાણે હાથિયો ..( હસ્ત નક્ષત્ર ને હાથિયો કેહવાય ) , ગોહિલવાડ પંથકમાં અત્યારે છેલ્લા મળતા સમાચાર મુજબ વરસાદનું જોર વધારે છે .. કાઠીયાવાડમાં પણ સારું એવું જોર છે ….નાની નાની નદીઓ માં ઘોડાપૂર આવ્યા છે , સત્તાવાર રીતે ૩૭ લોકો મરી ગયા છે ….. ભાદરના બંને ડેમ ઓવરફલો છે .. આજી ઉફાન પર છે ..અમરેલીના બાર ગામડા સંપર્કમાં નથી …
અત્યારે તો આખા ગુજરાતની કોસ્ટલ લાઈન ઉપર ભારે વરસાદ વરસી રહ્યો છે અને જો આમને આમ એકાદ બે દિવસ મેઘ મેહર રહી તો સીઝન નો પચીસ ટકા વરસાદ પેહલા જ ઝાટકે આવી જશે…આજે અમદાવાદમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસી ગયો છે …બીજા આંકડા બીવડાવે એવા છે આઠ ઇંચથી વીસ ઇંચ સુધીના વરસાદ પડ્યાના આંકડા આવ્યા છે … ભગવાન માલિક છે ..
મારા અમદાવાદની વાત કરું તો લોકોએ અને રેડિયાવાળાઓ અમદાવાદ મ્યુનીસીપલીટીની બહુ મેથી મારી હતી વરસાદ આવે એ પેહલા … એફએમ રેડિયાવાળા ના આરજેઓ , એ તો રીતસરની તડી જ બોલાવી હતી મેયર અને મ્યુનિસિપલ કમિશનર પર , કે આ છેલ્લા આઠ મહિનાથી અમદાવાદના એકે એક રોડ પર ખાડા ખોદયા છે અને અમારું લોહી પીધુ છે , તો વરસાદ આવશે તો પાણી ભરાશે કે નહિ ..?? અને આવું સાત વાર પૂછ્યું હતું ત્યારે મેયર મીનાક્ષીબેને ખુબ જ મક્કમ સ્વરે કીધું હતું કે પાણી નહિ ભરાય જોઈ લેજો …. ઓ બેન ભગવાન તમને બે ચાર વધારાની આંખો આપે ,અને આજે તમને દેખાય તો સારું કે ભયાનક રીતે ચારે બાજુ પાણી જ પાણી છે … મીનાક્ષીબેન અને કમિશનર બેન ડી. થારા … ૧૯૮ કરોડ રૂપિયા તમે ખર્ચ્યા …!!!! આટલા બધા રૂપિયા ક્યાં ગયા ..??? શું માંડ્યું છે તમે લોકોએ ..?? આખે આખું અમદાવાદ શેહર ટ્રાફિક અને પાણીમાં ગરકાવ છે .. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ રીતસર ચીસો નાખે છે અમદાવાદના રસ્તે અત્યારે …!!!
સાંજે એવું લાગ્ય હતું કે થોડીક અક્કલ ચાલી છે મ્યુનિસિપલ સતાવાળાઓની … ફેક્ટરીથી પાછા આવતા જોયું તો વાસણા બેરેજના બાવીસ માંથી દસેક દરવાજા ખોલી અને સાબરમતીનું લેવલ ઘટાડ્યું છે … રેડિયાવાળા કહે છે ૬ ફૂટ લેવલ ઓછું કર્યું છે ..પણ થોડું બીજું બે ચાર ફૂટ ઓછું કર્યું હોત તો સારું થાત , વરસાદનું જોર બહુ વધારે બાપલીયા….એટલે આટલું ઓછું કર્યું છે એ નહિ ચાલે મારી બેનો .. અત્યારે અમદાવાદના તમામે તમામ અન્ડરપાસ પાણીમાં છે , તમે પેલા કોન્ટ્રકટરો ને પમ્પીંગ કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો ..!! સાંભળ્યું હતું કે બાવીસ લાખ નાખ્યા એ ક્યાં ગયા … ???દર વર્ષે પેહલા પાણી ભરાય અન્ડરપાસમાં અને પછી વાસણા બેરેજના દરવાજા ખોલે લેવલ નીચે આવે અને પછી અન્ડરપાસ ખાલી થાય….આ વર્ષે વેહાલા ખોલ્યા તો પણ ઠેરના ઠેર …!!અલ્યા કેમ ના કારભાર કરો છો ..??
આખું ચોમાસું હજી તો માથે છે ,થોડી વધારે સતર્કતા રાખી હોત તો અમને મુશ્કેલી ઓછી પડતે ,દરેક વરસાદ વખતે અમને લોલીપોપ આપો છો કે આવતી સાલ આવું નહિ થાય ,પણ દર વર્ષે બધું ત્યાનું ત્યાં … બેહનો આ વર્ષે તો ચુંટણી આવે છે … ચોક્કસ અમે તમને ઘેર બેસાડીશું ……તમને યાદ અપાવું કે રોડ રસ્તા વરસાદી પાણી કાઢવા માટે નથી વાહનો ચલવવા માટે છે , …
અત્યારે અમદાવાદના એકે એક વિસ્તારમાં મુશળધાર વરસાદ ચાલુ છે , અંબિકા દાલવડાવાળા ને ત્યાં લાઈનો લાગી છે અને અંબિકા દાળવડાવાળાને ત્યાં આવેલી પ્રજાના વાહનો અને એનો ટ્રાફિક કંટ્રોલ કરવા પોલીસ આવી છે …પેહલા પાણીને લીધે અમારો પ્રહલાદ નગરના ૧૦૦ ફૂટના રોડ પર ટ્રાફિક જામ થતો હતો અને હવે દાળવડાવાળાને અને પાણી બને ને લીધે … બોલો શું કેહવું ..?? નસીબ નસીબની વાત છે ભાઈ ટ્રાફિક નસીબમાં લખ્યો હોય તો મળે જ પાણી કે દાળવડા …..
વડોદરાથી ફોન આવ્યો છે … ત્યાં પણ ધબધબાટી ચાલુ છે …લોકો મગરો ક્યારે વિશ્વામિત્રીમાં આવે એની રાહ જોતા થઇ ગયા છે …. કેવી અજબ વાત છે નહિ .. કોઈને દર રોજ ઘેર બોલાવીને લાફો મારો તો એકાદ દિવસ તમારે ના લાફો મારવો હોય તો પણ એ લાફો ખાવા આવી જ જાય … એમ મગરોને વડોદરા માં ના આવવું હોય તો પણ વડોદરાવાળા લોકો રાહ જોતા થઇ જાય ….
રાજકોટ અને સુરતમાં પણ ભયાનક પરીસ્થીતી છે .. ફાયરબ્રિગેડને સ્ટેન્ડ ટુ ના આદેશ છે …
અરે રે .ભગવાન પાછા અમે તારા આશરે આવી ગયા … આ દેશમાં આપણે બધા લોકો મુસીબતોથી એટલા બધા ટેવાઈ જઈએ છીએ કે મુસીબતને જીવનનો એક ભાગ ગણી લઈએ છીએ અને એની રાહ જોઈએ છીએ …અને પછી એમ કહીએ છીએ કે આ બધું અમારા દેશ માં જ કેમ ..?? ભાઈ તમે અને હું સામા નથી થતા એટલે ….
અત્યારના રાત ના દસ વાગ્યા છે , ઉપરના ફોટા મારા ઘરની બહાર ના છે .. જેને લોકો અમદાવાદના એક બહુ મોટા અને પોશ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે ,અમારી બાજુની જ સોસાયટીમાં આપણા પ્રધાનમંત્રીના સગા ભાઈ રહે છે ,ગુજરાતના ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીના બંગલા છે અમારી નજીક , ધારાસભ્યો અને એમપી ના ઘણા સગા અમારા વિસ્તાર માં રહે છે …પણ અમારી આ હાલત છે તો તો બીજા બધા નું શું થશે ..??
બાકીતો રામ ધણી છે અત્યારે તો ..સરકારી તંત્ર જેવું કશું છે જ નહિ …આવવા દો મ્યુનિસિપાલીટીની ચુંટણી …
હજી પાછી વાવાઝોડાની આગાહી છે …સાચવજો તમારી જાત ને અને તમારા સ્વજનોને .. મારી એક ગાડીને રોડ પર મૂકીને આવ્યો છું ..આજે રાત્રે કદાચ હજારો બે પૈડાના વાહનો અને ખુબ મોટી સંખ્યામાં ગાડીઓ પાણીમાં બંધ પડી અને આજની રાત રસ્તે પડ્યા છે , કાલે સવારે ગેરેજવાળા અને મોબાઈલ રીપેર કરવાવાળા ને ત્યાં લાઈનો લાગવાની છે ….
ચાલો સૌને હેપી અને સેઈફ મોનસુન , મોબાઈલ ની બેટરી ચાર્જ રાખજો .. મારા જેવાને જરૂર પડ્યે મદદ કરી શકાય માટે ..લેટેસ્ટ એનડીઆરએફ , અને એસઆરપીને કામે લગાડયું છે અને લશ્કરને સાબદું કરાયું છે ..
શુભ રાત્રી
શૈશવ વોરા