૧૪૮મી રથજાતરા સુખરૂપ સંપન્ન થઇ ..
પ્રભુ નિજમંદિર પધારી ગયા છે, અને દેવી રુક્ષ્મણીએ રુસણું લીધું છે..!
દેવી દ્વાર ખોલતા નથી એટલે આજની રાત જગતનો નાથ મંદિરના પ્રાંગણમાં જ વિતાવશે, આવતીકાલે સવારે ધણીને ઘરમાં આવવા દેશે..!!
કેવી લીલા હેં ..!
જગતના નાથને પણ એમની ઘરવાળી ઘરની બાહર રાખે આખી રાત..!
મને મૂકીને તમારા ભાઇબેન જોડે કેમ જતા રહ્યા ..?
ભાઈ-બેન જોડે ગયા એ વાંધો નથી પણ મને મૂકીને કેમ ગયા ..?
હવે બારણું ના ખોલું તે ના જ ખોલું..!
ચેતવા જેવું તો ખરું હોં, ઘરવાળી વિના આમ ભટકતા લોકોએ ,
આ તો રૂક્ષ્મણી દેવી છે એટલે સવારે પણ દરવાજો ખોલીને અંદર લ્યે પણ જો તમારા-મારા “ દેવી ” હોય ને તો દેવાઈ જવાય ..
હવે આ ટોપિક ઉપર બહુ ના લખાય પણ સમજદાર છો ઈશારો કાફી છે..!
બીજી ઘટના ઘટી ખાડીયા ..
ગજરાજ હિલ્લોળે ચડ્યા અને નાસભાગને ટેન્શન થોડા સમય માટે થઇ ગયું ..
હલકું લોહી હવાલદારનું .. સીધ્ધું ડીજેનું નામ ઠપકારી દીધું જનતા જનાર્દનએ ..
પણ હું ડીજેને જવાબદાર નથી માનતો ,
કારણકે ગઈકાલે રાત્રે એટલે કે ગુરુવારે રાત્રે હું જાત્તે સાડા નવ દસના સુમારે એલીસબ્રીજ પુલ ઉતરીને મુન્સીપલ કોઠેથી ગોળલીમડા થઇ રાયપુર ચકલા થઇને ખાડિયા ચાર રસ્તા થઇને ગાંધી રોડ ગયો હતો ,ઠેર ઠેર મંડપો બંધાઈ ચુક્યા હતા ,રથજાત્રાના સામૈયાની તૈયારીઓ પીક ઉપર ચાલી રહી હતી ,ધમધમાટ હતો પોળોમાં..પોલીસની જીપો વાહનો ફૂટપાથ ઉપરથી ખસેડવાના એનાઉન્સમેન્ટ કરતી હતી ..
પાછા વળતા દોશીવાડાની પોળનો ઢાળ ઉતારી ને ચાંલ્લા ઓળ થઇને પાછો આવ્યો હતો ,અને ત્યાં જ મને સખખ્ત અચરજ એ લાગ્યું હતું કે ખાડિયા રાયપુરમાં આગલી રાત્રે જગદીશ સાઉન્ડના પરંપરાગત ભૂંગળા લાગેલા હતા નહિ કે ડીજેના મોટા મોટા સ્પીકર..!!
આજે સવારે ડીજેના સ્પીકર્સ લગાડ્યા હોય તો મને ખબર નથી ,
બાકી મારા માટે આશ્ચર્યની વાત હતી કે ત્રીસ-ચાલીસ ભૂંગળા આ જમાનામાં પણ લાગ્યા હતા ..!
એમાં ભજનો જ વાગતા હતા માહોલ સેટ હતો રથજાત્રાનો..એટલે આખી ઘટનામાં ડીજે ક્યાંય હું નથી જોતો..
બીજી એક વાત એવી કે બુધવતી અમાસે સવારે હું જગન્નાથજીના મંદિરે હતો,
ત્યાં આ સોળે સોળ ગજ્ગામીનીઓ અને એકમાત્ર ગજરાજ બલરામ હાજર હતા ,
પબ્લીકે પુણ્ય કમાવવા એમને એટલા બધા ગોળના દડ્બા ખવડાવ્યા હતા કે ગજગામિનીઓ બીજા નવા ગોળના દડ્બાની સામે જોવા સુધ્ધા તૈયાર નોહતી..
રીતસર લાતો મારતી હતી ,ગોળ ખાઈ ખાઈને ધરાઈ ચુક્યા હતા ..!
વધારે પડતી સ્યુગર (ખાંડ ) તમને અને મને જો “હાઈ” કરી નાખતી હોય તો આ તો છેવટે પ્રાણી છે , શું કરવા અતિચાર કરી અને અત્યાચાર કરવો જોઈએ ?
બે-ત્રણ દિવસ ગોળના દડ્બે દડ્બા હાથીઓને ખવડાવો પછી ડાળાપાંદડા ,
તો પછી શું થાય ..?
ત્રીજી શક્યતા જે ખુબ વધારે છે એ છે કોઈ હાથણી હીટમાં આવી ગઈ અને એકમાત્ર એવા હાજર ગજરાજએ કોલ લઇ લીધો અને એની તરફ દોડી ગયા ..
કપડા આપણે પેહર્યા છે એટલે નાગાઈ આપણને આવડે,
બાકી માણસ સિવાયનું જગત તો કપડા વિનાનું જ છે એટલે ત્યાં નાગો-નાગાઈ આવા શબ્દો જ નથી ,જે કઈ છે એ કુદરતી પ્રક્રિયાનો એક ભાગ છે અને પ્રકિયા પૂર્ણ એટલે વાત પણ પૂરી બીજી લમણાકૂટ નહિ..!
હીટમાં (વેતરમાં ) પ્રાણીમાત્ર આવે અને નર-માદા એકબીજાને કોલ આપે અને કોલના સ્વીકાર થયે સંવનન થાય અને છુટા પડી જાય .. અતિશય સ્વાભાવિક પ્રક્રિયા.
પણ આપણે રહ્યા માણસ ..
સાચું બોલજો શૌચ ક્રિયામાં કેટલો સમય ગાળો છો ? આપણે શૌચક્રિયામાં કેટલો કારણ વિનાનો સમય આપીએ છીએ ? અને આ “નાગા ” પ્રાણીઓ કેટલો સમય આપે છે ?
ટપાક…ટપાક ..અને ટપાક ..
દસ-વીસ સેકન્ડમાં એમની શૌચ ક્રિયા પૂરી અને આપણે…?
પેહલા છાપા લઈને જતા અને હવે મોબાઈલ આવ્યો ત્યારથી દાટ વાળ્યો છે ,
પાછા શૌચાલય ઘરમાં તો એવા ભવ્ય બનાવે જાણે અંદર જ રાત આખી રોકાવાના હોય..!
અલ્યા ભઈ-બોન આ ક્રિયા તો ટપાક…ટપાક ..અને ટપાક .. આટલામાં જ પતાવી જોઈએ પણ માણસ જેનું નામ .. આખા શાસ્ત્રો રચી કાઢ્યા અને અબજો રૂપિયાનો ધંધો જાજરૂ બાથરૂમમાં ઉભો કરી નાખ્યો..!!
બિચારા મહાવતનો ઈન્ટરવ્યું જોયો, શિયાંવિયા થઇ ગયા હતા ..જાણે એમનો બિચારાનો વાંક હોય ..
છેલ્લા છ વર્ષથી બલરામ રથજાત્રામાં જોડાય છે ક્યારેય આવું નથી કર્યું ..
હશે ભાઈ થઇ ગયું તો થઇ ગયું ,એમાં શું ..?
અને હા મંદિરે જયારે ગજરાજ અને ગજગામિનીઓ ઝૂલતી હતી ત્યારે બીજી પણ એક વસ્તુ માર્ક કરી કે આ બધા જ હાથી અને હાથણીઓની ઉંમર ઘણી નાની હશે કારણકે હાઈટમાં ઘણા નાના છે ..
જુના જમાનામાં તો હેઈ મોટા દૈત (દૈત્ય) જેવા હાથી આવતા , યાદ છે ને પંચ્યાસીમાં આખી જીપ ઉલાળીને ફેંકી દીધેલી ..
આ બધા નાના નાના કિશોર અવસ્થા પાર કરી રહેલા લાગ્યા એટલે એમના હોર્મોન લેવલ હાઈ થયા હોય અને સીઝન પણ ચાલુ થઇ ગઈ છે પ્રાણીઓની ,એટલે એકાદ ગજગામિનીએ કોલ માર્યો હોય પ્રેમ કરવાનો ,અને ગજરાજ તાનમાં આવી ગયા હોય, હેંડો ત્યારે પાંચ મિનીટ પ્રેમ કરી લઈએ એવું પણ બને..!
જે હોય તે પણ આનંદનો અવસર ,અને હવાઈ જહાજ દુર્ઘટના પછી શેહરને લાગેલા ઘા ઉપરનો મલમ એટલે ૧૪૮મી રથયાત્રા ..
દરેક જગ્યાએ “રથયાત્રા”ને બદલે મેં “રથજાત્રા” શબ્દનો પ્રયોગ કર્યો છે ,
ટીપીકલ પોળની અમદાવાદી બોલીમાં રથજાત્રા જ બોલાય ,માટે મેં લખવામાં પણ છૂટછાટ લીધી છે , ઉપર પણ ઘણા શબ્દોને જેમ બોલાય તેમ લખ્યા છે પણ આજે શાકવાળાને લાગેલું એક પાટિયું મને છાતીમાં ગોળી મારી ગયું ..
સો રૂપિયામાં ડોડ કિલો ..
દોઢ કિલોને ડોડ કિલો લખવાની ઘૃષ્ટતા તો નહિ થઇ શકે મારાથી ..!
એલિસબ્રિજ પુલ લખાય ચાલે ..!
ચાલો સૌને જય જગન્નાથ ,
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*