૨૦૨૩ની ૧૫મી ઓગસ્ટના સૌને વધામણા..!
બંધારણે આપેલા વાણી સ્વતંત્રતાના હક્કને વાપરીને ઘણી બધીવાર સવાલો ઉભા કર્યા છે મનમાં અને બ્લોગના માધ્યમથી ,પણ ઘણું બધું અનુત્તર રહી જાય છે..!
ગુલામી હતી એની ના નહિ, પણ આજે પણ ગુલામી ગઈ છે ખરી ?
ભારતવર્ષના પત્થરો સાથે પણ ઘણી બધી વાતો કરી છે એટલે સવાલ પેહલો આવે છે કે ગુલામી કેમ આવી ? ક્યા સંજોગો હતા એ કે ગુલામી આવી ?
વિધર્મીઓના આક્રમણ થયા પછી બેઠા થયા છતાં પણ ગુલામી કેમ આટલી લાંબી ચાલી..? અને આજે પણ સ્વતંત્ર કહીએ છીએ પોતાની જાતને પણ સ્વતંત્ર ખરા ?
જવાબ આંતરમન એવો આપે છે કે ભારતવર્ષના દરેકેદરેક વ્યક્તિને પોતાની આગવી વિચારધારા છે, પોતાના સત્ય છે ,પોતાના અસત્ય છે, પોતાનો ન્યાય છે ,પોતાની જીવન જીવવાની શૈલી છે .. ઘણું બધું વ્યક્તિગત છે ..
એ જ રીતે કૌટુંબિક પણ પોતાની રીતે દરેક કુટુંબની પોતાની પરમ્પરા છે રીતરીવાજ છે..!
કદાચ પૂર્વજોની લડત આ સ્વતંત્રતા જળવાઈ રહે તેના માટેની જ હતી..
હું પાસપોર્ટ વિઝાવાળી દુનિયાનો વિરોધી રહ્યો છું , પંછી નાદિયા પવન કે ઝોંકે કોઈ સરહદ ઇન્હેં રોકે..!
પરદેશમાં ભારતીયોને આગળ વધેલા જોઈએ ત્યારે જ ખબર પડે છે કે આપણે પાછળ છીએ, બાકી તો અહીનો એક એક જણ આજકાલ પોતાને વિશ્વવિજેતા સમજતો હોય એવી અદામાં વાતો કરે છે અને વર્તન પણ અમુક અંશે એવા થઇ ગયા છે..!
એક ના ગુણ્યા એંશી કરો એટલે પરદેશમાં તમને બધું આગળ વધેલું વધારે દેખાય પણ ત્યાં જે છે એ નોકરી છે, ત્યાં એન્ટરપ્રીનરશીપ નથી ..!!
ગુગલને કે પેપ્સીને ચલાવનારા ભારતીય મૂળના છે બિલકુલ એવી જ રીતે કે જેમ ઋષિ સુનક બ્રિટનના વડપ્રધાન છે..!!
કાચી મીનીટે આ બધાને ખુરશી ઉપરથી તગેડી મુકનારા બેઠા છે ..!
ખરો ગર્વ ત્યારે લેવાય કે આ બધા એવી પોઝીશન પર આવે જ્યારે કે આમને કોઈ તગેડી મૂકનાર ના હોય ..!
સામ્રાજ્યવાદના દુનિયાના અંત પછી આર્થિક સામ્રાજ્યવાદએ દુનિયાને જબરજસ્ત રીતે ભરડો લીધો છે, સેહજ પણ ચસકવાની જગ્યા નથી, ગમ્મે તેટલી ફાંકા ફોજદારી કરીએ તો પણ આ સપરમા ના દિવસે એટલું સ્વીકારવું જ રહ્યું કે આપણા ખાણ ખનીજો ખોદાઈ રહ્યા છે, રત્નગર્ભાના ગર્ભપાત હજી ચાલુ જ છે અને રૂપિયાના મુકાબલે ડોલર હોય કે યુરો હોય એની પક્કડ અને મજબૂતી કાયમ છે..!
આર્થિક સામ્રાજ્યવાદ આગળ આપણી થયેલી હાર છે આ ..!
જીત્યા હોત તો ડોલર ચાલીસ રૂપિયે આવી ગયો હોત ..!
આર્થિક સામ્રાજ્યવાદના અજગર ભરડામાંથી મુક્તિ જોઈતી હોય તો શું કરવું રહ્યું ?
સાદી ભાષામાં કહું તો ચુસાવાનું છોડી અને ચૂસવાનું ચાલુ કરવું પડે ..!!
ટેકનોલોજી પેદા કરાવી પડે અને એના ઉપયોગ કરતા આપણે જ શીખી અને દુનિયાને શીખવાડવા પડે ..
“જનસાધારણ કે જેને આપણે પ્રજા કહીએ છીએ એને નશામાં રાખવી પડે, અને નશામાં રાખવા જુદા જુદા ખેલ ટેકનોલોજીના માધ્યમથી આપતા જ રેહવા પડે..!!”
ના સમજાય જેને ઉપરનું વાક્ય એને વંદન-ફંદન કઇ નહિ, ડફોળ છે એટલે એણે કોમેન્ટ નહિ કરવાની..!
સેમીકોનનો ભયંકર મોટો ખેલ ઉપાડ્યો છે ટેકનોલોજી માટે ,પણ દસ વર્ષ પેહલા એના માટે ચીન દેશ અને જર્મની આ શૈશવકાકા રખડી આવ્યા હતા અને ત્યારે પણ અઘરું લાગતું હતું અને આજે પણ અઘરું છે ..!
ભયંકર જાડ્ડો રૂપિયો જોઈએ અને કોઈપણ પ્રાઈવેટ કંપનીઓ એ રૂપિયા નાખે નહિ ..!
ભારત દેશમાં દરેક નાનામાં નાની કંપની હોય કે મોટી એના અનેક ભાગિયા હોય છે , ભ્રષ્ટાચાર મુક્ત દેશ થયો જ નથી અને એની આપણને પણ ખબર છે અને પરદેશીઓને તો આપણા કરતા વધારે સારી રીતે ખબર છે ..
થોડામાં ઝાઝું..!!
ફોરેન ઇન્વેસ્ટમેન્ટથી હરખાઈએ છીએ પણ ઇન્વેસ્ટ કરેલા રૂપિયા હંમેશા વળતર માંગે અને વળતરના મળે તો કોઈ આવે નહિ..અને વળતરનો સીધો મતલબ કે તમારા રૂપિયા પરદેશ ઉશેટી ગયા ..!
હું પેહલા પણ લખતો આવ્યો છું અને હજી પણ લખું ફરી એકવાર ..
મહાન દેશ મહાન કંપનીઓની પીઠ ઉપર જ બને .. તાતા અને એલ એન્ડ ટી જેવી પ્રોફેશનલ રનીંગ કંપનીઓ જોઈશે દેશમાં અને એક-બે-ચાર નહિ તમામએ તમામ બાકી તો અનીલ અંબાણી નો ખેલ પડ્યો એમ દરેક કંપનીઓ ઉભા કરનારાના ઘરમાં પેદા થાય જ છે અને એનો સીધો રસ્તો છે “વારસાઈ વેરો” ..!
લશ્કરી તાકાત પણ એટલી જ જબરજસ્ત રીતે ઉભી કરવી પડશે ત્યારે જ “વીટો પાવર” મળશે..!
પૃથ્વી ઉપર લડાઈ રહેલા છેલ્લા પંચોતેર વર્ષના યુધ્ધોમાં ભારત દેશે કયુ પોતાનું બનાવેલું હથિયાર મોકલ્યું ? જેનું પ્રેક્ટીકલ ટેસ્ટીંગ બીજા દેશની રણભૂમિ ઉપર થયું હોય..?
ઝેલેન્સકી હોય કે પુતિન એને આપણે “ગાંધીઅસ્ત્ર” કે “મોદીઅસ્ત્ર” આપવું રહ્યું …!
અહિયાં ગાંધી એટલે મોહનબાપાવાળા ગાંધી નહિ હોં .. નહિ તો અપવાસના રવાડે ચડી જાય ઝેલેન્સકી અને પુતિન ..! આ તો કોકને ચાનક ચડે ને બાઝણુ કરે તો એમાં આપણે આપણી `લાકડી` પકડાવવાની વાત છે કે `લાકડી`નું ટેસ્ટીંગ થઇ જાય કે કેટલી મજબુત છે..!! માથા કોના ફૂટે એ આપણે નહિ જોવાનું …!
બાકી તો બધી થીયરીઓ તો છે જ .. વસુધૈવ કુટુંબકમ અને બુદ્ધને શાંતિ, શાંતિ ..પ્રેમ, પ્રેમ..!
છેલ્લે રજનીશ એક્સપોર્ટ કર્યા હતા તે માલ પાછો ફેંકી મોકલ્યો ..!
ઉપદેશ ત્યારે સારો લાગે જયારે તંત્રો શિથિલ અવસ્થામાં પડ્યા હોય ..!!
સોળસો વર્ષ સુધી શાંતિ શાંતિનો ઉપદેશ ચાલ્યો એક જમાનામાં પણ સાથે સાથે ગાંજો પણ પુષ્કળ વેચાતો ,દારુ પણ એટલો જ …!
“નિર્વ્યસની અને ભૂખી પ્રજાનો ઉત્પાત ઘણો વધી જાય..!”
આ પણ ગોલ્ડન લાઈન છે સમજવાની કોશિશ કરજો ..!! વ્યસનના પ્રકાર અને ભૂખના પ્રકાર ઘણા બધા છે ..!!
થાઈલેન્ડની યાત્રા કરીને આવેલા ઉપર બળાત્કારના કેસ બહુ ઓછા થાય .. “વીરો” ઝગમગ ઝગમગ થઈને આવ્યો હોય પણ એક જ ખાલી મેહ્ણું મારી દે “યુ આર તુ..ઊઉ .. વિક..સોરી ..”
વીરાની એક ભૂખ જીવનભર માટે સમાપ્ત ,પૌરુષત્વ હણાઈ જાય ..!!
ભૂખનું મૃત્યુ..!!
હવે પેલી લાઈન ફરી વાંચો..!!
“નિર્વ્યસની અને ભૂખી પ્રજાનો ઉત્પાત ઘણો વધી જાય..!”
મો. ક. ની સફળતા માટે પણ જવાબદાર આ લાઈન ..!!
બે ચાર વાર વાંચી લેજો બ્લોગ અને ટપ્પી પડે તો બીજે ફોરવર્ડ કરજો ..
લમણાં લેવાની મનાઈ , જવાબ ઈમોજીમાં જ મળશે..!!
બાય ધ વે ..
ભગવાન રામચન્દ્રજીએ કર્યો હતો એવો અશ્વમેઘ યજ્ઞ કરીએ અને ઘોડો લંડન પોહચે તો સલ્તનતે બર્તાનીયાના હાકેમ રુસીભાઈ સુનક સલામી આપે કે બાંધી દે..?
(ઘોડો બાંધવો એટલે યજ્ઞકર્તા દેશની આણ, પ્રભુસત્તાનો અસ્વીકાર ..)
વિશ્વવિજેતા ભારત દેશ હજો ..!
અરે હા રામ લલ્લા ને ઝૂંપડી માંથી બાહર લવવા બદલ આભાર ..
આઝાદી અડધી જ છે હજી ..!
કોમનવેલ્થના આપણે હજી પણ મેમ્બર છીએ ,
અમેરિકા નીકળી ગયું હતું અને માલદીવ જેવું ટચૂકડું પણ નીકળી ચુક્યું છે ..!
જય હિંદ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*