આજે ૩૧મી ઓક્ટોબર..
સરદાર પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની મરણતિથી..
આપડે ગુજરાતીઓ એ લગભગ છેલ્લા સિત્તેર વર્ષથી એક “ચીન્ગમ” ચાવ ચાવ કરી છે, “ ગાંધીએ નેહરુને પ્રધાનમંત્રી બનાવ્યા એની બદલે સરદારને પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો ભારતનું ભવિષ્ય જુદું હોત..! ”
પછી સરદારની તરફેણમાં ઢગલો દલીલો કરી આપણે,અને એકે એક દલીલ ખરેખર સાચી પણ છે, છતાય એક સત્ય તો સત્ય જ છે કે પ્રધાનમંત્રી નેહરુ થયા હતા અને પંદર વર્ષ રહ્યા પણ હતા..!
મને પણ સરદાર સ્વતંત્ર ભારતના પેહલા પ્રધાનમંત્રી ના બન્યા એનું દુઃખ છે, પણ એનાથી વધારે દુઃખ એ વાતનું છે કે આપણે પેલી ચીન્ગમ ચાવી ચાવીને એટલી બધી રસ વિનાની કરી નાખી કે છેવટે આપણે સરદારને “ગુજરાતી” કરી નાખ્યા..!
સરદાર એ રાષ્ટ્રપુરુષ હતા અને છે, સરદાર ક્યારેય એકલા ગુજરાતના નોહતા પણ આપણે ગુજરાતીઓ પેલી વાતની ચીન્ગમને એટલી બધી ચાવી કે લગભગ સરદારને આપણે ગુજરાતી કરી નાખ્યા..અને આજે તો હવે જે રીતે સરદારનું નામ લેવાઈ રહ્યું છે અને વટાવાઇ રહ્યું છે એ જો લાંબુ ચાલ્યું તો સરદાર ફક્ત પાટીદાર થઇને રેહશે..!!
કેમ આપણે ગુજરાતીઓ આવા છીએ ?
શું ગુરુદેવ કે બોઝ ફક્ત બંગાળી હતા..? ભગતસિંગ પંજાબી હતા ?
૧૮૫૭નો અંગ્રેજોની ભાષામાં બળવો અને આપણી ભાષામાં પેહલો સ્વાતંત્ર સંગ્રામ પછી ભારતમાં થયેલી અનેક વિભૂતિઓ ને કોઇપણ પ્રાંતની સાથે જોડવા એ એમની સાથેનો દ્રોહ નથી..?
સરદારને ગુજરાતી તરીકે પ્રોજેક્ટ કરવામાં ક્યાંક આપડી વૈચારિક પંગુતા છત્તી થાય છે..અને આજે તો જે રીતે અને જે કારણે સરદારનું નામ લેવાઈ રહ્યું છે એ તો અસહ્ય છે..!! (બંને બાજુએથી)
લોકતંત્રમાં ચર્ચા અને વિચારણાને સ્થાન છે, હું કહું એ સાચું અને મારી પાસે આમ છે અને આટલા લોકો છે અને હું આ જાતિનો છું, અને મારા પૂર્વજ ફલાણા નેતા છે અને જો મારું કીધું નહિ કરો તો હું મારા પૂર્વજ નેતાના નામે દેશ આખો માથે લઈશ, અને સામે પક્ષે પણ જવાબી કાર્યવાહીમાં એ નેતા કઈ તમારા એકલાના નથી અમારા પણ છે, માટે અમે એમના માટે ફલાણા પુલનું નામ રાખશું એરપોર્ટ કે રેલ્વે સ્ટેશનના નામ પાડશું, પલ્સ એમના પુતળા ઉભા કરીશું…
શું છે આ બધું ..?
કેટલા વર્ષ તમારે હજી “પુતળાશાહી” ચલાવવી છે ?
જમનાજી ના કાંઠે કેટલા “ઘાટ” ઉભા કરવા છે? જગ્યા બચી છે જમનાજીના કિનારે?
આજે સમય એવો આવ્યો છે કે સામાન્ય જનતા ને પક્ષ કે વિપક્ષનો એકપણ નેતા ગમી નથી રહ્યો,સોશિઅલ મીડિયા ઉપર અને મીડિયામાં આવતા કોમેડિયન જયારે જે પક્ષના નેતાની મિમિક્રી કરે અને પછી જનતા જનાર્દન જોર જોર તાળીઓ પાડે એની ઉપરથી સમજી જવાનું કે કયો નેતા ક્યાં “ઉભો” છે..!!!
આજે તો જનતા પક્ષ અને વિપક્ષ બંનેના મુખિયાની ભયંકર મિમિક્રી કરે છે અને આનંદ ઉઠાવે છે…આ એક બહુ જ મોટા ખતરાની નિશાની છે,પણ આજના નપાણીયા અને બિલકુલ શાહમૃગ વૃત્તિ ધરાવતા નેતાઓને એનું ભાન જ નથી, એમને તો આવનારા પચાસ વર્ષ તો દુર ગયા પણ આવનારી ચૂંટણી સિવાય બીજું કશું દેખાતું નથી…આમ ને આમ પક્ષ-વિપક્ષ બંનેની ઉપર લોકોનો ભરોસો તૂટતો ગયો તો લોકોનો રોષ સૌથી પેહલો પુતળા ઉપર જ નીકળશે..
કોઈપણ એક નામને જેટલું વધારે વાપરો પછી એ નામ ભૂંસાતું જાય..કોંગ્રેસે એના શાસનના છેલ્લા દસકામાં ચારે બાજુ રાજીવ ગાંધી,રાજીવ ગાંધી કર્યું..કોનોટ પ્લેસ ,મુંબઈનો સી-લીંક પણ આજે હાલત શું ?અને કોણ કોનોટ પ્લેસ કે સી લીંક ની બદલે રાજીવ ગાંધી બોલે છે ?
અતિની ગતિ નહિ..!!
આજના ગુજરાતની હાલત એવી છે કે જે થાય તે થાય અને જે કરવું પડે તે કરો પણ એકવાર સત્તા પર ચડી બેસો, બસ બીજી કોઈ જ વાત નહિ અને સત્તા પર ચડી બેસવા માટે સરદારનું તો સરદારનું ,જેનું નામ વટાવવું પડે એનું વટાવવાનું..!
મારા જેવાને એમ થાય કે સરદાર પટેલે તો પોતાના પેટના જણ્યા સંતાનોને મોઢા મોઢ કહી દીધું હતું કે “ભૂખ્યા મરી જજો પણ મારા નામને ક્યાંય વટાવશો નહિ..!” અને ખરેખર પૂજ્ય મણીબેનની પાછલી અવસ્થા મેં મારી સગી આંખે જોઈ છે.. સાલ ૧૯૮૬ થી ૧૯૯૮ ના અરસામાં હું પણ એ જ ન્યુ બ્રહ્મક્ષત્રીય સોસાયટીમાં રહ્યો છું, ક્યારેય એક સારું કપડું પણ મેં એમના અંગે નોહતું જોયું અને આજે એમના નામે મોટા થયેલા લોકો…અને એમના કપડાની કિંમતો ??!!!
અલ્યા ના હોય આ બધા તાયફા સરદારના નામે..!
જો કે આપણા નેતાઓની “હોશિયારી” જ અહિયાં છે મરી પરવારેલા નેતા તો કઈ પાછા આવીને બોલવાના નથી, તો પછી ચલાવો તમતમારે એમના નામે,અને એમની લખેલી ચોપડીઓ કે કાગળોમાંથી કરો તમને સગવડ આપે એવા અર્થઘટનો..!
હમણાં હમણા કોઈક “વિદ્વાન” “દેશભક્તે” સુપ્રીમ કોર્ટમાં અરજી ઘાલી ગાંધી હત્યા કેસને રીઓપન કરવાની..છેક ૨૦૧૭માં એમને ખબર પડી કે ગાંધીને મારવા ત્રણ નહિ ચાર ગોળી ચાલી હતી..એ જમાનામાં ગૃહમંત્રી રહેલા સરદાર પટેલ અને બીજા બેરિસ્ટરો તો બેવકૂફ હતા જેમની નજર હેઠળ આખો કેસ ચાલ્યો હતો..
શરમ આવવી જોઈએ હલકટો તમને, આવી અરજીઓ કરી કરીને “ગાંધી-હત્યા” ને બદલે “ગાંધી-વધ” શબ્દ વાપરવો છે તમારે ..? અને પછી પાછા એ જ સરદારના નામને આગળ કરીને ચુંટણીઓ લડવી છે..?
ભારતવર્ષના આકાશે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ઉચ્ચ નીતિમત્તા ની એક સફેદ ચાદર પડી હતી..ધીમે ધીમે જૂની પેઢી જતી ગઈ અને નવા નવા નેતાઓનો આવતા ગયા, એ નવી પેઢીના નવા નેતાઓ એ પોતાના નિહિત સ્વાર્થની કાલિક એ સફેદ ચાદર પર પર રેડવા માંડી અને એ સફેદ રંગ ગ્રે થતો ગયો..આજે હાલત એવી છે ચારેબાજુ કાલીમા જ છવાયેલી છે એકેય નેતા એવો નથી કે જેના છોકરા કરોડોમાં ના રમતા હોય અને જેની આજુબાજુ અરબો અને ખર્વોપતિઓના જમાવડા ના હોય..!!!!
ગુજરાતની આ વખતની ચૂંટણીમાં તો સરદાર છુટ્ટે મોઢે વપરાશે અને ગાંધી છુટ્ટે હાથે વપરાશે…!!
બહુ વેહલા જતા રહ્યા ગાંધી અને સરદાર બંને..
ક્યારેક મન થાય તો પોઝીટીવ થઇને વિચારજો કે ગાંધીને ગોળીના મારી હોત અને સરદારને “જીવતા ગાંધી” નો ટેકો હોત તો તીનમૂર્તિ ભવન આટલી ભૂલો કરી શક્યું હોત..?
ગાંધી-સરદાર અમર રહે
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા