કોઈ એક વ્યક્તિ એના કેટલું જાણી શકે ? કેટલું જોઈ શકે ? કેટલું માણી શકે..?
ઝીણવટથી જોઈએ તો બહુ જ ખતરનાક સવાલો છે ,પણ ક્યારેક જાત ને પૂછવા જરૂરી છે ,નહિ તો સંતોષ નામની વસ્તુ જીવનમાં આવતી નથી અને આ રહી ગયું પેલું રહી ગયું એમ કરી ને જીવન અજંપાથી ઘેરાઈ જાય છે..
કોઇપણ વાત ઘટના કે સ્થળ ,ઈતિહાસ કે બીજું જે કઈ જાણવા માટે સૌથી મોટો આધાર છેલ્લા દસકા સુધી ચોપડીઓ હતો આજે ગુગલ છે, અને ગુગલની અંદર પણ ક્યાંક પેલી ચોપડીઓનો નીચોડ અને ક્યાંક આખે આખી ચોપડી છે..
મારા જેવા સતત ચાલુ રેહતા “મગજો” માટે ગુગલ બહુ આશીર્વાદરૂપ વસ્તુ છે, પેહલા ક્યાંક ક્યાંકથી ચોપડીઓ શોધવી પડતી ,ક્યારેક ખરીદીએ અને ક્યારેક માંગીએ અને વાંચીએ અને મેગેઝીન,વાર્તા કે નોવેલ વાંચતા હોઈએ ત્યારે પાછળથી ટકોર આવ્યા વિનાની રહે જ નહિ કે આટલું રસથી ભણવાનું વાંચતા હોત તો ..
મને ત્યારે ગળા શું હોઠ સુધી આવી જતું કે અશ્વિની ભટ્ટ કે ક.મા.મુનશી જોડે ભણવાની ચોપડીઓ લખાવવી હતીને તો એ પણ આટલા રસપૂર્વક વાંચતે..
ખૈર, ક્યારેક એમ લાગે કે સતત ચાલુ રેહતા મગજ કરતા બંધ મગજ સો ટકા સારા..
જીવનમાં બધું “જોઈ” , ”જાણી” અને “માણી” ને બેઠેલા ની હાલત શું હોય છે ..?
પગલાઈ જાય છે..થોડી છટકી જાય છે..અને કોઈક એવી જીદ કરે કે મારે બધું પામવું છે મેળવવું છે એ જાય છે છપ્પનનાં ભાવમાં..!!
આકાશે ઉડનારો સબમરીન નથી ભાળતો,અને એમેઝોનના જંગલો ઘુમનારો બીજી ઘણી ચીજ વસ્તુથી અજાણ રહી જાય છે..
એટલે ખોટી “દૌડ” મૂકીને જયારે દોડીએ ત્યારે અંતે તો થાકવાનું અને હાંફવા નું ભાગે આવે છે..
થોડાક સમય પેહલા એક અમેરિકાનું સંપેતરું પોહચાડવા જુના વાડજમાં જવાનું થયું, અમેરિકા રેહતા દીકરાએ એમના બાપુજી માટે દવાનું પડીકું મોકલાવ્યું હતું અને અમારે ભાગે કુરિયર બોયની ફરજ નિભાવવાની આવી ..
એમાં પણ એ કાકાની કંડીશન હતી કે સાંજે પાંચ પછી કે બપોરના એક પેહલા જ આવવું નહિ તો હું બારણું નહિ ખોલું…
એટલે અમે સાંજે પાંચે પોહચાય તેમ પોહચ્યા ..
કાકાના ઉત્થાપન થયા હતા અને કાકીએ ભોગ તૈયાર કર્યો હતો ચા ,બિસ્કીટ ,ખાખરા .. અમને પણ લાભ મળ્યો..
કાકા ,કાકી બંને હેલ્ધી ,ઉંમર પાંસઠ સિત્તેરની વચ્ચે લાગે..ચા પીવી ફરજીયાત હતી એટલે કૈક વાત કરવી પડે ..
એ જ રૂટીન વાતો થઇ અમેરિકાની ઠંડી સહન નથી થતી એટલે છ મિહના અહિયાં અને છ મહિના ત્યાં..વાત વાતમાં જાણ્યું કે કાકા આફ્રિકામાં જન્મેલા,લંડનમાં મોટા થયેલા, વસેલા અને અમેરિકામાં વીસ વર્ષ કાઢ્યા અને છેવટે બાકી હતું કે કાકા ઓસ્ટ્રેલીયામાં એક છોકરા જોડે પાંચ વર્ષ કાઢી ને આવ્યા છે..
આપડે કાકા ને ઉંમર પૂછી કાકા ઉવાચ્યા સીત્યાશી..
મારું બેટું હું તો ચકરી ખાઈ ગયો..ઉમર કરતા વીસ વર્ષ નાના લાગે કાકા કાકી બંને..
મેં કીધું કાકા રાઝ શું ..?
કાકા બોલ્યા જો ભઈ તો આફ્રિકામાં જન્મ્યો અને મોટો થયો, ચોખ્ખા હવાને પોણી હારું હારું ખાધું બધું ..વિહ વરહનો થયો તે લંડન ગયો, તો સ્ટોર હતો ને મોણહો બધું કરે મારે ભાગે ગલ્લો આયો , તે પૈશા નો કારભારો કરું ..આ ચાર છોકરા થયા તે ચારેય જુદા જુદા દેશમાં જ્યાં, મોટી છોડી ને આફ્રિકા પૈણાઈ ,નોની લેસ્ટરમાં છ, ને મોટો છોકરો અમેરિકા જ્યો ,નાનો ઓસ્ટ્રેલીયા .. મોટી ની તો ગઈ સાલ ભોણી એ લંડન પૈણાઈ..
પણ હાચું કઉ તે મારે ભાગે કોઈ કોમ જ નહિ આયુ, આખી જિંદગી હર્યોફર્યો અને મજા જ કરી છે..
લંડન નો સ્ટોર મોટો છોકરો અમેરિકા ગયો તે લંડન નો સ્ટોર વેચીને અમેરિકા મો સ્ટોર લીધો, તોન્ય ગલ્લો આયો હાચવવાનો..આખી જિંદગી સ્ટોરથી ઘર એટલું જ ચાલ્યો બાકી શરીર વપરાયું જ નથી..અને હા હું ને તમારા કાકી વર્ષે બે વેકેશન કરીએ ..અન હજી કરીએ છીએ..પંદર પંદર દિવસ વરહમાં બે વાર ફરવા જવાનું જ .. આ તારો નરેન્દ્ર મોદી નહી ફર્યો ન એટલા દેશ હું ફર્યો છું ..
કાકાએ મોદી સાહેબ ને લઇ પાડયા..પણ હારો છ, દેશ નું કૈક હારું કરશે આ મોણોહ ..
પોલીટીક્સ પર ચડતી ગાડીને પછી મેં વાળી ..
તે હેં કાકા કોઈ દિવસ કસરત કે કઈ કશું નથી કર્યું ?
ના રે નો …ખોટા શરીર ઘસવા ના જ નહી ને ..મેં કીધું તો દેશમાં કેમનું તમને ગમે ..
ગમે ખરું અને ના ય ગમે, ના ગમે તો ગમે તે એક છોકરા ને ઘેર જ્તો રહીએ ત્યાંથી બીજે ,નહિ તો આ ગોમ નું ઘર તો છ જ ને ..
મેં કીધું તે કાકા તમે તો ઘણી દુનિયા જોઈ તો કઈ બાકી રહ્યું..?
કાકા એ બોટમ લાઈન આપી ..
જો ભઈ ઘણું ય જોયું ને જોણ્યું પણ એકવાત કહું કશાય માં સાર નથી , ઓમ ને તેમ હવા મો બાચકા મારવા ની વાત છ , ઓંય જે શોન્તી છે એ ક્યોય નહિ, અન દુનિયાનું બધું જોવું ને જોણવું જરૂરી નથી..જેટલું વધારે જોઈએ અને જોણીએ એટલું જ બીજું બાકી રહી જાય છ ,એટલે જેટલું ઓછું જોવો અને જોણો એટલી વધુ શોંતિ ..
ગોંડો મોણોહ જેટલું સુખી દુનિયામાં કોઈ નહિ ..ભઈ શું નોમ કીધું તારું ?
મેં કીધું શૈશવ ,
હા ભઈ શૈશવ, તને બધું જોવા જોણવાની બહુ હાય હાય લાગ છ..જો`જે જોણજે કશું ખોટું નથી, પણ છેલ્લે તો જો હું તા`ર કાકી અને આ ગો`મનું ઘર, આ જ છ..
પણ છેલ્લે તો જો હું તા`ર કાકી અને આ ગો`મનું ઘર, આ જ છ..
કેવું કટુ સત્ય અને હું વિચારું કે દુનિયામાં દરેક જણ એક રાશી માં જન્મે છે ૩૬૦ ડીગ્રીની આ દુનિયાને ૩૦-૩૦ ડીગ્રીએ ભાગી નાખી અને દરેકને એક એક રાશી આપી અને ૩૦ ડીગ્રી આપી ..આ ૩૦ ડીગ્રી એટલે તમારી દુનિયા અને લગ્ન થાય ત્યારે બીજી ૩૦ ડીગ્રી તમારામાં ભળે,એટલે એકલો હોય તો ૩૦ ડીગ્રીની દુનિયા જોઈ શકે અને બેકલો હોય તો અને વધી વધી ને સાહીઠ ડીગ્રીની દુનિયા બે જણ ભેગા થઇ ને જોવે..
સતત ચાલતા મગજમાંથી નીકળતા વિચારોની બદલે બંધ મગજે મસ્ત જવાબ આપી દીધો..
પણ છેલ્લે તો જો હું તા`ર કાકી અને આ ગો`મનું ઘર આ જ છ..!!
હા`ર તા`ર , કાકા ને તો બોહ્ત ગઈ ને થોડી રહી,
આપડે તો હજી ઘણી બાકી છે..
એમને તો ભોણી એ પૈણાઈ દીધી આપણે તો પેટ નો વસ્તાર બાકી છ ..
હેંડો તા`ર, કો`મે જઈએ..
ક્યારેક બંધ મગજ સુખી ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા