l
આજે ત્રીજું નોરતું..
શ્રીનગરમાં નવરાત્રી લગભગ જામી ગઈ હોય એવું લાગે છે,વિક એન્ડ નજીકમાં હોય અને સ્કુલના છોકરાઓની પરીક્ષા પૂરી થઇ જાય એટલે કાશ્મીર આખું હેલે ચડે,આખાય કશ્મીરમાં જેનું હૈયું ધબકે છે એ દરેક મ`નેખ નોરતાને માણવા શ્રીનગરની ગલીઓમાં નીકળે..!!
વઝીરે આઝમની સુચના છે કે સદરે રિયાસતની એ તો ખબર નથી પણ ચપ્પા ચપ્પા ઉપર સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે..! (ઠોલા ના લખાય હવે, લોકો મને કહે છે જવાબદારી થી લખો હવે તમારું લખાણ હજ્જારો લોકો વાંચે છે..), રાત્રે એક વાગે તો તરત જ “ઉપદ્રવી”ને જ્યાં બેઠો હોય ત્યાંથી સીટીઓ મારી મારીને ઘર ભેગો કરવામાં આવી રહ્યો છે, ગરબે ફરીને બહાર નીકળેલો “ઉપદ્રવી” પાછો સો બસ્સો રૂપિયા ખર્ચે અને દેશની ઈકોનોમી “સારી” થઇ જાય તો તો ના ચાલે ને ભાઈ..
નાસ્તાપાણી ની લારીઓ ને તો બિલકુલ રાત્રે બાર વાગ્યે બંધ કરાવી જ દેવી પડે ગમે તેમ તોય આપડે બોર્ડર સ્ટેટ રહ્યા, ખોટે ખોટી ઝાકમઝોળ કરીએ અને પેલી પારથી તોપનો ગોળો કે એકાદો મોટો મોર્ટાર શેલ આવીને પડે તો મોટી ખાનાખરાબી થઇ જાય..!!
બે નોરતા ગયા, ઝીલ્લે ઇલાહી સલ્તનતે હિન્દના બાદશાહ ઔરંગઝેબના રાતના બાર વાગ્યા પછી ગરબા ના ગાવા દેવાના હુકમ ની નાફરમાની કરવાની રિયાસતે કશ્મીરમાં કોણ કરે ?
એમાં પણ આપડે ત્યાં કશ્મીરમાં તો કેહવત છે કે “ ભાઈ જીવતો નર ભદ્રા પામે”, એટલે ગરબાના બે “ચકરડા” ઓછા ફર્યા કે વધારે એમાં શું “બળ્યું” હતું..!!
આજે છાપાવાળા લખે છે કે કોન્ટ્રાસેપ્ટીવનું વેચાણ પેલી જાહેરાત પછી ૩૫% વધી ગયું..!! બોલો સારી વાત કે ખરાબ ..? બે રાતમાં પાંત્રીસ ટકાનો ઉછાળો આવ્યો એમ ..??
સાલું શ્રીનગર તો આખું વ્યભિચારીઓથી જ ભરેલું છે..!
સંસ્કાર જેવી કોઈ ચીજ રહી જ નથી આખા કાશ્મીરમાં..!
અમે છેલ્લા બે દિવસથી આખા કાશ્મીરની ખુબ જ જાણીતી અને સ્થપતિઓનું નિર્માણ કરતી સંસ્થામાં ગરબે ઘુમવા જઈએ છીએ,હવે આ સંસ્થામાં આડા દિવસે પણ ગયા હોય તો ત્યાં સ્ત્રી પુરુષનો બહુ ફર્ક હોતો નથી,બધા જોડે બેસીને જ ધુમાડા “કાઢતા” હોય છે, ઇનફેક્ટ જેમ અમે અમારા બાળપણમાં અમારી સ્ત્રી મિત્રો ને “ચોકડી” લાવી આપતા હતા તેમ અત્યારના છોકરાઓ એકાદ બે પેગ નો કે વીડ નો વહીવટ કરી આપે છે..!
આમપણ આપડા કાશ્મીરમાં પેહલે થી જ બે ચાર જગ્યા સિવાય વાતાવરણ ઘણું રૂઢીચુસ્ત,એટલે અમારા જમાનામાં છોકરી ગલ્લે ના જાય એટલે અમે “સેવા” આપતા..
હવે આટલી મોડર્ન કે ફોરવર્ડ ગણાતી સંસ્થામાં અમને તો કોઈ એવી આછકલાઈ દેખાઈ નહિ તો પેલું પાંત્રીસ ટકાનું વેચાણ ક્યાં ઝૂપડપટ્ટીમાં વધ્યું છે..?
મારું બેટું એક વાત તો કેહવી પડે હો કાશ્મીર હોય કે બંગલાદેશ સેહજ ઠંડક થઇ નથી કે.. ખોટું નથ કે`તો ભઈ..બંગલાદેશમાં આવેલા રોહીન્ગ્યા શરણાર્થી માં એશી હજાર “ખાતુનો” પ્રેગનેન્ટ છે..!!
કેવું કેવું ચાલે છે ભાઈ આ નવરાત્રીમાં તો.. છેક બંગલાદેશમાં બર્માથી આવેલી એશી હજાર ખાતુનો પ્રેગનેન્ટ “થઇ” ગઈ..!
આપણને એમ થાય કે આપણે ત્યાં કાશ્મીરમાં તો ઝુપડાવાળા પણ સુખી છે એટલે એ લોકો તો કોન્ટ્રાસેપ્ટીવ ખરીદી લે છે અને વસ્તી વધારો નથી કરતા, પણ આ બિચારા રોહીન્ગ્યાને તો નથી ખાવા ધાન કે રેહવા મકાન પણ નવરાત્રી આવી તો પછી તો..તો ..તો
અને એટલે જ તો હવે એમને તો બંગલાદેશની સરકાર મફતમાં આપવાની છે, વસ્તી વધારો રોકવા માટેના સાધનો..!!
વેચાણના આંકડા ત્યાના પણ લખજો હો છાપાવાળાઓ..ચાટમસાલો પીઝા ઉપર ભભરાવોને તો પીઝા પણ વધારે ભાવે હો..!
આ બર્માથી કાઢી મુકેલા રોહીન્ગ્યા કેટલા ખંતથી એમનું કામ કરી રહ્યા છે..!
અરે રે આ નવરાત્રી ક્યાં આવી..? પાછળ દિવાળી અને પછી તો કાશ્મીરમાં ઈલેક્શન છે..!
ગઈકાલે રાત્રે ગરબાના ચકરડા ભમ્યા પછી થોડો જઠરાગ્નિ પ્રજ્વલિત થયો, એટલે એમ થયું કે લાવો કાઈક નાખીએ પેટમાં અને જઠરાગ્નિને શાંત કરીએ, પણ મધ્યરાત્રી વીતી ચુકી હતી અને રાત્રીનો ત્રીજો પ્રહર ચાલુ થઇ ગયો હતો અમને તો ભાન જ નહિ કે સમય ક્યાં જાય છે..
આ મહિનાની ત્રીસમી તારીખે અમને સુડતાળીસ વર્ષ પુરા થઇ જશે ને અડતાલીસમુ વરસ ચાલુ થઇ જશે અને તો પણ હજી અમે ગરબાના ચકરડા ફરીએ છીએ બોલો..ઉપરથી પાછા આ ઉમ્મરે જયારે ભાખરીને દૂધ લઈને નિંદ્રાધીન થવાનું હોય ત્યારે અમે આસો સુદ બીજની ઘોર અંધારી રાત્રે નિશાચર બનીને શ્રીનગરની ગલીઓમાં ચરવા નીકળ્યા હતા..!
હરિઓમ હરિઓમ ..ઘોર પાતક લાગ્યું અમને તો..મધ્યરાત્રી ભોજનનું..!
પણ સાચું કહું તો કાલે રાત્રે અમારા જેવા એટલા બધા અસુરો કાલે શ્રીનગરમાં એમના જઠરાગ્નિને શાંત કરવા ફરતા હતા અને ફરિશ્તો કી સેના એમને ભગાડતી હતી..!
લગભગ અડધો નવો પશ્ચિમ ઝોન ફરી લીધા પછી છેવટે શ્રીનગરનો બહુ ફેમસ પ્રહલાદ મુઘલ નગર ગાર્ડન પાસે અમને થોડુંઘણું ખુલ્લું મળી ગયું અને ત્યાં અમે પત્નીજી ને ચતુ:શ્ચક્રીમાં બેસાડી અન્નદાન લેવા લાઈનમાં ઉભા રેહવા નીકળ્યા, પણ શું કહું તમને અન્નદાન સ્વીકારવા માટે લાઈન સાવ જ ઓછી..!
એક જ અસુર મારી આગળ લાઈનમાં હતો, અમને તો એમ કે સમુદ્રમંથન પછી અમૃત માટે જે પડાપડી હતી અને લાઈન લાગેલી એવી લાઈનો હશે,
પણ ના બિલકુલ નહિ, આખે આખા કોફી-કુંભ ભરેલા પડ્યા હતા અને કોઈ પી`નાર નોહતા..!
મને તો મનમાં દયાબેન અને કરુણાબેન બંને એક સામટા યાદ આવી ગયા.. અરે રે શું હાલત છે મારા આ નગરની..એક જમાનો હતો નોટબંધી પેહલા નો કે જ્યારે પાંચસો પાંચસો અને હજાર હજારની નોટો ની છોળો ઉડતી, આ કોફીબાર વાળો કોફી-કુંભ ભરતા થાકતો અને લોકો પી`તા નોહતા થાકતા અને આજે જુવો આખો કોફી-કુંભ ભર્યો પડ્યો છે પણ કોઈ પીનારું નથી..!
પણ ખરેખર દેશ માથે એટલું મોટું સંકટ આવ્યું છે કે લોકોની ક્ષુધા શાંત થઇ ગઈ છે, એક તો પેલી “દેશની દીકરી” હનીપ્રીત ખોવાઈ ગઈ છે અને બીજું આ રોહીન્ગ્યા આવી ચડશે અને દેશના ટુકડે ટુકડા કરી નાખશે એની બીક છે..
શ્રીનગરના લોકોની તો ભૂખ અને ઊંઘ હરામ થઇ ગઈ છે આ બે સમસ્યાથી તો..!
હશે ત્યારે જેવી ઉપરવાળાની મરજી ..
બાકી તો તેહવારો હોય અને લોકો થોડી ખરીદી કરે અને બે પૈસા વાપરે તો અર્થતંત્ર ને વેગ મળે,
“મુલ્લા” ચાણક્ય કહી ગયા હતા કે “ પૈસો અને લોહી બંને ફરતા રેહવા જોઈએ, જો ફરતા અટકે તો માણસ અને રાષ્ટ્ર બંને મરી જાય “
સલ્તને હિન્દ કે સુલતાનને ગુજારીશ છે કે હજી છ દિવસ બાકી છે તો આપ હજૂર અમો ને થોડા વધારે ચકરડા ફરવા ની ઈજ્જાત આપો તો ..
ના ના ..
આ તો જરાક ગુજારીશ કરી બાકી અમે “કાફીરો” તો આપ હજૂર જેમ કહો તેમ ..
يومك جيد
– شيشاف فورا