અત્યારે આજતક ઉપર એક રીપોર્ટ જોઈ રહ્યો હતો ..
હાયતોબા મચેલી હતી મોબ લીન્ચીંગ ઉપર ..
બાળકો ચોરવા વાળી ગેંગના સભ્ય સમજી અને નિર્દોષ લોકોને મારી નાખવાની ઘટનાઓ ઘટી રહી છે ,બાળકો ચોરવા વાળી ગેંગ ફરી રહી છે એવી અફવાએ જોર પકડ્યું છે અને દેશના તમામ રાજ્યમાં દરેક અઠવાડિયામાં ક્યાંક એકાદી આવી ઘટના ઘટે છે ,
કોઈ ને પણ બચ્ચા ચોરવાવાળો સમજી અને પછી પબ્લિક તૂટી પડે છે,ટોળું થઇ જાય છે અને જ્યાં સુધી સંદિગ્ધ નો જીવના જાય ત્યાં સુધી ટોળું એને ટીપી ટીપી ને મારી નાખે છે..
આ હત્યાઓ પાછળ જવાબદાર વોટ્સ એપ પર ચાલી રહેલી અફવાને માનવામાં આવી રહી છે અને હવે વોટસ એપને કેહવામાં આવ્યું છે કે તમે કોઈપણ સમાચારની સત્યતા જાણી શકાય એવું ફીચર ડેવલોપ કરો…
અરે રે ..નબળો ધણી બૈયર પર શૂરો..
અલ્યા વોટસ એપ નોહતું ત્યારે શું અફવા નોહતી ફેલાતી…?
નેહારુબ્રીજ ઉપર ભૂત-ચુડેલ માથું ઉતરીને હાથમાં આપે છે એવું કેટલા વખત ચાલ્યું હતું ?
વોટ્સ એપ હતું એ જમાનામાં ?
અરે ગણપતિ એ દૂધ પીધા ત્યારે વોટ્સ એપ હતું ?
હવે કૈક વધારે પડતું સોશિઅલ મીડિયાને દંડિત કરવામાં આવી રહ્યું છે..
દેશની બધી રાજ્ય સરકારો અને એ બધાની ઉપર બેઠેલી કેન્દ્ર સરકાર, એમના મુખિયા અને અધિકારીઓ દરેક વાતમાં સરળ રસ્તા શોધવામાં પડ્યા છે..
વોટ્સ એપ નોહતા ત્યારે પણ અફવાહ ફેલાતી અને યુધ્ધો લડાતા ..
ગાયની ચરબી કારતૂસમાં હતી કે નહિ એ આજ સુધી કન્ફર્મ નથી થયું છતાં પણ ૧૮૫૭નો વિપ્લવ સમય કરતા પેહલા ફાટી નીકળ્યો હતો..
કયું વોટ્સ એપ અને સોશિઅલ મીડિયા હતું લ્યા ત્યારે ૧૮૫૭માં ..?
સમસ્યાના મૂળમાં જવું નથી અને ઉપર ઉપરથી અમે કૈક કામ કર્યું એવું બતાડવામાંથી સરકારો અને સરકારી મશીનરી ઉંચી નથી આવતી..
દિખતા હૈ વો બિકતા હૈ કરવામાં હવે નાગા થઇ ગયા, દેખાડવા જેવું કઈ રહ્યું નથી તો પણ એકેય સરકાર અને એની મશીનરી સમજવા તૈયાર નથી…
એક સર્વે પ્રમાણે એકલી દિલ્લીમાંથી જ રોજ ના બાવીસ બાળકો ગાયબ થાય છે…
હલો .. હલો .. માઈક ટેસ્ટીંગ .. માઈક ટેસ્ટીંગ .. કોઈ સાંભળે છે ..?
ખાલી દિલ્લીમાંથી જ રોજના બાવીસ બાળકો ગાયબ થાય છે..
ધ ઈન્ડીપેન્ડન્ટ ના એક રીપોર્ટ પ્રમાણે દેશમાં ખોવાયેલા અને ચોપડે ચઢેલા બાળકોની સંખ્યા બે લાખથી વધારે છે, અને એમાંથી એશી હજારની સારસંભાળ એનજીઓ અને સરકારો ભેગા થઇ ને લઇ રહી છે..
આ બધા ઓફિશિઅલ આંકડા છે…
આખા ભારત દેશમાંથી રોજના ૧૮૦ બાળકો ગાયબ થાય છે કે ખોવાઈ જાય છે અને આ ખોવાયેલા બાળકોમાં ત્રણમાંથી બે બાળકોનો લગભગ ત્રણ વર્ષ સુધી અત્તોપત્તો નથી મળતો…
ખુબ જ દર્દનાક આ આંકડા છે..
બાળક નું ગુમ થવું એ તો રામ નાં બાણ છે વહાલા ..
જેને વાગ્યા હોય એ એ જ જાણે..
મારા એક બીઝનેસ ફ્રેન્ડ અને એક માજી રાજવી, એમના પરિવારનો આઠ વર્ષનો દીકરો આજે લગભગ દોઢ દસકાથી એક તીર્થ સ્થાન પરથી “ખોવાયો” છે, ગમે તે સરકાર હોય એમાં એમના પરિવારની સારામાં સારી પેઠ.. એ સમયે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારોને હલાવી નાખી હતી ,ગાંઠના ગોપીચંદન કરીને ગાડીઓ તો છોડો હેલીકોપ્ટરો ભાડે કર્યા ,પત્થર એટલા દેવ કર્યા મારા જેવા દુરના મિત્રો એ પણ બાધા આખડી કરી લીધા, પણ આજ ની તારીખે એ માસૂમ ગાયબ જ છે..
દોસ્તો એ બાપની પીડા મેં જોઈ છે ,
એ સંતાપ .. અરરર .. ઉંચો પહાડ જેવો સોરઠ નો સાવજ તૂટી પડ્યો હતો .. એના દરદ જોયા ના જોવાય ..ભડ નો દીકરો આંસુડું નીકળે નહિ ને દિવસ રાત એક કરે ,જ્યાં આશા દેખાય ત્યાં દોડે ..ત્રણ ત્રણ વર્ષ દોડ્યા ..અને હજી પણ છાતીએ પત્થર મૂકી ને જન્મારો ખેંચી રહ્યો છે…અને જરાક અમથી આશા દેખાય ત્યાં દોડે છે..
સમસ્યાનું મૂળ છે બાળકોનું ગાયબ થવું..ચાઈલ્ડ ટ્રાફિકિંગ ..
પેહલી વાત એ છે કે આખું ગામ જાણે છે કે ગુમ થયેલા બાળકોને ભીખ માંગવા મજબુર કરાય છે..
તો ધ્રુતરાષ્ટ્ર નંદનો ત્યાં જ તૂટી પડો ને..ભીખ માંગતા તમામ બાળકોને પકડી લ્યો અને કસ્ટડી સરકારો લઇ લે ..કેટલા બાળકો પકડવા પડશે ? બે લાખ ? પાંચ લાખ ? અને એના માટે કેટલો ખર્ચો આવે ? એક ભીખ માંગતું છોકરું પકડી અને એને ખવડાવવા પીવડાવવા નો ખર્ચો લાખ રૂપિયા તો નાં જ આવે ..
અરે સરકારને ખર્ચો ભારે પડે તો એક હાક મારે તો પણ રૂપિયાના વરસાદ થાય ..અહિયાં તો ગાયો બચાવવા રૂપિયા ના ધોધ વહે છે તો આ તો મનેખ જીવ …!!
બીજો બાળ મજુરી ..
દોસ્તો આ ભાર તો સમાજે જ ઉપાડવો રહ્યો ..
બાળ મજુર નહિ એટલે નહિ..
ચા ની કીટલીએ પણ દેખાય તો એક હેલ્પલાઇન ઉપર ફોન કરી અને છોકરું અને કીટલી વાળો બંનેને ફીટ કરવા પડે ,અને પોલીસે પણ કડક હાથે કામ લેવા પડે ..ફુલ્લ “સર્વિસ” થવી જોઈએ કીટલી વાળા ની ..
એક આખી સ્વતંત્ર એજન્સી જ દરેક સરકારો એ ઉભી કરવી પડે કે જે ફક્ત અને ફક્ત આ સમસ્યા ઉપર કામ કરે અને જોડે એનજીઓ ને પણ જોડવા પડે..
મારા એક મિત્ર એ બચ્ચા ટ્રેકિંગ ડીવાઈસ બન્વ્યું હતું ટ્રાયલ પર્પઝથી .. એક નાનકડું ડીવાઈસ જેમાં સીમ કાર્ડ નાખેલ હોય અને એ ડીવાઈસ બાળકના દફતરમાં સીવી દેવાનું ,સીમકાર્ડની મદદથી બાળક ક્યાં છેતેની સતત માંબાપને જાણ રહ્યા કરે ,
બીજો એક ઉપાય વોટ્સ એપ ઉપર જ ફરે છે બાળકનું આધાર કાર્ડ કાઢવાનું અને એમાં બાળકની આંખના આઈરીશની પ્રિન્ટ લેવાની ,જેથી બાળક ક્યારેય પણ ખોવાય કરે તો આધાર કાર્ડના ડેટાબેઇઝ ઉપરથી એને ટ્રેસ કરી અને એના માંબાપ સુધી પોહચાડી શકાય..
સેન્સીબલ છે આઈડિયા ..પણ જેમ પોલીયોના ટીપામાં એકપણ બાળક છૂટવું ના જોઈએ તેમ આધાર કાર્ડ વિના એકપણ બાળક છૂટવું ના જોઈએ ત્યારે આ વાત થાય..
અફવાહો નું સમર્થન કરવા આ બ્લોગ નથી લખ્યો , પણ જે ખરી સમસ્યા છે એને હાઈલાઈટ કરવા લખ્યો છે પામર બુદ્ધિથી સુચવેલા ઉપાયો અયોગ્ય લાગે તો ક્ષમા , જીનીયસ બ્રેઈન ઉપાય સૂચવી અને અમલ કરે એવી આશા..
પછી ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી ..
બાળક ઉપડે જ નહિ કે ગાયબ જ નાં થાય તો પછી અફવાહ શેની ..?
કોગળિયું આવ્યું એવી અફવાહ સાંભળી છે ?
કોગળિયા ની અફવાહથી પણ ગામના ગામ ખાલી થઇ જતા..વોટ્સ એપ વિના
આપણો દિન શુભ રહે
શૈશવ વોરા
તા.ક. :- શ્રી વિક્રમ દલાલ દ્વારા આવેલુ આજનું મંથન..
આજનું મન્થન 6-7-2018
” બાળક, મુર્ખ અને રાજકારણીઓ એમ માને છે કે સૌએ તેને અનુકુળ થઈને જીવવું જોઈએ. ”