સવાર આજે જરાક વિચિત્ર પડી ..
લગભગ સાત સવા સાત વાગ્યાનો સુમાર હતો અને અચાનક બાહર જોરદાર બોમ્બ ધડાકા થતા હોય એવા આવજો આવ્યા એટલે સહસા આંખ ખુલી ગઈ , બેઠો થયો તરત જ ,પછી સમજાયું કે આ તો મેઘ ગરજે છે ..
ઉભો થઇને બાલ્કની ખોલી ત્યાં તો જોરદાર મેઘ ગર્જનાઓ થઇ ,
તરત મનમાં નક્કી થઇ ગયું કે આ તો “ગગન ગાજે હાથિયો છે” આજે ..! ( સૂર્યનારાયણ હસ્ત નક્ષત્રમાં પ્રવેશે અને એવા સમયે મેઘ ગર્જના થાય એને “ગગન ગાજે હાથિયો” કેહવાય )
મદમસ્ત બબ્બે ઐરાવત ( હાથીઓનો સાત સૂંઢવાળો રાજા) કે પછી `મેમથ` એકબીજા સાથે યુદ્ધ લડી રહ્યા હોય , એકબીજાને પોતાના લાંબા દંતશૂળ ભીડાવતા હોય ત્યારે કેવી જોર જોર ચિંઘાડ નીકળે, બસ બિલકુલ એવી ચિંઘાડ મેઘો કરી રહ્યો હતો ..!
પણ પણ..
એવે સમયે આપણને કાળા ડિબાંગ વાદળાઓની કલ્પના હોય ,પણ હતું સાવ ઊંધું..!! દેવાદિત્ય સૂર્યનારાયણ ઉગમણે ઝળહળ પ્રકાશ રેલાવતા હતા , આથમણે નજર મારી તો સાવ ચોખ્ખુંચણાક અને ઓંતરાંદે પણ સરસ મજાનું વાદળી આકાશ..!!
ખાલીને ખાલી દખ્ખણ ગરજે..!!
એક સેકન્ડ માટે ધ્રાસકો પડ્યો .. દખ્ખણ એટલે તો યમની દિશા..!!
અને ત્યાંથી ઉમડ ઘુમડ ગર્જનાઓ થાય છે તો શું યમરાજ લાવલશ્કર સહીત નીકળ્યા કે શું..?
બહુ બધું જાણ્યાના બહુ દ:ખ ,
એટલે તરત જ મોબાઈલમાં ગોચર કુંડળી ખોલી તો સૂર્યનારાયણ હસ્ત નક્ષત્રમાં પ્રવેશી ચુક્યા હતા એટલે ગગને હાથિયો ગરજે એમાં કોઈ નવાઈ નહિ ,પણ હાથિયો ગરજે તો દશે દિશાએ ગરજે , આ તો ખાલીને ખાલી દખ્ખણ કેમ ગરજે ?
મન શંકા કુશંકાથી ભરાઈ ગયું..
કોઈ જવાબ મળ્યો નહિ એટલે જેવી મહાદેવની મરજી એમ કરીને નિત્યક્રમમાં લાગ્યો,
અવિરત સંદેશાઓ અને ફોન કોલ્સ ચાલ્યા કરતા હતા, એડીલેડથી અમેરિકા ચારેય બાજુથી સંદેશા અને ફોન કોલ્સ ચાલ્યા .. હેપી બર્થ ડે શૈશવ ..!
ચોક્કસ બહુ ગમ્યું, ક્યારે રાત પડી એની ખબર ના રહી ..
દિવસ આખો પ્રેમ ,લાડમાં વીતી ગયો..!
આજે નહિ નહિ તો ય એક હજારથી વધારે વ્યક્તિઓએ મારા માટે વિચાર્યું અને મારા શુભ-લાભની કામનાઓ કરી ..!!
કેવું સુંદર નસીબ કેહવાય નહિ ..!!!
છસ્સો કરોડ જીવડા આ ધરતી ઉપર રખડે , કોઈને કોઈના માટે બિલકુલ સમય નહિ છતાંય હજારથી વધુ લોકો શૈશવને માટે વિચારે અને એના સુખ માટેની કામના કરે..!!
બહુ થઇ ગયું મારે..!!
બે વ્યક્તિ મારા જીવનમાંથી દૂર થાય તો મને ઘણું દુ:ખ થાય, પેહલી જે મારા માટે વિચારે છે અને બીજી જે મારા માટે પ્રાર્થના કરે..
કોઈ જયારે મને એમ કહે કે તારે આમ નહિ ટીમ કરવાની જરૂર હતી શૈશવ .. મને બહુ ગમે ,કમ સે કમ એ માણસે પોતાના જીવનમાં શૈશવ માટે સમય કાઢી અને શૈશવ માટે વિચાર્યું તો ખરું ..!
સવાર સવારના થયેલા મેઘઆડંબરનો તાળો મળી ગયો, પથારીમાંથી ઉઠાડીને તને આશીર્વાદ આપવા આવ્યા હતા ધર્મરાજ ડોબા..!!
પણ માણસ જાત કેવી ???
ખરાબ વાત પેહલા વિચારે, સારું પછી..!! કશુંય ખોટું નથી થયું દિવસ આખામાં..
આપણા સબંધોમાં પણ આવું જ છે ,મોટાભાગના સબંધો કોઈક મારી પાસેથી કશુંક લઇ જશે તો ..??? ખરાબ વિચારે પેહલા..
બ્લોગ ઉપર ફોટો છે એ મારો ચોથો જન્મદિવસ છે , પાછળ ઉભેલી બધ્ધી આડોશી પાડોશી બેહનો કે જેમણે આ સંસારની સાથે મારી ઓળખાણ કરવી , કોઈકે મને કાગડો બતાવ્યો ,અને કોઈકે મારી ગાય ,કૂતરા સાથે ઓળખાણ કરાવી , મમ્મી કહે છે કે તું બહુ જ મીઠડો હતો બાળપણમાં અને તને રમાડવા આ બધ્ધી દિકરીઓ વારા બાંધતી..!
આજે એમાંથી ચારેક બેહનોએ તો એમની જીવનલીલા સંકેલી લીધી છે, પણ ચોક્કસ કૃતઘ્નતા ભાવ તો ખરો મને દરેક માટે , એક બેહનનો આજે મમ્મી ઉપર ફોન આવ્યો અને સેહજ આઘાત પણ પામ્યા કે આજે શૈશવ ચોપ્પન વર્ષનો થઇ ગયો ??
પણ થાય જ ને મુક્તબેન હું પણ પાંસઠની થઇ..!!
એકથી લઈને ચોપ્પન વર્ષ … જન્મ્યો એ દિવસે દાદાજીના ધોતિયાના બાળોતિયા કરી અને એને બદલાનારા જેકોરબેનથી લઈને આજ દિન સુધી કેટ કેટલી જિંદગીઓ શૈશવને સાચવ્યો છે… ?????
ક્યારેક વિચારી જો જો કેટલા બધા હાથો એ ભોગ આપ્યો છે ,માતાપિતા સિવાય આપણો ઉછેર કરવા પાછળ ?
આનંદ છે મને કે આજે મારા ચોપ્પનમાં જન્મદિવસે હજારથી વધારે લોકો મારા સુખ અને સ્વાસ્થ્યની કામના કરનારા આ ધરતી પર છે, દુઃખ પણ છે કે મારા ચોથા જન્મદિવસે જેટલા લોકોએ મારા સુખની કામનાઓ કરી હશે એમાંના ઘણા ચાલી ગયા આ ધરતી ઉપરથી..!
છેલ્લે એક વાત કહી દઉં .. હજી સુધી મારું શરીર મારું કીધું કરે છે પણ આગળ કદાચ નહિ કરે , મારા તમામ બ્લડ રીપોર્ટસ બોર્ડર ઉપર આવીને ઉભા છે એટલે એ જે દિવસે એ મારું કીધું કરવાનું બંધ કરશે તો એને મારી મારીને દવાઓ ખવડાવીને પણ કીધું કરતુ રાખવું પડશે..!
અગમ, નિગમ ,લાગણીઓ ,ભાવનાઓ , ગુસ્સો ,પ્રેમ , હોશિયારી ,ડફોળવેડા આ બધું તો જીવનનો એક ભાગ છે જ પણ આપણું શરીર આપણું કીધું કરતુ રહે એના માટે એની પાસે સતત કામ લેતા રેહવું જ પડે..!!
બસ ,મારું શરીર મારું કીધું કર્યા કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરજો અને તમારું શરીર તમારું કીધું કરે એવી હું કામના કરું છું ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*