આદિપુરુષમાં જોર ગાળો પડી રહી છે..હે ..હે .. હે ..
મજા આવી આપણને તો.. ગાળોનો તો હું પેહલ્લેથી જ સમર્થક રહ્યો છું..
જે માણસ ધાણીફૂટ ગાળો બોલી શકતો હોય એ ક્યારેય ડીપ્રેશનમાં ના આવે બીજાને લાવે..!
બાળપણથી જ શૈશવને ઝઘડો જામે તો મજા આવે, જુના જમાનામાં પોળમાં ઝઘડા થતા એ જોવાની જોર મજા આવે, નવી નવી ગાળોનું ઇન્વેન્શન થાય ઝઘડા દરમ્યાન..!
ડોશીઓ બાઝે સામસામે, ગાળો બોલે.. એમાંથી ક્યારેક અજબ ગજબની ગાળો શીખી અને અમે ઘેર આવીએ એટલે મમ્મી વ્યવસ્થિત રીતે અમને મારે ,સખખ્ત ખખડાવે , અને પછી મોઢામાં મરચું ભરી દેવાની ધમકી મળે, છેલ્લે અમે રડીએ અને પચાસ વાર સોરી સોરી .. હવે નહિ બોલીએ એવું કરીએ પછી મમ્મી પોત્તે પણ રડે અને ત્યારે છેક અમારું પૂરું થાય..
જીવનમાં કોઈના સારા લક્ષણ શીખતા વાર લાગે, પણ અપલક્ષણ તરત જ શીખી જઈએ..
આદિપુરુષની ઘેટી ભરાઈ ક્યાં ?
નવી પેઢીને તો ગાળો અને અભદ્ર ભાષા ગમે છે, અને ગમતી જ હોય એ વાત સાથે સહમત, હું તો કહું જ છું કે છોકરાને હૈડિયો ફૂટે અને છાતીમાં વાળનો પેહલ્લો ટશીયો ફૂટે એ ભેગો ગાળ બોલતો થઇ જ જાય,
વિદ્રોહની નિશાની છે ઘૂંટાયેલા ઘેરા અવાજે નીકળતી એ ગાળ, કદાચ કોઈ એવા વધારે પડતા સંસ્કારી હોય અને માર ખાઈ ખાઈને મોટા થયા હોય તો ગાળો મનમાં નીકળે, પણ ગાળ નીકળે, નીકળે ને નીકળે જ ..!!
ગાળની પણ પોતાની એક બહુ મોટી મર્યાદા છે, ગાળ સરખી વયજૂથમાં જ બોલાય છે ભારતીય સભ્ય સમાજમાં, સુરતને બાદ કરતા, એ સિવાય બહુ ઘનિષ્ઠ મિત્રતામાં જ ગાળના ઉચ્ચારણ છૂટથી થાય છે, આજની તારીખે પણ ભારતવર્ષમાં કોઈના પણ પિતાશ્રી એમના પુત્રરત્નની સામે ગાળો ભાગ્યે જ બોલે અને પુત્રરત્ન ધરાર ના બોલે..!
હમણાં એક બાવીસ-ચોવીસ વર્ષનું બાળક ફેમીલી ટ્રીપ ઉપર પંદર-સત્તર દિવસ જઈને આવ્યું, એવું ભરાઇ ગયું હતું છેક નાક સુધી કે એના મિત્રો મળ્યા એ ભેગો કોઈ કારણ વિના ગાળો બોલવા ઉપર તૂટી પડ્યો ..
અનાયાસે મારા કાને પડી ગયું એનું ગાળસહસ્ત્ર પઠન એટલે આપણે જરાક ડોળા કાઢ્યા ત્યારે હકીકત બહાર આવી કે ચકો પંદર દિવસનો ઉભરો કાઢી રહ્યો હતો..!
હવે આદિપુરુષમાં જે ભાષાનો પ્રયોગ થયો છે અને જે ભાષા બોલાઈ છે એ ભાષા કદાચ બીજી કોઈ વેબ સીરીઝ કે કોઈ બીજા પાત્રોના મોઢે હોત તો કોઈનું રૂંવાડું પણ ના ફરક્યું હોત, આમ પણ વેબ સીરીઝોનું સર્જન લગભગ ગાળો પ્રદર્શિત કરવા માટે જ થતું હોય છે એવું લગભગ મને તો લાગે છે..ડાયલોગ ઓછા અને ગાળો વધારે ..વેબ સીરીઝ એટલે લીલી કોથમીર અને સૂકા ધાણાનું મિક્ષ શાક ભાણામાં આવ્યું હોય એવું લાગે..!
પણ ગાળો કે અસભ્ય ભાષા હંમેશા ભારતીય સમાજમાં ઘરના ઉંબરાની પેલે પાર બોલાય છે, એકદમ નક્કી છે , પથ્થરની લકીર છે કે ઘરમાં કોઈએ ગાળ કે અપશબ્દો નહિ બોલવાના અને એ મર્યાદાનું પાલન બહુ ચુસ્ત રીતે થાય છે,
મોટાભાગના આજની પેઢીના સંતાનોએ કે જેમણે વેબસીરીઝો અને બીજા પિકચરોમાં અધધધ ગાળો જોઈ છે સાંભળી છે, બોલી છે, તેમાંની એકપણ ગાળ એમણે એમના મમ્મી કે પપ્પાના મોઢે બોલાતી કદાપિ નહિ સાંભળી હોય…!!
ક્યારેક કોઈના પપ્પા કોઈ પ્રસંગે ભૂલથી ગાળ બોલી જાય તો પણ આજની પેઢી આઘીપાછી થઇ જતી હોય છે, એવામાં જનતા પોતાના આરાધ્યદેવના મોઢે કંઈ આડુંઅવળું બોલાવો તો ક્યાંથી સહન કરે ???????
સમાજમાં ઘણા પુરુષોને એવી ટેવ હોય છે કે પોતાની પત્નીને પોતાના સંતાનોની સામે વખોડતા હોય છે અને ઘણીવાર પત્નીઓ એમના પતિની ખોદણી કરતી હોય છે , સંતાનો માટે આ બંને પરિસ્થિતિ ખરાબ અને અસ્વીકાર્ય રેહતી હોય છે ,
તમારો મામલો છે તમે પતાવોને આવી વાત મોટાભાગના ઘરો થતી હોય છે , અને આ જ આપણા ભારતીય સમાજની રીત છે ..
માતાપિતા પૂજનીય જ છે અને રેહશે તો પછી રામ,કૃષ્ણ, મહાદેવ કે અન્ય દેવી દેવતાઓ હોય એ તો પૂજનીય રેહવાના જ તો પછી આજના જમાનામાં નવી પેઢી સાથે કનેક્ટ થવા માટે લુઝ ડાયલોગ્સ કેમના મુકાય ?
ઉપરથી અક્કલનું પ્રદર્શન થઇ ગયું..! માતાપિતાના મોઢે લુઝ ટોક સાંભળી ના શકતી પ્રજા પોતાના ભગવાનના મોઢે કેવી રીતે સાંભળે ?
રહી વાત વીએફએક્ષની અને બીજા મારી મચડીને ઉમેરેલા પ્રસંગોની તો એમાં તો એવું છે કે રામાયણ-મહાભારત આજે નાનો હોય કે મોટો, ભારતના એક એક જન જનને મોઢે છે એવામાં રામાયણથી પ્રેરિત છીએ એવી બધી વાર્તાઓ કરી અને કચરા માથે મારવાનો નો શો મતલબ ?
જો કે હકીકત એ છે કે જેટલો મોટો વિવાદ એટલો વકરો વધુ આ પણ એક સત્ય..!
હજી વસ્તી દોડી દોડીને જાય છે આટલી હો-હા થઇ છે તો પણ ..
ચાલે છે બૂમરાણ સોશિઅલ મીડિયા અને મીડિયા ઉપર ,
આવા બધા કેસમાં તો સોશિઅલ મીડિયા અને મીડિયા ટ્રાયલ જ થવા જોઈએ , અદાલતોને આમાં ઘસેડી જવાની કદાચ જરૂર નથી ,પણ પ્રજા પોતાનો એક બહુ મજબૂતીથી પક્ષ મુકે અને ધારી અસર મળે એ ઘણું છે, લોકતંત્રની આ જ મેચ્યોરીટી..!
ડાયલોગ ઉભા ઉભા બદલ્યા, બહુમતીની ભાવનાનું સન્માન થયું, હજી આગળ પણ લડત ચાલશે કે ટ્રોલિંગ ચાલશે તો કદાચ વધુ ફેરફાર થાય, શક્ય છે ,
પરંતુ એટલું નક્કી થઇ ગયું કે ખેતર રેઢું નથી પડ્યું ..
બીજા ગમ્મે તે પાત્રોના મોઢે જે બોલાવવું હોય તેની છૂટ ,પણ ધાર્મિક-પૌરાણિક- ઐતિહાસિક પાત્રો જોડે ,માનબિંદુઓ સાથે રમત નહિ ..!
જીવો, જીવો, ટ્રોલરીયાવ જીવો..!
જય હો
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*