ઈશ્વરની પ્રાપ્તિ ..
ચર્ચાઓ થતી રહે છે , યે કૌન ચિત્રકાર હૈ ? માણસ નામની એક જાતિને છુટ્ટે હાથે લાગણીઓ વ્યક્ત કરવા માટે સંવેદનાઓ આપી , ઇન્દ્રિયો આપી , માણસે પણ ઇન્દ્રિયોને વાપરી વાપરી અને ડેવલપ કરી કરીને એક પછી એક લેવલ વધાર્યા પોતાનો કમફર્ટ ઝોન મોટો કર્યો ,પોતાના ભવિષ્ય અને વર્તમાનને સુધાર્યું પણ સાથે સાથે ઈશ્વર નામની પરિકલ્પના વેરી ..
આ જગતમાં સૌથી વધારે લોહી રેડાયું હોય તો એ એના નામે છે , આપણે એને બનાવ્યો છે કે એણે આપણને એ તો ધરાર નક્કી થઈ શકતું નથી , અનંત બ્રહ્માંડ આડું આવે છે સ્વીકાર અને અસ્વીકાર બંનેમાં ..
જન સાધારણ માટે ઓશો પર્યાપ્ત છે , થોડાક નાસ્તિક અને થોડાક આસ્તિક , ઈશ્વરનો એજન્ટ વધારે પડતો એના જીવનમાં ઘૂસે તો એને પકડીને બહાર કાઢી મૂકે અને ઈશ્વર સાવ બહાર નીકળી જાય તો પાછો પણ લઈ આવે ..પછી પણ “તકલીફ” વધે તો ઓપ્શન ઘણા છે ,ઊંડા ઉતરતા જવાનું , આધ્યાત્મિક ચેતનના નામે અલગારી થઈને કોઈને અડવું , નડવું નહીં , જીવન ભોગીમાંથી યોગી બનીને વિતાવવાનું ચાલુ કરી દેવાનું , સંસારના સાર સમજી લીધાનો ડોળ ઊભો કરીને અસાર છે એવું ચાલુ કરી મૂકવાનું , ઈશ્વર ના નામે ચાલતા કોઈપણ પંથની દીક્ષા લઈને ચાલુ પડી જવાનું, જોડાઈ જવાનું એક ટોળામાં , સેફ્ટી વધારે ફિલ થાય, પણ સેફ્ટી કેટલી ? એવો સવાલ પાછો નહીં પૂછવાનો ..ક્યાંક જોડાઈ જવાનું એટલે સવાલ પૂછવાની આઝાદીને કોરાણે મૂકવી.. જીવનમાં મારી આજુબાજુમાં જન સાધારણની ભાષામાં વધુ ભણેલા લોકો જ રહેલા છે , ચર્ચા અને સવાલ છુટ્ટે મોઢે , હાથે કરી છે પણ પ્રેક્ટિકલ જીવનમાં જવાબ એક જ આવે ..સવાલ પણ એ જ આવે ..
તમારે આંગણે કોઈ વ્યક્તિ આવી અને બેસી જાય પછી એને એકદમ હાશકારો અનુભવાય ? બહુ થઈ ગયું .. હે…જી તારા આંગણીયા પૂછીને કોઈ આવે તો …
એવું ક્યારેય બને કે એકદમ હારેલો થાકેલો કોઈ માણસ જેને તમે જીવનમાં ફક્ત બે કે ત્રણ વખત જ મળ્યા છે છતાં પણ આવી અને તમારી સામે બેસી જાય અને સવાલ તમને પૂછે કે ભાઈ હું મરી તો નહીં જવું ને?
મારી સાથે એકાદ વર્ષ પેહલા આવી ઘટના ઘટી હતી , એક જુવાનજોધ દીકરો જેની ત્રણ વર્ષની દીકરી , પણ એને અસાધ્ય રોગ , ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે કિડનીનું અને ઓપરેશન ટેબલ ઉપર સૂતા પેહલા મને મળવા આવ્યો ..
એવું તો ઘણું ખરું થાય કેટલી બધી વાર થયું છે કે ઘણા બધા લોકો આવે અને બેસે, બસ ખાલી… કોઈ કામ નહી ,અને થોડીક આડી અવળી વાત કરી અને પછી નીકળી જાય..એમને પણ ગમે અને અમને વધુ ગમે ..!!!
મમ્મી પપ્પાના દવાખાને લગભગ છેલ્લા 58 વર્ષમાં રોજ આવા દસ બાર વ્યક્તિઓ સવાર સાંજ આવે , દવા પણ નહીં લેવાની કંઈ પણ નહીં કરવાનું બસ ખાલી આવે , બેસી અને જતા રહે, એટલે મને એ વાતની નવાઈ નહીં કે કોઈ વ્યક્તિ મને મળવા આવે કોઈ કારણ વિના બેસે ,અને જતું રહે… મને એવી કોઈ ભયની લાગણી કે કેમ આવ્યો? કંઈક એને કામ હશે એને સ્વાર્થ હશે એવું કશું મને ના થાય, બસ ખાલી મળવા આવ્યો છે ,કે આવી છે , જતી રહેશે.. આ એક સામાન્ય લાગણી મારા મનમાં ઉદ્ભવે અને એ જ પ્રમાણે મને મળવા આવે ત્યારે મોટેભાગે થતું પણ હોય છે….
પણ એના મોઢામાં એક જ સવાલ શૈશવભાઈ હું મરી નહીં જાઉં ને ? , અનેકો સફળ ઉદાહરણ આપ્યા અને બહુ સામાન્ય ઘટના છે એવી ધરપત આપી ટાઢસ બંધાવીને મોકલ્યો , એણે એક ગ્લાસ પાણી સુધ્ધાં ન પીધું મારું … પણ છેવટે ના થવાનું થયું ..!!
મૃત્યુ જીતી ગયું અને માણસ હારી ગયો ..ત્રણેક મહિના પછી એનો ફોન ના આવ્યો એટલે મને સેહજ ધાસ્તી બેઠી મનમાં, ફોન લગાડ્યો અમંગળની આશંકા સાથે , એની પત્નીનો અવાજ આવ્યો ,ડૂસકું નીકળી ગયું એનું અને મારું પણ .. પછી કોઈ સંપર્ક નથી..! પણ કોઈકના દુઃખે દુઃખ લઈ લીધું અને હજી પકડી રાખ્યું છે , રહી રહીને સવાલ થાય કે શું લેણાદેણી પૂરી કરવા આવ્યો હશે મારી સાથે ?????
અત્યારે ઘરની બહાર ખુલ્લામાં બેઠો છું , હેમંતની સુંદર મજાની સવાર છે , રવિ મૃદુ બહાર આવી રહ્યો છે , થોડાક તુલસીના છોડ મેં ઘરની બહાર વાવ્યા છે અને સરસ રીતે ઉછરી પણ ગયા છે, એક બા તુલસી ચુંટવા આવ્યા છે, આજુબાજુમાં રહેતા બધા બાને ખબર કે અહીંયા તુલસીજી સારા થાય છે અને એ લોકો લઈ પણ જાય થાય છે એવું કેમ તુલસી ના પાન એ લોકો એક બે નહીં આપણે દૂધની થેલી હોય ને એ સાઇઝની થેલી લઈ આવે અને ભરી અને જાય છે ,સાથે સાથે થોડીક વાર પછી ત્યાં ઉભા રહી જાય છે, હું જોતો રહું છું આવું , ક્યારેક એમની સાથે વાત કરું , કે પાણી જોઈએ છે ? જવાબ આવે ..ના પાંચ મિનિટ ઉભી છું, ગમે છે ..એટલે હું એવું કહું કે અંદર આવીને બેસવું છે ? તો કે’… ના ભાઈ ઉભી છું… એટલે પછી હું એમને પરેશાન ના કરું, શાંતિથી હું ઘરની અંદર ચાલ્યો જાઉં .. પણ પેલો અંદરનો પંચાતીઓ જીવ તો ખરો ને શૈશવ નો ..
એટલે અંદર ઉભો ઉભો જોતો હોઉં કે બા નિરાંતની બે પળ ભોગવતા હોય ને એવું મને લાગે એટલે મારો અહંકાર પોષાય કે ચાલો હું એમને કંઈક કામ લાગ્યો…
આવા ઘણા બધા બા દાદા આવતા હોય છે સોસાયટીમાં,કોઈ ફૂલ ચૂંટે તો કોઈ તુલસી ,મને ગમે..
ગઈકાલે એક મિત્રના પપ્પા ગુજરી ગયા , જેમ બધ્ધે સીન હોય એવો જ સીન હતો , ઘરના આગલા રૂમમાં મૃતદેહને બાંધીને મૂકેલો હતો , સગાંવહાલાં આખા રૂમમાં ગોઠવાયેલા હતા , અને બધી તૈયારી થઈ ચૂકી હતી ..
હું રૂમમાં એન્ટર થયો મૃતદેહ ઉપર ફૂલ ચડાવ્યા અને મિત્રની સામે મેં કરુણા સભર લાગણીથી જોયું , એના મોઢા ઉપર સ્માઈલ આવી ગયું …
આ ઘટના મારી સાથે પેહલી વખત નથી બની , કેટલાય લોકો એમના માતાપિતાના મૃત્યુને થોડીક સેકંડો માટે ભૂલી અને ખુશી ખુશી મને ભેટી પડેલ છે .. ક્યારેક અજુગતું લાગે છે મને , પણ આગળ વિચારતો નથી હું, એ સ્થળ બને તેટલી ઝડપથી છોડી દઉં છું ….!!!
જીવનની સાર્થકતા લાગે છે નાની નાની ખુશીઓ અને દુઃખમાં .. ઈશ્વરને પણ જરૂર પૂરતો જ જીવનમાં લાવવો ..!
બાકી તો સ્વયં ઈશ્વર થવું … કોઈના નહીં હોં …!!
આપણા પોત્તાના ..!!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*