હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો’આપજે રે જી’
હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું.. કાપજે રે જી…
માનવીની પાસે કોઈ…માનવી ન આવે..રે…(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો.. આપજે રે..જી..
કેમ તમે આવ્યા છો? ..એમ નવ કે…જે… રે…(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો ‘આપજે રે’…જી…
વાતું એની સાંભળીને..આડું નવ જોજે…રે…(૨)
એને માથું એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો.. આપજે રે..જી..
‘કાગ’ એને પાણી પાજે..સાથે બેસી ખાજે..રે…(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો.. આપજે રે…જી…
-દુલા ભાયા ‘કાગ’
દુલા ભાયા કાગ
ની આખી રચના ગીતના રૂપે થોડાક દિવસ પેહલા મને પપ્પા ના એક ફ્રેન્ડ એ મને ન્યુયોર્કથી મોકલી અને સાથે એક કોમેન્ટ મોકલી ..
આ ગીત સાંભળ્યા પછી મને આખે આખું ગીત હર્ષદભાઈ ઉપર ચિત્રણ થયું હોય એવું લાગ્યું , બહુ ચોક્કસ રીતે શબ્દ “potrayal” વાપર્યો હતો..!!
મારા માટે વાત નવી નોહતી પણ વિચારવું પડે તેમ હતું,
મમ્મી પપ્પાની સાથે જન્મ્યા ત્યારથી રેહતા હોઈએ એટલે ક્યારેક એમના વ્યકતિત્વ ના ઘણા બધા પાસા ને બિલકુલ સાહજિક રીતે લઇ લેતા હોઈએ છીએ અને આવી કોમેન્ટ વિચારતા થઇ જઈએ..!!
તારા આંગણિયા પૂછી ને કોઈ આવે તો ..
મને તો આજે એવો વિચાર આવે છે કે આંગણિયા પૂછી ને કોઈ આજે આવે ખરું ૨૦૨૦ ની સાલમાં ? ટેકનોલોજી ઘણી આગળ વધી છે , ફોન અને વોટ્સ એપથી વાત થાય છે અને પછી કોઈ આવે તો આવે નહિ તો ફોનથી જ “કામ” થઇ જાય છે..!!
પણ હા એ જમાનો જુદો હતો કે લોકો આંગણિયા પૂછી ને આવતા ..
આખા વિરમગામમાં કે આજુબાજુના ગામમાં થી કોઈ ને અસાધ્ય માંદગી જેવું લાગે ત્યારે કોઈક ની ચિઠ્ઠી લઈને આગંતુક આવતું અને એ પણ અચકાતે મને ,ખચકાતે જીવે..!!
અચકાતા અચકાતા અમારા ઘરના દાદરા ચડતા હું જોતો ,અને એમાં પણ એવું થતું કે ત્રણ ચાર જણા આવ્યા હોય ત્યારે ફક્ત એક જણ ઉપર આવે (અમારું ઘર પેહલે માળ હતું ) .. જાળી ખખડાવે ને નતમસ્તક , અદબથી આગંતુક ઉભા હોય , અમે ત્રણમાંથી કોઈ ભાઈબેહન દરવાજો ખોલીએ ને મમ્મી કોઈ આવ્યું કરી ને અંદર દોડી જઈએ ,પછી મમ્મી કે પપ્પા આવે અને અમે એમની પાછળ છુપાઈ જતા , આગંતુક એમને ચિઠ્ઠી આપે ને પોતાનું નામ જણાવે ને કહે કે અમે ફલાણા મેહ્લ્લામાં રહીએ છીએ અને આમની ઓળખાણથી આવીએ છીએ ..!
પપ્પા કે મમ્મી ચિઠ્ઠી વાંચતા ને પછી ગેલેરીમાંથી સેહજ નીચે જોતા બીજા બે ચાર જણા દેખાય એટલે એમ કહે કે આ લોકો તમારી સાથે છે ? આગંતુક માથું હલાવતા ત્યારે પાપા એમને કહે ઉપર બોલાવી લ્યો ,આગંતુક થોડી જક કરતા.. ના ના સાયેબ તમને તકલીફ થા
હે .. પાપા હમેશા એમ કેહતા તકલીફ શેની ? ઘર જ છે ભાઈ બોલાવી લો..!
અને આખું રાવણું
ઉપર આવતું ..!!
મમ્મી માથા ગણી ને પાણી લાવતા ..અને એ રાવણા
માં આવેલા સ્ત્રી મેમ્બર્સ પાણીના ગ્લાસ મુકવાના બહાને રસોડામાં મમ્મી પાસે આવી જતા ..!
અને પછી એકઝેટ
દુલા ભાયા કાગ
એ વર્ણવેલી સિચ્યુએશન
આવતી..!!
સ્ત્રીઓ મમ્મી ને સંકટ સંભળાવતી અને પુરુષો પપ્પા ને ..!
માનવી ની પાસે કોઈ માનવી ન આવે રે..!!
વાત એક હજાર ટકા સાચી..
એ જમાનામાં જેને માનવી
કહીએ ને એવા લોકો એ જીવનમાં એક દઢતાપૂર્વક ગાંઠ બાંધેલી રાખતા ..!!
માંગતા મર્મ છૂટે રે ..!!!
બાંધી મુઠી માણસ મરી જાય પણ ખુલે નહિ..!!
આજ ના જેવી હરામખોરી જરાય નહિ , અને જેને પ્રોફેશનલ્સ કે પ્રોફેશ્નાલીઝમ નું રૂપાળું નામ આપ્યું છે એવી કુત્તી હરકત તો ભાગ્યે જ જોવા મળે ,
અને એવો એકાદો પ્રોફેશનલ પાક્યો હોય તો આખા સમાજમાં થું થું થાય એના નામે..!!
ખૈર આજે તો નાલાયકી અને હરામખોરી ને બીજા ઘણા નામ અપાઈ ચુક્યા છે ,સૌથી પ્રચલિત નામ એટલે ધંધો ..!!
અરે એક જણો તો મને મોઢે જ કહી ગયો હતો કે માંગીએ અને રૂપિયા નાં આપો તો તમારી જોડે સબંધ રાખ્યો શું કામનો ?
હવે એ ભાઈ ની વાત એવી હતી કે શેરબજારની ફુલ્લ તેજી હતી અને પ્રાઈમરી માર્કેટમાં ધૂમ મચેલી રેહતી ત્યારે એ ભડવીર ભાયડા
એ ઘર દુકાનના નોકરો, ગુમાસ્તા ,મેહતા , અને નોકરોના સાળા-સાઢુ સુધ્ધાના ડીમેટ એકાઉન્ટ ખોલ્યા હતા,
ભડવીર ભાયડો જેટલા ઓળખીતા હતા બધા પાસેથી પચાસ પચાસ હજાર ઉધાર લઇ આવ્યો હતો અને નવા નવા ઇસ્યુ ભરે, જે પોતાના હાથઉછીના રૂપિયા પાછા માંગે એને પાંચ-પાંચ હજાર કરી ને પાછા આપે એટલે દસ અઠવાડિયા કાઢી નાખે ,અને પાછો પંદર દિવસ થાય એટલે પાછો પચાસ હજાર માંગવા આવી ને ઉભો જ હોય ..!
ટોટલ ઓળખીતા-પાળખીતા થઇ ને ઓછામાં ઓછા સો જણ જોડેથી આવી રીતે પચાસ પચાસ હજાર નો કારભારો કૂટેલો ..
એ ભડવીર ભાયડાના સગ્ગા સાળા ને મારે કેહવું પડ્યું કે આવું કેમ કરે છે આ તારો “કુમાર”..?
સાળો બિચારો મારા જેવો સાચા બોલો શાંતિલાલ હતો ,એટલે બોલી ગયો કે શૈશવભાઈ તમે નહિ માનો પણ લોકો ના રૂપિયા રમાડી ને બાર મહીને નહિ નહિ તો ય “કુમાર” દસ બાર લાખ આવી રીતે પાડે
છે ..!!
મેં કીધું …મેં તો એને એકવાર ના પાડી કે હું નહિ આપું , તો મને તમારો કુમાર
મોઢા મોઢ કહે છે કે રૂપિયા ના આપવા ના હોય તો સબંધ રાખી ને કામ શું છે ?
બિચારો એનો સાળો બોલ્યો …શૈશવભાઈ અમારા કુમારે
તો આખા મેહસાણામાં અમને ક્યાંય વાત કરવા ને રાખ્યા નથી, અમારી સોસાયટીના નાકે આવેલા પેલા પાનના ગલ્લાવાળા ની પાસેથી પણ હાથ ઉછીના લઇ આવ્યા છે ,ને ઇસ્યુ ભરે છે બોલો.. અને કોઈ કઈ કહે તો જેમ તમને આપ્યો એ જવાબ બધા ને આપે છે , કુમાર હવે “માણસ” માં જ નથી રહ્યા..!!
પણ એ જમાનામાં ઘણા બધા “માણસ” જીવતા..!!
એમ ઝટ માનવી
ની પાસે કોઈ માનવી
ના આવે..!!
મમ્મી ને પપ્પા આવેલા ને બોલવા દેતા ,મમ્મી પપ્પા બંને ડોક્ટર એટલે મોટેભાગે મેડીકલ ને લગતી જ કોઈ મોટી સમસ્યા હોય ,અને પાછળ વિકરાળ આર્થિક..!!
રસોડામાં મમ્મી , અને ડ્રોઈંગરૂમમાંપાપા સાંભળે હોકારા દીધા રાખે .. પુરુષ માણસો ના ગળા ને આંખ ભીની થાય ને સ્ત્રીઓ ની આંખેથી બોર બોર પડી જાય..!! મમ્મી પાપા બંને હિંમત આપે, આમ ઢીલા ના થવાય રોગ તો આવે ને જાય ,હા એટલું ખરું કે રોગ આવે હાથી વેગે ને જાય કીડી વેગે એટલે ધરપત રાખો
ભા .. હાલો હવે પાટલા પાડો..!! ને પછી છેક બાહર સુધી મુકવા જાય એમને..!! પાછા ઘરમાં આવી ને તરત જ મમ્મી-પપ્પા ના ડિસ્કશન ચાલુ થાય , શું કરશું આમનું? કોને કેહશું..? ઓપરેટ તો કરવું પડશે.. પછી એ લોકો એમના લાગતા વળગતા સર્જન મિત્રો ને ફોન કરતા ને કહી દેતા એફોર્ડબલ નથી અને સામેથી એવો રિસ્પોન્સ પણ આવતો અરે કઈ વાંધો નહિ હર્ષદભાઈ મુકતાભાભી , મોકલી દો ને જોઈ લઈશું..!! ચારેબાજુ માનવી જ માનવી વસતા..!!!
કાગવાણી ની સત્યાર્થતા પુરવાર કરતા માણસો ત્યારે
માનવીથઇ ને આ ધરતી પર વસતા..!!! છે , અત્યારે પણ છે
માનવીઆ ધરતી ઉપર પણ જુજ .. મારો તો ચોક્કસ એમાં સમાવેશ થતો નથી , દુનિયાદારી શીખી શીખી ને એટલો હરામી થઇ ગયો છું કે કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રાચાર્ય સૂરી મહારાજસાહેબનું સામુદ્રિક શાસ્ત્ર ને વાંચ્યા પછી ધંધા માટે સામુદ્રિકશાસ્ત્ર નો ઉપયોગ કરું છું , કોણ માણસ કેવું હશે એનો અંદાજ લગાડવા એ પવિત્ર શાસ્ત્ર નો ઉપયોગ કરું છું..!! સાચું કહું છું ..આ આખું ગીત સાંભળ્યા પછી મને એમ થાય છે કે મારી પાસે કેમ કોઈ
માનવીઆવતું નથી..!??? પણ ક્યાંથી આવે ?
માનવીની પાસે
માનવીઆવે .. હું તો
ધંધાદારીમાણસ છું ,હજી માનવી થવાનું ઘણું દૂર છે મારે..!! આજે ૩ જી ડીસેમ્બર એ મમ્મી-પપ્પા ના લગ્ન ને એકાવન વર્ષ પુરા થયા , પપ્પા તો એમની સુવાસ ફેલાવી ને ચાલ્યા ગયા, પણ મમ્મી એ જીવનના ૭૬માં વર્ષે એમની ધખાવેલી ધૂણી અખંડ રાખી છે..!!!! ૫૩ વર્ષની મેડીકલ પ્રેક્ટીસમાં ક્યારેય કન્સલ્ટેશન ફી કે પ્રિસ્ક્રીપ્શન લખવાનો એક રૂપિયો નથી લીધો બંને જણા એ અને ત્રીસ થી ચાલીસ ટકા મફત..!! જીવનના ૭૬માં વર્ષે અને એ પણ આ ભરકોગળીયામાં જયારે અચ્છા અચ્છા ડોક્ટર્સ હારી જાય છે ત્યારે મમ્મી રોજ સવાર પડ્યે મમ્મી એમના
પીપીઈ વાઘાપેહરી ને એમના પેશન્ટ માટે દવાખાને પોહચી જાય છે..!! “મારા પેશન્ટો મારા વિના કેટલા હેરાન થાય છે એની તને ના ખબર પડે ,મારે તો જવું જ પડે..!!!” , “આજે એક વિધવા એકલી બાઈ આવી હતી એના ટીફીન ની વ્યવસ્થા કરી દીધી ..”, એક
જોન્ડીસવાળું પેશન્ટ આવ્યું હતું દવા ના લેવાના તો છોડૉ ગ્લુકોઝ મંગાવી આપવો પડ્યો” આંગણિયા પૂછી ને કોઈ આવે તો..!! વાતું એની સાંભળી ને આડું નવ જોજે રે ..! એને આવકારો મીઠો આપજે રે..!! મહાદેવ..!!
માનવીને
માનવી` ભેળો કરજે દેવ ..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)