ધંધો લઈને બેઠા હોઈએ એટલે નજર ચારેબાજુ રાખવી પડે ..
આજકાલ મેટલ ઉછાળા મારે છે , પીળી ધાતુ ,ધોળી ધાતુ હોય કે પછી એક માત્ર લિક્વિડ ધાતુ ,બધુંય ના જોયા નું જોણું થયું છે ..!!
જ્વેલર્સને પૂછો તો કહે હજી ભાવ વધે તો લોકો વર્ષોથી ઘરમાં ધરબી રાખેલું સોનુ બહાર કાઢશે , અને ઓછું થશે તો લેવા દોડશે , અમારે તો બેઉ હાથમાં લાડવા છે ..!! પણ માંહ્યલા મહાદેવજી જાણે ..!
ચાંદી માટે પૂછો તો કહે સટ્ટો ધોમ ધખ્યો છે, હજી કેટલો આગળ ગૂંથાશે એ કોઈને ખબર નથી, બાકી બચેલી મેટલમાં તાંબુ, એલ્યુમિનિયમ , લોઢું ધીમા પણ મક્કમ પગલે આગળ જઈ રહ્યું છે .. રેર અર્થ ખરેખર રેર થઈ ગયા છે , લિથિયમ ગામ આખાને મોઢે છે પણ એના સિવાયના બીજા રેર અર્થ ખરેખર “રેર” થઈ ગયા છે ..
એક સમય એવો હતો કે એમ લાગતું હતું કે બ્રિક્સ દેશો ભેગા થઈને ડી ડોલરાઈઝેશન કરી નાખશે પણ વેનેઝુએલા કાંડ પછી દુનિયા મૂંગી મંતર થઈ ગઈ છે, કંઈક બકરીઓ બરફ ખ’ઈ ગઈ છે , પાનના ગલ્લાની ભાષામાં કહું તો સુમડીમાં પોતાના ઓળિયા સુલટાવવામાં લાગી ગયા છે , ન કરે નારાયણ ને કંઈક લાંબું છમકલું થયું તો “ભવાઈ” ઘણી લાબી ખેંચાય એમ છે ..!! આગળ લાઇન ઘણી લાંબી ખેંચી છે ઈરાન, ગ્રીનલેન્ડ , ક્યુબા…
બહારના મેગેઝીનો , ચોપાનિયા અને છાપાઓ ઓનલાઇન વાંચીએ તો બહુ સારા વાટ લાગતા નથી …એવું નથી કાકા સામ એકલા ખેલ કરે છે , પાછળ પણ બહુ મોટો સપોર્ટ છે..
આપણે તો ગરીબ કી જોરૂની પથ્થર નીચે આંગળી નહીં આખે આખો હાથ આવેલો છે , હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય આવી પરિસ્થિતિમાં સબ સે બડી ચૂપ કરીને જગત આખું બેઠું છે ..!!
એક જ ઝાટકે શેરબજારમાં રિલાયન્સને હલાવી નાખ્યું અને પછી નિવેદનો કંપની તરફથી આવ્યા ત્યારે કંઈક શ્વાસ હેઠા બેઠા ..!!
સોશિયલ મીડિયામાં સાચું ખોટું અનહદ જ્ઞાન પીરસાય છે અને જેવું જોવો એવું વધારે અને વધારે આપે એટલે મગજ બેહર મારી જાય ..
અત્યારના સમયમાં સવાલ એક જ થાય કે હવે શું …???
ભારતની નીતિરીતિ શું ? જાણકારોના શ્વાસ અઘ્ધર છે ..
ગુજરાતી માણસ બેઠા છે એટલે અપેક્ષા ફકત અને ફક્ત એટલી જ .. મારું શું …?? નહીં તો મારે શું ..???
કોઈ પારકી પળોજણમાં પડી અને મોટા ભા થવા દોડી જાય એવું લગતું નથી , પણ મોટા મોટા ક્રૂડ સપ્લાયર અત્યારે તો સમસમીને બેઠા છે , રશિયા , વેનેઝુએલા, ખાડી દેશો આ બધામાંથી એક શબ્દ ઉચ્ચારણ નથી ..!
એક સમયે એવી વાત હતી કે આપણે ક્રૂડ ઓઈલનું એક ભયંકર મોટું સ્ટોરેજ દેશમાં ઊભું કરી અને મૂકી દેવું જેથી દુનિયામાં ગમ્મે તેટલું મોટું સંકટ આવે તો પણ આપણી પાસે ઇન્વેન્ટરી પડેલી હોય , (xx ગાળ )નીચે માલ દાબીને બેઠા હોઈએ તો ધંધો ખેલવાની મજા આવે , પણ એ બધું અભરાઈએ ચડી ગયું ..
ઘણા બધા બુદ્ધિજીવીઓ ને એક સવાલ સતાવી રહ્યો છે કે એવી તો કઈ જગ્યાએ અને કોણે પગ મૂકી દીધો કે કાકા સેમ આવા ભૂરાંટા થયા છે ..??? અજગરની પુંછડીએ કે મોઢે ?
સવાલ સાચો છે , જવાબ ટૂંકમાં કહું તો ઇમિગ્રન્ટ્સની ત્રીજી પેઢી ઐયાશ છે , ઐયાશી પોષવા માટે દાદાગીરી બરકરાર રાખવી પડે અને એના માટે લુખ્ખાગીરી કરવી પડે તો કરવાની , નાગાની પાનશેરી ભારે … !! અઠ્ઠે મારી દુનિયા ..!
રૂપિયો નધણિયતો થઈ ચૂક્યો છે , સો ટકા મેઇક ઇન ઈન્ડિયા થઈ શક્યું નથી , ઈમ્પોર્ટ આજે પણ અનહદ છે , બેલેન્સ ઓફ પેમેન્ટ અને બેલેન્સ ઓફ ટ્રેડ આ બંને વચ્ચેની જે ખાધ છે એ પુરાઈ નથી રહી ..!!
એક પ્રયોગ કર્યા જેવો ..
લગભગ એંશી કરોડ લોકોને ઘેર બેઠા ખવડાવવાના છે તો એમને ઘેર જ બેસાડી રાખો , પછી બહાર નીકળવાનું નહીં , ખવડાવવા સાથે ઇન્ટરનેટ મફત કરી આપો ભલે બજારો નવરી નખ્ખોદ વાળી નાખતી અને છોકરા પેદા કર્યા કરતી ,પણ બાહર નહી નીકળે તો બીજા ઘણા સંસાધનો ઓછા વપરાશે , જે કારખાનું નુકસાન કરતું હોય એને બંધ કરી ને કારીગરોને બેસાડી રાખીને પગારો કરવા પોસાય , નહીં કે કામ કરે એમાં નુકસાન ખમવાનું અને પગારો માથે ઊભાને ઊભા ..!!! , ઘેર બેસાડો ..
સંસાધનોનો વપરાશ ઘટાડો .. એકમાત્ર રસ્તો ..!! જેટલું બનાવીએ છીએ ઘરમાં અને ઘર માટે એ બધું જરૂરી ,બિનજરૂરી એમ અનહદ બનાવતા થઈ ગયા છીએ અને એના માટે રો મટીરીયલ ઈમ્પોર્ટ કરવા માટે હવે મોંઘા ભાવના ડોલર ખર્ચાય એવી પરિસ્થતિ નથી અને એમાં પણ જો પાંચસો ટકાવાળું છમકલું થયું તો દુનિયા આખી સીધા “આર્થિક” વિશ્વયુદ્ધમાં ઊતરી પડશે ..!!
ભવિષ્યવેત્તાઓ એમ કહેતા હોય કે વિશ્વયુધ્ધ થવાનું છે , ફલાણું અને ઢીંકણું, તો હું કહું છે કે વિશ્વ યુધ્ધ ક્યારેય સમાપ્ત થયું જ નથી , વિશ્વની બંને ધુરાઓ ક્યાંકને ક્યાંક કોઈક દેશને રણભૂમિ બનાવીને બળાબળના પારખા ચાલુ જ રાખે છે ..અને રાખ્યા છે ..!
કોણ કોની કરન્સી તોડી નાખશે કે કોઈ જાતે પોતાની કરન્સી તોડી અને બીજાને માથે રંડાપો નાખશે એ કળાતું નથી , નિહિત સ્વાર્થ સિવાય બીજું કશું જ વિચારી શકાય તેમ નથી …
સામ્રાજ્યવાદનું પતન થયું એ ભ્રમણા તો લગભગ ચૂર ચૂર થઈ ચૂકી છે ,અને હવે જગતને ખબર પડી ગઈ છે સામ્રાજ્યવાદ આર્થિક સામ્રાજ્યવાદ રૂપે આવ્યો હતો , એનો અજગર ભરડો હવે ભીંસ આપી રહ્યો છે ..!
ઘરના નળિયા સરખા કરવા પડે એમ છે , નાટક ચેટક ચાલે એમ નથી સામે મોટ્ટા કલાકારો છે અને એ પણ જુઠ્ઠા અહીંયા જુઠ્ઠા ની મા ને જુઠ્ઠો પરણે એમ કરીને બેસી રહેવાય તેમ નથી ,
લગભગ આર્થિક કટોકટી તરફ જગત આખું જઈ રહ્યું છે ..!!
આજે મારા લેપટોપની હાર્ડડિસ્ક ઊડી ગઈ , ઘણો ડેટા શહીદ થઈ ગયો , એક કુવિચાર એવો આવ્યો કે બધું ઇલેક્ટ્રોનિક કર્યું છે અને ભીંસમાં લેવા કોઈક ખેલ થાય તો ??????????
શું થાય એ તમારી અક્કલ અને મુનસફી ઉપર છોડ્યું પણ સ્વાવલંબન બહુ જરૂરી છે દરેકે દરેક ક્ષેત્રે ..
રો મટિરિયલથી લઈને સપ્લાય ચેઇનમાં .. નક્કામી વસ્તુઓ કે જેના વિના જીવન નભી જાય એના સિવાયની પ્રોડક્ટ્સ માટે જો ઈમ્પોર્ટ કરવું પડતું હોય તો નિયંત્રણો મૂકવા જરૂરી થઈ પડશે .. ! ( ઇન્સ્પેક્ટર રાજ ના આવે એની તકેદારી સાથે )
એંધાણી સારી નથી ..
ચાર પાંચ ટોપલીમાં ઈંડા રાખવા , એકાદી ટોપલી ઊંધી વળી તો રોટલે રખડી ના જવાય ..
ચાક ચોબંધ… ચૌહાણ .. !!
“चार बांस चौबीस गज, अंगुल अष्ट प्रमाण, ता ऊपर सुल्तान है मत चुके चौहान..!!”
મોકો મળશે પણ અત્યારે સબૂર.. સંભાલ..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*