શ્રાવણનું અજ્વાળિયું હજી ગયું નથી એ પેહલા તો ઢોલ પર થાપ વાગી ગઈ છે..!!
નગરી અમદાવાદે ચારેકોર ગરબાના કલાસીસ ચાલુ થઇ ગયા છે ..!
એક ..બે ..ત્રણ ..ચાર .. રાઉન્ડ ..આગળ ..બે સ્ટેપ પાછળ ..બે આખું રાઉન્ડ ..
મોટા મોટા ગરબા આર્ટિસ્ટો અમેરિકા ,કેનેડા , બ્રિટન અને ઓસ્ટ્રેલીયા પોહચી ગયા છે, ઈન્સ્ટા ફેસબુક અને સ્નેપ ઉપર ત્યાંના વિડીઓ આવતા થઇ ગયા છે..!!
ગજ્જબ જોબનીયું હેલે ચડ્યું છે ત્યાં તો..!
મારા જેવા રસિકડાને એમ થાય કે આગાઝ આવો છે તો અંજામ શું હશે ???!!!!!!
મને લાગે છે કે આ વખતના નોરતા જો સરકારી હાકેમો સીધા ઉતર્યા તો કંઈક જુદા હશે..!!
એક સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હિંદુ હૃદય સમ્રાટ શ્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે અમે રાજપથ ક્લબે ગરબે ઘુમવા ગ્યા તા, અને નરેન્દ્રભાઈ એ કીધું રમવું છે છોકરાઓ ? અને એ વેળાએ અમારા સહીત બે પાંચ હજાર જુવાનીયાએ જય ઘોષ કર્યો અને સવારો સવાર ગરબા ખેલી લીધા હતા,
પણ પછી મેવાડ તો અજેય રહ્યું , પણ પાટણ , સૌરાષ્ટ્ર ,ગાયકવાડી થઇને ખાનદેશ સુધી બધું પડ્યું અને અફઘાની તાલેબાન રાજ આવ્યું , બાદશો બડો મિજાજી બાપ….!!
કશું બોલાય ના ચલાય ..! બાર વાગે એટલે સાયરન વાગે જ …!!
આવી જ જાય સિપાઈસપરા ..!!
અને દોઢ બે વાગે પછી તો મારી મારીને ઘરમાં ઘાલી જ દેવાના ..!!
સાલું ગુજરાતમાં આટલી જડબેસલાક દારૂબંધી, સ્ત્રી સન્માનની આટલી બધી ઉચ્ચ ભાવના તો પણ કેમ આવું કરવું પડતું હશે ઝીલ્લે ઇલાહીને ?
લુખ્ખી લાટો તો શકલથી જ ઓળખાય એટલી અમદાવાદી પોલીસ હોંશિયાર તો પણ ક્યાં ખત્તા ખાય ?
કહું ? સાચ્ચે કહી દઉં ?
લો ત્યારે કહી દઉં ..
અમદાવાદ પોલીસ ખત્તા ખાય પેલા બે ત્રણ કલાક માટે અપાતી હોટેલની રૂમોમાં, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના ખૂણેખાંચરે ઉભી રેહતી ગાડીઓમાં ચાલતા કાંડમાં ..
પીજીમાં રેહતા છોકરા છોકરીને ડ્રગ્સ આપતા પેડલર પકડવામાં..!!
ભાદરવો બેસે એ ભેગા કલાક બે કલાક રૂમ આપવા ઉપર દરેક હોટેલમાં પ્રતિબંધ મુકો અને `સમડો` કોઈ `ચકલી` લઈને આવે એ ભેગા મેનેજરએ નજીકની પોલીસને જાણ કરવાની જ ,
ફરજીયાત કરો..!
વત્તા ચોક્કસ એરિયાના કોમ્બિંગ, અને ઝાલ્યો તો માંબેન એક થવી જ જોઈએ, હબોડી નાખવાના..!!
વચ્ચે ભદ્રકાળીના દબાણો કોક ભાયડો આવ્યો તે એણે દૂર કર્યા ,
મારા જેવા શાહપુર બ્હાઈ સેન્ટરમાં જન્મેલાને ભદ્રકાળીના ચોકે સરકારી નવરાત્રી થાય એમાં જ રસ…!
એક જમાનો હતો મારી ગુરુમાં શ્રીમતી સરોજબેન ગુંદાણી ભદ્રકાળીના ચોકેથી ગરબો ઉપાડતી તે છેક ત્રણ દરવાજે ગરબો ઝીલાતો..! લાખ લાખ પગ ઢોલની થાપે તાલ દેતા ..!!
હેરીટેજ હેરીટેજ પણ ઘણું કર્યું ..તે આ વખતે જીએમડીસી ગ્રાઉન્ડને બદલે માણેકબુરજે સિંદૂર થાપા કરીને ભદ્રકાળીના ચોકે ગરબો લ્યો બાપ ..!!
જે કાશ્મીરના લાલચોકે બંધુકો ધણધણતી ત્યાં તે તિરંગો શાનથી ફરકતો કરી મુક્યો તે હવે ૧૯૮૫-૮૭-૯૨ની ધમાલ પછી કોટ વિસ્તારેથી વળી ગયેલા ગરબાને પાછો કોટની રાંગે લાવીને મુક ધણી..!
કરી દે મારી મા ભદ્રકાળીના ચોકે લાખ લાખ દિવડાની હાર અને મોકલ તેડાં ..પછી જો તું ધણી ..
શું સાણંદ કે શું આણંદ ..
પાટણી પટોળા પેહરીને ગુર્જર નાર ભદ્દરકાળીના ચોકે ગરબે રમે છે કે નહી..!
મા ના રથની ઘૂઘરીઓ સંભળાય રે ..રાતા રાતા કંકુના પગલા પરખાય ..
આજ ગગનથી ચંદન ઢોળાય …સહિયર મને આસો ભણકારા થાય..!
વાદળ વિખરાયાને અજવાળા આવ્યા અવનીએ ગોખે ગોખે દિવડા પ્રગટાવ્યા..
બે દિવસ ઉપર એક ગરબા ક્લાસની બાહર જરાક ઉભો હતો તે ડોકિયું કર્યું ..
બે ચાર દસ નહિ સોળ-સોળ સ્ટેપના દોઢીયા ,વીસ સ્ટેપના દોઢીયા ચાલતા હતા..!
ગજ્જબ બાકી.. બે તાલીના ગરબા હોય કે બત્રીસ સ્ટેપના દોઢીયા આ પણ એક કળા છે અને અઘરી કળા છે,ખાવાના ખેલ નથી.. ઘણા ડોસલાઓ અને ડોશીયું ગરબાના તે કઈ ક્લાસ હોય ? એવા બધા મેસેજ ફેરવે છે તો જરાક આંટો મારજો તો ખબર પડશે, અને હા બહુ મોટો નોન-ગુજરાતી વર્ગ પણ ગરબાના ક્લાસમાં મળશે તમને..
સાદું સાદું રમવું હોય તો એક ,બે અને ત્રીજા ધક્કે આવડી જશે, પણ જરાક વધારે શીખીને રમવું હોય તો શીખવા જવું જ પડે, સંગીત હોય કે નૃત્ય તાલીમનું પોતાનું આગવું મહત્વ છે અને રેહશે ..
વિશ્વનો સૌથી મોટો મહોત્સવ કહીને ગર્વ લેવો હોય તો પછી ગરબાને વિકસવા દેવો પડે અને આગળ વધવા પણ દેવો રહ્યો..!
આજે લગભગ દુનિયાના દરેક ખૂણે ગરબો પોહચી ગયો છે, એનો આનંદ પણ છે અને ગર્વ છે ,
તો ઘર આંગણે ખોટા ખોટા જેવા તેવા મેસેજ કરીને તમારા જ છોકરાવને ઉતારી ના પડશો,
તમને તમારી વહુ દીકરીઓની એટલી જ ચિંતા હોય તો સાથે જજો સમય આપજો અને બને તો કલાસીસમાં જોડાઈ જજો ,કસરતની કસરત અને આનંદનો આનંદ..!
મારી મમ્મી મને કાખ ઘાલીને ગરબે રમતી ,હું મારી દીકરીઓને કાખમાં લઈને ગરબે ઘૂમ્યો છું અને અત્યાર સુધી અમે અમારા મિત્રો સાથે ગરબે રમ્યા, હવે અમારી દીકરીઓના મિત્રો સાથે પણ અમે ગરબે રમીએ છીએ ..
જુવાનીયાઓનો તેહવાર નથી, સૌનો છે બસ હિંમત કરવાની છે, ઘરની બહાર નીકળવાની અને ગરબે રમવાની..!!
કોઈક રસિયો રહી ગયો હોય તો હજી દોઢ મહિનો છે .. જા ..જા દોડ લ્યા તારી ઘરવાળીને લઈને ગરબા ક્લાસમાં, અને કઈના આવડે તો દયા-જેઠાની જેમ મોરલા ઉડાડી લેવાના,અઠ્ઠે મારી દુનિયા..!
ખુશ રેહવા તેહવારનું સર્જન કર્યું છે પૂર્વજોએ ,કોઈ હવનમાં હાડકા નાખતો લાગે તો મારી જેમ સણસણતી આલી દેવાની.. ભલેને મુઓ બા`દશો કેમ ના હોય ?
`આપડે` વળી અમદાવાદી..!!
જય મા ભદ્દરકાળી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*