આજે ઘણા દિવસે સંગીત ગુરુ શ્રીમતી સરોજબેન ગુંદાણી નો અમેરિકાથી ફોન આવ્યો..!!
મન ભરાઈ ગયું ..!!
“શૈશવ દિકરા તારા જેવો જ દાઢીવાળો એક છોકરો ઇન્ડિયન આઇડોલમાં આવે છે અને હું એને જોઇને તને યાદ કરું છું..!!”
લાયક ગુરુ નો હું નાલાયક શિષ્ય..!
ગુરુ એટલે માં.. છોકરા ગમે તેટલા નાલાયક હોય પણ માં થોડી ભૂલે..!! એને તો એના છોકરા જ દેખાય ..!!
ક્યારેક હવે જિંદગીમાં અડધે પોહ્ચ્યા પછી અફસોસ થાય છે કે ખોટું સંગીત ને છોડી દીધું ..!!
બહુ કેહતા સરોજબેન અને બહુ એમના હાથના પાટિયા ખાધા, પણ ઠેર નો ઠેર .. વિશારદ કર્યું એ પણ જાણે એમના માટે ભણતો હોઉં એમ કર્યું..!!
ખૈર .. એક વાત એમની ખુબ સાચી લાગી છે કે શાસ્ત્રીય સંગીત એ જીવનભર નું જીવન જીવવા નું ભાથું છે તને અત્યારે નહિ સમજાય દીકરા પણ ક્યારેક જરૂર સમજાશે..!!
સરોજબેન નો ફોન પત્યો અને ટીવીમાં કૈક સીરીયલમાં એક ટયુન વાગતી હતી મને છાયાનટ જેવી લાગી, ઉપાન્ત્ય વિશારદમાં ભણ્યો હતો છાયાનટ ,
પછી છેલ્લા ત્રીસ વર્ષમાં અમદાવાદમાં થયેલા શાસ્ત્રીય સંગીતના અનેકો અનેક જલસામાં ભાગ્યે જ છાયાનટ કાને પડતો..!!
અમુક રાગ રાગણીઓ અમારા જેવા વિદ્યાર્થીઓ ને ઉપેક્ષિત રાગ રાગિણી હોય એવું લાગે..!!
વચ્ચે એકાદ દસકો જીવનનો એવો આવ્યો કે જલસાઓમાં મોટા મોટા ઉસ્તાદો અને પંડીતોની પાછળ બેસી ને તાનપુરા વગાડ્યા અને એવા સમયે એમને ગ્રીન રૂમમાં મળતો ત્યારે પૂછતો કે આ ગુરુજનો હમેશા આઠ-દસ રાગો જ કેમ ગાય છે ?
જો કે આવું પૂછવા પાછળ નો મારો તર્ક બહુ ગંદો હતો ..
હું બાળપણથી જ એવું માનતો કે મને શીખવાડનાર ને પેહલા બધું જ આવડવું જોઈએ , એટલે દસમાં ધોરણમાં મને મેથ્સ ભણાવતા શિક્ષક ને ભૂગોળ અને સંસ્કૃત પણ આવડવું જ જોઈએ ..!!
મારી દલીલ પણ રેહતી કે જો મારા માસ્તરો ને મારો આખો સિલેબસ નથી આવડતો , એ લોકો દર વર્ષે એક નું એક ભણાવે છે આખો જન્મારો તો એવા ડફોળો જોડે અમને કેમ ભણવા મુકો છો..?
કોલેજમાં આવ્યા પછી તો મારી માન્યતા ખરેખર દઢ થઇ ગઈ કે ખરેખર ડફોળો જ છે..!!
સરકારી કોલેજ હતી..!!!
પેહલું વર્ષ તો આપણે બિન્દાસ્ત રૂપિયાવાળા બાપ ની બગડેલી ઓલાદ ની જેમ બાઈક લઈને રખડી જ ખાધું..!! નવ રૂપિયે નેવું પૈસે લીટર પેટ્રોલ અને પાસઠ કિલોમીટરની એવરેજ , ટાંકુ ફૂલ થાય તો ખાલી કેમનું કરવું એ સવાલ..!! સાલ ૧૯૮૭ ..!!
બીજા વર્ષની દિવાળી પછી અક્કલ આવી, ભણીશું નહિ તો છપ્પનના ભાવમાં જઈશું , બાપા ની જાગીર નથી ને બેઠા બેઠા રાજ ના રાજ ખૂટે..!
પણ પેલી માન્યતા તો એકદમ પાક્કી, ડફોળ વાળી ,
અને પછી તો પ્રોફેસર્સની સબ્જેક્ટમાં જઈને લઇ લેવાની ..!
એ જમાનામાં ગુગલ નોહતું પણ બ્રિટીશ લાયબ્રેરી ખરી ..!!!
પરીક્ષાલક્ષી ભણવાની મને ક્યારેય મજા ના આવી પણ દરેક ના જીવનમાં બે ચાર વ્યક્તિ એવી આવે જ કે જે દિશા બદલે..!!
મારી પણ દિશા બદલી કોઈક ખરા ગુરુજને..!! જે સવાલ પૂછું એનો જવાબ આવે અને એ પણ સંતોષકારક, ઉડાઉ જવાબ આપે કોઈ તો હું બહુ ગીન્નાઈ જતો..!
આજે પણ મને કોલેજના અમુક પ્રોફેસર ઉપર બહુ ખાર..!! તદ્દન ડોબા ..!!
એક પ્રોફેસર તો અત્યારે સાવ ઘરડા થઇ ગયા છે ,કોવીડ પેહલા હું એમને રોજ મંદિરનો બાંકડો તોડતા જોઉં , ત્યારે મને એટલો ગુસ્સો આવે કે હરામ છે એક લેકચર સરખો લીધો હોય ,પણ પગાર પૂરો લીધો છે ને હવે તો એશી ઉપર ગયા હશે એટલે સરકારી પેન્શન પણ તગડું ખાતા હશે ..!! ટોટલ હરામના રૂપિયા ખાધા છે અને ખાય છે..!!
શિક્ષણના ફિલ્ડમાં એકાઉન્ટેબીલીટી સાવ ઝીરો છે..!!
જે માસ્તર નો ક્લાસ ફુલ્લી ફેઈલ થાય એને પણ કોઈ પૂછનાર નથી..!!
જો કે પ્રાઈવેટ સ્કૂલો અને કોલેજમાં હવે પરેડ લેવાય છે , એક છોકરું નબળું કે ઓછું ઉતરે તો ,બાકી સરકારીમાં તો હજી પણ રામ ધણી ને પ્રજા સુખી છે..!!!
અમારા જમાનામાં માંડ એકાદ બે રેફરન્સ બુક ખોલી ને કોઈ વાંચે તો વાંચે અને બ્રિટીશ લાયબ્રેરી તો છોડો કોલેજની લાયબ્રેરીમાં જઈને કોઈ માસ્તર કઈ વાંચે તો ધરતી રસાતળ જાય એવા ઘાટ,,!!
નરી બદમાશી..!! મોટાભાગના પ્રોફેસર્સ ની..!!!
મારો એક જ પોઈન્ટ હતો ,હું જે સવાલ પૂછું એનો જવાબ મારા પ્રોફેસર ,ગુરુ કે માસ્તરને આવડવો જોઈએ અને એ પણ સાચો .. ઉડાઉ જવાબ ના ચાલે..!!
આજ ના છોકરાઓ ની ભાષામાં કહું તો હું બહુ “જજી” માણસ હતો અને છું..!!
સંગીત ને શાસ્ત્ર તરીકે શીખવા નું મેં છેક માસ્ટર્સમાં એડમીશન લીધા પછી ચાલુ કર્યું..!! અને ત્યારે શશીકાંતભાઈ ગુંદાણી જોડે મારે ખુલ્લા મને આ ટોપિક ઉપર ડિસ્કશન થયું હતું..!! હું સરોજબેન અને શશીકાંતભાઈ બંને પાસે શીખતો..
એ વખતે એમણે મને બોલ્ડલી કીધું કે સાચું સંગીત અને સારું શીખવું હોય તો પાંચ ગુરુ કરવા પડે તો જ શીખાય અને ડેડીકેશન તો જોઈએ જ , જે તારામાં નથી..!!
પછી આ જ વાત ને મેં બીજા બધા મારા માસ્તરો અને પ્રોફેસર્સના સંદર્ભમાં વિચારી અને જોઈ ત્યારે મને સાચું લાગ્યું કેમકે એક જ સબ્જેક્ટનો સવાલ જયારે હું એક પ્રોફેસરને પૂછતો અને જવાબ નોહતા આપી શકતા ત્યારે બીજા પ્રોફેસર આપી દેતા..!!
કદાચ ટ્યુશન પ્રથાની જરૂર અહિયાં લાગી મને..!!!
પૂરું કરતા પેહલા.. ગ્રીનરૂમમાં ગુરુજનો ને પુછેલા પેલા સવાલ નો જવાબ મને જે મળતો એ લખી નાખું.. બેટા આ સંગીત એ સાત સૂર નો દરિયો છે જેમાં માતા સરસ્વતી પણ એની વીણાના તુંબડા ને સહારે તરી રહ્યા છે તો અમે કોણ ?
વિનમ્ર જવાબ હતો મને પણ સ્વીકાર્ય નહી ..
બીજો જવાબ હતો એક રાગ ને પણ સાધતા આખું જીવન જાય છે ત્યાં આઠ દસ રાગ તો ઘણા કેહવાય..!!
એવો જ વિનમ્ર જવાબ પણ મને સ્વીકાર્ય નહિ..
છેવટે ક્યાંક વાંચ્યું કે જો તમે ગ્રેજયુએટ થાવ તો તમને લાગે છે કે તમને બધું આવડે છે , દુનિયાનું તમામ જ્ઞાન તમારી પાસે આવી ગયું છે ,પણ જેવા તમે પોસ્ટ ગ્રેજ્યુએટ થાવ છો કે તરત જ તમને લાગે છે કે દુનિયાનું કશું જ જ્ઞાન તમારી પાસેથી નથી મને તો કશું આવડતું જ નથી.. પોતાની પામરતા સમજાય છે..!!
અને જયારે પીએચડી થાવ તો ત્યારે તમને ભાન થાય છે કે મને તો કશું જ નથી આવડતું એ તો છોડો પણ કોઈને પણ કશું નથી આવડતું..!!!
બોલો તમને શું આવડે છે ? બધું જ.. કે કશું નહિ ?
કે પછી …મારી છો`ડ કોઈ ને કશું નથી આવડતું..!!
તો પછી લખી મારો આગળ `ડોક્ટર`..
થઇ ગયા તમે પીએચડી..!!
છેલ્લે જમાઈ જાત્તે વખાણ કરી લ્યે .. એક પીએચડી ની થીસીસ એશી હજારથી લાખ શબ્દો ની હોય છે મારા બ્લોગ ઉપર પાંચ લાખ શબ્દો પડ્યા છે મારા લખેલા, અને મીલીયન્સમાં વ્યુ છે..!! દુનિયા ના છવ્વીસથી વધારે દેશોમાંથી..!!
હાય હાય કેવો નક્કામો માણસ છે આ શૈશવ તો ..!
નમ્રતા નામે નથી આ શૈશવમાં , જાત્તે જાતે વખાણ કરે છે પોતાના ને બીજા ને ગાળો આપે ..!!
એકાઉન્ટીબીલીટી વિનાનું કોઇપણ ક્ષેત્ર નક્કામું છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*