(પેહલા જ કહું છું કોઈને કકળાટ માંડવો હોય તો, બ્લોગ ઉપર જઈને આખું વાંચજો પછી કકળાટ માંડજો)
છેલ્લા થોડા દિવસોથી મારા માથા પર હથોડા મારવામાં આવી રહ્યા છે, રેડિયો , ટીવી,છાપા અને બીજા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ માધ્યમોથી..!!
એમાં બળતામાં ઘી નાખ્યું સરકારી ફરમાનએ..
દિવસના ચાર કલાક પતંગ નહિ ચડાવવાના અને ચાઇનીઝ તુક્કલો પર પ્રતિબંધ..
શું છે આ બધું ?અને કેમ છે ?
દરેક તેહવાર વખતે કેમ કઈક ને કઈક ફતવા આવે છે ?
વર્ષની શરૂઆતમાં આવતી ઉતરાયણમાં પક્ષીઓને તકલીફ ના પડે એટલે ચાર કલાક પતંગ નહિ ચડાવવાના અને આગ લાગે છે એટલે ચાઇનીઝ તુક્કલો પર પ્રતિબંધ..
એના પછી હોળી આવે તો કહે પાણી બચાવો અને સુકી હોળી રમો
પછી નવરાત્રી આવે ત્યારે કહે કે બાર વાગ્યે ગરબા બંધ કરો અને તમે લાઉડસ્પીકરના વગાડી શકો..
પછી આવે દિવાળી તો કહે ફટકડા ના ફોડો પોલ્યુશન થાય છે અને અવાજથી બીજા ડીસ્ટર્બ થાય છે ..અને સૂક્ષ્મ જીવો મરી જાય છે હિંસા થાય છે..!
તો કરવાનું શું મારે..?
વર્ષની પાંચ ઈદ મનાવુ તો છે..!
એમાં કોઈની હુશિયારી કે પ્રતિબંધ નથી ચાલતો..!
બાકી દરેક તેહવારો ઉપર કોઈને કોઈ સરકારી કાયદાકીય પ્રતિબંધ અને શિખામણોની બબાલો છે..!
ગરીબ કી જોરુ સબકી ભાભી ..!
હવે ખરેખર એમ પૂછવાનું મન થાય કે શું ખરેખર આપણે પેહલેથી જ આટલા બધા અહિંસાવાદી અને સહિષ્ણુ હતા..?
જો જવાબ હા છે તો ..
અઢાર અક્ષેણી સેનાનો સંહાર કરાવનાર અને માતા ગાંધારીના શ્રાપથી પીડિત એવા મારા સખા કૃષ્ણને તો પછી કેમ આ દેશ પૂજે છે ?
રાસલીલા તો ક્યારેય બપોરે બાર વાગે નોહતો રચાવતો કાળીયો..! અને હોળી તો ભરપેટ રમતો ..!
હા દિવાળી ફટાકડા અને ઉત્તરાયણએ પતંગ મધુસુદન ચડાવતો હતો કે નહિ એની ખબર નથી..!
રહી વાત તેહવારોમાં થતી હિંસાની, તો હિંસા તો સૃષ્ટિના કણ કણમાં વ્યાપેલી છે સૌથી વધારે હિંસા કુદરત પોતે જ કરે છે..
દાખલા તરીકે હવે જો પેલો બર્ડ ફ્લુ વધી જાય અને મરઘા બતકામાંથી આગળ વધીને કબુતરામાં આવ્યો તો શું કરશો? બર્ડ ફ્લુમાં કેટલા મરઘા મારી નાખ્યા..?
પેહલા તો મચ્છર પણ “જીવદયા” વાળા નોહતા મારતા, જ્યારથી મેલેરિયા અને ડેન્ગ્યું આવ્યો કેવા મચ્છર મારતા થઇ ગયા? ડીડીટી તો ઘેર બોલાવી બોલાવીને છાંટતા, કેમ તો કહે હું મરી જાઉં,
અને એ જ હરામી પોતાનો ફ્લેટ વચ્ચે હોય(પોતે ત્રીજે માળે રેહતો હોય અને ચોથેમાળ વાળાને ત્યાં ઉધઈ આવે) તો ઉધઈની ટ્રીટમેન્ટ ના કરાવે,પણ જો ઉધઈથી એની જાતને કોઈ નુકસાન થાય તો પછી ના છોડે ..!
હવે એમ ના કેહતા કે જીવન અને શોખ બે અલગ વસ્તુ છે,તો ભાઈ શોખ વિનાની જીંદગી અને ઢોરમાં કોઈ ફર્ક નથી,હવે પાછો આગળ એમ ના ચલાવતો કે કોઈને નુકસાન કરીને આપણો શોખના પોષાય..તો કહી દઉં કે ઘરની બહાર નીકળું ને એટલે ચારે બાજુ નુકસાન જ નુકસાન છે.! હું બાવો નથી..!
લગભગ સૃષ્ટિના એશી ટકા જીવો માંસાહારી છે અને એકલા આપણા કેહવાતા શાકાહાર કે જીવદયાથી કુદરતનું ગોઠવાયેલું બેલેન્સ તરત જ તૂટી જાય એમ છે અને એટલે જ કદાચ ભગવાન આદિ શંકરાચાર્યજી કહે છે जीवो जीवस्य जीवनम् ..
અને આપણે દોઢ ડાહ્યા થઈને વાઘને અને સિંહ વેજીટેરીયન બનાવવા નીકળ્યા છીએ..!
દરેક જગ્યાનો વધારે પડતો કંટ્રોલ કે ચંચુપાત એ એક નફરત અને ઘૃણા પેદા કરે છે શાસનની સામે, અને માણસ પછી ધીમે ધીમે બળવાખોર થાય છે..!
પક્ષીઓના નામે રીતસરની માનસિક કનડગત થઇ છે,
પેલી એક વાર્તા તો એવી ચાલી છે સ્કૂલોમાં અને રેડિયામાં કે નાના છોકરાઓ તો રીતસર પતંગને હાથ નોહતા લગાડતા અને માબાપનું લોહી પી ગયા પતંગ ના ચડાવો ના ચડાવો..!
વાર્તા ના સાંભળી હોય એને માટે ટુંકસાર કહી દઉં ..
બાળકો ને એવું કેહવામાં આવ્યું કે એક નાનકડો તમારા જેવો સુખી પરિવાર હતો અને એમના મમા પાપાએ નાના નાના બાબુઓને ઘેર વહાલી કરીને અને કીધું કે અમે સાંજે આવીએ છીએ એવું કહીને એક સવારે મમ્મી અને પાપા જોબ પર ગયા અને પછી સાંજે એમની મમ્મી ઘાયલ થઇ ને આવી અને પપ્પા તો આવ્યા જ નહિ બોલો ..કોઈના પતંગની દોરીથી એમનું ગળું કપાઈ ગયું ..!
હવે બીજા,ત્રીજા ધોરણમાં ભણતું છોકરું જીંદગી આખી પતંગને હાથના લગાડે એવું ડરી જાય એવી હોરર આ વાર્તા કોઈ “ઘોડા” એ બનાવી અને ચલાવી..!
ઉતરાયણ જેવો સસ્તો અને સરસ તેહવાર જેમાં ઓછામાં ઓછા ખર્ચે આખો પરિવાર મિત્રો બધાજ લોકો બે દિવસ જે મજા કરે છે એ મજાની પથારી ફેરવી નાખતી આ વાર્તા છે ..! આ વાર્તા લાંબી ચાલીને તો પચીસ વર્ષ પછી ઉતરાયણ જેવો તેહવાર નામશેષ થશે ..!
એ જ રીતે ફટકડા ના ફોડો ના ફોડો,
અને હોળી ના રમો ના રમો..! ટીચરે ના પાડી છે..!
થોડી આડવાત..મને એક સવાલ થાય છે શું વધારે પડતો અહિંસક સમાજ નપુંસક નથી થઇ જતો ને ?
શું અહિંસક સમાજ પોતાનું રક્ષણ કરવાને સક્ષમ છે?
અને અહિંસાને વરેલા લોકો ખરેખર અહિંસક છે કે પછી ભૂતળ ભક્તિ પદારથ મોટું..!(અહિયા અહિંસા એટલે મનસા,વાચા,અને કર્મણાની વાત છે)
આવી સો ટકા અહિંસા શક્ય છે ?
પઠાણકોટના જેવા હુમલા વખતે આવી અહિંસા રાખવી શક્ય છે ?
પુરાતનકાળમાં તો દરેક દશેરાએ શસ્ત્ર પૂજનની સાથે બલી ચડતો, લોહીની ધારો છૂટતી,અને એ લોહીની ધાર જોઇને ટેવાયેલા લડવૈયા સામી છાતીએ તલવાર લઇને હર હર મહાદેવ કરતા ધસી જતા અને પછી રણમાં ગીધડા ઉડતા..! અને ધર્મની ભગવી ધજાને ફરફરતી રાખતા..!
તો પછી અત્યારે શા માટે મને જ બધા શિખામણ આપવા દોડી આવે છે? અહિંસા અહિંસા અહિંસા..
એકવાર અહિંસા નામનું શસ્ત્ર જીતી ગયું એટલે શું દરેક વખતે ચાલશે ?
ના નહિ ચાલે બોસ, અહિંસા નામની લવારીને ક્યાંક થોભ આપવો જરૂરી છે, સરહદ ઉપર આવતી કે સામે જતી ગોળી કે તોપના ગોળા ક્યારેય અહિંસક નથી હોતા..!
અને ચુસ્ત અહિંસક સાધુ ,બાવાઓ ,ફકીરો પણ પોતાને તાવ આવે છે ત્યારે તરત જ હિંસા પર ઉતારી આવે છે ફટાફટ એન્ટીબાયોટીકની ગોળીઓ ગળે છે..!
કેમ ભાઈ આ એન્ટીબાયોટીકથી તો તમારા શરીરમાં રહેલા વાઈરસ મરી જશે..પાપ નહિ લાગે? કેટલા બધા સુક્ષ્મ જીવોની હિંસા થશે ?
પણ ત્યારે તો ભલે પાપ તો પાપ પણ ગોળી નહિ ગળું તો હું મરી જઈશ,એવું હોય તો સાજો થઇ ને બે ઉપવાસ કરી લઈશ..!
નર્યો દંભી સમાજ,અને જે નબળું દેખાય એની ઉપર રાજ કરવાની વૃતિ, પારકા છોકરાને જતિ કરવાના અને પોતાના મેહલમાં મ્હાલે..!
અને જો પોતાના મેહલમાં મ્હાલવા માટે સક્ષમ ના હોય નમાલા હોય ,તો આખા સમાજને ગાળો આપવાની કે સમાજથી એવુ જુદું કઈ કરવાનું, છેવટે પોતાની જાતને ભયાનક પીડા આપવાની અને ધરાર તારા કરતા હું વધારે અહિંસક એવું દેખાડી અને પોતાની જાતને જુદી પાડવાની..
અમદાવાદના સાહીઠ લાખ લોકોની ઉતરાયણમાં ત્રણસો પક્ષીઓ મર્યા અને થોડીક નાની મોટી આગ લાગી એ સિવાય કોઈ બીજું મોટું નુકસાન થયું નથી,તો “જીવદયા”વાળા તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો,
રહી વાત ચાઇનીઝ તુક્કલની,તો અમદાવાદમાં કટાઈ ગયેલી ઘણી સાયરનો છે એનો ઉપયોગ કરો,પેલી સવારે અગિયાર વાગે વાગતી હતી ને એ ..
સાંજનો એક સમય નિશ્ચિત કરો ,સાયરન વગાડો સાંજના સાત વાગ્યે અને જનતાને કહો કે હવે ચડાવો ચાયનીઝ તુક્કલ ભરી દો આકાશને ટમટમતા દીવડાથી અને આઠ વાગ્યે ફરી સાયરન વગાડો કે બસ હવે બંધ,અટકી જાવ..
અને પેલા “જીવદયા”વાળાઓને ગોઠવી દો જ્યાં સંભવિત આગ લાગે છે એવી જગ્યાએ રાત્રે નવરા જ હશે એ બધા..
આમ પણ લોકોના પેમેન્ટમાંથી “સુખડી” કાપીને “જીવદયા” કરતા હોય છે ,ક્યાં તો પછી પેમેન્ટ મોડા આપે અને રખડાવે..
મારો એક કસ્ટમર હતો “જીવદયા”વાળો એણે ગૌશાળા ખોલી હતી ,દરેક વખતે પેમેન્ટનો ચેક આપે ત્યારે થોડા રૂપિયા કાપી લે..પછી એક દિવસ મારે જાતે મેદાનમાં ઉતરવું પડયું ભાઈ ગૌશાળા તે અને તારા બાપે ખોલી તો એમાં મને શું કામ ધક્કો મારીને ધરમ કરાવે છે? તે ગૌશાળા ખોલી તો તું ચલાવ..તો ડોળા કાઢીને મને કહે સમાજ પ્રત્યે તમારું કોઈ કર્તવ્ય નહિ .? મેં નફફટ થઇને કીધું ના નહિ..સો ટકા નહિ હું તમારા જેવી નકલી અહિંસામાં નથી માનતો, પછી સરસ મજાની ગુજરાતીમાં ગાળો કાઢી અને પુરેપુરો ચેક લઈને આવ્યો ..
ખોટે ખોટા હિંદુ સમાજ પર લગાડતા પ્રતિબંધો જ આપણા ભાઈઓ ને ધર્મ પરિવર્તન તરફ ખેંચી જાય છે, ક્યાં તો પછી ક્રિસમસ જેવા તેહવારો તરફ આકર્ષાય છે.
એમ.કે.ગાંધી ને મરી ગયે ઘણા વર્ષો થયા, અહિંસા થતી હોય એટલી જ થાય બાકી તો પછી ગોળી ખાવી કે મારવી પડે એ બંદુકની હોય કે એન્ટીબાયોટીકની..!
ચોખલિયા વેડાના ચાલે..
હું પણ અહિંસાના જવરથી પીડાતું પ્રાણી છું ,બહાર આવવાની કોશિશ કરું છું,ધક્કો મારીને ધરમ ના કરવવા વિનતી..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા