એઆઇ ૧૭૧ ..
ધરાશાયી થઇ એ મિનીટથી આજ સુધી ક્ષણે ક્ષણનું પોસ્ટમોર્ટમ થઇ રહ્યું છે પણ બધું બ્લેક બોક્સ ઉપર આવીને અટકી જાય છે ..
જ્ઞાન ,વિજ્ઞાન ,અતિજ્ઞાન ,અજ્ઞાન ..
શું કામમાં લાગે ?
કાળ લીલા કરે ત્યારે કશું જ નહિ ..
શ્રદ્ધાંજલિ સર્વે મૃતકોને અને પરિવારજનો પ્રત્યે સંવેદના..
યાદ શું આવે આવે વેળાએ ગુજરાતીને ..??
હાજી કાસમ તારી વીજળી વેરણ થઇ..!!
કોપી પેસ્ટ કરીને મુકુ છુ ,
એક એક શબ્દ આંખે આપણી લાવે એવો છે ..
ઢોલ ત્રંબાળું ધ્રુસકે વાગે …વાંચો આગળ ..
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ.
ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર.
દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર.
દશબજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર.
તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર.
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા છોકરાંનો નૈ પાર.
અગિયાર બજે આગબોટ હાંકી જાય છે મુંબઇ શે’ર.
બાર બજે તો બરોબર ચડિયાં જાયછે મુંબઇ શે’ર.
ઓતર દખણના વાયરા વાયા વાયરે ડોલ્યાં વા’ણ.
મોટા સાહેબની આગબોટું મળિયું વીજને પાછી વાળ્ય.
જહાજ તું તારું પાછું વાળ્યે રોગ તડાકો થાય.
પાછી વાળું, મારી ભોમકા લાજે. અલ્લા માથે એમાન.
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા. વીજને પાછી વાળ્ય.
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય.
ચહમાં માંડીને માલમી જોવે પાણીનો ના’વે પાર.
કાચને કુંપે કાગદ લખે મોકલે મુંબઇ શે’ર.
હિન્દુ મુસલમીન માનતા માને, પાંચમે ભાગે રાજ.
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર.
ફટ ભૂંડી તું વીજળી! મારાં, તેરસો માણસ જાય.
વીજળી કે મારો વાંક્ક નૈ વીરા, લખિયલ છઠ્ઠીના લેખ.
તેરસો માણસ સામટાં બૂડ્યાં, બૂડ્યા કેસરિયા વર.
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ.
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ.
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે જુએ જાનુંની વાટ.
સોળસેં કન્યા ડુંગરે ચડી જુએ જાનુંની વાટ.
દેશદેશથી તાર વછૂટ્યા વીજળી બૂડી જાય.
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે ઘર ઘર રોણાં થાય.
પીઠી ભરી તો લાડડી રુએ માંડવે ઊઠી આગ.
સગું રુએ એનું સાગવી રુએ બેની રુએ બાર માસ.
મોટાસાહેબે આગબોટું હાંકી પાણીનો ના’વે પાર.
મોટા સાહેબે તાગ જ લીધા પાણીનો ના’વે પાર.
સાબ મઢ્યમ બે દરિયો ડોળે પાણીનો ના’વે તાગ.
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ.
લગભગ બધું જ આવી જાય છે એક રચનામાં ..
ફટ ભૂંડી તું વીજળી! મારાં, તેરસો માણસ જાય.
વીજળી કે મારો વાંક્ક નૈ વીરા, લખિયલ છઠ્ઠીના લેખ.
બસ અહિયાં વિચાર આવી જાય એક સામટા છઠ્ઠીના લેખ લખવા નીકળી હશે વિધાત્રી..?
બધાના ગ્રહો એક સરખા ? જહાજ ઉપર સવાર થયેલા અને નીચે હોસ્ટેલમાં રેહતા લબરમૂછીયા, રોજ પાંચસો સાતસોના રસોડા કરતા આંતરડી ઠારતા મેસમાં કામ કરતા બેહનોના લેખ પણ આ લખ્યા ?
બધાના ગ્રહો એક સાથે ખરાબ ?
મારો જવાબ હા માં આવે, સામે પક્ષે એમ પણ દલીલ આવે કે જો બધું જ ભાગ્યને આધીન છે તો પછી કર્મને બાજુ પર મૂકી દયો..
એવું નથી થતું , કર્મ ભાગ્ય બદલી શકે ?
કદાચ હા..
આજ સુધી ખબર નહિ કેટલી હવાઈ યાત્રાઓ કરી પેહલી હવાઈ યાત્રા દસ અગિયાર વર્ષનો હોઈશ ત્યારે વારાણસીથી કાઠમંડુની કરી હતી , જ્યારે એક્ચુલી હું એર ઇન્ડિયાના એર હોસ્ટેસને હું આંટી કેહતો ,
એ હવાઈયાત્રા થોડીક યાદ એટલે છે કે આખા જહાજમાં અમે ચાર બાળકો હતા અને અમને બધાને કોકપિટમાં લઇ જઈને માઉન્ટ એવરેસ્ટ બતાડવામાં આવ્યું હતું , બસ આટલું યાદ છે..!
એ પછીની લગભગ દરેક હવાઈ યાત્રામાં ટેક ઓફ અને લેન્ડીંગમાં આપણે નિદ્રા ને આધીન રહીએ..
આ અકસ્માતમાં બચી ગયેલા માણસની વાત સાંભળી , એમણે એવું કીધું કે એકદમ ફ્લોર ઉપરની લીલી લાઈટો થઇ ગઈ અને હું કૂદી ગયો..!
બિલકુલ કોઈએ ધ્યાનમાં નથી લીધું આ નિવેદન..
વિમાન પરિચારિકા જે ડેમોસ્ટ્રેશન આપે છે એમાં ચોખ્ખું બોલે છે કે ફ્લોરની લાઈટો ચાલુ થાય એટલે ઈમરજન્સી એક્ઝીટ ઉપર દોડીને જતા રેહવું અને ભૂસકો મારી દેવો..
ટાંટિયા વધારે લાંબા થાય એવી લાલચે મારા જેવો જાણી કરીને ઈમરજન્સી એક્ઝીટની સીટ લેવાવાળો જયારે એરહોસ્ટેસ સમજાવવા આવે કે ઈમરજન્સી એક્ઝીટ કેવી રીતે ખોલવાનો તો ધ્યાન આપ્યું ના આપ્યું કરીએ છીએ ,
જરાક ધ્યાનપૂર્વક હવેથી સૂચનાઓ સાંભળવી , એ બડભાગી આપણે પણ હોઈ શકીએ છીએ ક્યારેક..
જો કે આવા સમયે જેને આપણે ચકોર બુદ્ધિ અને સાનભાન ઠેકાણે રેહવી જોઈએ એવું ભૂલી જઈએ છીએ ,પણ જો માનસિક રીતે તૈયાર રહ્યા હોય તો બીજા પણ ચારપાંચ કે વધુ દસ બાર લોકો જીવતા રહી શક્યા હોત..
મનને તૈયાર રાખવું , જીવવાનું છે કોઈપણ સંજોગોમાં ,દોડવાનું છે ભાગવાનું છે, ફ્લોરની લાઈટો ચાલુ થાય કે તરત જ..!!
વધુ આજે નથી લખવું ,મનમાંથી ઉદ્વેગ શમતો નથી હવે એ રીલ્સ કે ફોટા જોવાતા નથી , જેને માથે કાળ પડ્યો એ જ જાણે , રામના બાણ તો વાગે એ જ જાણે ..
છાપામાં આજે કૈક વાંચ્યું કે જે લોકોના ડીએનએ મેચ ના થાય કે લાપતા છે એ લોકોને સાથ વર્ષ પછી મૃત ઘોષિત કરશે ..આ જરાક વધારે પડતું અને ખોટું છે , કાયદાકીય કોઈક ફેરફાર કરો જેથી મૃતકના સગાના કલેઈમ વગેરે અધરમાં ના લટકી રહે..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*