જીવનની પેહલી ફ્લાઇટ એર ઇન્ડિયાની લીધી હતી , આ બધી જ ફ્લાઇટ્સના સમય ઘણા ઓછા વત્તા રહ્યા , પણ એ ફ્લાઇટ લેતા પેહલા , ફ્લાઇટ દરમ્યાન કે એના પછી પણ એવી એવી ઘટનાઓ જોડાયેલી રહી કે જેથી ઘણી બધી ફ્લાઇટ્સ જીવનભર યાદ રહી ગઈ …
પેહલી ફ્લાઇટ લીધી હતી એ બનારસ થી કાઠમંડુની…પિસ્તાળીસ વર્ષ પેહલા ..!
ઉંમર મારી લગભગ દસેક વર્ષ , ખરેખર એર ઇન્ડિયાની એર હોસ્ટેસ ને હું આંટી કહીને બોલાવી શકું એવી મારી ઉંમર હતી ,નાની ઉંમર હતી એટલે માઉન્ટ એવરેસ્ટની ઉપર જ્યારે જહાજ આવ્યું ત્યારે અમે ત્રણ ભાઈબેહન અને સાથે આવેલા પપ્પાના મિત્ર લાભુકાકાનો અર્ચિત આટલા ચાર બાળકોને લેવા માટે ઍર હોસ્ટેસ આંટી આવ્યા , અમને બધાંયને સીટ બેલ્ટ કાઢીને ચારેયને કોકપિટમાં લઈ જવામાં આવ્યા …
પેહલા તો કોકપિટના ચારેબાજુ ફેલાયેલા બટન અને કન્ટ્રોલસ જોઈને શૈશવ અચંબિત થઈ ગયો , દસ વર્ષનો હતો એટલે સાલ આવે 1980ની ,એ સમયે ચિત્રલેખા , સંદેશ ,ગુજરાત સમાચાર , સફારી , અખંડ આનંદ , જનકલ્યાણ આટલું વાંચવાનું મને લગભગ વ્યસન થઈ ચૂક્યું હતું એટલે માઉન્ટ એવરેસ્ટ અને હિમાલય મારા માટે અજાણ્યા નહોતા..
કૈલાસ , હિમાલય અને શંકર વચ્ચેનો રિશ્તો (આજની પેઢીના ડફોળ, અર્ધદગ્ધ જુવાનિયાઓ રિશ્તો બોલો સંબંધની જગ્યાએ..) મને ખબર હતી , કદાચ એટલે જ આખા બનારસ અને નેપાળના પ્રવાસની ઘણીબધી વાતો મને આજે જીવનના પંચાવન વર્ષે પણ યાદ છે…
હવે હું કોકપિટમાં સ્ટેરીંગ શોધું, પાયલટ ને પૂછ્યું સ્ટયરિંગ ગોળ કેમ નથી?
પાયલટ અંકલનું મોઢું યાદ નથી પણ એમનો આપેલો જવાબ યાદ છે બેટે પેહલે યે માઉન્ટ એવરેસ્ટ દેખો , જો આપકે સામને હૈ , કોકપિટના વિન્ડશિલ્ડમાંથી મને હિમાલયના હિમઆચ્છાદિત શિખરો દેખાયા ..
તરત જ શૈશવએ સવાલ નાખ્યો ઇનમેં સે માઉન્ટ એવરેસ્ટ કૌન સા હૈ ?
પાયલટ અંકલે.. જો સબ સે ઊંચા નહીં દિખ રહા હૈ ? વો.. પછી એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે તમારી ડાબી તરફ જે સૌથી ઊંચું શિખર છે તે માઉન્ટ એવરેસ્ટ છે , અને આપણે એની પ્રદક્ષિણા કરીશું એટલે જમણી તરફવાળાને પછીથી દેખાશે …
લગભગ દસેક મિનિટ સુધી હિમાલયના ઉત્તુંગ શિખરો ઉપર હવાઈ જહાજ ઊડતું રહ્યું , અને મારા સવાલો ચાલુ હતા ..
નાનકડા શૈશવએ કીધું અંકલ અબ કંચનજંઘા, નંદાદેવી, અન્નપૂર્ણા દિખાઓ..
જવાબ મળ્યો .. આપ કાઠમંડુ સે જબ સન રાઈઝ દેખને જાઓગે ન તબ આપકો કંચનજંઘા વેધર ક્લિયર હોગી તો બાયનોક્યુલર સે દિખાઈ દેગા.. બાકી કે સબ હમારે રુટ મેં નહીં હૈ , હમ રૂટ છોડકે નહી જા સકતે ..
પાછા વળતા કાઠમંડુથી બનારસની ફલાઇટમાં પાયલટે ભગવાન પશુપતિનાથની પ્રદક્ષિણા કરાવી હતી,
એ સમય હતો જ્યારે પાયલટ રૂટ માં થોડુંક છૂટછાટ લઈ શકતા અને આવા લાભ પેસેન્જરને આપતા..
વચ્ચે હિમાલય છોડી અને મેદાની ઇલાકામાં ઉતરતા ગંગાજીના પણ દર્શન કરાવ્યા હતા ..
પેહલી ફ્લાઇટમાં પાછળથી લેન્ડિંગ પછી મને કોકપિટમાં ફરી બોલાવી અને પછી મારી ઉમર પ્રમાણે જવાબો આપ્યા હતા..
અદ્દભૂત હતો એ બન્ને ફ્લાઇટનો અનુભવ …પછી તો ઘણી ફ્લાઇટો લીધી, પણ એ પછીની યાદગાર બીજીવફ્લાઇટ એર ઇન્ડિયા રહી હતી હનીમૂન પર ગયા ત્યારની… સ્વર્ણભૂમિ વિમાન પતન સ્થળ ..!!
પત્નીજી સાથેનો પહેલો પ્રવાસ .. સાલ ૧૯૯૮ ..એક બહુ જણાતી ટ્રાવેલ કંપનીની જાહેરાત આવી , ફ્લાય નાવ પે લેટર ..!
સગાઈ થઈ હતી , રોજની રખડપટ્ટી ચાલે રાત્રે અગિયાર વાગે એટલે સસરાજી મોબાઈલ મારો રણકાવે, કેમ છો બેટા ? હજી વાર લાગે એમ છે ? તો ચાવી નીચે ચોકીદારને આપી દઉં .. સીધું ન કહે કે મારી દીકરીને ઘેર મૂકી જાવ હવે …
એ જાહેરાતનું કટીંગ છાપામાંથી કાપી અને પત્નીજીને આપ્યું કે જરાક તપાસ કરતી આવ કે મામલો શું છે ,મને ત્યાંથી વાત કરાવજે..
પાસપોર્ટ આપણો તો હતો જ, પત્નીજીનો પણ હતો એટલે ભારત દેશ બહાર જવા માટે કોઈ અવરોધ નહીં ,
૧૯૯૪માં મનાલી કુલ્લુ ગયા હતા ત્યારે ત્યાંનો હોટલવાળો કહે કે ગુજરાત મેં શાદીયાં હોતી રહે ઔર હમારા ઘર ચલતા રહે..
લગભગ આવો સીન હતો ..પચ્ચીસ થી લઈને ત્રીસ હજારમાં કપલને ઝાલી ઝાલીને કુલ્લુ મનાલી મોકલી આપવામાં આવે ટ્રાવેલ એજન્ટ દ્વારા , બે ટાઇમ જમવાના , બે ટાઇમ ચા નાસ્તો અને રસિકજનો ને મદિરાપાન .. હરફરવામાં કોઈ રસ જ ના હોય , ત્યાના ટ્રાવેલવાળાની ભાષામાં અરે સર દારૂ કી બોતલ દે દો ઔર ખાના સરકા દો બસ કમરે મેં બાહર હી નહીં આતે ..
મને જરાક જુદો અનુભવ લેવો હતો મનાલી મેં જોયેલું , સીજી રોડ ઉપર જોવા મળે રોજ એના એ જ છાપેલા કાટલાં બાહર હનીમૂન ઉપર જઈએ ત્યરે ત્યાં મળી જાય તો શું મજા ?
અમારા સમયે તો એવા એવા પિત્તળબંબા કે એકલા હનીમૂન ઉપર ન જાય .. ઘરની બહાર જતા ડરે ,બે ત્રણ ભાઈબંધો સાથે જાય હનીમૂન માટે , એના માટે છ આઠ મહિના રાહ જોવે…
બોલો શું કહેવું?
પત્નીજી ત્યાં ટ્રાવેલ કંપનીમાં ગયા ,સદ્દનસીબે એમની કોલેજના ક્લાસમાં ભણતી એમની મિત્ર જ બધું સંભાળતી હતી ,
બીજી મિનિટ એણે મને ફોન લગાડ્યો ..
એકદમ હક્કથી બોલી શૈશવ તારું બજેટ કેટલું ? મેં કીધું પચ્ચીસ હજાર ..
સારુ , ઈનફ છે .. કાલે આની સાથે મને ખાલી ચાર હજાર મોકલાવી દેજે ,બાકીના તારી પાસે વાપરવા રાખજે, અને હું તને ઇન્સ્ટોલમેન્ટ કરી આપું છું મહિને ત્રણ હજારના .. એક વર્ષ સુધી ભરજે , નવ દિવસની ટ્રિપ છે પણ એક દિવસ વધારાનો અમારા તરફથી , હોટેલ અપ ગ્રેડ કરું છું ફાઇવ સ્ટાર લેવલ અને દરેક જગ્યાએ હનીમૂન કપલની ઇન્સ્ટ્રક્શન આપું છું ,આવેલેબલ હશે ત્યાં હનીમૂન સ્યુટ , ઓલ ટ્રાન્સફર , ઓલ મિલ્સ અને ઓલ સાઈટસિન સાથેનું પેકેજ કરું છું ફરી લાઇફમાં આવો ચાન્સ નહીં મળે ..
એક શ્વાસે બોલી ગઈ…
જીવનમાં પોતાના નિર્ણય જાતે લેતા તો થઈ જ ગયા હતા એટલે કોઈને પૂછવાનો સવાલ નોહતો મેં કીધું ચાલ ડન ડીલ..
સ્પીકર ઉપર હતો ફોન , લેન્ડ લાઇનમાં પણ સ્પીકરવાળા ફોન આવતા ત્યારે ..
પત્નીજી ગભરાયા .. મને કહે એ તારા અને મારા મમ્મી પપ્પા ને તો પૂછ.. !!
મેં કીધું જો બકા મારા મમ્મી પપ્પાને પૂછવાનો સવાલ જ નથી , અને તારું મિડલ નેઇમ બદલાઈ જવાનું છે એટલે ત્યાં પણ પૂછવાનું નથી ..
મારું એગ્રેશન જોઈને સામે બેઠેલી એની ફ્રેન્ડ ખુશ ખુશ..
મંગળીયા ગવાયા અમે ફેરા ફર્યા.. ફ્રેન્ડ ,ફિલોસોફર , ગાઇડ , કાકા , ભાગીદાર ,વડીલ જે કહો તે કનકાકાકા આવ્યા એરપોર્ટ નીકળતા પેહલા , ધીમેકથી એક બંડલ મારા હાથમાં પકડાવ્યું અને મારા હાથમાંથી મોબાઈલ લઈ લીધો ,
આપણે તો ઇન્ટનેશનલ રોમિંગ કરાવ્યું હતું હચમાંથી.. કાકા બોલ્યા રૂપિયા વાપરજે , આ મારા રૂપિયા છે ,તારા નહીં , તારા હશે તો તું રૂપિયાના ત્રણ અડધા શોધીશ તારા સ્વભાવ પ્રમાણે.. જાઓ આ દિવસો ફરી નહીં આવે ..
મેં કીધું મારો ફોન તો આપો કાકા, કારખાનું.. ?
હુકમ આવ્યો ..કશું નહીં થાય .. ફરી આવો..
અમદાવાદ બોમ્બે જેટ એરવેઝ અને ત્યાંથી બેંગકોક એ જ એર ઇન્ડિયાનું જહાજ , રસ્તામાં રાત્રે કલકત્તા અને આકાશમાંથી બેંગકોક દેખાયું , જીવનમાં ડ્રાઇવઇનમાંથી નીકળવા ગાડીઓની લાઇનો જોઈ હતી એવી રીતે નાના મોટા અનેકો અનેક હવાઈ જહાજ ની લાઇનો જોઈ સુવર્ણભૂમિ વિમાન પતન સ્થળ ઉપર જહાજમાંથી જોયા , અદ્દભુત દૃશ્યો ..
હોટેલ પહોંચ્યા , જુદો જ માહોલ ..ચારેબાજુ જુદી જુદી દુનિયાભરની પ્રજા અને એક ટિપિકલ વાસ આવે ..
બીજા દિવસે સવારે હોટેલની લોબીમાં અમે તૈયાર થઈને નીચે આવ્યા અમારો ગોવાનીઝ ગાઇડ ત્યાં રાહ જોતો ઊભો હતો , એવામાં મારી નજર એક પારસી કપલ ઉપર પડી, પારસણ મને જોઈને ભડકી .. તું …? તું આંય સુ કરે ?
મેં કીધું કાગડી તું ? તું શું કરે ?
પારસણ બોલી હનીમૂન પર છું , આંય મારો હસબન્ડ છે..
મેં ઓ તેરી , હું પણ એ જ કામે આવ્યો છું આ મારી બાયડી છે ..
પારસણ પારસી ને કહે .. આંય મારા ફેમિલી ડોક્ટર પેલલ્લા ડોક્ટર વોરા સાહેબનો પોયરો છ..
વાતો થઈ ખબર પડી કે એક ટ્રાવેલ કંપનીમાંથી અમે હતા .. ભયંકર રખડ્યા ચારેય ..
પાછા વળતા એર ઇન્ડિયા ગજ્જબ કપરી લાગે .. કોને ઘેર આવવું ગમે ? જો કે પત્નીજીએ ધીમે ધીમે મમ્મી મમ્મી ચાલુ કર્યું હતું બાકી આપણને તો ..
આજે ભાઈને કેનેડા ગયે બાવીસ વર્ષ અને બેનને અમેરિકા ગયે ત્રીસ વર્ષ થયા .. સંજોગ ગોઠવાયા છે ..!
તમે આવો તો બધાને તમારે મળી લેવાય એમ કરીને આટલા વર્ષો ટાળ્યું , હવે છોકરા માનવા તૈયાર નથી અને આવું સાંભળવા તૈયાર નથી ..
એર ઈન્ડિયાનું જહાજ પકડ્યું છે , કાગડોળે રાહ જોઈ રહ્યા છે મામા / કાકાની છોકરાવ ..
બીજા બધાને કહું છું કે પેહલીવાર આવું છું છેલ્લીવાર નહીં ,છોકરાવ ને કાકા / મામા પાસેથી સમય જોઈએ છે, આપવો રહ્યો ..
પાયલોટકાકા એ કહી દીધું છે કે હવે દિવો બળે એટલે જ રહ્યું છે .. જહાજ ડિક્લાઇન કરી રહ્યું છે ..
પરમ શાંતિનો અનુભવ આપે એવા કાનના બટનીયા કાનમાં નાખી દીધા છે આપણે ..( નોઇસ કેન્સલેશનવાળા )
પૂરું કરું છું બે ચાર થોડીક જીવનની યાદગાર ફ્લાઇટો લખી છે ..! બાકી તો મહાદેવ કૃપા એ ઘણી ફ્લાઇટો લીધી છે …!!
ફરી ક્યારેય એ બધું ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*